ઉત્સવ

કર્ણાટકમાં સેક્સ સીડી કૌભાંડ લખી રાખજો,ચૂંટણી પતતાં જ બધું ભૂલાઈ જશે!

ભૂતપૂર્વ વડા પ્રધાન દેવગૌડાના કહેવાતા સેક્સકાંડ્નો આરોપી પૌત્ર પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયો છે. આવાં સેક્સ કૌભાંડ ચૂંટણી વખતે જ કેમ ‘પ્રગટે’ છે?

કવર સ્ટોરી -વિજય વ્યાસ

કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાંપહેલાં જ ‘જેડીએસ’ (જનતા દલ -સેક્યુલર)ના સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના સેક્સ કાંડે ખળભળાટ મચાવી દીધો છે.

પ્રજ્વલ રેવન્નાની ૩૦૦૦થી વધુ સેક્સ સીડી અને પેન ડ્રાઈવ ફરતી થતાં લોકોની આંખો ફાટી ગઈ છે. માત્ર ૩૩ વર્ષનો પ્રજ્વલ પુખ્ત વયનો થયો ત્યારથી હવસખોરીનો જ ધંધો કરે છે કે શું એવો સવાલ પણ લોકોને થઈ રહ્યો છે.

પ્રજ્વલની સાથે એના ધારાસભ્ય પિતા અને એચ.ડી. દેવગૌડાના મોટા પુત્ર રેવન્ના પણ સેક્સ કાંડમાં ફસાયેલા છે કેમ કે એમની સામે પણ પોતાની કામવાળી પર બળાત્કારનો કેસ નોંધાયેલો છે. ફરિયાદ નોંધાવનારી ૪૭ વર્ષની મહિલા પ્રજ્વલની માતા ભવાનીની સંબંધી છે. એની ફરિયાદમાં આક્ષેપ છે કે,રેવન્ના-પ્રજ્વલ નોકરાણીઓને સ્ટોર રૂમમાં બોલાવીને ગમે ત્યાં ટચ કરતા ને એમની મજબૂરીનો લાભ ઉઠાવીને શરીર સંબંધો બાંધતા.

આ વીડિયો વાઇરલ થયા પછી પ્રજ્વલ તો જર્મની ભાગી ગયો , પણ પ્રજ્વલની પાર્ટી જેડીએસ અને તેના સાથી ભાજપના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. ‘જેડીએસ’ એ પ્રજ્વલને સસ્પેન્ડ તો કરી દીધો છે, પણ આ સીડીઓ નકલી હોવાનો દાવો પણ કર્યો છે. જો કે, સીડીઓ જોતાં તે નકલી હોવાની શક્યતા ઓછી છે
પ્રજ્વલ સેક્સકાંડની ચૂંટણી પર શું અસર વર્તાશે એ કહેવું મુશ્કેલ છે , પણ પ્રજ્વલ કાંડે ભારતની ચૂંટણીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે એ સાબિત કર્યું છે. પ્રજ્વલની સેક્સ સીડીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જબરદસ્ત પ્લાનિંગ સાથે ફરતી કરવામાં આવી છે. ત્રણ હજાર જેટલા વીડિયો-ફોટોની ૫૦૦૦ જેટલી પેન ડ્રાઈવ બનાવીને એને બસની સીટો પર, પાનના ગલ્લે , વગેરે જાહેર સ્થળો પર પેન ડ્રાઈવ મૂકીને મહત્તમ લોકો સુધી પહોંચતી કરવામાં આવી. સાથે સાથે કલાકોમાં તો સોશિયલ મીડિયા પર વીડિયો-ફોટા વાઇરલ કરી દેવાયા તેના પરથી ઓર્ગેનાઈઝ્ડ નેટવર્કની મદદથી આ આખો કાંડ કરવામાં આવ્યો છે એ સ્પષ્ટ દેખાએ આવે છે.

પ્રજ્વલ સેક્સકાંડની જેમ રાજકીય ફાયદા માટે ટેકનોલોજીનો ઉપયોગ બીજે પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. પ્રજ્વલ સેક્સકાંડ પછી તો ભાજપમાંથી તગેડી મુકાયેલા બીજા નેતા ઈશ્ર્વરપ્પાના
પુત્ર કાંતેશે પોતાની આવી સેક્સસીડી પ્રસારિત
ના કરવામાં આવે એટલે કોર્ટમાંથી રીસ્ટ્રેઈન ઓર્ડર
લેવો પડ્યો.

હમણાં ‘ડીપફેક’ શબ્દ બહુ ગાજી રહ્યો છે અને તેનો ઉપયોગ પણ વ્યાપક રીતે થઈ રહ્યો છે તેથી કાંતેશને ડર છે કે ડીપફેકની મદદથી પોતાની સેક્સસીડી બનાવીને પણ ફરતી કરી દેવાશે.

ડીપફેકનો ઉપયોગ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની બનાવટી સીડી બની છે. ‘અમિત શાહ અનામત નાબૂદ કરી દેવાનું કહે છે’ એવા નકલી વીડિયોનો મુદ્દો પણ બહુ ગાજ્યો છે. આ કેસમાં તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે સમન્સ આપીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અમિત શાહને લગતા બીજા એક ડીપફેક વીડિયોના કેસમાં ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના પીએ અને ગુજરાતના ‘આમ આદમી પાર્ટી’ના બીજા એક નેતા સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

આ વખતની ચૂંટણીમાં રણવીર સિંહ અને આમીર ખાન જેવા ફિલ્મ સ્ટાર્સના ડીપફેક વીડિયો પણ બહાર આવ્યા છે. રણવીર સિંહ નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં ગયો
ત્યારે સરકારે બેરોજગારી અને મોંઘવારી દૂર કરવા કશું કર્યું નથી તેથી ભાજપને મત ના આપતા એવી અપીલ કરતો બનાવટી વીડિયો ફરતો થયો. આમીર ખાન પણ ભાજપને મત નહીં આપવાની અપીલ કરતો હોય એવી ડીપફેક વીડિયો વાઈરલ થયેલો. બંનેએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ તો બે ઉદાહરણ આપ્યાં, પણ ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને ચૂંટણીને પ્રભાવિત કરવાની વાત નવી નથી. પ્રજ્વલની સેક્સસીડી ટેકનોલોજીનો દુરૂપયોગ નથી, પણ કદાચ સદુપયોગ છે કેમ કે આવા હવસખોરોને ઉઘાડ઼ા પાડવા જ જોઈએ. પ્રજ્વલ જેવા દસ લોકો આ દેશના રાજકારણમાં આવી જાય તો દેશમાં સ્ત્રીઓ સલામત જ ના રહે.

કમનસીબે આવાં સેકસકૌભાંડોની અસર બહુ લાંબા ગાળાની નથી હોતી ને રાજકારણીઓ પણ તેનો ઉપયોગ ચૂંટણીમાં જીતવા માટે અને રાજકીય ફાયદો મેળવવા જ કરે છે. એ પછી આખી વાતને ભૂલાવી દે છે. બલ્કે જેની સામે આક્ષેપો કર્યા હોય એમને પણ પોતાના પડખામાં લેવામાં પણ એમને શરમ નથી નડતી. પોતે રાજકીય ફાયદા માટે કોઈની બદનામી કરી એ બદલ એની માફી માગવી જોઈએ એવું સૌજન્ય પણ એ લોકો નથી બતાવી શકતા. આનું શ્રેષ્ઠ ઉદાહરણ હાર્દિક પટેલનું છે.

ગુજરાતમાં પણ ૨૦૧૭ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમા પર હતો ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલની કહેવાતી સેક્સસીડી એક ટીવી ચેનલે બહાર પાડી હતી. પહેલાં યુટ્યુબ પર મુકાયેલી એ સેકસ સીડી ટીવી ચેનલ પર પ્રસારિત થઈ પછી આખા ગામમાં ફરતી થઈ ગયેલી. બે ભાગમાં વહેંચાયેલી સેક્સસીડીના પહેલા ભાગમાં હાર્દિક જેવી લાગતી વ્યક્તિ એક યુવતી સાથે ગુજરાતીમાં વાતચીત કરે છે. એમાં યુવતીનો ચહેરો દેખાતો નથી , પણ વાતો પરથી એની ઓળખ છતી થઈ હતી. બીજી સીડીમાં બંનેની સેક્સલીલા દર્શાવામાં આવી હતી.

      ગુજરાતની ચૂંટણીમાં  એ વખતે પાટીદાર અનામતનો મુદ્દો ગરમ હતો. હાર્દિકે ભાજપને ફીણ પડાવી દીધું છે ત્યારે જ આ સીડી બહાર આવતાં વિરોધીઓ એના પર તૂટી પડ્યા હતા. 

હાર્દિક ચારિત્ર્યહીન ને લંપટ માણસ છે ’ તેવા આક્ષેપોનો મારો ચાલ્યો. ભાજપે હાર્દિક સામે મોરચો માંડી દીધો, પણ લોકોને ફરક નહોતો પડ્યો કેમ કે હાર્દિક એ વખતે પરણેલો નહોતો. કોઈની સાથે એના આવા સંબંધ હોય તેમાં કોઈને કશું અજુગતું લાગ્યું નહોતું.

      વિધાનસભાની ચૂંટણી વખતે સુરતમાં કૉંગ્રેસના બીજા ઉમેદવાર દિનેશ કાછડિયાની સેક્સ ટેપ પણ બહાર આવી હતી. હાર્દિક અને દિનેશની સેક્સ ટેપે થોડો સમય ખળભળાટ મચાવ્યો પણ ચૂંટણી પતતાં જ આ મુદ્દો હવાઈ ગયો. 

અત્યારે હાર્દિક પટેલ ભાજપનો ધારાસભ્ય છે અને આ સીડીની વાત સાવ ભૂલાઈ જ ગઈ છે , પણ હાર્દિકની સીડીના કારણે જે યુવતીની બદનામી થઈ એ વિશે કોઈ વિચારતું નથી.

    પ્રજ્વલ રેવન્નાના કેસમાં પણ એવું થવાની પૂરી શક્યતા છે કેમ કે આ દેશમાં  ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ’ નો સિદ્ધાંત લાગુ પડે છે. પ્રજ્વલની હવસનો શિકાર બનેલી છોકરીઓ કે મહિલાઓ મોટા ભાગે ગરીબ પરિવારની છે,  જ્યારે પ્રજ્વલ બડે બાપ કી બિગડી ઔલાદ છે. આ બિગડી ઔલાદના  બાપની પડખે ભાજપ છે. અત્યારે કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર છે તેથી  તપાસ શરૂ કરાવી , પણ કાલે પ્રજ્વલનો પરિવાર કૉંગ્રેસ સાથે બેસી જાય તો કૉંગ્રેસને પણ પ્રજ્વલનાં પાપ ધોવામાં કશું ખોટું નહીં  લાગે.

બીજું એ કે, આપણી પ્રજાની યાદદાશ્ત પણ ટૂંકી છે. પ્રજા પણ આવા લોકોને પાઠ ભણાવવામાં માનતી નથી તેથી પ્રજ્વલ સેક્સકાંડ ચાના કપના તોફાનથી વધારે કંઈ નથી. ચૂંટણી પતતાં જ શમી જશે એ લખી રાખજો.

આશરે ૯૩૧ શબ્દ
આરોપી પ્રજ્વલ રેવન્નાનો ફોટો સાથે

સેકસ સીડી-પેન ડ્રાઈવ અને કોઈ સ્ત્રી-પુરુષના પડછાયાનું ચિત્ર વગેરેનો કોલાજમાં બનાવી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button