આથમતા આયખાની એકલતા: સાંજ ઢલે ગગન તલે

મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ:
ઉંમર માત્ર આંકડો છે, પણ છે તો ખરો. (છેલવાણી)
એક વૃદ્ધ પિતા એમના દીકરા-વહુને ૮-૯ વરસના પૌત્ર સાથે રહેતા હતા. એ વૃદ્ધ પિતા જમે ત્યારે ક્યારેક એમના મોંમાંથી ખાવાનું નીચે પડી જતું ને ટેબલ ગંદું થઇ જતું. દીકરા-વહુ, ક્યારેક એમને પ્રેમથી ટોકતાં. એકવાર વહુએ સસરાને કાચની પ્લેટમાં જમવાનું આપ્યું. વૃદ્ધના હાથમાંથી પ્લેટ પડીને તૂટી ગઈ. વહુએ સહેજ ઠપકો આપતા કહ્યું :
‘બાપુજી, જરા ધ્યાન રાખોને, ભૈ સાબ!’
‘સોરી’ કહી પિતા, ડાઇનિંગ ટેબલ પરથી ઉઠવા લાગ્યા.
પુત્રએ તરત કહ્યું, ‘ઇટ્સ ઓકે, પપ્પા. જમી લો.’
બીજા દિવસે પતિ-પત્નીએ જોયું કે બંગલાના બગીચામાં નાનો દીકરો લાકડાનાં નાના ટુકડામાંથી કશુંક બનાવતો હતો.મમ્મીએ પૂછ્યું:
‘બેટા, શું બનાવે છે?’
‘હું લાકડાની ડિશ બનાવું છું. જ્યારે તું ને પપ્પા દાદાની જેમ એકદમ ‘ઓલ્ડ’ થઈ જશો, ત્યારે હું આ લાકડાની થાળીમાં તમને ડિનર આપીશ.’ દીકરાએ કહ્યું!
પતિ-પત્ની ચોંકી ગયાં:
‘પણ બેટા, આપણે ક્યાં દાદાને લાકડાની થાળી આપીએ છીએ? તને આ આઇડિયા આવ્યો ક્યાંથી?’
છોકરાએ ભોળાભાવે કહ્યું:
‘વોટ્સ-એપ પર સ્ટોરી વાંચેલી!’
હકીકતમાં તો આ ટોલસ્ટોયની જૂની વાર્તા છે પણ સોશિયલ મીડિયા પર ફરતા ફરતા બાળક પાસે આવી અને કૂમળા મન પર અસર કરી ગઇ.
શું છે કે દાદા-દાદી કે વૃદ્ધો વિશેની લાગણી…હવે ફોરવર્ડ થયેલા મેસેજોમાં અટવાઈ ગઇ છે. બધાં પુત્ર-પુત્રવધૂઓ ખરાબ છે- એવું નથી પણ ક્યાંક કશે, એક તિરાડ કે દૂરતા છે, જે હવે મેલોડ્રામા કે નાટકીયતાથી પાર મૂંગી વેદના બની ગઇ છે. આપણે સમયના એવા ક્રોસ-રોડ પર છીએં, જ્યાં વૃદ્ધો સાવ આશ્રિત કે પાંગળા નથી. બધા વૃદ્ધાશ્રમમાં રિબાતા નથી, છતાં હર્યાભર્યા પરિવારના સહવાસ સાથે ય વૃદ્ધો અબોલ એકલતા અનુભવે છે. સ્માર્ટ ફોનના ઉપયોગથી માંડીને અવનવા ટી.વી.ના રિમોટ કંટ્રોલને ચલાવવામાં હાંફી જાય છે. ફોન પર જાતજાતની લિંક દ્વારા ‘પૈસાની ફસામણી’; થી સતત ડરી ડરીને જીવે છે. સમય આગળ નીકળી ગયો છે ને સમજ પાછળ રહી ગઇ છે.
હવે આયુષ્ય વધ્યું ને એટલું જ અટપટું થયું છે. વૃદ્ધો રોજ ચાલવાથી માંડીને યોગ કે ઓસડિયાનાં આઇડિયાના ભારથી મોત આગળ ધકેલીને કુદરત સામે રેસ માંડી બેઠા છે. પરંપરાને લીધે પરિવાર સાચવી લે છે, પણ જુવાનોની લાઇફ-સ્ટાઇલની કદમતાલમાં વૃદ્ધોનાં કદમ પાછા પડવા માંડે છે.
અજીબ કશ્મકશની સ્થિતિ છે, જેમાં રાવ-ફરિયાદ પણ નથી ને છતાં યે જીવતરનો જંપ પણ નથી.
ઇંટરવલ:
મૌત કે સાથ હુઇ હૈ શાદી મેરી સો
ઉમ્ર કે આખિરી લમ્હાત મેં દુલ્હા હુઆ મૈં (ઝફર ઇકબાલ)
જો કે આપણે લોકો હજુ યે સહેજ વૃદ્ધ દાદા-દાદીને જીવન વીમાની જાહેરાતનાં પાત્રોની જેમ ટિપિકલ નજરે જ જોઇએ છીએ, પણ દુનિયાનો નજરિયો કરોડો માઇલની સ્પીડથી બદલાઇ રહ્યો છે. ચીનના શાંઘાઈમાં વિધવા, વિધુર, છૂટાછેડા લીધેલા લોકો દર અઠવાડિયે પીપલ્સ પાર્કમાં પાર્ટનર કે સાથીદાર શોધવા મળે છે. એકલતા દૂર કરવા મોટી ઉંમરના લોકો ગીતો ગાવા માટે કરાઓકે મશીનો લાવે છે, ડાંસ કરવા માટે સ્પિકર્સ લાવે છે, થર્મોસમાં કોફી ભરીને લાવે છે ને પછી પોતપોતાની જૂની યાદોને બાળપણની પીપરમિંટની જેમ ચગળે રાખે છે. ચીનમાં, પ્રેમ અને લગ્ન વિશે જૂના ખયાલો ખંખેરાઇ રહ્યા છે. બુઢાપામાં ઘણાં ચીનીઓ બીજાં કે ત્રીજાં લગ્ન કે રોમાંસને શોધી રહ્યા છે. કોઇ ગિલ્ટ વિના.
બીજા દેશોની સરખામણીએ ચીનમાં ૬૫ કે વધુ ઉંમરનાઓની સંખ્યા સૌથી વધુ છે. વળી, ચીનમાં રિટાયર થવાની વિશ્ર્વમાં ઉંમર સૌથી ઓછી છે. ઉપરથી ચીનીઓ જીવે છે ય લાંબું. એવામાં જેમના જીવનસાથી ગુજરી ગયા હોય કે પછી જીવતા હોય છતાં જીવનમાં એકલવાયું લાગે એમની લાચારીનું શું?
‘ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ મુજબ ચીનમાં આગામી ત્રણ દાયકામાં ૬૫ કે વધુ ઉંમરના લોકોની વસ્તી ૪૦૦ કરોડ સુધી પહોંચવાની ધારણા છે. જાપાનની હાલત ચીનથી યે વરવી છે. આપણે ત્યાં પણ ૧-૨ દાયકા બાદ, વૃદ્ધોની પ્રચંડ સંખ્યા હોઇ શકે છે એવા આંકડાઓ આવ્યા છે. એ બધી ગમગીનીની વાતો જવા દો. હમણાં ગયા વર્ષે, ‘મુંબઈ મેરેથોન’માં ૮૦ વર્ષનાં ભારતીબેન પાઠક, ઉત્સાહપૂર્વક સાડી અને સ્નીકર્સ શૂઝ પહેરીને હાથમાં તિરંગા સાથે ૫૧ મિનિટમાં ૪.૨ કિલોમીટર દોડ્યાં હતાં. એમના જેવી અનેક ભારતીય દાદીઓ છે જેઓ પુશ-અપ્સ કરતી કે વેઈટ લિફ્ટિંગ કરતી રીલ્સ ઇન્સ્ટાગ્રામ-ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં મૂકે છે.
બીજી બાજુ, આપણે ત્યાં કોઇ ૬૦નું થાય એટલે- ‘હવે શાંતિથી બેસો છાનામાના, ભગવાનનું નામ લો, ઉંમરનું તો જરા ધ્યાન રાખો’…વગેરે કહી કહીને પરાણે બુઢાપાને બાથ ભરવાનું જાણે-અજાણે કહેવામાં આવે છે.
અમેરિકામાં ‘વ્હુ વોટ વેર?’ નામનાં પોડકાસ્ટમાં ફેશન કે સ્ટાઈલની વાતો હોય છે. એમાં ૫૦ વર્ષની લોકપ્રિય ઇન્ફ્લુએન્સર ગેબ્રિયલ વેડ કહે છે કે એક વખત એણે સોશિયલ મીડિયા પર બિકિનીમાં પોતાના ફોટા મૂકેલા. પછી લોકોએ એને ખૂબ વખોડી નાખી કે ટ્રોલ કરી હતી. ત્યારે ગેબ્રિઅલ વેડે દકિયાનુસી સમાજને તીખો તમતમતો જવાબ ફટકારેલો:
‘મારી કોફિન કે શબપેટીમાં પણ હું બિકિની જ પહેરીશ. બોલો! શું કરી લેશો?!’
‘યે હુઇ ના બાત..આને કહેવાય અભી તો મૈં જવાન હૂં’ વાળી સદાબહાર સ્પિરિટ! એકવાર તમારા દાદા-દાદીને અચાનક ભેટીને ‘આઇ લવ યુ’ કહી જોજો.. એમની આંખોમાં વિતેલા આયખાંનો ઓથાર ઊતરી જશે. સફેદ વાળમાં ચાંદી ચમકી જશે ને ઝાંખી નજરોમાં સો સો સૂરજ ઊગી નીકળશે!
એંડ-ટાઇટલ્સ:
આદમ: મને બુઢાપામાં ય ચાહીશ?
ઈવ: ચાહું જ છું ને?