ઉત્સવ

ઉપર ઉડવાના ઉધામા!

શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ

મારી હેસિયત જાણું છું. માટે જિંદગી ટે્રનમાં જ મુસાફરી કરી છે. પહેલાં થર્ડ-ક્લાસમાં કરતો, આજકાલ સેક્નડ ક્લાસમાં. એમાં મારો વાંક નથી. ટે્રનના ડબ્બાનું સ્ટાન્ડર્ડ ઊંચું થઈ ગયું છે, આપણું તો હજી યે એનું એ જ છે! આવા ગરીબ માણસને અચાનક એરોપ્લેનમાં બેસવાનો મોકો મળે તો શું થાય? મારા માટે પ્લેન, એ ચીજ છે જેને નીચે ધરતતી પરથી ઉપર ઉડતા જોઉં. એ નહીં કે જેમાંથી હું નીચે જોતો હોઉં!

શું છે કે રેલવેનું પ્લેટફોર્મ ને વેઈટિગ રૂમ મને મારાં ઘરનું આંગણું જ લાગે. આપણાં જેવા મિડલ-ક્લાસના લોકો કે જેમનાં ઘર, ટે્રનના ડબ્બા જેવા સાંકડા હોય, એમને ટે્રનના ડબ્બાને પોતાનું ઘર માની લેવામાં જરાયે વાર ના લાગે. એરપોર્ટના વેઈટિગ રૂમમાં તો માથાદીઠ ચાર્જ આપવો પડે. અરે, જે દેશમાં પ્રેમ એટલી હદ સુધીનો હોય કે એક જણાંને ટે્રનમાં મૂકવા ચાર-ચાર લોકો આવે ને ડબ્બામાં સીટ અપાવ્યા વગર ધરાર પાછા જ ન જાય, એ દેશમાં એરપોર્ટમાં ઘુસવાના પૈસા દેવાનાં? ને પછી યે પ્લેનની નજીક ના જવાય- એ આપણી સંસ્કૃતિ અને અર્થશાસ્ત્ર બેઉની વિરૂદ્ધની વાત છે. કદાચ એટલે જ કોઈ મને એરપોર્ટ મૂકવા નહીં આવ્યું હોય!

બીજુ બધું છોડો, હું તો એરપોર્ટ પર પાન ખાવા બેબાકળો થઇ ગયો. એરપોર્ટમાં દુનિયાભરની દુકાનો હતી પણ એક પાનનો ગલ્લો પણ નહીં? એ તો ભલું થાય, એક ગુજરાતી કપલનું કે જે પાન-મસાલાનો ડબ્બો સાથે લાવેલું. એ ગુજજુ કપલ જ્યારે જ્યારે, ડબ્બો ખોલે કે હું હાથ લંબાવું. મુંબઈથી જે દોસ્તી થઈ, એ વડોદરા સુધી રહી.` કેમ છો?’થી શરૂ કરીને આવજો’ સુધી-એક પાનનાં કારણે!

શું છે કે ટે્રનમાં મુસાફરો સામસામે બેસે. સામે સુંદર છોકરી હોય તો તમે આંખ પણ મેળવી શકો. ટે્રનમાં મુસાફરી લાંબી હોય છે એટલે જરા ટ્રાય મારો તો વાત આગળ વધી શકે. પ્લેનમાં તો એકની પાછળ એક સહુ એમ બેઠા હોય છે જાણે કે થિયેટરમાં ફિલ્મ જોવા બેઠા ના હોય! બહુબહુ તો તમે સામેની 2 એરહોસ્ટેસને જોઇ શકો. જો કે એમને ઘુરવાના પૈસા ટિકિટમાં ગણેલા જ હોય છે, એટલે હું તરત બેઉને ઘુરવા માંડ્યો. એમના મોં પર સતત એક ધંધાડુ સ્માઈલ હતું. જે સુંદરી, બધાંને જોઈને હસતી હોય, એની સામે જોઇને હું શું કરી લેવાનો? એ નમસ્તે'કેધન્યવાદ’ કહેતી ને પ્લેનમાંથી ઊતરીએ ત્યારે `શુભ-યાત્રા’ વગેરે બોલે રાખતી.

સાલું, ટે્રનમાં આપણને કોઈએ આવું નથી કહ્યું. જ્યારે જ્યારે અમે ટે્રનમાંથી ઊતરીને બહાર આવીએ ત્યારે ત્યારે ટિકિટ-ચેકર અમારી સામે શંકાની નજરે જ જોતો કારણ કે શકલથી અમે સદાય `વિના ટિકિટ વાળા’ જ લાગીએને? પણ પ્લેનમાં સાવ ઊંધું. જ્યારે ઊતરી રહ્યા હતા ત્યારે એર-હોસ્ટેસ હસીને વિદાય આપી રહી હતી. સાચું કહું, મને એ જરાય ગમ્યું નહીં. અરે, અમે જઈ રહ્યા છીએ તો એમાં ખુશ થવાનું? હે સુંદરી, તો તું અમને તારા પોતાના માનતી હોય તો અમે જ્યારે જઈએ ત્યારે ઉદાસ થા, શું અંદર અમે તને એટલા બોર કરતા હતા કે અમારા જવા પર આટલી ખુશ? ટે્રનમાં તો તમે ડબ્બામાંથી ઉતરો કે ટે્રનમાં ચઢવાવાળા, પહેલા તો તમને બહાર ના જવા દે, કૂલીઓ સામાન ઉપાડવામાં મોડું કરે, પછી પ્ટફયતમયી ટિ.સી. જવા ન દે.

વળી, પ્લેનમાં તો બસ દિલ થામીને, પટ્ટો બાંધીને, ઉપર વાદળોને જોતા રહેવાનું. થૂંકવા માટે બારી યે ન ખોલી શકાય. અમને તો ભૈ, પડોશી સાથે ગપ્પા મારવાની ટે્રનવાળી આદત. પ્લેનમાં હું જ્યારે પડોશી સાથે વાત કરવા ગયો કે ત્યારે એરહોસ્ટેસે આવીને કાનમાં નાખવા રૂ ને મોંમા ચૂસવા ટોફી આપી. માટે ના તો તમે સાંભળી શકો કે ન તો બોલી શકો. વળી, ભારતીયોની આદત છે કે ધરતીથી જરા ઉપર ઉઠ્યા કે બધાં તરત અંગ્રેજી બોલવા માંડે.

પ્લેનમાં ઘૂસતા જ બધાં અંગ્રેજી ભરડવા માંડે. જાણે કે એમના અંગ્રેજી બોલવાથી જ પ્લેન સ્પીડ પકડતું હશે. હું તો ભૈ, મોંમાં ચોકલેટ રાખીને અંગ્રેજી ન બોલી શકું, હોં. મારું અંગ્રેજી ખરાબ હોવાનું કારણ જ એ છે કે નાનપણમાં હું નક્કી ના કરી શક્યો કે ચોકલેટ ચૂસું કે અંગ્રેજી બોલું? બાજુવાળાએ કંઈક કહ્યું તો મેં ખાલી સ્માઈલ આપ્યું કારણ કે કાનમાં રૂ હતું ને મોંમાં ચોકલેટ. મેં ચોકલેટ પૂરી પણ નહોતી કરી કે એરહોસ્ટેસ ખાવાનું લાવી. મેં ચોકલેટ ચાવીને ગળે ઉતારી ને તરત કેક ખાવા માંડ્યો. આકાશમાં આવા મોટા જમણવાર ચાલતા હશે, એની મને કલ્પના યે નહોતી. મેં તો નીચેથી, પ્લેન ઊડતા જોયા છે પણ ત્યારે કલ્પના યે નહોતી કે એમાં બેઠેલાઓ ટોસ્ટ ખાતા હશે ને એયે મફતમાં!

અરે, એર-ઇંડિયા' છે તો ભારતીય બનોને? જેમ કે- ટે્રનની જેમ, એક છોકરો કપ ખખડાવતો આવેને બરાડે:ચાય ગરમ…ચાય ગરમ…’ જોઈતી હશે તો પૈસા આપીને લઈશું. એ જ રીતે ચોકલેટ, કેકવાળો પણ આવે ને જાય. પ્લેનમાં તો સત્યનારાયણની કથાના પ્રસાદની જેમ મફતમાં જે આપે તે લઇ લેવાનું! આપણને ના જામે. એરહોસ્ટેસે મને પૂછ્યું, વુડ યુ લાઈક ટી ઓર કોફી?', ત્યારે મન થયું કે કહી દો:બહેન, તમે રહેવા દેને, ઘરેથી પીને જ આઇવો છું.’ પણ આસપાસ બધાં જ પી રહ્યા હતા તો મેં ય ચા પીધી. મારા બેટાં, કેટલાંકે તો બે-બે વાર ચા-કોફી ઠપકારી. `માલ મુફ્ત, દિલે બેરહમ, તો લગાઓ કપ પર કપ.’-એમ લાળ તો મારી યે ટપકી પણ ભારતીય સંસ્કાર કોઇ ચીજ છેને? હું ભૂલથી સંસ્કૃતિને સાથે લઈને ગયેલો! એટલે જ કહે છે ને કે એકસ્ટ્રા વજન લઈને પ્લેનમાં જવું નહીં.

મારી બાજુવાળો છાપું વાંચતો હતો. મને થયું, વચ્ચેનું પાનું ખેંચી લઉં. ટે્રનમાં આમ જ ચાલેને? એક છાપાનાં પાનાઓ છૂટા કરીને આખો ડબ્બો, વાંચી લે. હું એમ જ કરવા જતો હતો પણ એટલામાં એરહોસ્ટેસ મને આખું છાપું આપી ગઈ. હું છાપું વાંચવા લાગ્યો. મેં જોયું કે આખું પ્લેન, અચાનક કોઇ લાઇબ્રેરીમાં ફેરવાઇ ગયેલું! બધાં એમ વાંચી રહ્યા હતા કે જાણે અંગ્રેજી છાપું ક્યારેય વાંચ્યું જ ના હોય! હું તો જરા જરા માથું ઊંચું કરીને એરહોસ્ટેસને જોઈ લેતો પણ જ્યારે જ્યારે હું જોતો, એ બીજી તરફ જોવા માંડતી. ટે્રન હોત તો આવું ન થાત. તમારી સીટની સામે સુંદર છોકરી હોય તો આટલીવારમાં તો હું એની સાથે ગપાટાં મારવા લાગ્યો હોત.
ક્યાં જાવ છો?' લખનૌ.’

તો ઝાંસીમાં ટે્રન બદલવી પડશે.' હા.પણ ખબર નહીં એ ટે્રનમાં જગ્યા મળશે કે નહીં?’
અરે, `નહીં કેમ મળે? હું પણ ઝાંસી જ ઊતરી રહ્યો છું. ટે્રનમાં જગ્યા અપાવીને જ જઈશ. ઝાંસીમાં મારી ઘણી ઓળખાણ છે.’..ને પછી સંબંધનો સિલસિલો એવો જામે કે જે લાંબો ચાલે. પ્લેનમાં આ સુખ ક્યાં? એરહોસ્ટેસ ક્યારેક રસ્તા પર મળી જાય તો ઓળખશે ય નહીં કે આ એ જ માણસ છે, જે એક દિવસ અઢી કલાક મારી સુંદરતાને તાકતો હતો.

 પ્લેનમાં એક ભીનું પેપર નેપકીન આપ્યું! મેં સહપ્રવાસીને પૂછ્યું, `આનું શું કરવાનું?'

એણે કહ્યું, `ચહેરો ફ્રેશ કરવા માટે.’

બસ ત્યારથી એ ખિસ્સામાં લઈને ફરું છું. પણ ક્યારેય આ થોબડાને ફ્રેશ કરવાની જરૂર જ નથી પડતી. અરે, આટલી મોંઘી ટિકિટ લઈને પ્લેનમાં પણ એરહોસ્ટેસે મારી સામે જોયું નહિં તો રસ્તે ચાલતી છોકરી શું કામ જોવાની? ટે્રનની મુસાફરી પછી થાક લાગે, શરીરમાં દુ:ખે ને લાગે કે મુસાફરી કરી! પ્લેનની મુસાફરીમાં તો લાગ્યું કે કોઈ મને પાર્સલ કરીને મોકલે છે! અરે, અમે અત્યાર જ સુધી સીટ માટે ઝઘડ્યા વિના ટે્રનમાં મુસાફરી કરી જ નથી. પ્લેનમાં કોની સાથે ઝઘડીએ ને શેનાં માટે? અમારા માટે તો મુસાફરી એટલે : સંઘર્ષ, જીત ને નવી પ્રેમકથા! એટલે ભવિષ્યમાં પ્લેનમાં મુસાફરી નહીં જ કરીએ. બીજું મેઇન કારણ, આજકાલ પ્લેનની ટિકિટ બહુ મોંઘી છે! ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…