ઉત્સવ

સેબી-અદાણી-હિન્ડનબર્ગ:સવાલ-શંકા-આક્ષેપો-સ્પષ્ટતામાંસત્ય કયાં ને કેટલું?

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

હિન્ડનબર્ગ કંપની પોતે અમેરિકામાં અનરેગ્યુલેટેડ હસ્તી છે અને ભારતીય રેગ્યુલેટર સામે જે સવાલો અને આક્ષેપો કરી રહી છે, ત્યારે તેની સામે પણ ઘણાં સવાલ થઈ શકે છે અને સરકાર સમક્ષ પણ ચોકકસ મુદા મુકી શકાય છે. આ વિષય પર એક નજર કરવી જરૂરી છે. એક સમયના ‘આઈસીઆઈસીઆઈ’ બેંકના પાવરફુલ મેનેજિગ ડિરેકટર-સીઈઓ ચંદા કોચર યાદ છે? હા, એ જ, જેમના પતિ પર વિડિયોકોન ગ્રૂપ સાથે સાંઠગાંઠ અને નાણાંની લેવડદેવડ કરી ફેવર થઈ હોવાના આક્ષેપ થયા હતા અને આખરે ચંદા કોચરે જેલમાં જવું પડયું અને એક શક્તિશાળી મહિલામાંથી ચંદા કોચર સાવ નબળી મહિલા બની ગઈ. આ પ્રકરણને યાદ કરાવે એવું પ્રકરણ હાલ વિદેશી (યુએસ સ્થિત) શોર્ટ સેલર રિસર્ચ કંપની હિન્ડનબર્ગ તરફથી બહાર લાવવામાં આવી રહ્યું છે. એ વાત આગળ વધારતા પહેલાં અદાણી ગ્રૂપ પર ફરી આક્ષેપ કરનાર આ વિદેશી હિન્ડનબર્ગ કંપનીએ તાજેતરમાં સેબી’ (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા)નાં ચેરપર્સન માધબી પુરી-બૂચ પર ગંભીર આરોપ મૂક્યો છે, જેમાં ‘સેબી’ ચેરપર્સનને અદાણી ગ્રૂપ સાથે સાંઠગાંઠ હોવાનો અને અદાણી ગ્રૂપનો બચાવ કરવાનો આક્ષેપ કર્યો છે.

આમ તો આ બંને કેસમાં સમાનતા સાથે કયાંક અલગતા પણ છે. બાકી પતિ-પત્નીનું કનેકશન બંનેમાં છે, જેમાં ચંદા કોચર પણ પતિ કરતાં મોટા પદ પર હતાં અને માધબી પુરી-બૂચ પણ પતિ કરતાં મોટા પદ પર છે. ચંદા કોચર તો એક ખાનગી બેંકના હેડ હતા. જયારે માધબી બૂચ તો દેશના કેપિટલ માર્કેટના નિયમન તંત્ર ‘સેબી’ નાં વડાં છે, જેથી આ આક્ષેપ વધુ ગંભીર આને વ્યાપક છે. હાલ તો આ ગંભીર આક્ષેપો ભારતીય મૂડીબજાર, કોર્પોરેટ સેકટર, એકસચેંજીસ અને માર્કેટનો મધ્યસ્થી-બ્રોકર્સ તેમ જ ઈન્વેસ્ટર વર્ગમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. જોકે કેપિટલ માર્કેટ અને તેની સાથે સંકળાયેલા તમામ વર્ગમાં આ બાબતે થઈ રહેલી ચર્ચાના નિષ્કર્ષમાં હિન્ડનબર્ગ કોઈ સ્થાપિત હિતના હાથનું રમકડું ગણાય છે. આ વિષયમાં સવાલો -શંકાઓ ઉપરાંત વાતનું વતેસર કરતા હોય છે.

હજી એકાદ મહિના પહેલાં જ હિન્ડનબર્ગે કોટક મહિન્દ્ર બેંક સામે પણ સવાલો ઊઠાવી તેને વિવાદમાં ઉતારી હતી, જેની આ બેંકના શેરના ભાવો પણ અસર પણ થઈ હતી. હિન્ડનબર્ગનો રેકોર્ડ આવી જ પ્રવૃતિનો હોવાનું જગજાહેર છે. બદલો યા બદઈરાદા અગાઉ અદાણી ગ્રૂપના કિસ્સામાં હિન્ડનબર્ગના આક્ષેપો ‘સેબી’ની તપાસમાં જે રીતે ખંડિત થયા અને સુપ્રીમ કોર્ટમાં જે બન્યું તથા તપાસના જે નિષ્કર્ષ આવ્યા તેમાં હિન્ડનબર્ગનું નામ જ આખરે ખરડાયું, આને કારણે હવે હિન્ડનબર્ગે સેબી સામે નિશાન તાકયું હોવાનું કહેવાય છે.

હિન્ડનબર્ગના રિપોર્ટમાં એવો આક્ષેપ કરાયો છે કે ‘સેબી’ના ચેરપર્સન માધબી પુરી-બૂચ અને એમનાં પતિ ધવલ બૂચ અદાણી સાથે કનેકશન ધરાવે છે, જેના ભાગરૂપ આ બૂચ કપલના નામે બર્મ્યુડા અને મોરેશિયસ સ્થિત એવા ઓફશોર ફંડમાં હિસ્સો છે, જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી ગ્રૂપના સ્ટોકસમાં પોઝિશન લેવા, તેમાં ભાવોની રમત માટે કરતા રહ્યા છે. આમ ભારતીય મૂડીબજારની નિયમન સંસ્થાના વડા સામે આટલો ગંભીર આક્ષેપ કરીને તેણે વૈશ્ર્વિક સ્તરે પણ શંકા ફેલાવી છે, અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે આજની તારીખમાં અનેક દેશોના ઈન્વેસ્ટર્સ, નાણાં સંસ્થાઓ, પેન્શન ફંડસ, વેન્ચર ફંડસ વગેરે ભારતીય મૂડીબજારમાં સતત અને જંગી રોકાણ કરતા રહે છે, જેનું નિયમન કરનાર સંસ્થાના વડા સામે આવો ગંભીર આક્ષેપ થાય કે શંકાની અણીદાર સોઈ ભોંકાય તો એના છાંટા વિદેશી રોકાણ પર પડી શકે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજાર, તેના નીતિ-નિયમો સામે શંકા કરી શકે, નિયમન સામે સંદેહ થઈ શકે, વિશ્ર્વસનીયતા જોખમમાં મુકાઇ શકે અને તેને પગલે વિદેશિ રોકાણ પ્રવાહને પણ અસર થઈ શકે. આવું અત્યારસુધીનાં ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હોવાનું કહેવાય છે. ‘સેબી’ ચેરપર્સનની સ્પષ્ટતામાં સચ્ચાઈ કેટલી?

જોકે માધબી બૂચ, એમનાં પતિ ધવલ બુચ અને અદાણી ગ્રૂપે હિન્ડનબર્ગના આક્ષેપોને તદન પાયાવિહોણા ગણાવ્યા છે. માધબી બૂચે કહયું છે અમે જીવનમાં કયારેય નાણાંકીય રોકાણની બાબત છુપાવી નથી. અમારી દરેકેદરેક માહિતી ‘સેબી’ માં પહેલેથી જમા થતી રહી છે. અમે ખાનગી નાગરિક હતા ત્યારના પણ અમારા બધાં નાણાંકીય વ્યવહારના દસ્તાવેજો કે માહિતી કોઈપણ ઓથોરિટી સમક્ષ જાહેર કરવા તૈયાર છીએ, હિન્ડનબર્ગ સામે અમે એકશન લીધી તેની સામે હવે આ કંપની અમારા ચરિત્ર પર પ્રહાર કરી રહી છે, એવું પણ એમણે એક નિવેદનમાં જણાવ્યું છે. આ સ્પષ્ટતા કેટલી સાચી અને વાજબી છે તેની જાણકારી ખુદ સરકારે જ ચકાસવી જોઈએ.

ભારતને આર્થિક શક્તિમાન બનતા રોકવાનો પ્રયાસ એકાદ વરસ પહેલાં આ જ હિન્ડનબર્ગ દ્વારા ગાજેલું અદાણી પ્રકરણ શું હતુ એ હવે જાહેર છે, જેમાં સફળતા નહીં મળતા હિન્ડનબર્ગે નવી ચાલમાં સેબી’ ને સંડોવવાનું કાર્ય કર્યું, જેથી અસર વધુ ગંભીર બને. કહેવાય છે કે હિન્ડનબર્ગની પ્રવૃતિ આ જ છે, રિસર્ચના નામે તે આવા કેસ શોધે અને તેનો ગેરલાભ કે લાભ કઈ રીતે ઊઠાવવો તેની વ્યૂહરચના ગોઠવે. હિન્ડનબર્ગની પાછળ ગ્લોબલ લેવલનો સપોર્ટ હોવાનું પણ કહેવાય છે, જેમાં જાણીતા કે કુખ્યાત ગ્લોબલ ઈન્વેસ્ટસ-ઈન્ફલ્યુન્સર જયોર્જ સોરોસનું નામ પણ આવી જાય છે. જયોર્જ સોરોસ કેટલા મોદી વિરોધી છે એ જગજાહેર છે. આમ તો મોદી ઘણાંની આંખોમાં ખૂંચે છે, કારણ જુદાં જુદા હોઈ શકે, પણ જયારે એ વિદેશોને અથવા વિદેશીઓને ખૂંચે છે ત્યારે વાત ઘણી જુદી બની જાય છે. મોદીને શક્તિશાળી થવા દેવા એટલે ભારતને શક્તિમાન બનવા દેવું એવો તાલ ગણાય છે.

મોદી સરકારની આર્થિક વિકાસની સફળતાથી પણ ઘણાં દેશોના પેટમાં તેલ રેડાતું રહ્યો છે, અરે, બીજા દેશો તો છોડો, આપણા દેશનાં વિરોધી રાજકીય પક્ષો સહિતના ચોકકસ સ્થાપિત હિતો સમાન પક્ષો પણ મોદીને પાડવા-તોડવા કોઈપણ હદે જાય છે એના દાખલા આપવાની જરૂર છે? બાકી ભારતીય રાજકારણમાં જોકરો અને કઠપૂતળીઓ સ્વરૂપે ઘણાં છે, જેમને રમાડી અને નચાવી શકાય છે. આવા નચાવવાના કામ વિદેશીઓ બહુ સારી રીતે જાણે છે.

ખેર, વાત પૂરી કરતા પહેલાં અમુક મુદા સરકાર અને ‘સેબી’ સમક્ષ પણ મૂકીએ. ‘સેબી’એ આમ તો આ આક્ષેપોને રદિયો આપ્યો છે, તેમ છતાં ‘સેબી’એ નાણાં ખાતા સાથે મસલત કરી આ વાતને વધુ સ્પષ્ટ કરી લોકો સમક્ષ મૂકવી જોઈએ. અલબત્ત, નાણાં ખાતાએ પણ પોતાના તરફથી સેબી પરના આક્ષેપ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ. જેપીસીની જરૂર નથી તો કમસે કમ એક સ્વતંત્ર આંતરિક એકસપર્ટ કમિટિ સ્થાપીને તેની મારફત તપાસ કરાવવી જોઈએ. જો  હિન્ડનબર્ગના આક્ષેપમાં કયાંક તથ્ય નીકળે તો ‘સેબી’ સામે તપાસ યા કારવાઇ કરવાની તૈયારી પણ જાહેર કરવી જોઈએ.  

હિન્ડનબર્ગ ખુદ રેગ્યુલેટર પાસે રજિસ્ટર્ડ નથી!
૨૦૧૭માં સ્થપાયેલી હિન્ડનબર્ગ પોતે એક ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની છે, જે ખુદ ‘યુએસ રેગ્યુલેટર સેક’ (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ કમિશન) હેઠળ રજિસ્ટર્ડ નથી, જે પોતે જ નિયમન હેઠળ નથી તેની પોતાની વિશ્ર્વસનીયતાનું શું ? એને પૂછવાનો અધિકાર હોય? શા માટે આવી હસ્તીના પાયાહિન સવાલો અને અહેવાલો પર રાષ્ટ્ર પોતાનો સમય વ્યય કરે છે? શા માટે મીડિયા પણ તેને આટલું બધું મહત્ત્વ આપે છે? જો આ કંપનીને ભારતીય કોર્પોરેટ, નિયમનકાર અને સુપ્રીમ કોર્ટને સવાલ કરવા છે તો શા માટે તે ભારતીય કાનૂન હેઠળ ભારતની અદાલતમાં કેસ કેમ ફાઈલ કરતી નથી? હિન્ડનબર્ગ સામે સવાલો ઊઠવા જોઈએ. કે શા માટે તે ફરીવાર અદાણી ગ્રૂપને જ ટાર્ગેટ કરે છે? શું તેને અગાઉ હાર મળી એટલે?

ભારતના આંતરિક દુશ્મનો પણ ઘણાં છે. તાજેતરની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો (સત્તાના) બદલાયાં છે. હાલ તો વિરોધ પક્ષોએ હિન્ડનબર્ગના આક્ષેપોને આધારે સેબીના ચેરપર્સનનું રાજીનામું માગ્યું છે. આ કેસમાં જેપીસીની તપાસ માગી છે. ૨૨ ઓગસ્ટે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. શું વિરોધપક્ષોને ભારતીય નિયમનકાર પર અને ન્યાયતંત્ર કરતા હિન્ડનબર્ગ પર વધુ વિશ્વાસ છે કે પછી મોદી સરકાર સામે તેને વધુ એક મુદો મળ્યો છે જેને વિવાદ બનાવી સરકારને બદનામ કરવાનો ઈરાદો છે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button