મોર્નિંગ મ્યૂસિંગ: શ્યામ બેનેગલની ફિલ્મોમાં ‘ભારત એક ખોજ’ ચાલતી રહી હતી…
-રાજ ગોસ્વામી
શ્યામ બેનેગલે એક જ વિષય પર ફિલ્મો બનાવી હતી: ભારત. એ ફિલ્મસર્જક નહોતા, ચિંતક હતા અને એમણે આધુનિક ભારતના દબાયેલા-કચડા,nયેલા સમાજનું ફિલ્મોના માધ્યમથી ચિંતન કર્યું હતું. એક આધ્યાત્મિક ઋષિની જેમ એમનામાં સામાજિક સત્યની ખોજ હતી. જોકે, તે ફિલ્મો ઉપદેશાત્મક બનવાને બદલે વિશ્ર્લેષણાત્મક અને ખુલ્લા મનની હતી.
એમણે એક વાર કહ્યું હતું કે ‘જટિલ સમસ્યાઓનો કોઈ સરળ ઉકેલ નથી હોતો.. પરંતુ ભારતીય સમાજમાં પડેલી સમસ્યાઓનું અન્વેષણ કરવું જરૂરી છે, જેથી એ ખબર પડે કે તેમાં કઈ શક્તિઓ કામ કરી રહી છે અને તે કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે.’ શ્યામ બેનેગલના પિતા શ્રીધર બેનેગલ ગાંધીવાદી હતા, જેમણે પોતાનાં સંતાનોને ઘરે ઘરે ખાદી કાંતવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
બેનેગલના પ્રારંભિક જીવનને પ્રભાવિત કરનારી અન્ય હસ્તીઓમાં એમના પિતરાઈ ભાઈઓ ગુરુદત્ત અને સત્યજીત રેનો સમાવેશ થાય છે. એમના પરિવારમાં સુભાષચંદ્ર બોઝની ફોરવર્ડ બ્લોક પાર્ટીના સભ્યો અને સંબંધીઓ પણ સામેલ હતા , જેમણે યુવા બેનેગલને સિનેમા પ્રત્યે વધતો શોખ અને તેમની અમર્યાદ વાંચનની આદતને પ્રોત્સાહન આપ્યું હતું એટલે એવું કહેવાય કે ભારતીય સમાજની ચેતના વિષે એ બહુ વહેલાથી સભાન હતા.
શ્યામ બાબુએ બનાવેલી ટેલિવિઝન સિરિયલ ‘ભારત એક ખોજ’ ભલે જવાહરલાલ નેહરુએ ભારતના 5,000 વર્ષ જૂના ઇતિહાસ પર લખેલા પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’ પર આધારિત હતી, પણ એક રીતે એમની સિનેમા- યાત્રામાં પણ ભારતની જ ખોજ હતી. હકીકતમાં રાજીવ ગાંધીને એવો વિચાર આવ્યો હતો કે રામાયણ અને મહાભારતની જેમ ધ ડિસ્કવરી ઑફ ઈન્ડિયા પર એક શો થવો જોઈએ. પ્રશ્ન એ હતો કે તે કોણ બનાવે? એ વખતે શ્યામ બેનેગલનું નામ સામે આવ્યું હતું. શ્યામ બેનેગલ તે સમયે ‘મહાભારત’ પર સિરિયલ કરવા ઇચ્છુક હતા, પણ એ કામ બી. આર. ચોપરા પાસે હતું. એટલે એમણે રાજીવ-સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો.
બેનેગલે આ પુસ્તક વાંચેલું હતું. બાળપણમાં એમના જન્મદિવસ પર તે એમને ભેટ મળ્યું હતું. એ પુસ્તક દ્વારા જ એમને ભારતના ઇતિહાસનો પહેલી વાર પરિચય થયો હતો. પાછળથી એ યાદ કરીને એમણે કહ્યું હતું, ‘આ ધારાવાહિક ખૂબ જ સફળ રહી હતી અને બાદમાં ચેનલ પર ઘણી વખત ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી. તે સમયે તે ડીવીડી પર પણ ઉપલબ્ધ હતી… અમે દેશના ઇતિહાસ વિશે વાત કરતી વખતે દરેક હકીકતને તપાસવા અને તેને સટીક બનાવવા માગતા હતા. અમે આ શો મારફતે ઈતિહાસને ફરીથી જીવી રહ્યા હતા.’
આવું જ એવું એમની દરેક ફિલ્મ વિષે કહી શકાય. દરેક ફિલ્મમાં એ ભારતને શોધતા હતા. વિવિધ પાત્રો અને વાર્તાઓ મારફતે ભારતની સામાજિક વાસ્તવિકતાઓને સમજવા માગતા હતા. એમની ફિલ્મોમાં દેખીતી રીતે જ નેહરુવાદી ભાવનાનો પ્રભાવ સ્પષ્ટ દેખાતો હતો, જેમાં વૈશ્વિક દૃષ્ટિકોણ, માનવતાવાદ અને સમાજ સાથે ગહન બૌદ્ધિક સંવાદનો સમાવેશ થતો હતો.
બેનેગલ બાબુએ સામાજિક આદર્શો-પાત્રોને પડદા પર વાસ્તવિક અને જીવંત પાત્રોમાં રૂપાંતરિત કર્યાં હતાં, જેનાથી આપણને નિર્દયી જમીનદારો, નારીવાદી મહિલાઓ અને પ્રગતિશીલ બળવાખોરો જેવાં અવિસ્મરણીય પાત્રો મળ્યાં.
એમની પહેલી જ ફિલ્મ ‘અંકુર’ (1974) ભારતીય ગ્રામીણ જીવનની હૃદયસ્પર્શી વાર્તા છે. આ ફિલ્મ સામાજિક અસમાનતા, જાતિવાદ અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર આધારિત છે. બીજી ફિલ્મ ‘નિશાંત’ પિતૃસત્તા, સામંતી વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતી હતી.
Also read: ઊડતી વાત: બર્ગરમાંથી નીકળેલી ઇયળનો એક્સક્લ્યુસિવ ઇન્ટરવ્યૂ
‘અંકુર’ અને ‘નિશાંત’ બંનેને શબાના આઝમી, સાધુ મેહર અને અનંત નાગના યાદગાર અભિનય માટે યાદ કરવામાં આવે છે. સંયોગથી, તે ત્રણેય તે સમયે સિનેમામાં નવાં હતાં અને દિગ્દર્શક તરીકે શ્યામ બેનેગલની પણ આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મોની સરખામણી ‘દો બિઘા જમીન’ (બિમલ રોય) અને ‘પાથેર પાંચાલી‘ (સત્યજીત રે) સાથે કરવામાં આવી હતી.
તે પછી આવેલી મંથન, ભૂમિકા, જુનૂન, કલયુગ, મંડી, સૂરજ કા સાતવા ઘોડા, મમ્મો અને સરદારી બેગમે સમાજના એકદમ શુષ્ક અને મુશ્કેલ વિષયોને સરળ, વિચારશીલ અને આકર્ષક રીતે રજૂ કર્યા હતા. શ્યામ બાબુના વિષયોની વિશેષતા એ હતી કે તેમાં સત્તાનાં માળખાઓની વિકૃત પ્રકૃતિ, સામાજિક પરિવર્તનના પડકારો અને મહિલાઓ કેવી રીતે દમનનો સામનો કરે છે તેની વાતો કરવામાં આવતી હતી.
એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું કે ‘ફિલ્મ નિર્માતા બનવું એ લેખક અથવા ચિત્રકાર બનવા જેવું છે. તેમાં ચોકસાઈ અને દૃષ્ટિકોણ બંને છે. એ સ્થાનિક અને સાર્વત્રિક બંને છે. બીજો કયો વ્યવસાય તમને આવો અનુભવ આપી શકે? તમે એક એવા વૈજ્ઞાનિક જેવા છો, જે માઈક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંનેમાંથી જુએ છે.’ શ્યામ બાબુના ફિલ્મ ચિંતન વિષે જો કોઈએ સરસ રીતે વાત કરી હોય તો તે છે નિર્દેશક સુધીર મિશ્રા. એમણે શ્યામ બેનેગલને અંજલિ આપતાં કહ્યું : ‘જો શ્યામ બેનેગલે એક વાતને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી હોય તો તે સાધારણ ચહેરા અને સામાન્ય જીવનની કવિતા હતી.
શ્યામ બેનેગલ વિશે ઘણું લખવામાં આવશે, પરંતુ મારા માટે, એમની ફિલ્મોમાં એક હકીકતનું આક્રંદ અને દુ:ખ હતું કે આપણે શ્રેષ્ઠ સમયમાં નથી જીવતા.’ હિન્દી સિનેમામાં શબાના આઝમી, સ્મિતા પાટિલ, સાધુ મેહર, મોહન આગાશે, અનંત નાગ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી અને ગોવિંદ નિહલાની જેવા કલાકારો શ્યામ બાબુની ભેટ છે. એમનું જવું માત્ર એક ફિલ્મ નિર્માતાનું નિધન નથી, તે હિન્દી સિનેમામાં પરિવર્તન અને પ્રતિકારના અવાજનું શાંત થઈ જવાનું છે.
તેમ છતાં, શ્યામ બાબુની ભારતની ખોજ પૂરી થઈ નહોતી કે અટકી નહોતી. એ આ ઉંમરે પણ એટલા જ ઉત્સાહી અને સક્રિય હતા. મૃત્યુના દસ દિવસ પહેલાં, 90મા જન્મદિવસ પર અંગત મિત્રો સાથે એક બેઠકમાં એમણે કહ્યું હતું, ‘હું બે-ત્રણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તે બધા એકબીજાથી અલગ છે. હું કઈ ફિલ્મ બનાવીશ તે કહેવું મુશ્કેલ છે, પણ તે બધી મોટા પડદા માટે છે.’
પોતાના જન્મદિવસનો ઉલ્લેખ કરતાં શ્યામબાબુએ કહ્યું હતું કે એમણે વારંવાર હૉસ્પિટલની મુલાકાત લેવી પડે છે, કારણ કે એ ડાયાલિસિસ પર રહે છે. શ્યામ બાબુ ત્યારે બોલ્યા હતા : ‘આપણે સૌ ઘરડાં થઈએ છીએ. જન્મદિવસ ખાસ દિવસ હોઈ શકે, પરંતુ હું તેને ખાસ રીતે ઊજવતો નથી. હું મારી ટીમ સાથે ઑફિસમાં કેક કાપું છું.’