ઉત્સવ

વ્યંગ ઃ ચૂંટણી હારેલા ઉમેદવારે આ શું કર્યું?

-ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, એ લોકો શું કરતા હશે?’
રાજુ રદીએ મારા ઘરમાં દાખલ થતા જ સવાલ પૂછયો. આફત કદી દરવાજે દસ્તક દઇને એટલે કે બારણે ટકોરા મારીને આવતી નથી. એ દરવાજાને લાત મારીને આવે છે…રાજુ પણ એ જ રીતે મારા ઘરે આવે છે. ‘એ લોકો એટલે કોણ?’ ધડમાથા વગરની એબ્સર્ડ કવિતા જેવા સવાલનો જવાબ કેવી રીતે દઇ શકાય? મેં રાજુને સામો સવાલ પૂછયો.
‘એ લોકો એટલે ચૂંટણીમાં હારેલા ઉમેદવારો’ રાજુએ પેપર લીક કર્યું.

‘રાજુ, સૌ ઊગતા સૂરજને પૂજે છે. નવનિર્વાચિત વિધાયક કે સાંસદ ઘસીને ગુમડે ચોપડવા કામે લાગશે એવું માનીને પ્રીતિ ભોજન સહિતનો સત્કાર-આવકાર-અભિવાદન સમારોહનું આયોજન કરવામાં લાખ-બે લાખ રૂપિયાનો ધુમાડો કરે છે.’ મેં રાજુને કહ્યું.

‘ગિરધરલાલ, એ તો સમજી શકાય છે જીત મેળવનાર તો વિજય સરઘસ કાઢે છે. ઢોલ નગારા વગડાવે છે. લોકોના ખર્ચે લોકોને મિઠાઇ ખવડાવે છે. લાંબી ડોક કરી ફૂલોની માળા પહેરે છે. સો રૂપિયાની કિંમતની શાલો સ્વીકારે છે.
મંદિરે દર્શન, પૂજન, અર્ચન કરે છે….એ ઉપરાત, ચૂંટણીમાં જીત મેળવ્યા પછી સફાઇ મંડપથી મલાઇ મંડળ આયોજિત સન્માન સમારંભમાં હાજર રહી ચંપલ તુલાથી લઇ ચાંદીતુલા કરાવે છે. આપણી પ્રજા નાચપ્રિય છે. જનરેટર ચાલું કરો તો જનરેટરના અવાજના તાલે પણ ડાન્સ કરી લે..’

રાજુએ વિજેતા વિધાયક કે સાંસદની ચૂંટણી પછીની ગતિવિધિ રજૂ કરી
‘રાજુ, ચૂંટણી એ મહોત્સવ છે, જેમાં કીડીને મણ અને હાથીને ખાંડી મળે છે. જેની જેવી ક્ષમતા તેટલું તેને મળે છે. કદાચ કોઇ પોપટ ભૂખ્યો રહે, પરંતુ શરાબના તળાવના કાંઠે બેસનાર તરસ્યો રહેતો નથી.’. એટલે કે હારેલો ઉમેદવાર પણ બે પાંદડે થાય છે?’

‘રાજુ, હારેલો ઉમેદવાર મંડપ, ડેકોરેશન, બિલ્લા, ફલેકસ, બેનર, કાર, માઇક, ન્યુઝપેપર વગેરેના બાકી બિલોની ચુકવણી કરવામાંથી હાથ ઉંચા કરી દે છે. પાર્ટીએ આપેલ ફંડનો કાગળ પર ખોટો હિસાબ રજૂ કરી ફંડ ઘરભેગુ કરે છે. ખર્ચમાં બચત એટલે બે પાંદડે થવું કહેવાય કે નહીં?’ મે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું.

‘ગિરધરલાલ, હારેલો ઉમેદવાર કેવી પ્રતિક્રિયા આપતા હશે?’ રાજુએ અગત્યનો પ્રશ્ર કર્યો.
‘રાજુ, હારેલો ઉમેદવાર પણ ઉતરેલ ચટણી કે સંભાર જેવું મોઢું કરી બે હાથ જોડી જનતા જનાર્દનનો ચુકાદો માથે ચડાવું છું એવું બોલવાની સુપર્બ એકટિંગ કરે છે. હારેલો ઉમેદવાર મતદારોનો ચુકાદો માથે ચડાવ્યા સિવાય શું કરી શકે? બહુ બહુ તો ઇવીએમનો વાંક કાઢી શકે. જીતવું નહીં ને ઇવીએમ વાંકું!’ મેં પરાજિત ઉમેદવારની માનસિકતા સ્પષ્ટ કરી.

‘ગિરધરલાલ, ચૂંટણી હારે એટલે દિલ કે ટુકડે ઇધર ગિરે, કુછ ઉધર ગિરે જેવી કરૂણ સ્થિતિ હોય. મનમાં દુનિયા છોડ દી સારી દુનિયા વિજેતા કે લિયે’ એમ પરાણે કહેવું પડે. (જખ મારીને દુનિયા છોડવી પડી હોય.)’ પછી સહેજ અટકીને રાજુ રદી કહે :

ગિરધરલાલ, આ કિસ્સો સામ્ભલો. ઓરિસ્સાના ગજપતિ જિલ્લાના રાયગઢના ગંગાબાડા ગામમાં સરપંચની ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી ઘટના થઇ.’ રાજુએ ન્યુઝ ચેનલના બ્રેકિંગ ન્યુઝની જેમ ઘટસ્ફોટ કર્યો.

બારીક ગંગાબાડા ગામના સરપંચની ચૂંટણી લડી રહ્યો હતો. ચૂંટણીમાં મતદાર નારાયણને રીઝવવા માટે શરાબ, ધોતી, ચવાણું, નગદ રૂપિયાનો ચૂંટણીકૂટ ધરાવે છે, જેથી અંગૂઠાછાપ મતદારો ઇવીએમ પર આંગળી મુકી ઉમેદવારને જીતાડે.. હવે તો સબ કા લેના-દેના હી ચાલે છે.

Also Read – હેં… ખરેખર?! ઃ દેવમાલી- બધા શાકાહારી એક એક કાચા ઘર ને ક્યાંય તાળાં નહીં!

બારીક સાબરે કેટલાક મતદારોને મત માટે નાણાં પધરાવ્યા હતા, પરંતુ મતદારોએ બેવફા પ્રેમિકા જેવો ખેલો કર્યો અને ભૂતપૂર્વ સરપંચ હરિબંધુ કારજીના ગળામાં સરપંચપદની વિજયમાંળા પહેરાવી દીધી.

પરિણામે બારીક સાબર અને તેના ચમચાઓએ મતદારો પાસે અભૂતપૂર્વ માંગ કરી કાં તો સાબરને સરપંચ બનાવો, નહિંતર લાંચ મની પરત કરો. સ્મશાને ગયેલ મડાં કયાં પાછા આવે છે કે મતદારોને લ્હાણી કરેલ રેવડી પરત આવે? બારીક સાબરના ચમચાઓને ભયંકર ગુસ્સો આવ્યો. ક્રોધાંધ ટેકેદારોએ પાંચ ગામને જોડતો રોડ ખોદી નાંખ્યો અને રસ્તા પર મોટા પથ્થરની આડશ કરી દીધી. હારેલા ઉમેદવારે ‘હું તો મરૂં પણ તને રાંડ કરૂં જેવો આત્મઘાતી રવૈયો અપનાવ્યો. ’

હવે રાજુ રદીને ડર એ છે કે ગંગાબાડાના પરાજિત ઉમેદવાર જેવી પ્રતિક્રિયા દેશના બધા ગામ કે શહેરમાં ભવિષ્યમાં પ્રસરી જશે તો ઘર, સાઇકલ, કૂકર, રસ્તા, ફલાયઓવર કે નવી કેનાલનાં સરકારે આપેલાં ઢગલાબંધ વચનોનું શું થશે …એનું ભવિષ્ય કેવું હશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button