શિવ-શક્તિથી ખુલશે આકાશગંગાના અગમ્ય રહસ્યો
વિશેષ -સંજય શ્રીવાસ્તવ
આકાશમાં શક્તિ અને શિવનું મિલન ખગોળ વિજ્ઞાન માટે નિ:સંદેહ એક ક્રાંતીકારી ઘટના છે. તારાના સમુહના આ અતિપ્રાચીન શ્રૃંખલાને હિંદુ દેવી-દેવતાના નામથી શિવ અને શક્તિ નામકરણના પણ ઊંડા સૂચિતાર્થ છે. હિંદુ શાસ્ત્રોમાં શિવ અને શક્તિના મિલનથી બ્રહ્માંડની ઉત્પત્તિનું વિવરણ મળે છે. સૃજન અને બ્રહ્માંડના ગઠનના પ્રતીક સમાન આ નામકરણ આકાશગંગાની લૌકિક કથામાં ભારતીય દર્શનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. તારામંડળના બે નવા જૂથો શિવ અને શક્તિ મળ્યા બાદ હવે આપણે આકાશગંગા અને બ્રહ્માંડના અનેક અગમ્ય રહસ્યોને ઉકેલી શકીશું. આ તારામંડળ આકાશગંગાની પ્રાચીન વંશાવળીનું ચિત્રણ કરે છે. નવા ભારતમાં ખગોળ વિજ્ઞાન, અંતરિક્ષ વિજ્ઞાન અથવા લાઈપ સાયન્સિસ જેટલો લોકપ્રિય વિષય રહ્યો નથી.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ બાબત સામાન્ય જીવનને સીધે સીધા પ્રભાવિત કરતા નથી અને તેથી જ આ ક્ષેત્રમાં થનારા સંશોધનો પર પૂરતી ચર્ચા થઈ શકતી નથી. મોટા ભાગે નક્ષત્ર અને જ્યોતિષ વિજ્ઞાન સુધી પહોંચીને આવી ચર્ચાઓ પૂરી થઈ જતી હોય છે. સામાન્ય ધારણા એવી છે કે જીવનની શક્યતા રહિત કોઈપણ ગ્રહ, નવા તારા, તેના વર્તન અને પ્રવૃત્તિઓની શોધ અથવા પછી ખગોળ સંબંધી, અવકાશી અને સૈદ્ધાંતિક હશે, વ્યાવહારિક નહીં. પરંતુ એવું નથી. વાસ્તવમાં આ સંદર્ભે ફક્ત એટલું જ કહેવાનું છે કે આકાશગંગાઓ તારાઓની એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તુઓ અથવા તત્ત્વોને રિસાઈકલિંગ કરે છે. તારાઓ અને તેના રિસાઈક્લિગંની પ્રક્રિયા વગર આપણું અસ્તિત્વ જ નથી રહેતું. આકાશગંગા આપણનું અવકાશમાં રહેલું ઘર છે. આપણી ઉત્પત્તિ અને ઉદ્ભવનું મૂળ છે. આપણને આપણા મૂળ વિશેની માહિતી બની શકે ત્યાં સુધી જાણવી જ જોઈએ. આકાશગંગાઓના અધ્યયનથી આપણે બ્રહ્માંડની પ્રકૃતિ ઉપરાંત એની પણ જાણકારી મેળવી શકીએ છીએ કે બ્રહ્માંડમાં પદાર્થ મોટા પાયે કેવી રીતે વ્યવસ્થિત રીતે રહી શકે છે.
આકાશગંગાઓનો ઈતિહાસ આપણને એવી માહિતી આપશે કે વર્તમાન આકાશગંગા અને તેનું સંગઠન જૂની આકાશગંગાતી કેમ અને કેવી રીતે અલગ પડે છે. આકાશગંગામાં સ્થિત તારાઓની સંખ્યાની વધ-ઘટ વિશેની પણ માહિતી મેળવવાથી તારાના વિલય, જન્મ અને મૃત્યુની જાણકારી મળી શકશે. ૧૦૦ અબજ આકાશગંગાવાળા અવકાશમાં ગુરુત્વાકર્ષણથી બંધાયેલા અબજો તારા, તારાના અવકાશી અવશેષ, ધુળ, તારાઓની વચ્ચે રહેલા ગેસ (વાયુ) અને બ્લેક મેટરની હાજરી હોય છે. પૃથ્વીના કદથી ઓછામાં ઓછા ૧૭ અબજ ક્ષુદ્ર ગ્રહ આકાશગંગામાં રહે છે અને આપણે પોતાની આકાશગંગાની વિકાસ પ્રક્રિયાને જાણ્યા બાદ બીજી આકાશગંગાઓ પર લાગુ કરીને જોઈ શકીએ છીએ કે આ પ્રક્રિયા તેમના પર કેવી રીતે કામ કરે છે. આ સંદર્ભમાં જોવામાં આવે તો જર્મનીના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટમાં ખગોળવિદ્ ખ્યાતિ મલ્હાન દ્વારા યુરોપની અતંરિક્ષ એજન્સીના ગાઈયા ટેલિસ્કોપમાંથી જૂના તારાઓની બે શ્રૃંખલાઓ શિવ અને શક્તિના સંશોધનનું મહત્ત્વ સમજાય છે.
એસ્ટ્રોફિઝિકલ નામના સામયિકમાં પ્રકાશિત સંશોધનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આપણા સૂર્યથી એક-એક કરોડ ગણા વધુ ભાર ધરાવતી આ બંને શિવ અને શક્તિ શ્રૃંખલાઓ ૧૨-૧૩ અબજ વર્ષ જૂની છે. બિગ-બેંગથી આકાશગંગાઓનું નિર્માણ ૧૩.૮ અબજ વર્ષ પહેલાં શરૂ થયું હતું. એ બાબતને ધ્યાનમાં લેતાં આ પ્રમાણમાં નવી આકાશગંગાના નિર્માણની સમકાલીન ગણી શકાય. આવામાં આપણી આકાશગંગાનું નિર્માણ કેવી રીતે થયું તે રહસ્યને પામી શકાશે. આપણી આકાશગંગાના કેન્દ્રથી લગભગ ૩૦,૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલી શિવ અને શક્તિ બે ધારાઓ છે. શિવ કેન્દ્રની નજીક છે, જ્યારે શક્તિ સમુહ દૂર છે. એવું માનવામાં આવે છે કે મોટી આકાશગંગાનું સર્જન નાની નાની આકાશગંગાની ટક્કરથી થાય છે. ટક્કરમાં તારા અથડાતા નથી, પરંતુ તારાઓનો સમુહ મળે છે અને નાની આકાશગંગાનું મોટી આકાશગંગામાં વિલીનીકરણ થઈ જાય છે. મોટા ભાગના તારાઓ વિલય પછી પણ મૂળ આકાશગંગાની કોણીય ગતી અને દિશા સાથે સંકળાયેલા મૂળભૂત ગુણ જાળવી રાખે છે. તારાઓની સ્થિતિ, અંતર અને ગતિનું આકલન કાઢીને જાણવા મળ્યું છે કે શિવ અને શક્તિ બંને અલગ અલગ આકાશગંગાઓના અવશેષ છે, જેમણે એક થઈને શંભવત આપણી પૃથ્વીની આકાશગંગા મંદાકિનીના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સંશોધનકારીઓએ યુરોપિયન સ્પેસ એજન્સીના ગાઈયા દુરબીનથી ઉપલબ્ધ કરાવેલા ડેટા અને યુએસ સ્લોઅન ડિજિટલ સ્કાય સર્વેના આંકડાને ભેગા કરીને એવું જાણવા મળ્યું કે શિવ અને શક્તિના તારાઓની કોણીય ગતિ આકાશગંગાના કેન્દ્રમાં સ્થિત તારાની સરખામણીમાં વધુ છે. નવા તારામાં ધાત્વિક તત્ત્વ વધુ હોય છે, જ્યારે આમાં ઘણું ઓછું હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે આનું નિર્માણ ઘણું પહેલાં થયું હશે. શક્તિ અને શિવ શ્રૃંખલાના તારાનું રાસાયણિક બનાવટ ૧૨-૧૩ અબજ વર્ષ પહેલાં જન્મેલા તારાઓ જેવી છે. આ તારાઓમાં લોખંડ, કાર્બન, ઓક્સિજન અને અન્ય ભારી ધાતુનું પ્રમાણ ઓછું છે. આ ધાતુઓ તે તારાઓમાં હાજર હતી જે બ્રહ્માંડના નિર્માણની શરૂઆતમાં બન્યા હતા. જ્યારે જૂના તારાઓનું જીવન પુર્ણ થયું અને તેઓ તૂટ્યા ત્યારે આ તત્ત્વો આખા બ્રહ્માંડમાં વિખેરાઈ ગયા હતા. આ વિશ્લેષણ એવું છે કે જેમ કોઈ જગ્યા પર એક એવી વસ્તીના અવશેષો મળવા જે આજે વિકસિત થઈને મોટું શહેર બની ગયું છે. આકાશગંગાઓ સતત બદલાતી રહેતી હોય છે. તારાઓનો જન્મ થયા બાદ તેમાં અનેક મોટા ફેરફાર થઈ ચૂક્યા છે.
આપણે જાણીએ છીએ કે આકાશગંગાઓ આજે પણ બની રહી છે અને મળી રહી છે. આકાશગંગાના ટકરાવાની અને વિલીન થઈને નવી આકાશગંગા બની હોવાના અનેક દાખલા છે.
શક્તિ અને શિવની શોધ આપણી આકાશગંગાના ભૂતકાળના જટિલ વિગતોને ખોલવામાં, તેની રચના અને અન્ય ઉત્ત્પત્તી બાબતે વ્યાપક જાણકારી આપવા ઉપરાંત તેના વિકાસ અને આકાર સાથે સંકળાયેલી પ્રક્રિયાની અમુલ્ય જાણકારી આપશે.
લેખક વિજ્ઞાન વિષયના જ્યેષ્ઠ
પત્રકાર છે.
-ઈમેજ રિફ્લેક્શન સેન્ટર