ઉત્સવ

સંત રવિદાસ: કેવું હતું વિભિન્ન ક્ષેત્રમાં એમનું યાદગાર યોગદાન…?

ગઈ કાલ ૨૪ ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જન્મજયંતી ઉજવવામાં આવી એ અવસરે…

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ભારતની પાવન ભૂમિ પર અનેક સંતપુરુષો ને ભક્તો થઇ ગયા. ભારતમાં સંત-મહંત- મહાત્માની એક લાંબી પરંપરા રહી છે. એ પરંપરામાં સંત રવિદાસનું આજે પણ આગવું સ્થાન રહ્યું છે.
ભારતની સ્વતંત્રતા અને ધર્મ-સંસ્કૃતિના રક્ષણ માટે સમાજ જાગરણના અને પ્રતિરોધના અનેક પ્રયાસ બારમી સદીમાં પણ ચાલુ રહ્યા હતા. આ જાગરણ અને પ્રતિરોધના કાર્યમાં અનેક સંતોએ બધી જ જાતિને સાથે લઈ સ્થળ-સ્થળ પર જઇને ભક્તિમાર્ગે સમાજમાં જાગૃતિ જગાડીને પ્રેમ અને માનવીય સમાનતાનો શાશ્ર્વત સંદેશ ફેલાવ્યો હતો.

સંત શ્રી રવિદાસજી આ દિશામાં પ્રમુખ ભૂમિકા નિભાવનારા સંત હતા. નિર્ગુણમાર્ગી ભારતીય સંત, બનારસના રહેવાસી એવા રવિદાસજીને સંત કબીરના સમકાલીન અને ગુરુભાઈ માનવામાં આવે છે. કબીર, નાભાદાસ, મીરાં અને પ્રિયદાસ જેવાં સંતો અને ભક્તોએ એમનું આદરપૂર્વક સ્મરણ કર્યું છે. કહે છે કે, સ્વામી રામાનંદાચાર્ય વૈષ્ણવ ભક્તિ ધારાના મહાન સંત છે. સંત રવિદાસ એમના શિષ્ય હતા. કબીરદાસજીએ પોતે એમને સંતનમાં ‘રવિદાસ’ કહીને ઓળખ્યા છે. રાજસ્થાનના કૃષ્ણ ભક્ત કવયિત્રી મીરાબાઈ પણ એમનાં શિષ્યા હતાં. એવું પણ કહેવાય છે કે, ચિત્તોડના રાણા સાંગાની પત્ની ઝાલી રાની એમની શિષ્યા બની હતી. એટલે જ ચિત્તોડમાં સંત રવિદાસની છત્રછાયા છે.

રવિદાસજીને પંજાબમાં રવિદાસ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં રૈદાસના નામથી ઓળખાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો એમને ‘રોહિદાસ’ અને બંગાળના લોકો એમને ‘રુઈદાસ’ કહીને બોલાવે છે. કેટલીક જૂની હસ્તપ્રતોમાં એમને રાયદાસ, રેડાસ, રેમદાસ અને રાઉદાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રવિદાસજીનો જન્મ માઘ માસની પૂર્ણિમાએ થયો હતો ત્યારે તે રવિવાર હતો તેથી એમનું નામ રવિદાસ રાખવામાં આવ્યું હતું. ગઈકાલ ૨૪ ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતી મનાવવામાં આવી હતી.
સંત શિરોમણી કવિ રવિદાસનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરના ગોબરધનપુર ગામમાં ૧૩૭૬માં માઘ પૂર્ણિમાના રોજ થયો હતો. માતાનું નામ કર્મદેવી (કાલસા) અને પિતાનું નામ સંતોખદાસ (રઘુ) હતું. દાદાનું નામ કાલુરામજી, દાદીનું નામ શ્રીમતી લખપતિ, પત્નીનું નામ શ્રીમતી લોનાજી અને પુત્રનું નામ શ્રીવિજય દાસજી હતું. રવિદાસજી ચર્મકાર કુળના હોવાથી એ ચપ્પલ બનાવતા હતા. આ કામ કરવામાં ખૂબ જ આનંદ લેતા અને પોતાનું કામ પૂર્ણ સમર્પણ અને મહેનતથી કરતા હતા.

રવિદાસજીના નામકરણ અંગે વિભિન્ન મત છે. સંત રૈદાસ કી વાણીમાં ‘રૈદાસ’ના નામે ૮૭ શ્ર્લોક અને ૩ સખીઓનું સંકલન કરવામાં આવ્યું છે, જેમાંથી લગભગ તમામ પર ‘રૈદાસ’ નામ છપાયેલું છે. રૈદાસજીના ભાષણ – શ્ર્લોક અને સાખીઓના લખાણમાં થોડો તફાવત સાથે ગુરુ ગ્રંથ સાહિબ’માં સંકલિત રચનાઓ સાથે લગભગ સંપૂર્ણ સમાનતા છે તેથી પુષ્ટિ થાય છે કે, રૈદાસ અને રવિદાસ એક જ વ્યક્તિ હતા.

ટૂંકમાં અનેક પુસ્તકના લખાણમાં આ રીતના બે નામ જોવા મળે છે એટલે આ બંને નામને રૈદાસ તરીકે સમજવા જોઈએ.

આ બે નામમાં કોઈ તફાવત ન હોવો જોઈએ અને એને એક જ વ્યક્તિ રવિદાસના અલગ-અલગ નામ ગણવા જોઈએ એવો ઘણા વિદ્વાનોનો અભિપ્રાય છે.

રવિદાસજીનો જન્મ એવા સમયે થયો હતો જ્યારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં મુઘલોનું શાસન હતું. ચારેબાજુ અત્યાચાર, ગરીબી, ભ્રષ્ટાચાર અને નિરક્ષરતા હતી. તે સમયે મુસ્લિમ શાસકો દ્વારા મોટાભાગના હિંદુઓને મુસ્લિમ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સંત રવિદાસની ખ્યાતિ સતત વધી રહી હતી . એમના લાખો ભક્તો હતા, જેમાં દરેક જ્ઞાતિના લોકો સામેલ હતા. આ બધું જોઈને એક જાણીતા મુસ્લિમ સદના પીર’ એમને મુસ્લિમ બનાવવા આવ્યા. એમણે વિચાર્યું કે, જો રવિદાસ મુસ્લિમ બની જશે તો એમના લાખો ભક્તો પણ મુસ્લિમ બની જશે. આવું વિચારીને એમના પર અનેક રીતે દબાણ લાવવામાં આવ્યું, પરંતુ રવિદાસ સંત હતા. એમને મન માનવ ધર્મ સિવાય બીજો કોઈ ચઢિયાતો ધર્મ ન હતો.

સંત રવિદાસજી ખૂબ જ દયાળુ અને સેવાભાવી હતા. વારાણસીમાં સંત રવિદાસનું ભવ્ય મંદિર અને મઠ છે. અહીં તમામ જ્ઞાતિના લોકો દર્શન કરવા આવે છે. વારાણસીમાં શ્રી ગુરુ રવિદાસ પાર્ક છે, જે એમની સ્મૃતિમાં નાગવા ખાતે બનાવવામાં આવ્યું છે. એનું નામ ‘ગુરુ રવિદાસ મેમોરિયલ એન્ડ પાર્ક’ રાખવામાં આવ્યું છે.

સંત રવિદાસજીનું બહુમુખી દર્શનનું અધ્યયન કરતા જણાશે કે વિભિન્ન ક્ષેત્રોમાં એમનાં યોગદાનનું જ્ઞાન ઉપલબ્ધ છે. પ્રત્યેક મહાન સંત-મહંત- મહાત્મા- દાર્શનિક જ્ઞાનગંગા દ્વારા અજ્ઞાનીઓને ધર્મજ્ઞાનનું પુનિત સ્નાન કરાવે છે.

એમના વિભિન્ન યોગદાન વિશે જાણીએ…
આધ્યાત્મિક ક્ષેત્રમાં રવિદાસજીનું યોગદાન અનોખું રહ્યું છે. એ આધ્યાત્મિક દાર્શનિક ચિંતકોમાંના એક છે. એમણે તત્કાલીન પરિસ્થિતિ અનુરૂપ બ્રહ્મ વિષયક કે સંબંધી મધ્ય-માર્ગનું અનુકરણ કરી ઉપદેશ આપ્યા છે.

રવિદાસજીએ હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય દૂર કરવાના ઉચિત પ્રયાસ કર્યાં. રવિદાસની સંપૂર્ણ વાણીમાં કોઈ પણ વિશે એક પણ કટુ શબ્દ પણ બોલ્યા નથી. એમની વાણી અને દર્શનમાં સાંત્વના તથા પ્રેમ-ભાવના જોવા મળે છે.

નિમ્ન જાતિઓને મંદિરોમાં પ્રવેશ અને ઉદ્ધાર માટેના પ્રયાસ રહ્યા છે. પ્રભુ-પ્રાપ્તિ માટે શાસ્ત્ર-જ્ઞાનની અનિવાર્યતા વિશે એમની સરળ સમજણ સામાન્ય જણને પણ સ્પર્શી જતી.
એમના મતે સંસ્કૃતિ રાષ્ટ્રની આત્મા છે. સંસ્કૃતિથી જ કોઈ રાષ્ટ્ર , વ્યક્તિ અથવા સમાજની ખરી ઓળખ છે. સાંસ્કૃતિક યોગદાનમાં નામનો મહિમા, ત્યાગ, ભ્રમ-ત્યાગ અને કર્મનું મહત્ત્વ એમણે સમજાવ્યું છે.
એ જ રીતે, સામાજિક ક્ષેત્રે રવિદાસજીએ પોતાનાં કથનો અને પદો દ્વારા સમાજમાં જ્ઞાતિના ભેદભાવ દૂર કર્યા. સામાજિક એકતા પર ભાર મૂક્યો અને માનવતાવાદી મૂલ્યોનો પાયો નાખ્યો. રવિદાસજીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે પોતાના જન્મથી કોઈ ઊંચ નથી- કોઈ નીચ નથી માણસ પોતાનાં કર્મોથી જ નીચ છે. જે વ્યક્તિ ખોટા કામ કરે છે તે નીચ છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી ક્યારેય નીચો નથી હોતો. સંત રવિદાસે એમની કવિતાઓ માટે સામાન્ય લોકોની બ્રજભાષાનો ઉપયોગ કર્યો છે. એની સાથે અવધી, રાજસ્થાની, ખડી બોલી અને રેખા એટલે કે ઉર્દૂ-ફારસીના શબ્દોનું મિશ્રણ પણ છે.

આ સંતશ્રીના મતે પરનિંદા, વાદ-વિવાદ, જાતિ-પાતિમાં ભેદ પરસ્પર વૈમનસ્ય ઉત્પન્ન કરે છે જયારે પરોપકાર, નિર્ધન સેવાથી સામાજિક ઉત્થાન સંભવ છે. સાહિત્ય ક્ષેત્રમાં સંત રવિદાસની અમૂલ્ય કૃતિઓને વિશેષ પરિચયની જરૂર નથી. એમની રચનાઓ એ સંત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

અંતમાં એટલું કહી શકાય કે સંત રવિદાસ બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. એમણે જે અનુભવ્યું એને પોતાની અભિવ્યક્તિને આધાર બનાવી સમાજને પીરસ્યું…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…