જરૂરતમંદોને અગત્યની વસ્તુઓ ડોનેટ કરીને ક્રિસમસમાં તમે બનો એમના સિક્રેટ સાન્તા…

નિધિ ભટ્ટ
આપણાં ઘરમાં એવી અનેક ચીજ-વસ્તુઓ હશે, જેની આપણને જરૂર નહીં હોય. જોકે એ વસ્તુઓ અન્યો માટે ખૂબ મહત્ત્વની હોય છે.
આવી જ વસ્તુઓ કોઈ જરૂરતમંદને કામ આવે એવી પહેલ કરીને તેમનાં જીવનમાં આપણે ઉજાસ લાવી શકીએ છીએ. આપણાં ઘરમાં જૂનાં કપડા અને બાળકોનાં રમકડાં વાપર્યા વગરનાં એમ જ પડ્યાં હોય છે. એથી એ જ વસ્તુઓ કોઈને કામ આવી શકે એ માટે મુંબઈમાં રહેતી અનુષ્કા જૈને એક પહેલ શરૂ કરી છે.
તેણે ‘શેર એટ ડૉર સ્ટેપ’ નામનું અભિયાન શરૂ કર્યું છે. એનાં માધ્યમથી લોકોને પોતાના ઘરમાં રહેલી જૂની વસ્તુઓ ડોનેટ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. તેનું કહેવું છે કે તમારી જૂની વસ્તુઓ, કપડાં અને રમકડાંને ફેંકતા નહીં અમને આપો અમે એને જરૂરતમંદ લોકો સુધી પહોંચાડી દઈશું.
લોકોના ચહેરા પર સ્માઇલ લાવવાની અને કોઈને મદદ કરવાનાં ગુણ તેનામાં બાળપણથી જ વિકસિત થયા હતા. એ વિશે અનુષ્કા કહે છે, ‘મારી મમ્મી મને એક એનજીઓમાં લઈ જતી, જ્યાં અમે સ્વીટ્સ અને સ્નેક્સ લઈને જતાં અને ત્યાં બાળકો સાથે ખૂબ ધમાલ કરતાં હતાં. એ જ પરંપરા અમે આજે પણ જાળવી રાખી છે.’
અનુષ્કાનું કહેવું છે કે તેમને જ્યારે પણ લાગે ત્યારે તેઓ વિવિધ સંસ્થાઓમાં ડોનેટ કરે છે. અનુષ્કા કહે છે, ‘આવી રીતે અમે જ્યારે પણ અમને ઇચ્છા થાય અમે ડોનેટ કરીએ છીએ. અમને ખાતરી છે કે અમારી વસ્તુઓ યોગ્ય હાથોમાં પહોંચી જશે. દેશનાં બાર શહેરોની 135 એનજીઓને અમે સપોર્ટ કરીએ છીએ.’
આપણી પાસે ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે તમને પ્રિય હોય છે, પરંતુ એને ફેંકવાનું મન થતું નથી. કેટલાંક કપડાં હોય છે જે તમને ફિટ નથી બેસતાં, તો બાળપણમાં વાંચેલી બુક્સ હોય છે, તો કેટલાંક જૂના ફર્નિચર પણ હોય છે. તો આ બધી વસ્તુઓ અન્ય લોકોને ઉપયોગી થઈ શકે છે એવું અનુષ્કાનું માનવું છે. જોકે એ બધી વસ્તુઓ આ ક્રિસમસમાં જરૂરતમંદને આપીને તમે તેમના સિક્રેટ સાન્તા બની શકો છો.
થોડા સમય પહેલા અનુષ્કા એક અનાથાશ્રમની મુલાકાતે ગઈ હતી. ત્યાં તેણે જોયું કે ડોનેટ કરાયેલાં કપડાં અને રમકડાંનો બાળકો સારી રીતે ઉપયોગ કરી રહ્યાં છે. એ અનાથાશ્રમમાં એક ફ્રીજની જરૂર હતી તો તેમણે એ જરૂરત પણ પૂરી કરી. અનુષ્કાની સંસ્થા ઘરે આવીને સામાન જે-તે સંસ્થાઓ સુધી પહોંચાડી જાય છે.
જો ઓછો સામાન હોય તો એ જ દિવસે વ્યવસ્થા કરવામાં આવે છે અને વધારે સામાન હોય તો સાત દિવસની અંદર તમારા ઘરે આવીને વસ્તુઓ લઈ જાય છે. આમ માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ અનુષ્કાની સંસ્થા ‘શેર એટ ડૉર સ્ટેપ’ કરી રહી છે.