ઉત્સવ

સાત ફેરા પહેલાં કરવાના સાત મહત્ત્વના સવાલ

લગનગાળો શરૂ થવા પહેલાં જાણી લો કેવી રીતે યોગ્ય પાત્રની પસંદગી કરશો

વિશેષ – પ્રથમેશ મહેતા

મનુષ્યના જીવનમાં લગ્ન એ અત્યંત મહત્ત્વની બાબત છે અને આમાં થોડી લાપરવાહી લગ્ન જીવનને માટે અત્યંત મુશ્કેલીભર્યું બનાવી દેતું હોય છે. આથી જ જીવનસાથીની પસંદગી કરતી વખતે કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ તેની ચર્ચા કરીશું. સાત ફેરા લેવા પહેલાં સાત આવશ્યક સવાલ કરવા આવશ્યક છે, જેથી આગામી દિવસોમાં બંને પક્ષે વિસંવાદ કે તકલીફ ન રહે.

૧) છોકરીએ છોકરાને એક સવાલ કરવો જોઈએ કે આ કામને તમે ૧૦૦માંથી કેટલા માર્ક આપશો.

ઓફિસમાં કામ કરવું, ઘરમાં રસોડાથી લઈને બાળકોને સંભાળવા, ઘર અને ઓફિસ બંને સ્થળે કામ કરવું. કયા કામને કેટલા માર્ક આપવામાં આવે છે તેને આધારે છોકરાની વિચારધારા અંગેની જાણકારી મળી શકે છે.

૨) તમને શું લાગે છે કે રસોડામાં કામ કરવાની અને બાળકોને સંભાળવાની જવાબદારી ફક્ત પત્નીની હોય છે? તમને ઝડપથી ગુસ્સો આવે છે કે થોડી વારે? કામમાં સહયોગની અપેક્ષા કેટલી રાખો છો?

જવાબદારી સમાન હોવી જોઈએ, ખાસ કરીને જો બંને કમાતાં હોય તો. એક જ વ્યક્તિ કમાતી હોય તો બીજાની જવાબદારી થોડી વધી શકે છે. બંને વ્યક્તિ જો શોર્ટ ટેમ્પર હોય તો આગામી દિવસોમાં રિલેશનશિપ સંભાળવાનું અત્યંત મુશ્કેલ બની રહેવાની શક્યતા હોય છે. બંનેની અપેક્ષાઓ અંગે પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ.

૩) બાળકો અંગે શું પ્લાનિંગ છે? બાળકો જલ્દી કરવા માટે કોઈ દબાણ તો કરવામાં નહીં આવે ને?

આ એક અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. આજકાલ આ વિષય પર જીવનસાથીમાં વિવાદ થવાની સંભાવના ઘણી વધી ગઈ છે. એક પક્ષને બાળક જલ્દી જોઈતું હોય છે જ્યારે બીજા પક્ષને બાળકનો ઉછેર બોજ લાગતો હોય છે. તેઓ ફ્રી રહેવા માગતા હોય છે. આજકાલ તો કેટલાક એવા કપલ પણ હોય છે જેઓ બાળકને જન્મ જ આપવા નથી માગતા. આવી સ્થિતિમાં આ મુદ્દે પહેલેથી જ સ્પષ્ટતા હોવી આવશ્યક છે. બંનેની સહમતી સધાય તો પછી વિવાદનો કોઈ મુદ્દો રહેશે નહીં, પરંતુ જો એક જ પક્ષનો ફેસલો હશે તો ચોક્કસ વિવાદની સંભાવના રહેશે.

૪) પેરેન્ટ્સ સાથે રહેવું છે કે ન્યુક્લિયર ફેમિલીમાં?

લગ્ન પછી ઝઘડાનું મોટા ભાગના કિસ્સામાં આ એક મોટું કારણ બનતું હોય છે. આથી સાત ફેરા લેવા પહેલાં જ આ મુદ્દે સ્પષ્ટતા હોવી જરૂરી છે. આ જ મુદ્દે પરિવારમાં કલહ થવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે, આથી આ મુદ્દે ફક્ત છોકરા-છોકરીમાં જ નહીં તો પરિવારની સાથે પણ સહમતી આવશ્યક છે.

૫) જૂની રિલેશનશીપ હજી જીવંત છે? ના તો એનું સ્ટેટસ શું છે? શું મિત્રો/સંબંધીઓમાં ફેમિલી મેટરની ચર્ચા કરો છો? પ્રાઈવસીનું મહત્ત્વ તમારે મન કેટલું છે?

આ અત્યંત મહત્ત્વના મુદ્દાઓ છે અને આના પર વિસ્તૃત ખુલાસા સાત ફેરા પહેલાં જ આવશ્યક છે. કેમ કે જો સાવચેતી રાખવામાં ન આવે તો એવું બનવાની શક્યતા છે કે આગામી દિવસોમાં જૂની વાતે ઝઘડા વધારી શકે અને અત્યંત ગંભીર સમસ્યા નિર્માણ કરી શકે છે.

૬) કમાણીને લઈને પણ સવાલ થવા જોઈએ. કોઈને ખરાબ લાગવું ન જોઈએ. જો બંનેને એકબીજાના બેંક ખાતાને જોવાની વાત હોય તો.

આ બાબતે અસત્ય/જુઠાણાંને બિલકુલ અવકાશ ન હોવો જોઈએ. જો કોઈ મોટી લોન કે બોજ હોય તો તેની સ્પષ્ટતા પણ સાત ફેરા પહેલાં કરી લેવી જોઈએ.

૭) પહેલાંની કોઈ બીમારી, કોઈ લત વગેરે હોય તો તેને પણ ન છુપાવવી જોઈએ. પરિવારમાં પણ જો કોઈને આરોગ્ય બાબતે તકલીફ હોય તો તેની પણ ચર્ચા થવી જોઈએ. કોઈ સારવાર ચાલી રહી હોય તો જરૂર જાણકારી આપવી જોઈએ.

આમ તો આ બાબત ભરોસાની વધારે છે, પરંતુ સાત ફેરા લેવા પહેલાં આ બાબતે બંને પક્ષને એકબીજાની આરોગ્યની સ્થિતિ અંગેની સંપૂર્ણ જાણકારી હોવી જ જોઈએ. ખાસ કરીને આનુવંશિક (હેરિડિટરી) રોગની પરિવારમાં હિસ્ટ્રી અંગેની વાત હોય ત્યારે જીવનસાથીને કોઈપણ રીતે અંધારામાં રાખી શકાય નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button