સર્વેત્ર સુખિન: સન્તો…
આજે આટલું જ -શોભિત દેસાઈ
પૂરાં થઈ ગયાં બધા દુદુંભી શાંત સૂતી છે તાતૂરી
કોઈ નજીક જાશે ખુરશીની કોઈની વધશે દૂરી
ધર્મ બજાવ્યો છે લગભગ તો દરેકે વોટ દઈને અહીં
દેખણહારાનો હોબાળો પણ ક્યાં છે ઓછો અહીં, નહીં?!
જી હા, બહેનો અને ભાઈઓ! છેલ્લાં એક-દોઢ વરસથી જે ભીષણ સમય આપણે માથે ભમ્યા કરતો હતો, એ પૂરો થયો આખરે ગઈકાલે. એ બધાને પોતપોતાના વિજયી/પરાજયી ઉમેદવારો મુબારક… એડવાન્સમાં. હવે આને સૌથી સારી વાત કહેવી કે પ્રમાણમાં ખરાબ વાત કહેવી, પણ વાત એ છે કે આટલા લાંબા સમયથી ચાલતી ચૂંટણીનું પરિણામ માત્ર પાંચ કલાકમાં જ આવી જાય છે. પહેલાં ચૂંટણી એક દિવસ અને પરિણામ ત્રણ દિવસ, હવે ચૂંટણી બે મહિના અને પરિણામ પાંચ કલાક… એક સેક્સોજિસ્ટને મોટા ભાગની થતી ફરિયાદો જેવી બની ગઈ છે ચૂંટણીઓ. એક તદ્દન બકવાસ અને જુઠ્ઠી વ્યાખ્યા લોકશાહીની લોકોની લોકો દ્વારા લોકો માટે ચાલતી સરકાર એટલે લોકશાહી. નેતાની નેતા દ્વારા નેતા માટે જ ચાલતી સરકાર એટલે લોકશાહી, એ આજની લોકશાહીની ખરી વ્યાખ્યા. જ્યાં સુધી સરકારો અને નેતાઓના ઠઠારા જે દિન પ્રતિદિન વધી રહ્યા છે, ઓછા નહીં થાય ત્યાં સુધી લોકશાહીનો દુરુપયોગ જ કર્યો ગણાય.
સાચી વ્યાખ્યા લોકશાહીની છે: લોકો દ્વારા અપાતા ટેક્સનાં પૈસા લોકોપયોગી કાર્યોમાં ફ્ક્ત લોકકલ્યાણ માટે વપરાય. નેતાનો ન ન આવવો જોઈએ આ આખા ય મહાનિશ્ર્ચયમાં. હું જાણું છું આ બધી વાતો સિગારેટના ઠુંઠામાંથી વિટામિન શોધવા જેવી છે, પણ વાત તો છેડીએ!? રાઈટ બધર્સે કલ્પના કરી ત્યારે વિમાન બન્યું ને પહેલું!
પણ હવે આપણે સૌ ‘મહાન’ વોટ્સએપધારીઓ, ફેસબુકિયાઓ, ઈન્સ્ટાગ્રામધારકો ઈત્યાદિ ઈત્યાદિઓ પણ આજે પ્રણ લઈએ કે હવે ઓછામાં ઓછા ત્રણ વરસ સુધી કામ કરવાનો દાવો કરનારી સરકારને કામ કરવા દઈએ અથવા તો એ કામ ન કરે એ નીરખીએ અને ત્રણ વરસ પછી એમના પર પસ્તાળ પાડવાનું/ એમની તારીફ કરવાનું શરૂ કરીએ. ત્રણ વરસ સુધી ઓછામાં ઓછા, આપણે પણ અને સોશ્યલ મીડિયાને પણ રચનાત્મક બનાવીએ. આપણી અંદર બેઠેલો એક સ્વયમ જે આપણા જ બાહ્યથી ત્રાસી ગયો છે, ગુંગળાઈ ગયો છે એને નિર્મળ વિચારો અને નિરુપદ્રવી શાંત જીવનશૈલી ધરીએ. દિવસમાં એક કામ એવું કરીએ કે જેથી આપણે આપણને થોડા વધુ ગમીએ. પંખીઓને (કબૂતરોને નહીં) ચણ નાખીએ, પ્રાણીની પાંચ મિનિટ પૂરતી સેવા કરીએ. અકિંચનને કંઈ ના આપી શકીએ એવી ક્ષણે એક માફી માગતી નજરથી જોઈ લઈએ, જીવનસાથીને એક આખા પ્રેમભર્યા વાક્યથી રોજ એક વખત નવાજીએ, ટૂંકમાં પ્રેમ જીતે કે વહાલ એ નક્કી કરવા રોજ એક વખત સિક્કો ઉછાળીયે. તમે પોતે કરો નહીં ત્યાં સુધી તમને ખબરે ય ના પડે એવા ને એટલા સારા કામ છે
દુનિયામાં…
મતદાનનાં આખરી દિવસે સાથે મતદાન કરીને ઘરે આવેલા પતિ-પત્નીનો સંવાદ…
સાંભળો વિચારું છું, વાળ કપાવી નાખું…
કપાવી નાખ….
પણ કેટલી મહેનતે વધાર્યાંતા
તો ન કપાવ
પણ આજ કાલ નાના વાળ ફેશનમાં છે
તો કપાવી નાખ
પણ તમને તો લાંબા વાળ પસંદ છે
તો ન કપાવ
પણ મારી ફ્રેન્ડ કહે છે મારા ચહેરા પર નાના વાળ સરસ લાગે છે
તો કપાવી નાખ
પણ નાના વાળની ચોટલી નહીં બને
તો ન કપાવ
છતાં એક વખત અનુભવ લઈ લઉં? જોઈ તો જોઉં?
તો કપાવી નાખ
પણ પછી ખરાબ લાગશે તો?
તો ન કપાવ
ના ના… એક વખત કપાવી તો નાખું જ…
તો કપાવી નાખ
સારા ન લાગે તો તમે જવાબદાર
તો ન કપાવ
જો કે નાના વાળની દરકાર સરસ લઈ શકાય
તો કપાવી નાખ
પણ પછી ડર લાગે છે ખરાબ ન લાગે
તો ન કપાવ
મેં નક્કી કરી નાંખ્યું છે: કપાવી જ નાખું
તો કપાવી નાખ
તો ક્યારે જઈએ?
તો ન કપાવ
અરે હું તો મમ્મીને ત્યાં જવાની વાત કરું છું.
તો કપાવી નાખ
તમે શું બોલો છો? તમારું ધ્યાન મારી વાતમાં છે જ નહીં…
તો ન કપાવ
તમારી તબિયત તો ઠીક છે ને?!
તો કપાવી નાખ… તો ન કપાવ… તો કપાવી નાખ… તો ન કપાવ…
આજે આટલું જ…