સ્વ. મહારાજાની સામે મોગલ બાદશાહ રમ્યો બેવડી ચાલ
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
ઔરંગઝેબની મોગલ સેના અને મહારાજા જસવંતસિંહ પ્રેમીઓની જોધપુરની સેના ગમે તે ઘડીએ લડીને રક્તપાત શરૂ કરી દેશે એવો સીનારિયો રચાઈ ગયો હતો. હકીકતમાં તો મહારાજા જસવંતસિંહનું નિધન તો ઔરંગઝેબને સારા સમાચાર લાગ્યા. આ સાથે એ પણ ખબર પડી હતી કે મહારાજાની બબ્બે રાણી ગર્ભવતી હતી અને એટલે તેમને સતિ થતાં રોકી લેવાઈ હતી.
સ્વ. મહારાજા જસવંતસિંહનો કાફલો જમરૂદથી પેશાવર પહોંચી ગયો હતો પેશાવરમાં જ બારમાની અંતિમ વિધિ પૂરી કરાઈ. બન્ને ગર્ભવતી મહારાણીના આરોગ્ય માટે પ્રવાસ હાનિકારક હોવાથી તેમને થોડો સમય લાહોરમાં જ રાખવાનું નક્કી થયું હતું. આ સાથે જ લાહોરના રોકાણ દરમિયાન મહારાજાના સમર્થકોને ભાવિ વ્યૂહ વિશે વિચારમંથન કરવું હતું.
આ તરફ ઔરંગઝેબ ડબલ ગેમ રમવા માંડ્યો. તેણે લાહોરમાં રહેલા મહારાજાના સરદારોને ફરમાન મોકલાવ્યું કે હાલમાં મોગલ સામ્રાજ્ય આપને જૈતારણ અને સોજત આપે છે અને મહારાજાના પુત્રના જન્મ બાદ એને શાહી દરબારમાં હાજર કર્યાં બાદ જોધપુર પણ આપી દઈશું? એટલું જ નહિ, આ બધાને પેશાવરથી દિલ્હી પહોંચવાના ખર્ચ પેટે રૂા. વીસ હજાર પણ ફરમાન સાથે મોકલાવ્યા. ઔરંગઝેબ અને આટલો બધો ઉદાર! ન જ હોય એવું સૌને લાગ્યું. આ ઉદારતા વચ્ચે તેણે મેવાડનું રાજ્ય હડપી લેવાની પ્રક્રિયા શરૂ કરાવી દીધી. એની ચાલાકી જુઓ કે ઉપર લખેલું ફરમાન ઈ.સ. ૧૬૭૮ની ૩૧મી ડિસેમ્બરે મોકલાવ્યું પણ એની અગાઉ ૨૫મી ડિસેમ્બરે જ જોધપુરના શક્ય એટલા વિસ્તારો પર કબજો જમાવવાની સૂચના મોગલ અમલદારોને આપી દેવાઈ હતી.
આ રજેરજની માહિતી લાહોરમાં મહારાજાના વફાદારોને પહોંચતી હતી, જેમાં દુર્ગાદાસ રાઠોડ પણ સામેલ, પરંતુ સૌ મહારાજના ઉત્તરાધિકારીના જન્મ સુધી શાંતિ રાખવા માગતા હતા. એટલે જ મોગલ સેના અજમેરના ગામ ગુંઢા સુધી પહોંચી, ત્યાં જોધપુરથી વગર લશ્કરે આગેવાનો મળવા આવ્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે અમે લડાઈ નહિ, સમાધાન ઈચ્છીએ છીએ. અહીં સમાધાન સ્વીકારાઈ ગયું.
એ સમયે અજમેર આવેલ ઔરંગઝેબને અણસાર મળ્યો કે ૨૦ હજાર રાઠોડ અશ્ર્વ-સવાર આસપાસ જ છે, જે અચાનક પોતાના પર હુમલો કરશે. બાદશાહે તરત પોતાની આસપાસ ફોજ વધારી દીધી. બન્ને તરફ છાવણીમાં એકમેક ભણી ભારોભાર અવિશ્ર્વાસ, શંકાકુશંકા અને ખુન્નસ હતા પ્રતીક્ષા હતી એક દિવસની…
એ દિવસ આવી ગયો. ૧૬૭૯ની ૧૯મી ફેબ્રુઆરીએ ક્યાંક આ તારીખ પહેલી માર્ચ અપાઈ છે, મહારાણી જાદવજીએ લાહોરમાં સાતમે મહિને પુત્રને જન્મ આપ્યો. નામ રખાયું અજિતસિંહ એના બે કલાકમાં જ બીજી રાણીએ કુંવર દલથંભનને જન્મ આપ્યો. લાહોર અને જોધપુરમાં જન્મોત્સવ જાણે દિવાળી બનીને આવ્યો. હવે ટીમ લાહોર નીકળી દિલ્હી જવા. આ આગેવાનોમાં વીર દુર્ગાદાસ રાઠોડ હતા. હવે તેમની મહાશક્તિશાળી મોગલ સામ્રાજ્યના બાદશાહ ઔરંગઝેબ સામેની લાંબી લડાઈના બીજનું રોપણ થવાનો સમય આવી ગયો હતો.
રાજવંશ પ્રાપ્તિને લીધે ટીમ લાહોરમાં જોશ સાથે ઉલ્લાસ ભારોભાર હતા. આ બધા દિલ્હીની જોધપુર હવેલીમાં રોકાયા. તેમણે મોગલ બાદશાહને અરજ પાઠવી કે આપના વચન મુજબ હવે સ્વ. મહારાજાના પુત્રને જોધપુર સોંપી દેવાય. શરૂઆતમાં તો ઔરંગઝેબે આ અપીલ કાને ન ધરી. પછી એ સ્વીકારવા માટે શરત મૂકી: બાળ રાજકુમાર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લે તો જોધપુર આપી દઉં.
ઔરંગઝેબ બરાબર જાણતો હતો કે આ શરત ધર્મ-પ્રેમી અને સ્વાભિમાની રાજપૂતો ક્યારેય નહિ માને. તે વધુ એક ગંદી ચાલ રમ્યો. રાઠોડ આગેવાનીઓનું સંકટ જોઈને તેણે ફાટફૂટ પડાવવાનો પ્રયાસ કર્યો. નાગૌરના રાવ અમરસિંહ રાઠોડના પૌત્ર ઈન્દ્રસિંહને જોધપુરનું રાજ સોંપી દીધું. આ સાથે જ લાહોરથી આવેલા જસવંતસિંહના સમર્થકોને તાત્કાલિક હવેલી ખાલી કરવાનું ફરમાન આપી દીધું.
આ કાફલો નિરાશ થઈને હવેલી છોડીને લાવલશ્કર, મહારાણીઓ અને રાજકુમારો સાથે રાજા રૂપસિંહની -કિરણગઢની હવેલીમાં રહેવા જતા રહ્યાં. અહીં દુર્ગાદાસ રાઠોડે સ્પષ્ટ શબ્દોમાં સાથીઓને ચેતવી દીધા. ઔરંગઝેબની દાનત ખોરા ટોપરા જેવી છે. અહીં મહારાજાનો પરિવાર અને આપણે જરાય સલામત નથી. નાહકના મોતની રાહ જોવા કરતા ભાગી શા માટે ન જવું? અને અજિતસિંહને સલામત રીતે અહીંથી વતન પહોંચાડી દઈએ. (ક્રમશ:)