સંઘ વિરુદ્ધ સાધુ-સંતો… ધર્મસ્થાનોના મુદ્દે બબાલ કેમ?
કવર સ્ટોરી -વિજય વ્યાસ
`રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના વડા મોહન ભાગવતે હિંદુઓને આપેલી સલાહથી ટોચના સાધુ-સંતો ગિન્નાયા છે. મંદિર-મસ્જિદ પછી મણિપુર અને બાંગ્લા દેશની ઘટનાઓને લઈને સરકાર અને સંઘની રહસ્યમય ચુપકીદી સામે શબ્દો ચોર્યા વગર એમણે પોતાનો ઉગ્ર આક્રોશ ઉછાળ્યો છે. મોહન ભાગવત ભારતમાં એક તરફ હિંદુ મંદિરો કે ધર્મસ્થાનો તોડીને મુસ્લિમ ધર્મસ્થાનો બનાવાયાં હોવાના પુરાવા મળવાની ઘટનાઓ વધતી જાય છે ત્યારે બીજી તરફ `રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિંદુઓને આપેલી સલાહના કારણે બખેડો થઈ ગયો છે. ભાગવતની સલાહથી હિંદુ સાધુ-સંતો ભડક્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં ભાગવતને મર્યાદામાં રહેવા કહ્યું છે.
મોહન ભાગવતે મુસ્લિમ ધર્મસ્થાનોનાં ખોદકામ કરીને હિંદુ ધર્મસ્થાનો શોધવાની પ્રવૃત્તિથી દૂર રહેવાની હિંદુઓને સલાહ આપીને કહ્યું છે કે, દેશમાં દરેક મસ્જિદ નીચે મંદિર શોધવાની જરૂર નથી. મોહન ભાગવતે કટાક્ષ કર્યો કે, રામ મંદિરના નિર્માણ પછી ઘણા લોકોને લાગે છે કે, મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી એવા અયોધ્યાની બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ જેવા મુદ્દા ઉઠાવીને `કેટલાક’ લોકો આડકતરી રીતે હિન્દુઓના નેતા બનવાના પ્રયાસ કરી રહ્યા છે. હકીકતમાં કોઈને પણ આ રીતે ધાર્મિક મુદ્દા ભડકાવીને નેતા બનવાની મંજૂરી ના આપી શકાય.
ભાગવતના આ નિવેદનની સાધુ-સંતોએ બરાબર ઝાટકણી કાઢી છે. સાધુ-સંતોએ સોઈ ઝાટકીને કહી દીધું છે કે, હિંદુ ધર્મસ્થાનોનો મુદ્દો અમારો છે એટલે સંઘ તેમાં ના પડે તો સારું છે. સાધુ-સંતોના સંગઠન `અખિલ ભારતીય સંત સમિતિ (એબીએસએસ)’એ મોહન ભાગવતને સલાહ આપી છે કે, મંદિર-મસ્જિદ ધાર્મિક મુદ્દો છે અને આવા મુદ્દા પર ધર્માચાર્યોનો નિર્ણય જ અંતિમ રહેશે તેથી સંઘ કે બીજાં કોઈ સંગઠને આ મુદ્દે કડછો મારવો નહીં…
તુલસી પીઠના વડા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે તો ભાગવતની વાતને સાવ ફાલતુ ગણાવીને કહી દીધું છે કે, ભાગવતની વાત હિંદુઓએ સ્વીકારવી ફરજિયાત નથી કેમ કે ભાગવત `રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સંચાલક છે, હિન્દુ ધર્મના નહીં…
એમણે તો ત્યાં સુધી કહ્યું કે જ્યાં જ્યાંથી પણ હિન્દુ મંદિરના અવશેષો નીકળશે ત્યાં વોટથી કે કોર્ટથી એનો કબજો લઈને રહીશું! ભાગવત મુસ્લિમોનું તુષ્ટીકરણ કરી રહ્યા છે એવી ટીકા પણ થઈ રહી છે. આ ટીકા સ્વાભાવિક છે કેમ કે સંઘ હિંદુ ધર્મસ્થાનો તોડવાના મુદ્દે બેવડાં ધોરણ અપનાવી રહ્યો છે. 1980ના દાયકામાં સંઘે જ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હોવાનો દાવો કરેલો. એ વખતે સંઘ અયોધ્યા, કાશી અને મથુરા એ ત્રણ મંદિર મુસ્લિમો પાછાં આપે એવી માગણી કરતો હતો, પણ હવે કાશી અને મથુરાની વાત જ કરતો નથી ત્યારે બીજાં મંદિરો પાછાં લેવાની વાત કરે એવી આશા જ ના રખાય. હિંદુઓ માટે આ મુદ્દો ધાર્મિક લાગણી સાથે સંકળાયેલો છે, પણ સંઘ હિંદુઓની લાગણીને બદલે ભાજપનાં હિતો સાચવે છે તેથી સંતોનો આક્રોશ ગંભીરતાથી વિચારવા જેવો ખરો… ભારતમાં હિંદુ ધર્મસ્થાનો તોડીને બનાવવામાં આવેલાં મુસ્લિમ ધર્મસ્થાનોનો મુદ્દો ઊઠે તો તેના કારણે મુસ્લિમ દેશોને મોદી સરકાર વિરુદ્ધ બોલવાની તક મળી જાય. મોદી સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભીંસમાં આવી જાય તેથી સંઘ આ મુદ્દા ના ઊઠે એવું ઇચ્છે છે.
સંઘ સામે હિંદુવાદી નેતાઓએ અને સંતોએ ઉઠાવેલો આક્રોશ એ રીતે પણ યોગ્ય છે કેમ કે સંઘનું હિંદુત્વ સગવડિયું છે અને સંઘ હિંદુત્વનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે એવા આક્ષેપ અવારનવાર થતા રહે છે. સંઘ વિશ્વમાં હિંદુઓનું હિતરક્ષક સૌથી મોટું સંગઠન હોવાનો દાવો કરે છે, પણ વાસ્તવમાં એ સત્તાની નજીક રહીને બધા લાભો લે છે. સંઘનું હિંદુત્વ કેવું છે અને તેને હિંદુઓના બદલે ભાજપની વધારે ચિંતા છે એ મણિપુર અને બાંગ્લાદેશમાં આપણે જોઈ જ લીધું છે.
મણિપુરમાં અત્યારે ભલે શાંતિ છે, પણ છેલ્લા ંદોઢ વર્ષથી જે હિંસા ચાલી તેમાં સંખ્યાબંધ હિંદુઓનો ભોગ લેવાયો અને હજારો હિંદુઓ બેઘર થયા. મણિપુરમાં ખ્રિસ્તી આદિવાસીઓ અને હિંદુ મેઈતેઈ સમુદાય વચ્ચેના જંગમાં હિંદુઓએ બહુ સહેવું પડ્યું છે. હિંદુ બહેન-દીકરીઓ પર પાશવી ગૅંગ રેપ થયા અને જે બે બહેનને જાહેરમાં નગ્ન કરીને ફેરવવામાં આવી હતી એ બહેનો પણ હિંદુ જ હતી. આ બધું જોઈને આપણી હિંદુવાદી સરકારમાં બેઠેલા લોકોનું ન તો લોહી ઊકળ્યું કે ના સંઘના નેતાઓના પેટનું પાણી હાલ્યું. સંસદમાં હિંદુઓનાં હિતો સાચવવા માટે જીવ આપી દેવાની વાતો કરનારા કેન્દ્ર સરકારના મંત્રીઓમાંથી એક મંત્રી મણિપુરના હિંદુઓનાં આંસુ લૂછવા માટે મણિપુર ગયો નથી કે એમના વિશે બોલ્યો પણ નથી. બીજી તરફ, સંઘ મણિપુરની હિંસા વિશે બોલ્યો નથી એવું ના કહી શકાય કેમ કે ભાગવતે બે વાર મણિપુરના મુદ્દાને તાત્કાલિક હાથ પર લેવાની વાત કરી પણ પછી શું? કંઈ જ નહીં. મણિપુરના હિંદુઓ આ દેશના હિંદુઓ જ છે ને એ કપાઈ રહ્યા હોય ત્યારે બે વાર એમના વિશે બોલી દેવું એ હિંદુઓનાં હિતો સાચવ્યાં ના કહેવાય. કેન્દ્ર સરકાર મણિપુરના હિંદુઓને ભગવાન ભરોસે છોડીને બેઠી છે તેની સામે સંઘે હુંકાર કરવો જોઈતો હતો.
બાંગ્લાદેશના મામલે પણ સંઘનું વલણ એવું જ છે. ભારત હિંદુઓનો સૌથી મોટો દેશ છે ત્યારે પાડોશી દેશોમાં રહેતા હિંદુઓની ચિંતા ભારત નહીં કરે તો બીજું કોણ કરશે એવી વાતો સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) વખતે સંસદમાં કોણ કરતું હતું એ કહેવાની જરૂર નથી. સંઘે એ વાતોમાં હાજીયો પૂરાવેલો ને અત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ થાય છે ત્યારે હિંદુઓની ચિંતા કરનારા બધા ઘરે જઈને ગોદડાં ઓઢીને સૂઈ ગયાં છે.
સંઘ બાંગ્લાદેશના હિંદુઓની રક્ષા કરે એવી તો તેની પાસેથી અપેક્ષા જ નથી. જમ્મુ અને કાશ્મીર કે મણિપુર આ દેશનો ભાગ હોવા છતાં સંઘ આ રાજ્યોના હિંદુઓને બચાવવાના બદલે ખાલી થૂંક ઉડાડતો હોય તો બાંગ્લાદેશમાં તો કશું કરવાનો નથી. સંઘ વ્યક્તિપૂજામાં નહીં માનવાની ને સંગઠન મહાન છે ને રાષ્ટ્ર મહાન છે એવી બધી સૂફિયાણી વાતો કરે છે એ નર્યો દંભ છે એ મણિપુરની ઘટનાએ સાબિત કરી દીધું. કાશ્મીરમાં હિંદુઓ મરે તેની સામે સરકાર ચૂપ રહે, મણિપુરમાં હિંદુઓ મરે તેની સામે પણ સરકાર કશું ના કરે છતાં સંઘ ચૂપ રહે તો તેની સામે વિરોધનો આક્રોશ હિંદુવાદીઓ ઉઠાવવાના જ છે.