ઉત્સવ

સ્પોટ લાઈટ: સરિતા જોશી સાથે કામ કરવાનો લહાવો મળ્યો

-મહેશ્વરી

મોટી દીકરી દર્શના (લાડમાં અમે તેને ચેરી કહીને બોલાવતા)એ તો લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. લગ્ન માટે તેણે તો શણગાર સજી મંડપમાં બેસવાનું હતું. પણ એ મંડપ માટેની, દીકરીના શણગારની બધી તૈયારીઓ તો મારે જ કરવાની હતી. એ કરવા માટે વિટામિન ‘એમ’ (મની = પૈસા)ની પહેલી જરૂર પડે અને એના જ મારે ફાંફાં હતાં. ‘કુંવરબાઈના મામેરા’માં જેમ ભગવાન હાજર થઈ ગયા હતા એવું જ કશુંક મારી દીકરીના લગ્નમાં બને તો કેવું સારું એવા વિચાર મને આવી રહ્યા હતા. આ વાત કરતા મને યાદ આવી ગયું કે ભાંગવાડી થિયેટરના દિવસો દરમિયાન મેં ‘કુંવરબાઈનું મામેરું’ નાટકમાં મેં કુંવરબાઈનું પાત્ર ભજવ્યું હતું. એ નાટકનો પડઘો મને કેટલાક વર્ષ પછી સંભળાયો એવું મને લાગ્યું.

વિનયકાંત દ્વિવેદીએ મને મેસેજ મોકલ્યો કે ‘સરિતા બહેને તને મળવા બોલાવી છે. કોઈ નાટકનું આયોજન તેઓ કરી રહ્યાં છે એ માટે તારી સાથે વાત કરવા માગે છે.’

સરિતા બહેન… સરિતા જોશી એટલે જૂની રંગભૂમિમાં અભિનયના અજવાળા પાથરી નવી રંગભૂમિમાં એક્ટિંગનું એવરેસ્ટ સર કરનારાં નંબર વન આર્ટિસ્ટ. 1975માં ‘સંતુ રંગીલી’ નાટક કર્યા પછી એમની ખ્યાતિનો ગુણાકાર થયો.
એક સમય એવો આવ્યો કે સરિતા બહેન કે પદ્મા બહેન (સરિતા બહેનનાં મોટાં બહેન)ની હાજરી હોય એવાં અનેક નાટકો થતાં હતાં. અલબત્ત બંને બહેનોમાં સરિતાબહેનનો ડંકો વધુ જોરથી વાગતો હતો એ હકીકત કોઈ નકારી ન શકે. જૂની રંગભૂમિમાં કામ કર્યા પછી તેઓ નવી રંગભૂમિ પર બહુ જલ્દી અને બહુ સરસ રીતે ગોઠવાઈ ગયાં.

વિનુભાઈના ‘સંભારણા’ના શો પછી મારી ખ્યાતિ ઘણી વધી ગઈ હતી. એ જ કારણસર મને સરિતાબહેનનું આમંત્રણ મળ્યું હોવું જોઈએ. સરિતા બહેને પ્રવીણ જોષી થિયેટરની સ્થાપના કરી કેટલાંક ઉત્કૃષ્ટ નાટકોની ભેટ આપી એમાં એક હતું ‘દેવકી’. આ નાટકનું દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું. હું મળવા ગઈ ત્યારે તેમણે ‘દેવકી’માં કામ કરવા આમંત્રણ આપ્યું. નાટકમાં બે માતાના રોલ હતા. એક તેઓ જ કરવાના હતા અને બીજો રોલ મારે કરવાનો હતો. મેં તરત હા પાડી દીધી. એક તો રંગભૂમિનાં દિગ્ગજ કલાકાર સાથે કામ કરવાનો લ્હાવો મળી રહ્યો હતો. અને બીજી એટલી જ મહત્ત્વની વાત એ પણ હતી કે લગ્નની તૈયારી કરવાની હોવાથી મને પૈસાની બહુ જરૂર હતી. રિહર્સલ શરૂ થઈ ગયા. એક તરફ નવા નાટકની તૈયારી ચાલે અને બીજી તરફ દીકરીના લગ્નની તૈયારી આરંભી દીધી. બધે કેમ પહોંચી વળાશે એ વિચારો મને સતત આવતા હતા.

નવા નાટકમાં કામ કરવાની તક મળી, પણ મારી જરૂરિયાત ઘણી વધારે હતી. એટલે મેં જ્યોતિબહેન (વિનુ ભાઈનાં પત્ની)ને પણ વાત કરી રાખી હતી કે દીકરીનાં લગ્ન લેવાના છે તો બધું કેમ પાર ઉતરશે? જ્યોતિેબહેને કાયમ મને સધિયારો – સાંત્વન આપ્યા છે. માણસ જ્યારે ભીંસમાં હોય ત્યારે એને માત્ર આર્થિક મદદની જ જરૂર નથી હોતી. કોઈ પડખે ઊભું રહે, હિંમત આપે એ પણ એટલું જ જરૂરી હોય છે. એનાથી પગમાં તાકાત અને હૈયામાં જોમ આવી જાય છે. જ્યોતિબહેનના શબ્દો મને આજે પણ યાદ છે ‘મહેશ્વરી, એક વાત યાદ રાખજે કે સારા પ્રસંગો ક્યારેય કોઈના અટકતા નથી. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈશ્વર બધું હેમખેમ પાર પાડશે.’ એમના આ શબ્દો મારા માટે ટોનિક સાબિત થયા.

માનસિક રાહત મળતા સરિતાબહેનના નાટકના રિહર્સલમાં જવાનો ઉત્સાહ બેવડાઈ ગયો. એક દિવસ હું ઘરે જવા નીકળતી હતી ત્યારે બીજે દિવસે અડધો કલાક વહેલા આવવા તેમણે જણાવ્યું. શું હશે ને શું નહીં એના અસંખ્ય વિચારો મગજમાં દોડવા લાગ્યા. સમય ત્રણ વાગ્યાનો હતો અને હું અઢી વાગ્યે પહોંચી ગઈ. ‘મહેશ્વરી, તારો અવાજ બરાબર નથી. ડાયલોગ ડિલિવરી બરાબર નથી લાગતી અને એટલે સીનમાં ઉઠાવ નથી આવતો. મજા નથી આવી રહી,’ સરિતાબહેને તો જાણે બોમ્બ જ ફોડ્યો. હું ચોંકી ગઈ. રિહર્સલને પંદરેક દિવસ થયા પછી આ સાંભળવા મળી રહ્યું હતું.

ક્ષણવાર માટે હું સ્તબ્ધ થઈ ગઈ, પણ મારી મનોદશા ચહેરા પર કળાવા ન દીધી. મેં તરત સરિતાબહેન સાથે સંવાદ સાધ્યો અને કહ્યું કે ‘તમે મને મળવા બોલાવી અને તમારા નાટકમાં મને રોલ આપ્યો એ દિવસે હું બહુ રાજી થઈ હતી. તમારાં જેવા કુશળ અભિનેત્રી સાથે કામ કરવા મળી રહ્યું છે એ મારા માટે રોમાંચની વાત હતી. મને વિચાર આવ્યો કે કાંતિ મડિયા સાથે કામ કરવાનો મોકો મળ્યો અને મને કેટલીક નવી બાબત શીખવા મળી એમ તમારી સાથે કામ કરીને પણ મને વધુ જાણવા – સમજવા મળશે એ બાબતે હું બહુ જ ઉત્સાહિત હતી. ડાયલોગ બોલવા બાબતે જો મારી કોઈ ભૂલ થતી હોય તો મને શીખવાડો. હું મહેનત કરવા તૈયાર છું. તમે કહેશો એ પ્રમાણે જ કરીશ અને તમને જોઈએ છે એ રિઝલ્ટ તમને આપીશ.’ મારે તો કોઈ પણ હિસાબે કામ કરવું હતું. એ સમયે પહેલી જરૂરિયાત પૈસાની હતી અને બને એટલી મહેનત કરી ભેગા કરવા હતા. અને બીજું કારણ હતું સરિતા જોશી સાથે કામ કરવાનો મોકો. એમની સાથે કામ કરતી વખતે એમને નિકટથી જોવાને કારણે કેટલીક નવી વાત મને શીખવા મળી. માતબર કલાકારની સાથે કામ કરવાથી કલાકારની અંદર છૂપી રહેલી આવડત જાગૃત થતી હોય છે.

‘સિદ્ધાર્થ (સિદ્ધાર્થ રાંદેરિયા)નો સીન તારી સાથે આવે છે ત્યારે પ્રોબ્લેમ થાય છે. એ સીન જામતો નથી. પકડ નથી આવતી,’ સરિતાબહેને ફોડ પાડી વાત કરી. અમારી વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યાં તો ત્રણ વાગી ગયા અને આર્ટિસ્ટ એક પછી એક આવવા લાગ્યા. સિદ્ધાર્થ, અજિત વાચ્છાની, ટીકુ તલસાણિયા અને ફાતિમા શેખ નામની એક છોકરી આવી પહોંચ્યા. આ ફાતિમાને પછી દેવ આનંદે ‘સૌ કરોડ’ ફિલ્મમાં મોકો આપ્યો હતો. રિહર્સલ શરૂ થયા અને સિદ્ધાર્થ સાથેનો મારો સીન આવ્યો ત્યારે મેં એને સીધું પૂછયું કે ‘સિદ્ધાર્થ, તને મારી સાથે શું પ્રોબ્લેમ થાય છે એ મને સમજાવ. મને શીખવાડ અને તું કહે એમ કરવા હું તૈયાર છું.’ હવે સ્તબ્ધ થવાનો વારો સિદ્ધાર્થનો હતો. રિહર્સલમાં હું આ વાતનો ઉલ્લેખ કરીશ એની એને કલ્પના નહીં હોય. જોકે, સિદ્ધાર્થે કંઈ નથી એમ કહી વાતનો વીંટો વાળી દીધો. દરરોજની જેમ રિહર્સલ થયા. એક તરફ નાટક ઓપન થવાનો દિવસ નજીક આવતો હતો તો બીજી તરફ દીકરીના લગ્નની તારીખ પણ નજીક આવતી હતી. બંને મોરચા સંભાળી લેવા હું સજ્જ હતી.

‘અરુણોદય’ નાટકે તખ્તાની કાયાપલટ કરી
જૂની ગુજરાતી રંગભૂમિની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી એમાં નાટક મંડળીઓ અને નાટ્ય લેખકોનું માતબર યોગદાન હતું. વીસમી સદીના બીજા દાયકાના પ્રારંભમાં જ અનેક નાટક મંડળીઓએ પ્રેક્ષકોને નાટક જોતા કર્યા. આ નાટ્ય મંડળીઓમાં આર્ય નીતિદર્શક નાટક સમાજ, આર્ય નાટ્ય સમાજ, આર્ય નૈતિક નાટક સમાજ, વિદ્યા વિનોદ નાટક સમાજ, સરસ્વતી નાટક સમાજ અને લક્ષ્મીકાન્ત નાટક સમાજ અગ્રણી માનવામાં આવે છે. રણછોડભાઈ, નર્મદાશંકર, છોટાલાલ શર્મા, ફુલચંદ શાહ, હરિહર દિવાન, મહારાણીશંકર શર્મા, વિભાકર, ગૌરીશંકર વૈરાતી, શાયદા, લાલશંકર મહેતા જેવા નાટ્યલેખકોએ પણ ગુજરાતી રંગભૂમિના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મણિલાલ ત્રિભોવનદાસ (પાગલ) સિદ્ધહસ્ત લેખક તરીકે નામના ધરાવતા હતા. તેમની કલમથી આપણને રા’માંડલિક, સંસાર લીલા, હંસાકુમારી અને મનોરમા જેવા 100થી વધુ સફળ સામાજિક નાટક મળ્યાં છે. અલબત્ત આ સર્વ લેખકોમાં શિરમોર એટલે રસકવિની ઉપમા મેળવનાર રઘુનાથ બ્રહ્મભટ્ટ. તેમણે કિશોરાવસ્થામાં (17 વર્ષ) ‘બુદ્ધદેવ’ દ્વારા તખ્તા પર પદાર્પણ કર્યું અને રાતોરાત છવાઈ ગયા. તેમનું એક મહત્ત્વનું યોગદાન એ છે કે અન્ય લેખકોનાં નાટકો માટે પણ ગીત લખ્યા. પ્રભુલાલ દ્વિવેદી પણ માતબર લેખક. એવું માનવામાં આવે છે કે તેમના ‘અરુણોદય’ નાટકે 1921માં તખ્તાની કાયાપલટ કરી. આ નાટક 400 નાઈટ ચાલ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button