ઉત્સવ

શાન્તિરેવ શાન્તિ:

વિશેષ

એચ. વાળા

પરમ પણ પરમને પામો. શૂન્યતા સંપૂર્ણ શૂન્યતાને પ્રાપ્ત થાવ. પૂર્ણ પણ પૂર્ણ થાવ. સત્ય સંપૂર્ણતામાં સત્યને પામો. પ્રકાશ પ્રકાશિત થાવ. અમરતા અમરતાને પ્રાપ્ત કરો. સિદ્ધિ સ્વયં સિદ્ધિને પામે. ભક્તિ સ્વયં ભક્તિ થકી આરાધના કરે. પાવક અગ્નિ પણ પાવક થાવ. દૈવત્ત્વ પણ દૈવત્ત્વને પામે. શુભનું પણ શુભ થાવ. આજ આજે જ પ્રગટ થાવ. આકાશ આકાશપણાને અને જળ જળપણાને આધીન થાય. પ્રકૃતિનું પ્રત્યેક હકારાત્મક અંગ હકારાત્મકતાને પામો. આ પ્રક્રિયાથી જ નકારાત્મકતાનો સંપૂર્ણ ક્ષય થાય. આવો સંપૂર્ણ ક્ષય આવી સંપૂર્ણ ક્ષયતાને પામો. શાંતિ પણ તે શાંતિને પામે.

શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણની આરાધના કરો. શ્રીરામ શ્રીરામમય થાવ. કલ્યાણ સ્વરૂપ શિવ સ્વયં કલ્યાણને પામે. શક્તિ શાક્ત પરંપરામાં તલ્લીન થાવ. ગુરુ તત્વ ગુરુતાને પામે. ધવલતા ધવલતા ને પ્રાપ્ત થાવ. મા ગંગા સ્વયં માટે પણ પાવનકારી થાઓ. મા જગદંબા પોતાની જ પ્રકૃતિનો આશ્રય કરી તે પ્રકૃતિને પામો. આત્મા સ્વયંમાં પરોવાઈ તે આત્મામાં જ લીન થઈ જાવ. સ્વયં પરમાત્મા તે પરમાત્માપણાને પામો. વિશ્ર્વનું પ્રત્યેક તત્ત્વ-વિશ્ર્વની પ્રત્યેક શક્તિ સ્વયંને પ્રાપ્ત કરી પોતાની યથાર્થતા તથા સંદર્ભિકતા સંપૂર્ણતામાં સિદ્ધ કરો. શાંતિ પણ શાંતિને પામો.


પૂર્ણતામાં પ્રવેશવાનો આ અનેરો અભિગમ છે. કોઈપણ બાબત પૂર્ણતાને ત્યારે જ પામે જ્યારે તે સ્વયં તે બાબતને પામે. અન્ય અસત્ય બાબતોની સરખામણીમાં સત્ય પૂર્ણ સ્વરૂપે યોગ્ય ભાસે, પણ એ સત્ય જો સત્યથી અળગું હોય તો ક્યાંક અસત્યનો અંશ રહી ગયો હોય એમ જણાય.


વિશ્ર્વમાં સંપૂર્ણ અંધારું ક્યાંય નથી હોતું. કોઈને કોઈ સ્વરૂપે પ્રકાશનું કિરણ સીધું કે પરાવર્તિત થઈ તે સ્થાને પહોંચી જ શકે છે. વિશ્ર્વમાં એવું એક પણ સ્થાન નથી જ્યાં સંપૂર્ણ નિરવતા-ધ્વનિ શૂન્યતા પ્રવર્તતી હોય. યુગો પહેલા બોલાયેલો શબ્દ પણ સંસારમાં સતત ભ્રમણ કરતો રહે છે. આ શબ્દ અતિ ક્ષીણ થઈ જાય પણ ક્યારેય નાશ ન પામે. કોઈપણ ચલિત પદાર્થ ક્ષણના હજાર ગણા ભાગમાં તો સ્થિર જ હોય છે, તેવી જ રીતે કોઈપણ સ્થિર પદાર્થ બ્રહ્માંડના ઇતિહાસમાં ક્યારેક તો ચલિતતા પામે જ છે. શાશ્ર્વતતામાં કશું જ સ્થિર નથી કે કશું જ ચલિત નથી, અથવા બધું બધું જ સ્થિર છે અને બધું જ ચલિત પણ છે. સ્થિરતાનો ભાવ પૂર્ણતામાં સ્થાપિત કરવા માટે તે સ્થિરતા સાથે પણ સ્થિરતાનો ભાવ જોડાવો જોઈએ. આ પ્રમાણે એક ભાવાત્મક સ્થિરતા ઊભી થાય જેનાથી અસ્થિરતાનો ભાવ સંપૂર્ણપણે નાશ પામે. દરેક બાબતની પૂર્ણતા સમજવા તેની સાથે ભાવાત્મક પૂર્ણતા જોડવી પડે. શાંતિ સાથેની આવી ભાવાત્મક પૂર્ણતાથી તે શાંતિ પણ શાંતિને પામે. ભાવાત્મક સંપૂર્ણતા માટે સંપૂર્ણતામાં ભાવ ઉપજવો જરૂરી છે.
માત્ર બુદ્ધિથી વિચારનારાઓ સંસારના ઘણા સત્યથી વેગળા રહી જાય છે. તેમના વિચારો ત્યાં સુધી જ પહોંચે છે જ્યાં સુધી પહોંચવાની બુદ્ધિ મંજૂરી આપે. તેમની બુદ્ધિ આંખે દેખેલા અહેવાલ પર આધારિત હોય છે અને તેનાથી આગળ વિચારવાનું તેઓ વ્યર્થ ગણે છે. પણ સાથે સાથે તેઓ એમ પણ માનતા હોય છે કે આંખ હંમેશાં સત્ય જોતી હોય છે એમ નથી અને આંખ બધું જોવા સમર્થ પણ નથી હોતી. છતાં પણ તેમના તર્ક આંખે જોઈતી વસ્તુઓ ઉપર જ આધાર રાખે છે અને તેથી ગુઢ રહસ્યોથી તેઓ વિમુખ રહી જાય છે. અમુક તબક્કા સુધી આ બરાબર છે, પણ તેમણે એ સમજી લેવું જોઈએ કે તેમની બુદ્ધિની ક્ષમતા સ્થૂળ વિશ્ર્વને આધારિત છે. સૂક્ષ્મ વિશ્ર્વ તથા કારણ વિશ્ર્વને સમજવા માટે જે સંવેદનશીલતા તથા તીક્ષ્ણતા જરૂરી છે તેને તેઓ પામી શકતા નથી. સફેદને સફેદ કરવાની જરૂર છે તે બાબત તેઓ સ્વીકારી ન શકે, ભલે તેઓ એમ સ્વીકારતા હોય કે સંપૂર્ણ સફેદી શક્ય નથી. આ બંને સ્વીકારનો સમન્વય કરતા એમ તો જણાય જ કે સફેદ ને સફેદ કરવાની જરૂર છે તેમ શાંતિને શાંતિ આપવાની જરૂર છે.
મૂળ તત્ત્વને પામવા માટે-મૂળ ગુણધર્મને પામવા માટે તે મૂળતામાં લુપ્ત થવાની જરૂર છે. સંસારનું પ્રત્યેક તત્ત્વ કોઈને કોઈ સ્વરૂપે પ્રદૂષિત થયેલું છે. આ તત્ત્વ ભૌતિક હોય કે વૈચારિક, તેની સંપૂર્ણતા આ સૃષ્ટિમાં અસંભવ છે. પ્રત્યેક અસ્તિત્વ કોઈને કોઈ પ્રકારના બંધનમાં અટવાયેલું છે. આ બંધન એટલે જ મલીનતા, આ બંધન એટલે જ અશુદ્ધિ, આ બંધન એટલે જ પૂર્ણતાનો અભાવ. નર સાથે જ્યાં સ્વયં નારાયણે પણ તપ કરવું પડે ત્યાં એ તો સમજવું જ પડે કે નારાયણને પણ નારાયણતાના આશરે જવું પડે. આ એક અગત્યનો સંદેશ છે. કોઈપણ વ્યક્તિએ એવી હવામાં નથી રહેવાનું કે જે તે પ્રકારના અહંકારનું કારણ બને. ઇતિહાસ સાક્ષી છે કે ચોક્કસ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી સિદ્ધ સ્વયં તે સિદ્ધિના બંધનમાં સપડાય. આમ સિદ્ધિ બંધન કર્તા બની શકે. સત્ય પણ ચોક્કસ પ્રકારનું બંધન ઊભું કરી શકે. અહિંસાનો ચમરસીમા જેવો લગાવ ક્યાંક સૂક્ષ્મ સ્તરે હિંસાનું કારણ બની જાય. બધા જ શુભ ભાવો સાધન સમાન છે અને આવા પ્રત્યેક સાધનની શુદ્ધિ જરૂરી છે. આવી શુદ્ધિ માટે જે તે સાધનનો ક્યાંક સ્વયંનો જ ઉપયોગ કરવો પડે – કારણ કે ત્યાં અન્ય બધા જ પ્રકારના સાધનો ક્ષય પામી ચૂક્યા હોય છે. જ્યાં કશું જ બાકી ન હોય ત્યાં તલવારથી જ તલવારની ધાર કાઢવી પડે. જ્યાં કશું જ બાકી ન હોય ત્યાં શાંતિ એ જ શાંતિ પામવી પડે. પૂર્ણતા ત્યારે જ પમાય જ્યારે પૂર્ણતા સ્વયં પૂર્ણતાને પામે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button