ઉત્સવ

શાહજાદો અકબર, એના સેનાપતિ અને સૈનિકો રાજપૂતોથી ફફડતા હતા

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

દુર્ગાદાસ રાઠોડ જેવા બહાદુર, જૂના અને જાણીતા શત્રુ સાથે હાથ મિલાવવાનું શાહજાદા અકબરે શા માટે પસંદ કર્યું? આ સત્તાકીય શીર્ષાસનના મૂળમાં ઘણાં બનાવો હતા. જેણે અકબરની માનસિકતા બદલી નાખી હતી.

એક તો ચિતોડના યુદ્ધમાં નિષ્ફળતા બાદ ઔરંગઝેબે અકબરને હટાવીને ત્યાં અન્ય શાહજાદા આઝમને નિયુક્ત કર્યો. ઔરંગઝેબે માટે એકને બદલે બીજા દીકરાને મોકલ્યો, પરંતુ રાજકીય, લશ્કરી અને વહીવટી આલમમાં અકબરનું રાજકીય-શાસકીય જ નહીં રજવાડી વજન પણ ઘટી ગયું. શું ઔરંગઝેબ જાણતો નહોતો કે આ રાજપૂત, રાઠોડો સાથે લડવાનું કેટલું મુશ્કેલ છે અને જીતવાનું અશક્ય છે. તો પછી પોતાની બદલી કરીને અપમાન શા માટે કરાયું?

ત્યારે અકબર ગમ ખાઈને ચૂપ બેસી રહ્યો. અપમાનિત અકબર ચિતોડથી મારવાડ ભણી જઈ રહ્યો હતો ત્યારે ઠેકઠેકાણે રાજપૂતો હેરાન કરતા જ હતા. આ દાઝ્યા પર ડામ અને ઉપર નમક ભભરાવવા જેવું હતું. એ સોજત પહોંચ્યા પછી ઔરંગઝેબ અને એના ખાસમખાસ વ્યૂહકાર ટુકડીએ નવો વિચાર કર્યો.

આ વ્યૂહને ‘શાહી યુદ્ધ’ જેવું મોટુંમસ નામ અપાયું. શું હતું આ શાહી યુદ્ધમાં? બે શાહજાદાં મુઅજ્જમ અને આજમ અલગ-અલગ રસ્તેથી ગયા, જેથી શત્રુને બે દિશામાંથી ઘેરીને
હુમલો કરાય પણ બંનેના નસીબમાં ધૂળ ચાટવાનું આવ્યું.

એના પછી નવો વ્યૂહ બનાવાયો. એમાં આજમ અને મુઅજ્જમ સાથે અકબરને પણ સામેલ કરાયો. ફરી પહેલા બે શાહજાદા નાકામ રહ્યા. હકીકતમાં એ બંનેના પર્વતીય વિસ્તારોમાં આગેકૂચ કરવામાં લશ્કરના ટાંટિયા ધ્રૂજતા હતા. આ લોકો લડી કેવી રીતે શકે?

ઉલ્ટાનું એક યા બીજા બહાને તેમણે પોતાની છાવણીની આસપાસ મોટીમસ ભીંતો ચણાવી લીધી કે જેથી રાજપૂતો હુમલો ન કરી શકે. લડવાને બદલે બચવામાં રચ્યાપચ્યા રહેલા સૈનિકો યુદ્ધમાં શું કાંદા કાઢે? આમ છતાં રાજપૂતોએ ભીંતોની પરવા કર્યા વગર છાવણીઓ છિન્નભિન્ન કરી નાખી.

રાજપૂતો જબરા જોશમાં લડી રહ્યા હતા. ખુવારી ભલે થાય પણ મોગલોને નિરાંતે બેસવા ન દેવા એ એમનો યુદ્ધ-મંત્ર હતો. મોગલ સૈનિકો ડરતા, ફફડતા અને ગભરાતા હતા. લડવાને બદલે બચવાનો, જીવતા રહેવાનો વિચાર કરતા હતા. આમ છતાં ઔરંગઝેબ કંઈ જ માનવા-સમજવા તૈયાર નહોતો.

તેણે આદેશ છોડયો કે હવે અકબર અને તહબ્બર ખાન તાત્કાલિક કુંભલગઢ પહોંચી જાય, પરંતુ ‘તાત્કાલિક’ શબ્દને જરાય ગંભીરતાથી ન લેવાયો. માત્ર મોગલ સૈનિકો જ નહીં, તહબ્બર ખાન ખુદ આખી સેના સાથે ખૈરવાનાં રોકાઈ ગયા. એટલું જ નહીં આગેકૂચ કરવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો.

અકબરે ખૂબ સમજાવ્યા અને દબાણ કર્યું, ત્યારે માંડ તહબ્બર ખાન આણિ મંડળી આગળ વધીને નાડૌલ પહોંચી. મન પર ભય તો છવાયેલો જ હતો. આ તરફ અકબર સોજતથી નાડૌલ જવા નીકળ્યો પણ એકાદ મહિનો ખૈરવામાં રોકાઈ ગયો. ટૂંકમાં કોઇનું મન માળવે જવાનું જ નહોતું. આમાં યુદ્ધ જીતાય ક્યાંથી?

અકબર નાડૌલ પહોંચ્યો, ત્યાં નવી ઉપાધી રાહ જોઈ રહી હતી. તહબ્બર ખાને કુંભલગઢ જવા માટે પર્વતીય માર્ગ ઓળંગવાનો નનૈયો ભણી દીધો. એને શાબ્દિક રીતે ઠમઠોર્યા બાદ અકબરે વધુ બાર હજાર સૈનિકો આપીને રીતસર આગળ વધવા માટે ધક્કો માર્યો, પરંતુ પોતે તો નાડૌલમાં જ રોકાઈ ગયો.

વિચારો કે આ જાણીને તહબ્બર ખાન અને એના સૈનિકોના મન પર શી વીતી હશે? શાહજાદા અકબર અને એના સૈનિકો આરામ કરે, સલામત રહે અને અમને મરવા માટે આગળ ધકેલી દીધા?
અલબત્ત, અકબરની મનોદશા ય કંઈક વિચિત્ર હતી. જે કોઈને સમજાતું નહોતું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress