ઉત્સવ

સર્જકના સથવારે : ગરવા- ગંભીર- સરળ ને સૌમ્ય શાયર સગીર…

આપણા શરૂઆતમાં સમર્થ શાયર રતિલાલ ‘અનિલ’ લખે છે કે મુંબઈ મુશાયરા પ્રસંગે ગયો ત્યારે શાયર ‘નસીમ’ અને શાયર ‘સગીર’ જેવા પીઢ સૌજન્યશીલ વડીલ શાયરોને મળ્યો હતો. અનિલે આ બે નામ આપ્યા તે આપણા ગઝલ પ્રારંભના પાયાના પથ્થર છે આપણે આ બન્નેની વાત વારાફરતી કરીશું.

ગુજરાતી ભાષાના મહાન વિવેચક રામપ્રસાદ બક્ષીએ ‘સગીર’ વિશે વાત કરતાં કહ્યું છે કે ‘ગરવી અને ગંભીર, સરલ અને સૌમ્ય-એવી છે ભાઈશ્રી સગીરની પ્રકૃતિ અને એવી છે એમની ગઝલો.’
સગીર મુશાયરામાં પેશ થાય ત્યારે બધા જ ઉપસ્થિત શાયરો અને શ્રોતાઓ બાઅદબ સલામી આપે. મુશાયરામાં એમનું ગઝલ પઠન આવેશ વિના, ઉમળકાના ઉછાળા વિના, એમના ખ્યાલની ખૂબીથી સાંભળનારાની દાદ પામે, વાહ વાહ મેળવે.

ગુજરાતમાં, ગુજરાતીમાં ગઝલને લોકપ્રિય બનાવવામાં શયદાને સગીરનો સાથ હતો. ગઝલ માટેનો એમનો પ્રેમ અને પક્ષપાત કેવો હતો તે ઈ.સ. ૧૯૫૧માં પ્રકટ થયેલો એમની ગઝલોનો પહેલો સંગ્રહ-‘સગીરની ગઝલો’ એમાં આપેલી રચના ‘ગઝલ’ પરથી જાણવા મળે છે:
આ અરબ ઈરાન ને ઉર્દૂ તણી,
થૈ ગઈ ગુજરાતને પ્યારી ગઝલ

  • *
    સર્વ ભાષાઓની ઓઢી ઓઢણી
    દેહથી નિજના ગઈ દીપી ગઝલ
    તુજને ઓ ગુજરાત લોહીથી લખી,
    ભેટ આપે છે ‘સગીર’ નિજની ગઝલ
    ‘સગીરની ગઝલો’ પુસ્તકમાં ૫૪ ગઝલ છે ત્યારે પણ ગઝલનો વિષય માત્ર પ્રેમ-ઈશ્ક નહોતો રહ્યો હા, પાર્થિવ પ્રેમ એટલે પ્રિયજન પ્રત્યેનો સ્નેહ એટલે ઈશ્કે-મિજાજી અને તેમાં ગર્ભિત તત્ત્વજ્ઞાન એટલે ઈશ્કે-હકીકી તો ગઝલના સનાતન વિષયો છે, પણ કહેવાની રીત અને પ્રતીકો, રૂપકો અને ઉપમાઓ બદલાતા રહે છે. અલબત્ત, ભાષા પણ સંયરતી રહે છે. પહેલા ચમન, ગુલ, બુલબુલ, શમા, પરવાના જેવાં પ્રતીકો પ્રમોજાતા પણ પછી જીવનના સુખ-દુ:ખ, દોસ્તી અને દુશ્મનીના વિષયો આત્મા સાથે સાથે જિંદગી અને મૃત્યુનાં રહસ્યો પણ વિષય તરીકે આવ્યા. આવા વિષયો અને એને રજૂ કરતી મુલાયમ ભાષા સગીરની ગઝલોમાં નજરે પડે છે. પરંપરાગત પ્રતીકોની પંગતમાં ઘૃણા, હૃદયદ્વાર, પ્રતિજ્ઞા, ઉન્નતિ, પ્રણય ભાષા, ત્રિકાળ જેવા શબ્દો પણ અધિકારની રૂએ નજરે પડે છે:
    આંખ દોષિત કે રૂપ દોષિત છે
    આ તો અઘરો હિસાબ છે બિલકુલ
    રજકણને સંબોધીને શેર કહ્યો છે જે
    અણુએ અણુમાં વસેલા વિરાટના દર્શન કરાવે છે:
    ઊડે ન ગગનમાં તું, ગગન તુજ મહીં ઊડે
    ઓ રજ ! હું દઉં એટલો વિસ્તાર અહીં આવ!

એમની ગઝલોનો ભાવ છાનો રાખવાની કોશિશ છતાં છાનો ન રહે એવી એમની ઈબાદત છે અને તેથી જ એમણે કહ્યું છે :
મેં ચાહ્યું ઘણું કે રહે ભાવ છાનો
સમજદાર સમજી ગયા મુજ કવનમાં
એમના શાયરીમાં નેક સમજદારી છે, ઈન્સાનિયતનો પક્ષપાત છે, દિલની દિલાવરી છે અને મોઘમ ઈશારા છે:
ચિતારો ચીતરે છે દિલ હશે આકાર એ કેવળ
તમન્તા હોય દિલમાં, દિલના નકશામાં નથી હોતી.
**
હું સમજી વાત એ લઉં છું, જે વત્યામાં નથી હોતી
મઝા જે શબ્દ — છે, વ્યાખ્યામાં નથી હોતી.

સગીરનો જન્મ મુંબઈમાં થયો હતો. વીસમી સદીની શરૂઆતમાં એટલે ૧૯૦૧માં જન્મ. એમનું મૂળ વતન કચ્છ. આખું નામ હતું ગુલામહુસેન મહમદ સગીર . એ સ્વભાવે ખૂબ જ સાલસ, બધાના પ્રતિપાત્ર અને આદરણીય હતા. નમ્રતા, નિખાલસતા અને સાદગી એમના વ્યક્તિત્વમાં શ્ર્વાસની જેમ વણાઈ ગયા હતા. જુઓ આ શેર:
ઘૃણાથી મને જોઈને જાનાર અહીં આવ
દૃષ્ટિથી હું દૃષ્ટિને કરું પ્યાર અહીં આવ
બાળપણમાં રમતિયાળ અને તોફાની એથી શિક્ષણમાં જાજું મન લાગેલું નહીં, પરંતુ એમના કાકા વિદ્વાન હતા એટલે એમણે ભત્રીજામાં ખૂબ રસ લઈને વાંચનનો નાદ લગાડ્યો. એમણે નાટકો પણ લખ્યાં હતાં.
આમ તો ૧૪-૧૫ વર્ષે કવિતા લખવાની શરૂઆત કરી ઉપનામ ‘સગીર’ સ્વીકાર્યું અને જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી એ ગઝલમય જ રહ્યા. જિંદગીના સાતમાં દાયકામાં લખાયેલી કેટલીક ગઝલોના શેર માણીએ…

પ્રણય ભાષા અનોખી છે, નથી મહોતાજ શબ્દોની
ન એ ઉચ્ચાર માગે છે, ન એ ઉદ્ગાર
માગે છે


ન છે પ્રશ્ર્ન સીધો, ન ઉત્તર છે સીધો
છે કૈં મારા મનમાં, છે કૈં એના મનમાં


સગીર એના દિલાસામાં છુપાઈ છે અદાવત પણ
મને એ ઘાવ કરવાને દીધે છે સાંત્વન પહેલાં


પ્રશ્ન પર મારા એની ખામોશી
મનને ગમતો જવાબ છે બિલકુલ


નિજની સાથે ધીરે ધીરે એમને ભૂલી ગયો
પ્રેમમાં બન્ને ગુમાવ્યાં ધ્યાન પણ ને ભાન પણ


કેમ આવ્યો, કેમ બેઠો, કેમ હું ચાલ્યો ગયો.
પારખી તેઓ શક્યા ના મારું મન છેવટ સુધી.


શ્ર્વાસો તો ઓછા થાય છે પ્રત્યેક પળ મહીં
પડતો નથી ફરક કાંઈ જીવનના ભારમાં


જીવનભરની પછી એને અમરજ્યોતિ મળી જાશે
તમારા દિવ્ય દર્શન મુજ નયન પખવાર માગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button