શાહજહાંની ગુંડાગીરી કેન્દ્રના શાસક પક્ષની ‘કહીં પે નિગાહેં- કહીં પે નિશાના’ ની રમત ?
પશ્ર્ચિમ બંગાળના સંદેશખલીમાં હિંદુ મહિલાઓનું જાતીય શોષણ કરવાનો ને જમીનો પચાવી પાડવાનો આરોપી શેખ શાહજહાં અંતે હાથ લાગ્યો, પણ કેન્દ્રના શાસક પક્ષે એને કેમ રાજકીય મુદ્દો બનાવી દીધો છે ?
કવર સ્ટોરી -વિજય વ્યાસ
અનેક ગંભીર ગુનાઓ પછી નાસતો-ભાગતો આરોપી શેખ શાહજહાં લગભગ બે મહિના સુધી કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે સંતાકૂકડી રમ્યા પછી અચાનક સામેથી પોલીસમાં હાજર થઈ ગયો.
ભાજપે આ મુદ્દાને રાજકીય બનાવી દીધો છે તેથી મમતા બેનરજીની ‘તૃણમૂલ કૉંગ્રેસે’ શાહજહાંને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધો છે, પણ ભાજપના આક્ષેપો ચાલુ જ છે તેથી લોકસભાની ચૂંટણીમાં કમ સે કમ પશ્ર્ચિમ બંગાળમાં તો શાહજહાંનું નામ ગાજતું રહેવાનું છે એ નક્કી છે.
આમ તો શાહજહાંની ગુંડાગીરી વરસોથી ચાલે છે , પણ દેશ તરફ તેનું ધ્યાન ગયા મહિને ખેંચાયું. તૃણમૂલ કોંગ્રેસ’ નો આ માથેભારે નેતા શાહજહાં પશ્ર્ચિમ બંગાળના ૨૦ હજાર કરોડના રાશન વિતરણ કૌભાંડનો આરોપી છે, જેમાં બંગાળની મમતા સરકારના મંત્રી જ્યોતિપ્રિય મલ્લિક જેલની હવા ખાઈ રહ્યા છે. આ મલ્લિકબાબુ આરોપી શાહજહાંના પોલિટિકલ ગોડફાધર મનાય છે તેથી તપાસમાં રેલો શાહજહાં સુધી પહોંચી ગયેલો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ‘(ઈડી)’ આ મુદ્દે તપાસ કરી રહી હોવાથી ‘ઈડી’ની ટીમ ૫ જાન્યુઆરીએ રાશન કાર્ડ કૌભાંડના સંદર્ભમાં સંદેશખલીમાં શાહજહાંના ઘરે રેડ પાડવા ગઈ ત્યારે એના ટેકેદારોના ટોળાએ એવો હિંસક હુમલો કર્યો કે ‘ઈડી’ ની ટીમે ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું.
આ હુમલા બદલ કેસ નોંધાયો, પણ શાહજહાં હાથ નહોતો લાગતો. ‘ઈડી’ એને શોધવા બધે ફરી વળી પણ ૫૫ દિવસ લગી શાહજહાં
હાથ લાગ્યો નહીં. શાહજહાં માછલીઓના ધંધા સાથે પણ સંકળાયેલો છે તેથી . ‘ઈડી’ ની ટીમે પાર્થપ્રતિમ સેનગુપ્તા અને અરુણ સોમ નામના શાહજહાંના ખાસ મનાતા સી-ફૂડ એક્સપોર્ટ કરતા બે બિઝનેસમેનને ત્યાં પણ દરોડા પાડેલા, પણ શાહજહાં હાથ નહોતો લાગ્યો ને પછીએ ખુદ અચાનક જ પ્રગટ થઈ ગયો..
શેખ શાહજહાંનું હવે શું થશે એ ખબર નથી, પણ શાહજહાંના કેસે પશ્ર્ચિમ બંગાળના રાજકારણનું કઈ હદે અપરાધીકરણ થયેલું છે એ ફરી છતું કરી દીધું છે. આપણે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોનું રાજકારણ અપરાધીઓથી ભરેલું છે એવું માનીને બેઠા છીએ, પણ વાસ્તવમાં પશ્ર્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં રાજકારણનું અપરાધીકરણ અત્યંત ખતરનાક હદે વધી ગયું છે.
શાહજહાંના ઉદય અને એણે જમાવેલા સામ્રાજ્યની વિગતો જાણશો તો આ વાત સમજાશે.
શાહજહાં શેખ ૨૦૦૦ના દાયકામાં ટેક્સી ચલાવીને ગુજરાન ચલાવતો હતો. એ સિવાય નાનાં-મોટાં કામ કરતો. એના મામા મોસલેમ શેખ સીપીએમના નેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. શેખે પોતાનું રાજકીય વર્ચસ્વ ટકાવી રાખવા માટે ભાણિયા શાહજહાંને સાથે લીધો અને ગુંડાગીરીની છૂટ આપી. બંગાળમાં એ વખતે ડાબેરીઓની સરકાર હતી તેથી શાહજહાંને રોકનારું કોઈ નહોતું એટલે શાહજહાંએ ધાક જમાવી દીધી.
જો કે મમતા સત્તામાં આવ્યાં ત્યાં સુધી શાહજહાં સામાન્ય ગુંડો જ હતો, પણ મમતાએ સુંદરબનમાં માજિદ હુસૈન એટલે કે માજિદ માસ્ટરના વર્ચસ્વને તોડવા શાહજહાંને માફિયા બનાવ્યો.
ડાબેરીઓના શાસન વખતે સુંદરબન વિસ્તારમાં સીપીએમના માફિયા માજિદ માસ્ટરનો દબદબો હતો. સ્કૂલના હેડમાસ્ટર હોવાથી માજિદ માસ્ટર તરીકે ઓળખાતા માજિદ ડાબેરીઓ માટે બધાં કામ કરતો. સુંદરબનના આખા વિસ્તારમાં માજિદ માસ્ટરની ગુંડા ટોળકીની જબરી ધાક હતી.એ જમાનામાં મતપત્રકોથી ચૂંટણી થતી તેથી માજિદ માસ્ટરના ગુંડા બૂથ કબજે કરીને સીપીએમની તરફેણમાં ઠપ્પા મરાવી દેતા. પંચાયતની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, માજિદ માસ્ટરના મસલ પાવરના કારણે ડાબેરીઓની જ જીત થતી.
આ માજિદ માસ્ટરે ડાબેરીઓને ઈલેક્શન ફંડ આપવા ફિશ પોન્ડ્સનું આખું નેટવર્ક ઊભું કરેલું. માજિદે પોતાની પ્રાઈવેટ આર્મી બનાવી હતી. ખેડૂતોને ધમકાવીને એમની જમીનો પચાવી પાડવી એ એની આર્મીનું કામ હતું. માજિદ માસ્ટર ઝૂંટેલી જમીનને ફિશ પોન્ડ્સ એટલે કે માછલીઓના તળાવમાં ફેરવી નાંખતા. આ રીતેમાજિદ માસ્ટરે સીપીએમના શાસનના સાડા ત્રણ દાયકામાં લગભગ ૪૦ હજાર વિઘા જમીનમાં ફિશ પોન્ડ્સ ઊભાં કરી દીધાં હતાં. માજિદ માસ્ટર આ ફિશ પોન્ડ્સ ભાડે આપીને કરોડોની કમાણી કરતો. વિઘાનો ભાવ ૧૫ હજાર રૂપિયાની આસપાસ હતો તેથી ૬૦ કરોડ રૂપિયાની કમાણી થતી. આ પૈકી મોટા ભાગનાં નાણાં સીપીએમના નેતાઓ પાસે જતાં તેથી માજિદ માસ્ટર ડાબેરી સરકારનો માનીતો હતો..
મમતાએ સત્તામાં આવવા માટે ડાબેરીઓની ગુંડાગીરી સામે પોતાની ગુંડાગીરી શરૂ કરી. ડાબેરીઓથી થાકેલા બંગાળનાં લોકોએ ૨૦૧૧માં મમતાને બંગાળની સત્તા સોંપી પછી મમતાએ સૌથી પહેલું કામ ડાબેરીઓના ગુંડાઓને સીધા કરવાનું કર્યું. ડાબેરીઓને નાણાં આપતા ને મસલ પાવરથી મદદ કરતા ગુંડાઓ પાસે બે જ વિકલ્પ હતા. મમતાની શરણાગતિ સ્વીકારો કાં જેલભેગા થાવ.. જે શરણે થયા એ બચ્યા, બાકીના જેલભેગા થયા કે માર્યા ગયા. મમતાએ સીપીએમના માફિયા અને ગુંડાઓને ઠેકાણે પાડીને એમના બદલે પોતાના ગુંડાઓને ગોઠવી દીધા.
માજિદ માસ્ટર મમતાને શરણે આવવા તૈયાર નહોતો તેથી મમતાએ એને જેલમાં ધકેલીને પહેલો ફટકો માર્યો.
આ બાજુ પોતાના મામા માજિદ માસ્ટરની સરખામણીએ ભાણિયો શાહજહાં સમજદાર સાબિત થયો. એ મમતાને શરણે આવી ગયો તેમાં સુંદરબન એને મળી ગયું. શાહજહાંએ મમતાની મહેરબાની અને પોતાના મસલ પાવરના જોરે માજિદ માસ્ટરનાં ફિશ પોન્ડ્સ પર કબજો કરીને એનાં હપ્તા ઉપર સુધી પહોંચાડવા માંડ્યો તેમાં એનું સામ્રાજ્ય જામી ગયું. શાહજહાંએ વધતી ધાકનો ઉપયોગ બીજા ગોરખધંધા માટે પણ કરીને એકચક્રી શાસન ઊભું કરી દીધું છે. શાહજહાંએ થોડાં નાણાં ગરીબોને આપીને પોતાની ‘રોબિનહૂડ’ જેવી છાપ ઊભી કરી છે, પણ સરવાળે એ ગુંડો જ રહ્યો..
આજે શાહજહાંના મુદ્દાને ભાજપે બરાબર ચગાવ્યો છે કેમ કે શાહજહાં મુસ્લિમ છે. શાહજહાંના ગુંડા મનફાવે ત્યારે હિંદુ મહિલાઓને ઉઠાવી જઈને એમના પર બળાત્કાર ગુજારે છે એવા ગંભીર આક્ષેપો કર્યા છે. શાહજહાંના ગુંડા ‘મનરેગા’ સહિતની સ્કીમોમાં કામ કરતા મજૂરો પાસેથી ખંડણી ઉઘરાવતા હોવાના આક્ષેપો પણ ભાજપે કર્યા છે. ભાજપનો આક્ષેપ છે કે, શાહજહાંના ગુંડા હિંદુઓનાં ઘરોમાં ઘૂસીને કોઈ સ્ત્રી રૂપાળી અને યુવાન છે તેનો સર્વે કરી જાય છે. રાત પડે ત્યારે આ સ્ત્રીને ઉઠાવી જઈને એના પર બળાત્કાર ગુજારવામાં આવે છે.
આ બધા આક્ષેપોના કારણે શાહજહા ચર્ચામાં છે. અલબત્ત, ભાજપ માટે ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ જેવું છે. આ પક્ષની નજર શાહજહાં પર છે, પણ નિશાન મમતા બેનરજી છે અને શાહજહાંને મુદ્દો સળગતો રાખીને ભાજપ લોકસભાની ચૂંટણીમાં મમતાને પછાડવા માગે છે.
આમ આજકાલ પશ્ર્ચિમ બંગાળમાં લે રાજકીય ખેલ ચાલી રહ્યા છે એમાં ભાજપ કે મમતા કેટલા સફળ થાય છે એ જોવાનું રહે છે.