મિર્ઝાપુર સીરીઝની ત્રીજી ફિક્કી સીઝન છોડો અસલી મિર્ઝાપુર શહેર પહોંચો!
કેન્વાસ -અભિમન્યુ મોદી
ચુનાર કિલ્લો
મિર્ઝાપુર.. મોટા ભાગના ભારતીયોએ આ શબ્દ જ વેબસિરીઝ આવી પછી સાંભળ્યો. મિર્ઝાપુર એટલે એવું સ્થળ જે ગાળો બહુ બોલાતી હોય અને વાતવાતમાં બંદુકો ફૂટતી હોય- એવી ઇમ્પ્રેશન આજના જનમાનસમાં છે (થેન્ક્સ ટુ વેબસિરીઝ). મોટા ભાગે યુવાનો મિર્ઝાપુર વિશે આવો પૂર્વગ્રહ ધરાવે છે અને તેમાં એમનો કોઈ વાંક નથી, કારણ કે વેબ સિરીઝમાં જ એવું દર્શાવ્યું છે.
જોકે, એક સમયે ત્યાંનો માહોલ થોડો ઘણો અશાંતિભર્યો હતો ખરો. તેને કારણે જ આ શહેરને લોકપ્રિય મીડિયામાં હિંસા, રાજકીય ષડ્યંત્ર અને ગુનાના કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવે છે. અસલમાં આ શહેર ખરેખર સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસ ધરાવતો પ્રદેશ છે. વાસ્તવિક મિર્ઝાપુર સ્ક્રીન પરના તેના નાટકીય અને હિંસક ચિત્રણથી જોજનો દૂર છે. આ અસલ મિર્ઝાપુરની મુલાકાત લો તો પ્રાગૈતિહાસિક, મધ્યકાલીન અને વસાહતી વારસાનું આકર્ષક મિશ્રણ પ્રવાસીની આંખો ઠારે.
ધારો કે તમે મિર્ઝાપુર પહોંચો છો તો એના પ્રવાસની શરૂઆત ચુનાર-ફોર્ટથી કરવી જોઈએ. ચૂનાર એટલે વિશિષ્ટ પથ્થરનો પર્યાય, જેણે ભારતીય ઇતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વારાણસીથી થોડે દૂર, ચુનાર કિલ્લો વિંધ્ય પર્વતમાળાના એક ખડકાળ શિખર પર ભવ્ય રીતે ઊભો છે. એ કિલ્લો એટલો સુંદર છે અને ગંગાના કિનારે એ રીતે તેની બાંધણી કરવામાં આવી છે કે જાણે કિલ્લો પોતે ગંગા નદીને સતત જોઈ રહ્યો હોય એવું લાગે. આ વ્યૂહાત્મક સ્થાનને કારણે સદીઓથી વિવિધ રાજવંશો માટે તે પ્રતિષ્ઠિત ગઢ તરીકે ઓળખાય છે.
૧૯૨૪માં, ડબ્લ્યુબી કોટન એટલે કે મિર્ઝાપુરના કલેક્ટર અને મેજિસ્ટ્રેટે એના શાસકોની સૂચિબદ્ધ પથ્થરની તકતી ઊભી કરીને કિલ્લાના સમૃદ્ધ ઇતિહાસનું દસ્તાવેજીકરણ કર્યું હતું. આ રેકોર્ડ મુજબ, ચુનારમાં સૌથી જૂની વસાહત ઇ.સ. પૂર્વે ૫૬માં ઉજજૈનના વિક્રમાદિત્યના શાસનની છે. આ તકતી પૃથ્વીરાજ ચૌહાણના યુગ તરફ દોરી જાય છે, ત્યારબાદ ઘુરીદ શાસકો આવેલા પણ એમના શાસનકાળની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી.
આ કિલ્લો બાબરના સમય દરમિયાન પ્રસિદ્ધિ પામ્યો હતો, જ્યારે એના સૈનિકોએ તેના પૂર્વ તરફના વિસ્તરણ દરમિયાન એ કબજે કર્યો હતો. બાબરના મૃત્યુ પછી, પુત્ર હુમાયુએ શેરશાહ સૂરી સામે સામ્રાજ્ય ગુમાવ્યું, જેણે ગવર્નરની વિધવા સાથે લગ્ન કરીને ચૂનાર પર નિયંત્રણ મેળવ્યું. મુગલ સમ્રાટ અકબરે પાછળથી ૧૫૭૫માં ચુનાર પર ફરીથી કબજો કર્યો અને કિલ્લાની હાલની રચનાનો મોટાભાગનો ભાગ એમના શાસનકાળમાં બન્યો હોવાનું માનવામાં આવે છે.
અકબરના આશ્રય હેઠળ આ કિલ્લો એક મહત્વપૂર્ણ મુગલ છાવણી બની ગયો. અકબરના પુત્ર જહાંગીરે સ્થાનિક ગવર્નર તરીકે ઈફ્તિખાર ખાનને નિયુક્ત કર્યા. નજીકના ગામમાં આવેલી ઈફ્તિખાર ખાનની સુંદર કબર મુગલ સ્થાપત્યની ભવ્યતાનો પુરાવો છે. આકર્ષક ગેટવે દ્વારા સુશોભિત આ મકબરો ક્લાસિક મુગલ ચારબાગ (ચાર-બગીચા) લે-આઉટમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો કે મૂળ બગીચો હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (અજઈં) દ્વારા જાળવવામાં આવે છે.
ચુનાર કિલ્લો, જે હજી પણ તેની ખુબસુરતી અને કલાકારી બતાવતો ગર્વથી ઊભો છે ત્યાં ઊભા રહેતા આપણને નીચે ગંગા નદીનો આકર્ષક નજરો દ્રશ્યમાન થાય. એક સમયે અકબર અને શેરશાહ જેવા સમ્રાટો પણ અહીં ઊભા રહીને આ કુદરતી દ્રશ્યને કલાકો સુધી માણતા. અહીં ઊભા રહો તો નદીના વહેતા પાણીના નિનાદ સાથે તમે ભૂતકાળમાં ફરી પ્રવેશી શકો -તમને ટાઈમ ટ્રાવેલની અનુભૂતિ થઇ શકે.
અંગ્રેજોએ પણ ચૂનાર પર પોતાની છાપ છોડી. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં ભારતના પ્રથમ ગવર્નર-જનરલ વોરન હેસ્ટિંગ્સે અહીં સમય વિતાવ્યો હતો. હેસ્ટિંગ્સના નિવાસસ્થાન સહિત કિલ્લાનો સૌથી સારી રીતે સચવાયેલો ભાગ હાલમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા નિયંત્રિત છે અને તે લોકો માટે ખુલ્લો નથી. નજીકમાં, બ્રિટિશ કબ્રસ્તાનમાં ૧૯મી સદીના સૈનિકો અને એમના પરિવારોની કબરો છે, જે ચૂનારની ઐતિહાસિક કથામાં બીજું પરિમાણ ઉમેરે છે.
ભૂતકાળમાં ચૂનાર કિલ્લાનો ઉપયોગ રાજકીય કેદીઓના અટકાયત કેન્દ્ર તરીકે થયો હતો. શીખ શાસક મહારાજા રણજિત સિંહની પત્ની રાની જિંદન ત્યાંના સૌથી નોંધપાત્ર અને મહત્ત્વના બંદીવાન હતાં. એમને પંજાબથી દૂર રાખવા માટે ચુનારમાં રાખવામાં આવ્યાં હતાં, પરંતુ એ નોકરના વેશમાં હિંમતભેર ત્યાંથી છટકી ગયાં હતાં. અન્ય નોંધપાત્ર કેદી શાહ કાસિમ સુલેમાની હતા, જેમની ઉપર પ્રિન્સ ખુસરોને ટેકો આપવાનો આરોપ હતો.
મુગલ અને બ્રિટિશ સમયગાળાના ઘણા સમય પહેલાં, ચૂનાર પથ્થરનો ઉપયોગ ઉપખંડમાં ફેલાયેલા પ્રખ્યાત અશોક સ્તંભના શિલાલેખો બનાવવા માટે કરવામાં આવ્યો હતો. ‘અહરુરા ખાસ’ નામના સ્થળે અશોક શિલાલેખ અને સ્તંભ આવેલા છે. બ્રિટિશ-યુગના શેડ દ્વારા સંરક્ષિત, આ પર્વતીય સ્થળનું નામ નજીકના ભંડારી દેવી મંદિરના નામ પરથી
રાખવામાં આવ્યું છે, જે વધુ પ્રાચીન વારસા તરફ નિર્દેશ કરે છે.
મિર્ઝાપુરમાં પ્રાગૈતિહાસિક કાળના પણ અંશ જોવા મળે છે. અહીંના કેટલાક જિલ્લામા ઘણા બધા પેઇન્ટેડ રોક શેલ્ટર્સ છે. કુલ ત્રીસ સાઇટ્સ છે, જેમાં આશરે ૬૦ જેટલી ગુફાનો સમાવેશ થાય છે.
આ રોક શેલ્ટર્સ એટલી એવી ગુફાઓ જેનો ઉપયોગ હજારો વર્ષો પહેલાં આદિમાનવોએ રહેઠાણ માટે કર્યો હતો. આવી ગુફાઓ ધરાવતી અમુક સાઈટ મિર્ઝાપુર શહેરની નજીક છે. આ ગુફાઓ માનવના પ્રારંભિક જીવનની ઝલક આપે છે.
વેબસિરીઝમાં દર્શાવેલા મિર્ઝાપુરને ભૂલી જઈને તે ઐતિહાસિક ખજાના અને વાર્તાઓથી ભરેલો પ્રદેશ છે. ચૂનારના પ્રાચીન પથ્થરોથી લઈને પ્રાગૈતિહાસિક ખડકોની ગુફાઓ સુધી આ જિલ્લો સમૃદ્ધ ઈતિહાસની ઝલક બતાવે છે.
મિર્ઝાપુરનું ભૌગોલિક પૃથ્થકરણ કરવું હોય તો સમયની સાથે પાછળ જવા જેવું છે. ભૂતકાળના સ્તરોને ઉજાગર કરવા એટલે વર્તમાનના આકારનાં કારણો સમજવા.
મિર્ઝાપુર વેબસિરીઝની ત્રીજી સિઝન તો નબળી છે, પણ આ શહેર મજાનું છે. અહી ઈતિહાસ ધબકતો હોય એવું લાગે છે. ભારતની સંસ્કૃતિનો અમુક મહત્ત્વનો હિસ્સો આ શહેરે સાચવી રાખ્યો છે. આવા આ શહેરની બીજી અનેક રસપ્રદ વાતો ફરી કયારેક ….