ઉત્સવ

સર ફિરોઝશાહ મહેતા સતત બે વાર મેયર ચૂંટાયા હતા,પણ એસ. કે. પાટિલ તો ત્રણ વાર ચૂંટાયા હતા!

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા

(ગયા અંકથી ચાલુ)
૧૯૦૭ના ફેબ્રુઆરીની ર૧મી તારીખે મ્યુનિસિપલ કમિશનર શેપર્ડના પ્રમુખપદે મતદાન યોજાયું. એમાં ચંડાળચોકડીનાં ૧૪ ઉમેદવાર મુંબઈ આવ્યા અને સર ફિરોઝશાહ મહેતાનો ક્રમ ૧૭મો આવ્યો. બાકીના બે ચૂંટાયેલા ઉમેદવારો જેઓ ૧પમા અને ૧૬મા નંબરના હતા, તેમાં એક સુલેમાન અબ્દુલ વાહેદ ૧૬મા નંબરે ચૂંટાઈ આવ્યા હતા. આ શ્રી સુલેમાન વાહેદ એક કોન્ટ્રેક્ટર કંપની લધા-ઈબ્રાહિમ એન્ડ કંપનીના હતા. આ કંપની મ્યુનિસિપલ કોન્ટ્રેક્ટ ધરાવતી હતી. મ્યુનિસિપલ ઍક્ટ હેઠળ મ્યુ. કોર્પોરેશન સાથે કોન્ટ્રેક્ટ ધરાવનાર વ્યક્તિ કાઉન્સિલર બની શકે નહિ. આથી સ્મોલ કોઝીસ કોર્ટના ચીફ જજ સમક્ષ કેસ કરવામાં આવ્યો અને ચીફ જજે સુલેમાન વાહેદને કાઉન્સિલરપદેથી દૂર કર્યા. આ રીતે ૧૭મા ક્રમે આવેલા સર ફિરોઝશાહ મહેતા આપોઆપ ફરીવાર કાઉન્સિલર બની ગયા. સર ફિરોઝશાહ મહેતાની લોકપ્રિયતાનાં દર્શન આથી મળી રહે છે. માધવબાગમાં ૧૯૦૭ના એપ્રિલની ૭મી તારીખે એક જંગી સભા શ્રી ગોપાલકૃષ્ણ ગોખલેના પ્રમુખપદે યોજવામાં આવી હતી અને વાઈસરોયને આ સંબંધમાં તપાસ કરવાની વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો હતો.

(૮૭)
આપણા દેશમાં લોકશાહી પદ્ધતિનું પ્રથમ પારણું ઝુલાવનાર મુંબઈ મહાનગરપાલિકા (મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) છે, પણ જ્યારે આપણે એકવીસમી સદી ભણી આગેકૂચ કરી રહ્યા છીએ ત્યારે આ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલીક ઘટનાઓ એવી બને છે કે જે લોકશાહીને લજાવનારી થઈ પડે છે. હમણાં જ એક રાજકીય પક્ષના નગરસેવકોએ કહ્યું કે અમારા પક્ષના નેતા કહેશે તે પ્રમાણે જ અમે નિર્ણય લઈશું. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે આ નેતા મહાનગરપાલિકાનું સભ્યપદ ધરાવતા નથી. મુંબઈ શહેરના મેયર તરીકે ત્રણ ત્રણ મુદત સુધી સતત ૧૯૪૯-૫૦, ૧૯૫૦-૫૧ અને ૧૯૫૧-૫૨માં ચૂંટાઈ આવીને વિક્રમ કરનાર શ્રી સદોબા કાન્હોજી પાટિલ, બી. એ. ઉર્ફે એસ. કે. પાટિલ ૧૯૪૯માં જ મેયર હતા ત્યારે મેયર, નગર અને મહાનગરપાલિકાની પ્રતિષ્ઠા અને એ પદની ફરજને પક્ષ કરતાં અધિક મહત્ત્વ આપ્યું હતું.

વાત એમ બની કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ શ્રી સી. રાજગોપાલાચારી ૧૯૪૯ના ઓગસ્ટ માસમાં ભારતીય વિદ્યાભવનના ઉદ્ઘાટન અને ઉલ્લાસનગરના એક સમારંભ માટે પ્રથમવાર મુંબઈ આવી રહ્યા હતા ત્યારે મુંબઈ રાજ્યની કૉંગ્રેસ સરકારના મુખ્યપ્રધાન શ્રી બી. જી. ખેર અને ગૃહપ્રધાન શ્રી મોરારજી દેસાઈ હતા. શ્રી રાજગોપાલાચારીનું સ્વાગત કરનારાઓમાં મુંબઈના મેયરનું સ્થાન પ્રોટોકોલ લિસ્ટમાં નવમાં નંબરે ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને કમિશનર ઓફ પોલીસ વચ્ચે રાખવામાં આવ્યું હતું. શ્રી એસ. કે. પાટિલ પોતે ત્યારે મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ હોવા છતાં સરકારને સ્પષ્ટ જણાવી દીધું કે મુંબઈના મેયર એ મુંબઈના પ્રથમ નાગરિક છે અને ગવર્નર-જનરલના સ્વાગતમાં પણ પ્રથમ ક્રમ હોવો જોઈએ. આવું નહીં થાય તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સ્વાગતનો બહિષ્કાર કરશે અને મેયર પોતે પણ ઉપસ્થિત રહેશે નહીં.

આ સખત વલણનું ઉચિત પરિણામ આવ્યું અને રાજ્ય સરકારે તરત ભૂલ સુધારી લેતાં મેયર હાજર રહ્યા. ત્યાર પછી આવું મુંબઈના મેયર માટે બન્યું નથી. સર ફિરોઝશાહ મહેતા ૧૮૮૪-૮પ અને ૧૮૮૫-૮૬માં સતત બે વાર મેયર ચૂંટાયા હતા, પણ પાટિલ તો ત્રણ વાર ચૂંટાયા હતા અને એ વિક્રમ અત્યાર સુધી કોઈ પણ મેયરે તોડ્યો નથી. શ્રી એસ. કે. પાટિલ મેયર ચૂંટાયા તે પહેલાં એવી રૂઢિ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘર કરી ગઈ હતી કે દર વરસે હિન્દુ, મુસલમાન, પારસી, ક્રિશ્ર્ચિયન એમ ધર્મ-કોમના ક્રમે મેયરની ચૂંટણી થતી હતી, પણ શ્રી પાટિલે એ રૂઢિને ફગાવી દેવાની પહેલ કરી હતી.

આજે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં મેયર માટે વિશેષ અલગ ઓફિસ છે, પણ ૧૯૨૪ની સાલ સુધી મેયર માટે કોઈ સ્વતંત્ર ઓફિસ નહોતી કે નહોતી કોઈ એવી અલગ વ્યવસ્થા. મેયરને ત્યાં ‘પ્રેસિડન્ટ’ તરીકે ઓળખવામાં આવતા હતા. ૧૯૨૪ના એપ્રિલની ત્રીજી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. શ્રી વિઠ્ઠલભાઈ પ્રેસિડન્ટ તરીકે દરરોજ સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી કામ કરવા ઈચ્છતા હતા. આથી તેઓ તો તેમના ઉગ્ર સ્વભાવ પ્રમાણે સીધા મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચી ગયા અને સીધો સવાલ કર્યો : ‘મારી ઓફિસ ક્યાં આવી છે?’

મ્યુનિસિપલ કોર્પોરેશનને આવો પ્રશ્ર્ન કદી કોઈએ પૂછ્યો નહોતો. શ્રી વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે જો અલગ ઓફિસ ન હોય તો આવથી સ્વતંત્ર ઓફિસની વ્યવસ્થા કરો. રૂા. ૧૧,૧૯,૯૬૯ના ખર્ચે બંધાઈને તૈયાર થયેલી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં મેયરની ઓફિસની સ્થાપના થવા પામી. કોર્પોરેશન હોલના એક ખૂણે મેયરની ઓફિસ માટે જગ્યા કાઢવામાં આવી હતી.

આજે તો મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણીઓમાં મહિલાઓ માટેની બેઠકો અનામત રાખવામાં આવી છે, પરંતુ નવાઈની વાત એ છે કે આજ સુધી મુંબઈએ મેયરની સંપૂર્ણ મુદત સુધી એક પણ મહિલાને મેયર બનાવ્યાં નથી. કૉંગ્રેસ પક્ષનાં શ્રમિતી ઈન્દુમતી પટેલ મહાનગરપાલિકામાં વરિષ્ઠ કોર્પોરેટર છે છતાં મેયરપદનો પ્યાલો હોઠ સુધી આવીને ઢોળાઈ જવા પામ્યો છે.

મુંબઈએ મહિલા મેયર આજ સુધીમાં એક જ આપ્યા છે. શ્રી એન. પી. પુપાલા ૧૯૫૫-૫૬માં મુંબઈના મેયર ચૂંટાયા હતાં, પરંતુ મુદત પૂરી થયા પહેલાં તા.૬-૨-૧૯૫૬થી રાજીનામું આપતાં તેમની જગ્યાએ મેયર તીકે શ્રીમતી સુલોચના મોદીની નિમણૂક તા.૨૩-૨-૧૯૫૬ થી તા.૩૧-૩-૫૬ સુધી કરવામાં આવી હતી. આમ શ્રીમતી
સુલોચના મોદી માત્ર ૩૬-૩૭ દિવસ મુંબઈના મેયરપદે રહ્યાં
હતાં.
મેયર પદની ચૂંટણીમાં સ્વતંત્ર અપક્ષ ઉમેદવારો પણ રાજકીય ઉમેદવારી કરતાં ઘણા સારા એવા મતોથી ચૂંટાઈ આવ્યા છે. ક્રિશ્ર્ચિયન સ્વતંત્ર ઉમેદવાર ડૉ. એમ. યુ. માસ્કેરનહાસ ૧૯૪૮-૪૯માં ૧૧૭ બેઠકોના ગૃહમાં ૮ર મતોથી મેયર ચૂંટાયા હતા. પારસી અને સ્વતંત્ર ઉમેદવાર શ્રી. બી. કે. બમનબહેરામ ૧૯૭૪-૭૫માં ૮૫ મતોથી મેયરપદે ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૭૭માં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી મુરલી દેવડા ૯૭ મતોથી બહુમતીથી મેયર ચૂંટાયા હતા, જ્યારે તેમના કૉંગ્રેસ પક્ષના સભ્યો ગૃહમાં માત્ર ૪૫ હતા.

મુંબઈના મેયર તરીકે સહુથી યુવાન વયે ૧૯૭૩-૭૪માં ચૂંટાઈ આવનાર શિવશેનાના શ્રી સુધીર જોષી છે. તેમની વય ત્યારે ૩ર વર્ષની હતી. સર ફિરોઝશાહ મહેતા ૧૯૮૪-૮૫માં મેયર ચૂંટાયા ત્યારે ૩૯ વર્ષના હતા અને શ્રી યુસુફ મહેરઅલી ૧૯૪ર-૪૩માં મેયર ચૂંટાયા ત્યારે ૩૬ વર્ષના હતા. ૧૯૫૩-૫૪માં મેયર બનનાર ડૉ. વી. એ. ડાયસ સહુથી વધુ મોટી ઉંમરે મેયર ચૂંટાયા હતા. તેમની ઉંમર ત્યારે ૬૮ વર્ષની હતી.

હરીફાઈ વિના મુંબઈ આવનાર મેયરોમાં ડૉ. જોસ આલ્બન ડી’સોઝા (૧૯૬૭-૬૮), શ્રીમતી સુલોચના મોદી (૧૯૫૬) અને શ્રી સાલેભાઈ અબ્દુલ કાદર (૧૯૫૬-૫૭)નો સમાવેશ થાય છે.
ડૉ. સાયમન ફર્નાન્ડીઝ ૧૯૫૭માં માત્ર ૩૯ દિવસો માટે મેયરપદે રહ્યા હતા. તેમને શ્રી દિનકર દેસાઈ સામે ૭૦ મતો મળ્યા હતા. શ્રી દિનકર દેસાઈને ૫૧ મતો મળ્યા હતા.

મુંબઈના મેયરપદની ચૂંટણીમાં સામાન્ય રીતે બે ઉમેદવારો ઊભા રહેતા હોય છે, પણ સાત વખતે ત્રણ ઉમેદારો અને એક પ્રસંગે ચાર અને એક પ્રસંગે ૬ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહ્યા હતા.
માત્ર પારસી ઉમેદવારો ૬ વખતે સામસામે ઊભા રહ્યા હતા તો મુસ્લિમો એવી રીતે ચાર વાર ચૂંટણીઓ લડ્યા હતા. ક્રિશ્ર્ચયનો એ રીતે માત્ર બે વાર સામસામે ઊભા રહ્યા હતા.

૧૯૪૨ની સ્વતંત્રતાની લડતમાં ઝુકાવનાર ડૉ. મંચેરશાહ ડી. ગીલ્ડરને અંગ્રેજ સરકારે જેલમાં પૂર્યા હતા અને ડૉ. ગીલ્ડર જેલમાં રહીને ૧૯૪૩-૪૪માં મુંબઈના મેયરપદે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ જેલમાં હોવાથી એક પણ બેઠકમાં હાજર રહી શક્યા નહોતા. પરિણામે ૧૧-૧૧-૪૩થી ૧૦-૪-૪૪ સુધી શ્રી મીનુ આર. મસાની મેયર બન્યા હતા. શ્રી યુસુફ મહેરઅલી મેયર તરીકે માંડ ચાર મહિના રહી શક્યા હતા કારણ કે ’૪૨ના સ્વાતંત્ર્ય નં.-૨૪ આંદોલનમાં તેમને બ્રિટિશ સરકારે અટકાયતમાં લીધા હતા.

૧૯૩૪-૩૫માં મેયર તરીકે ચૂંટાઈ આવેલા શ્રી હુસેનઅલી રહિમતુલ્લાએ નિશાળે જવાની વય ધરાવતા બાળકો માટે શિક્ષણ ફરજિયાત બનાવ્યું હતું. શ્રી એમ. એમ. રહિમતુલ્લા ૧૯૪૭માં પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.

જ્યારે ૧૯૩૧માં પ્રેસિડન્ટ ‘મેયર’ તરીકે ઓળખાવા લાગ્યા ત્યારે ૧૯૩૧-૩રમાં પ્રથમ મેયર તરીકે ધારાશાસ્ત્રી શ્રી જે. બી. પિટિટ ઊભા રહ્યા હતા. તે વખતે નગરસેવકની મુદ્દત ત્રણ વર્ષની હતી. ૧૯૭૪-૭૫માં શ્રી જે. બી. બમનબહેરામના વંશના જ શ્રી બી. કે. બમનબહેરામ સામે શ્રી બી. ડી. ઝુટે ઊભા રહ્યા હતા અને તેમને ૪૯ મતો મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ