ઉત્સવ

શ્રી રામ જય રામ જય જય રામ

પ્રભુ શ્રી રામને યાદ કરતાં અનેક સ્મૃતિઓ અને સ્થળો નજરે ચડે છે તેમાંથી અમુકને આજે સૌ કચ્છવાસીઓ હર્ષપૂર્વક માણીએ

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

વાસ્તવમાં પ્રભુ શ્રીરામ જન્મ્યા અયોધ્યામાં, પરંતુ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન પૂરી ભારતયાત્રા કરી. એ સંદર્ભે સમગ્ર દેશમાં ગલીએ ગલીએ તેની ખ્યાતિ અજરઅમર છે. આવા પ્રેમાળ અને ધીરગંભીર પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ આજે સંપૂર્ણ ભારત ઊજવવા તત્પર છે. આજે પ્રભુ શ્રી રામને યાદ કરતાં અનેક સ્મૃતિઓ અને સ્થળો નજરે ચડે છે તેમાંથી અમુકને આજે સૌ કચ્છવાસીઓ હર્ષપૂર્વક માણીએ. ભારતનો એક પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં રામમંદિર ન હોય કે જ્યાં રામધૂનનો અવાજ ન હોય? રામધૂનની વાત આવે એટલે ભુજના રામધૂન મંદિરની યાદ આવી જાય જ્યાં છેલ્લાં કેટલાય દાયકાઓથી સવાર અને સાંજના અખંડ રામધૂન દરબાર ભરાય છે. હમીરસરના રમણીય કાંઠે સ્થિત આ મંદિરની બિલકુલ પાછળ રામકુંડ આવેલું છે જેમાં બારેમાસ પાણી ભરેલું રહે છે જે પ્રિવેડિંગ ફોટોગ્રાફી માટે યુગલોનું હોટ ફેવરીટ છે. તેની બગલમાં નાત, જાત, જ્ઞાતી, પંથ કે સંપ્રદાયના કોઇ પણ ભેદભાવ વગર દરરોજ બપોરે અને સાંજે સમરસ ભાવ સાથે સાદું છતાંય રસદાર અને ગરમ ભોજન જમાડતું ભોજનાલય એટલે ભુજની એક સેવાભાવી સંસ્થા શ્રી રામરોટી અને છાસ કેન્દ્ર. ‘ભુજમાં આવેલ કોઇ ભુખ્યો ન રહે એ સૂત્ર સાથે….’ માત્ર ૨૦ રૂપિયામાં એકદમ માનભેર, નિ:સંકોચ અને ભરપેટ જમી શકે એવો ડાઇનિંગ હોલ ધરાવે છે. કચ્છ ફરવા આવેલા બહારના પ્રવાસીઓ માટે ધોરડોનું સફેદ રણ, માંડવી બીચ કે ઐતિહાસિક તેમ રમણીય સ્થળનું પ્રવાસ આકર્ષણનો વિષય હોય છે જ પણ સાથે જો ભુજના રામરોટી કેન્દ્રની મુલાકાત લે તો એને પણ ભૂલતા નથી. છેલ્લાં સાડા ત્રણ દાયકામાં એક પણ દિવસ વિરામનો વીત્યો નથી અને ટ્રસ્ટને વ્યવસ્થા માટે હાથ ફેલાવવો પડ્યો નથી, આ સેવામાં અનેક દાતાઓ છૂટા હાથે દાનની સરવાણી વરસાવે છે, જે કચ્છીઓની દિલેરીની અનોખી દાસ્તાન રજૂ કરે છે. અન્ય એક ભુજ શહેરની સંવત ૧૬૦૫માં સ્થાપના થઇ તે સાથે રઘુનાથજીનાં મંદિરથી જ રામનવમીના દિવસે શોભાયાત્રાનો આરંભ કરાય છે. આ મંદિરની અધિક માસની પૂજા અર્ચનાનો મહિમા સવિશેષ છે. પુરુષોત્તમ માસની ધાર્મિક કથાવાર્તા અને કાંઠાગોર પૂજન માટે શહેરભરની મેદની જોવા મળતી હોય છે.

કચ્છના પશ્ર્ચિમ ખુણે અબડાસા તાલુકામાં ભગવાન શ્રી રામનું ઐતિહાસિક મંદિર છે જે ‘રામવાડા’ તીર્થ તરીકે ઓળખાય છે. નલિયાથી ૩૫ કિલોમીટર દૂર સાંગીપુરમ માર્ગે ટેકરા પર આવેલા આ સ્થળે ભગવાન રામે વનવાસ વખતે રોકાણ કર્યું હતું તેવી લોકવાયકા પ્રચલિત છે. ટેકરા પર સ્થિત પ્રભુનું આ સુંદર મંદિર તો ખરું સાથે ત્યાં ભગવાનની ચરણ પાદુકા એટલે કે પગલાનાં પણ દર્શન જોવા મળે છે. મહંત જનકદાસ મહારાજ આ પૌરાણિક મંદિરની રખરખાવ ઉપરાંત ગૌશાળા, રામકુંડ વગેરેનું પણ વિશેષ ધ્યાન રાખે છે. રામવાડા ઉપરાંત પિતૃ તર્પણ માટે વિશેષ પ્રખ્યાત માંડવી તાલુકાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ધ્રબુડી તીર્થ ખાતે જાનકીનાથનું મંદિર આવેલું છે. ચોગાનમાં ‘હનુમાન દેરી’ અને નિજમંદિરમાં વચ્ચે રામ-લક્ષ્મણ-જાનકી સંગ પડખે રાધાકૃષ્ણ તેમજ લક્ષ્મી-નારાયણની સુંદર મૂર્તિઓ બિરાજમાન છે. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલાં આ રમણીય સ્થાનકે લોકો ભોજન, સ્નાનાદીનો લાભ લેતા રહે છે. સંકુલમાં પગથારવાળા રામકુંડ અને ઋષિકુંડ તેમજ સપ્તઋષિ અને ત્ર્યંબકેશ્ર્વર મહાદેવનાં લઘુમંદિરો પણ આવેલાં છે, જે વખતોવખત નવીનીકરણ પામ્યાં છે. ભગવાન શ્રીરામંદ્રજી નારાયણ સરોવર અને રામારણ્યથી વળતાં કંઠીના કિનારેથી થઈ અત્રે પધાર્યા હતા તેવી દંતકથા પ્રચલિત છે.

સમગ્ર ભારતમાં અનેક જગ્યાએ દશરથનંદનના પગલાં થયાં છે તેમાં પૌરાણિક કચ્છનો સમાવેશ થયો હોવાથી છેલ્લાં કેટલાક દિવસોથી કચ્છ પણ જાણે મિની અયોધ્યા નગરી ભાસે છે. ઠેર ઠેર વ્યાપ્ત રામમય લાગણીઓ થકી ૨૨મીએ ઈતિહાસ સર્જાવાનો!! તો બોલ સબ શ્રીરામ ચંદ્રકી જય.

ભાવાનુવાદ: અસલ મેં ત પ્રિભુ શ્રીરામ જન્મ્યા અયોધ્યામેં, પ ચોડો વરેજે વનવાસ ટાંણે સજ઼ે ભારતજી જાત્રા કેં. હિન કારણેં સજ઼ે ડેસમેં ગલીયેં ગલીયેંમેં ઇનીજી ખ્યાતિ અજરઅમર ભનિ વિઇ આય. ઍડ઼ે પ્રેમાડ઼ નેં ધીરગંભીર પ્રિભુ શ્રી રામજો જન્મોત્સવ અજ઼ સજ઼ો ભારત ઊજવેલા ભેરા થ્યા ઐં તેર કચ્છજી કિઇક સ્મૃતિઉં નેં નજરતે સામે અચેતી જેંકે પાં મિડ઼ે કચ્છવાસી હર્ષભેર માણીયું. ભારતજો હિકડ઼ો ખૂણો એડ઼ો ન હૂંધો જિત રામમિંધર ન વે ક જિત રામધૂન નં ગવાઇંધ્યું હુન્યું. રામધુનજી ગ઼ાલ અચે ઇતરે ભુજજે રામધૂન મિંધરજી જાધ અચી વિઞેજિત ગ઼્ચ ડાયકેનું સાંજી-સુભુજો રામધૂન દરબાર ભરાજેતો. હમીરસરજે રમણીય કાંઠેતે સ્થિત હિન મિંધરજી નિપટ પૂંઠીયા રામકુંડ આવેલો આય જેમેં બારોમેણા પાણી ભરેલો હોય તો જુકો પ્રિવેડિંગ ફોટોગ્રાફીલા યુગલેંજો ‘હોટ ફેવરીટ’ થાન આય. તેંજી ભગલ મેં નાત, જાત, પંથ ક સંપ્રડાયજે ભેધભાવ વિગરજો રોજ બપોરે નેં સાંજી ટાંણે સાધો પ ગરમ ભોજન જમાડ઼ીંધલ ભોજનાલય ઇતરે ભુજજી સેવાભાવી સંસ્થા ‘શ્રી રામરોટી ને છાસ કેન્દ્ર’. ભુજમેં અચીંધલ કો પ ભુખ્યો ન રે હિન સૂત્ર સાથ ખાલી વી રૂપિયેમેં માનભેર, નિ:સંકોચ ને પેટ ભરી જમી સગ઼ે તેંલા ડાઇનિંગ હોલ ઉભો કરેમેં આયો આય. કચ્છમેં ફરેલા અચીંધલ બારા પ્રવાસીએંલા ધોરડ઼ેજો ધોરો રિણ, મડઇ જો ધરિયો ક ઐતિહાસિક તીં બ્યા રમણીય થલ આકર્ષણજો વસય વેંતા હિન ભેરો જ ભુજજે રામ રોટી કેન્દ્રજી કોક મુલાકાત ગ઼િઞે ત તેંકે પ ભુલે નતા. પાછલે સાડ઼ા ત્રે ડયકીં હિકડ઼ો ડીં આરામજો નાય વ્યો નેં ટ્રસ્ટકે વ્યવસ્થાલા હથ લમો નાય કેંણો પ્યો. હિન, સેવામેં કિઇક ડાતા છુટે હથેં ડાનજી સરવાણી વરસાઇંયેંતા, જુકો કચ્છીએંજી ડિલેરીજી નોખી ડાસ્તાન રજુ કરેતો. અનાં હિકડ઼ો ભુજ સેરજી સંવત ૧૬૦૫મેં થાપના થિઇ તે ભેરો રઘુનાથજીજે મિંધરજી સરુઆત થિઇ હુઇ, તેંજી રામનવમીજે ડીજો જ સોભાજાત્રાજો આરંભ કરેમેં અચેતો. હિન મિંધરજી અધિક મેંણેજી પૂજા અર્ચનાજો બોરો મઇમા આય. પુરસોતમ મેંણેજી ધાર્મિક કથાવારતા નેં કાંઠાગોર પૂજાજે માટે સેરજી બાઇયુંભેરી થીંધી હોયતી.

કચ્છજે વામણે ખુણે અબડ઼ાસેમેં ભગવાન રામજો પ્રાચીન મિંધર આય જુકો ‘રામવાડ઼ા’ તીર્થ તરીકેં ઓરંખાજેતો. નલિયાનું ૩૫ કિલોમીટર પર્યા સાંગીપુરમ મારગતે ટેકરે તે હિન થલતેં ભગવાન રામ વનવાસ ટાંણે રોકાણા હોઆ ઍડ઼ી લોકવારતા ખ્યાત આય. ટેકરેતે આવલ હિન મિંધરતે પ્રિભુજે પગલે જા ડરસણ પ કરેલા જુડેંતા. માત્મા જનકડાસજી હિન પૌરાણિક મિંધરજે રખરખાવ સિવા ગૌશાલા, રામકુંડ વિગેરેજો પ ખાસ ધ્યાન રખેતા. રામવાડ઼ે સિવા પિતૃ તર્પણ લા પ્રિખ્યાત મડઇ તાલુકેજે ધરિયાપટ્ટી વિસ્તારમેં ધ્રબુડ઼ી તીરથ તેં જાનકીનાથજો મિંધર આય. ચોગાનમેં ‘હુણમાન ડેરી’ નેં નિજમિંધરમેં વચાં રામ-લછણ-જાનકી સંગ પડ઼ખે રાધાકૃષ્ણ તીં લછમી-નારાયણજી લાટ મુરતીયું બિરાજમાન ઐં. કુધરતી નજારેં વિચ આવલ હિન થાનતે મેધની જમણજુઠણ, ક પવિતર જગા તે સ્નાનજો લાભ ગ઼િનેલા અચીધા હોયતા. સંકુલમેં પગ઼થારવારા રામકુંડ નેં ઋષિકુંડ, સપ્તઋષિ નેં ત્ર્યંબકેશ્ર્વર માડેવજા નિંઢા મિંધર પ આવેલાં ઐં, જેંજો સમોસમોતે નવિનીકરણ કરેમેં આયો આય. ભગવાન રામ નારાયણ સરોવર નેં રામારણ્યતાનું વરંધા કંઠીજે કિનારેતાનું થિઈ હિત આયા હોઆ એડ઼ી લોકવાયકા પ્રિખ્યાત આય.

સજ઼ે ભારતમેં કિઇક જગ્યાતે દસરથનંદનજા પગલાં થ્યા ઐં તેમેં પૌરાણિક કચ્છજો પ સમાવેશ થ્યો હૂંધે જે કારણે કિતરાય ડીં પેલાનું ‘કચ્છ જાણે ક મિની અયોધ્યા નગરી’ ભની વ્યો આય ઍડ઼ો લગેતો. ઠેકઠેકાણેંનું વ્યાપ્ત રામમય લાગણીયું થકી ૨૨મીજો ઈતિયાસ સર્જાઇંધો!! ત બોલો શ્રી રામ જય રામ જય જય રામ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત