સજજન કોણ?: સવાલ નાટકનો ને જીવનનો

મહેશ્ર્વરી
બાબુભાઈ મીરની નાટક કંપની સાથેનો મહિનો પૂરો થવા આવ્યો હતો અને ‘પછી શું’ એ સવાલ મનમાં ઘુમરાયા કરતો હતો એ જ અરસામાં રમેશ મિસ્ત્રી નામના કોઈ ભાઈ મને મળવા આવ્યા હતા. નામ સાંભળી મને બે ઘડી વિચાર આવ્યો કે અંગત રીતે કે નાટક કંપનીને સુથારી કામની કોઈ જરૂર પણ નહોતી તો મિસ્ત્રી ભાઈ મને શું કામ મળવા માગતા હશે? મળ્યા ત્યારે ખબર પડી તેમને નાટક કંપની શરૂ કરવી હતી. એ સમયે નાયક લોકો કે મીર લોકો જ મુખ્યત્વે નાટક કંપની ચલાવતા હતા. એટલે મિસ્ત્રી નાટક કંપનીના વ્યવસાયમાં આવવા માગતા હશે એવો તો સ્વપ્નેય ખ્યાલ ન આવે. જોકે, આર્થિક પ્રગતિ થવાથી નાટ્ય પ્રવૃત્તિ સાથે સીધા ન સંકળાયેલા લોકો પણ પોતાના વ્યવસાયમાં બે પાંદડે થયા પછી નાટક કંપની ચલાવી ચાર પાંદડે થવાનો વિચાર કરવા લાગ્યા હશે એવું મારું અનુમાન હતું. બાબુભાઈની સ્નેહભરી વિદાય લઈ અમે છાપી ગામથી નવી નાટક કંપનીની શરૂઆત કરી. છાપી ગામ એ સમયે બહુ જાણીતું નહોતું. આજે પણ બહુ ઓછા લોકો જાણતા હશે. સાબરકાંઠા જિલ્લાનું આ ગામ નવાબી કાળમાં બહુ મહત્ત્વ ધરાવતું હતું. નવાબની દીર્ઘદ્રષ્ટિને કારણે ગામનો વિકાસ ખૂબ સારો થયો હતો. છાપી ઈમારતી લાકડાના કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ હોવાથી ગામના સુથાર કોમના લોકોની સુખાકારીમાં વધારો થયો હતો. આ બધી વાત જાણ્યા પછી રમેશ મિસ્ત્રી નાટક કંપની શરૂ કરવા માગતા હતા એની મારે મન નવાઈ ન રહી.
છાપી ગામમાં ‘વીર માંગડાવાળો’, ‘લાખો ગોરાંદે’, ‘ખેમરો લોડણ’, ‘નાગમતી નાગવાળો’ વગેરે પ્રેમકથા ધરાવતા નાટકોથી અમે શરૂઆત કરી. કચ્છના વાગડ પ્રાંતના બળવાન કાઠી રાજાની ક્ધયા નાગમતી અને વાગડના જ સમિયાણાના રાજા ઘમ્મરવાળાના પુત્ર નાગવાળાની પ્રેમકથાનું નિરૂપણ કરતું ‘નાગમતી નાગવાળો’ અલગ ભાત પાડતું નાટક હતું. છાપીમાં નાટકો સારા ચાલી રહ્યાં હતાં અને અમે બે એક મહિના કાઢી નાખ્યા હશે ત્યારે મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. છાપીથી અમે પહોંચ્યા ખેડા જિલ્લાના કપડવંજ. બત્રીસ કોઠાની વાવ માટે કપડવંજ જાણીતું છે. અહીં એકાદ મહિનો નાટકો કર્યા પછી અમે પહોંચ્યા સોજીત્રા. આણંદ જિલ્લાના આ ગામમાં અમે પહેલું નાટક કર્યું ‘સજજન કોણ?’ પ્રભુલાલ દ્વિવેદી લિખિત આ નાટક ૧૯૩૦ના દાયકામાં લક્ષ્મીકાન્ત નાટક સમાજએ પહેલી વાર ભજવ્યું ત્યારે તેને મબલક કમાણી થઈ હોવાની નોંધ ઈતિહાસના ચોપડે છે. નાટકમાં એવો સવાલ ઊભો થાય છે કે આમાં સજજન કઈ વ્યક્તિ છે અને કથાના એ બીજને ધ્યાનમાં રાખી એનું ટાઈટલ પણ ‘સજજન કોણ?’ રાખવાનું નક્કી થયું હતું. નાટકમાં ત્રણ બહેનોની વાત આવે છે. બહેનોનાં માતા – પિતા અવસાન પામ્યા હોય છે અને દાદાની છત્રછાયામાં તેમનો ઉછેર થયો હોય છે. સૌથી મોટી હું લજજાવતી જે પરિવારના પેટની ચિંતા કરતી નોકરીની શોધમાં નીકળે છે. બે ભાઈ દ્વારા ચાલતી એક કંપનીમાં તેને ઈન્ટરવ્યૂ આપવા માટે કહેવામાં આવે છે. લજજાવતીની મુલાકાત પહેલા નાના ભાઈ સાથે થાય છે. બંને વચ્ચે સહજ વાતચીત થાય છે અને નાનો ભાઈ તેને સાફ શબ્દોમાં કહી દે છે કે જો તારા નામ (લજજાવતી) જેવા ગુણ તારે જાળવી રાખવા હોય તો અહીંથી તું જતી રહે. ટૂંકમાં મોટાભાઈનું ચારિત્ર્ય ખરડાયેલું છે. મોટાભાઈની પત્ની સુધ્ધાં અળવીતરા પતિને ઓળખતી હોય છે. જોકે, લજજાવતી ત્યાં નોકરી સ્વીકારી લે છે. પછી કથામાં એવો વળાંક આવે છે કે લજજાવતીની બંને નાની બહેનો ઝેર ખાઈને આપઘાત કરે છે. આ બધા આઘાત જીરવી લજજાવતી જીવનમાં આગળ વધતી રહે છે અને એમાં તેને પહેલી જ મુલાકાતમાં પોતાના જ મોટાભાઈથી લજજાવતીનું રક્ષણ કરવા તત્પર થયેલા નાનાભાઈના સાથ અને સહકાર મળે છે. વળાંક લેતી વાર્તા આગળ વધે છે અને વચ્ચે ટ્રેજેડી બની ગયેલા નાટકનો સુખાન્ત આવે છે જ્યારે નાનો ભાઈ લજજાવતી સાથે લગ્ન કરી લે છે. લજજાવતીનું પાત્ર મને બહુ ગમ્યું હતું કારણ કે એમાં દ્રઢ મનોબળ ધરાવતી સ્ત્રીની વાત કેન્દ્રમાં છે અને હું પણ જીવનમાં મજબૂત મનોબળ રાખીને જ એક મુકામ સુધી પહોંચી શકી એ હકીકત છે. નાટક અને સિનેમા સામાજિક જીવનના જ પ્રતિબિંબ હોય છે ને. મને સુદ્ધાં ‘સજજન કોણ?’ એવો સવાલ જીવનના વિવિધ તબક્કે થયો છે.
સોજીત્રામાં સામાજિક નાટકને સારો આવકાર મળ્યો હોવાથી અમે પછી ‘માયાના રંગ’ નામનું નાટક કર્યું. આ નાટકની કથા પણ બહુ રસપ્રદ છે. વાર્તાના કેન્દ્રમાં મધ્યમવર્ગીય જીવન જીવતા પતિ – પત્ની છે. નોકરી અંગે પતિ બહારગામ હોય છે અને પાંચ વર્ષ પછી પત્નીને મળવા ઘરે પાછો ફરવાનો હોય છે. જોકે, એ સમયે યમલોકમાં ચિત્રગુપ્તનો ચોપડો ખુલે છે અને યમરાજને આદેશ આપવામાં આવે છે કે ‘પતિ પત્નીને મળે એ પહેલા જ તું તેને ઉપાડી યમલોકમાં લઈ આવ.’ જોકે, પતિના પ્રાણ હરવા આવેલા યમરાજનું હૃદય પીગળી જાય છે અને એ જીવ લીધા વિના યમલોકમાં પાછો ફરે છે. એને એકલો પાછો ફરેલો જોઈને એને કહેવામાં આવે છે કે ‘કેમ તું પતિને લીધા વગર આવ્યો? તારાથી આવું કરાય જ નહીં. એ બધું નિશ્ર્ચિત હતું. હવે તું જો કેવા હાલ થાય છે!’ અહીં પૃથ્વી પર પત્નીનો સ્વભાવ એકદમ પલટાઈ જાય છે અને પછી જીવનમાં જે ઘટનાઓ બને છે એ જોઈ યમરાજને પણ પોતે ભૂલ કરી હોવાનો એહસાસ થયો હશે. જૂની રંગભૂમિનાં નાટકો ટેક્નિકલ દ્રષ્ટિએ કદાચ સાવ સામાન્ય હતા, પણ એ નાટકોની કથા એક એકથી ચડિયાતી રહેતી. આ નાટકો પ્રેક્ષકોનું મનોરંજન કરવાની સાથે સાથે બોધ પણ આપી જીવન સુદ્રઢ બનાવવામાં નિમિત્ત બનતા હતા.
ટેલિગ્રામથી નાટકનું રિઝર્વેશન
જૂની રંગભૂમિ અને એમાંય ખાસ કરીને ભાંગવાડી થિયેટર સાથે અનેક રોચક કથા સંકળાયેલી છે. એમાંય વન્સમોર કરતા, દાદ આપી કદર કરતા અને એક જ નાટક ૪૦ – ૫૦ વાર જોનારા પ્રેક્ષકોની સંખ્યા બહોળી હતી. એવી નોંધ છે કે ‘વીરપસલી’ નામનું નાટક જોવા લોકો બહારગામથી તારથી (ટેલિગ્રામથી) રિઝર્વેશન કરાવીને આવતા. લેખકનું નામ વાંચી નાટક જોવા આવતા પ્રેક્ષકોની સંખ્યા પણ ઘણી હતી. આ દર્શક વર્ગમાં એક મૂઠી ઊંચેરા નાટ્ય પ્રેમી જ નહીં, કલા પ્રેમી તરીકે જાણીતા જામનગરના બારદાનવાલા શેઠની વાત જ ન્યારી હતી. જામનગરથી દરેક નવા નાટકનો પહેલો શો જોવા ભાંગવાડી થિયેટરમાં આવતા હતા. રંગભૂમિને આવા કદરદાન કલાપ્રેમી મળ્યા છે. જાણવાની વાત એ છે કે જામનગરથી હરજીવનદાસ બારદાનવાલા શેઠ ફોન કરી દેશી નાટક સમાજમાં ફોન કરી ટિકિટ રાખવા કહેતા અને શોના દિવસે વિમાનમાં બેસી નાટક જોવા આવતા અને નાટક પત્યા પછી ફ્લાઈટમાં જ જામનગર પહોંચી જતા. નાટકના એટલા શોખીન કે ઘણા ડાયલોગ તેમને મોઢે રહેતા. જામનગર કોઈ નાટક કંપનીનો મુકામ હોય તો દરેક કલાકારને ઘરે જમવા આમંત્રણ આપતા. નાટકની બુકલેટ ભેગી કરવાનો તેમને ગજબનો શોખ હતો. ‘વડીલોના વાંકે’, ‘પૈસો બોલે છે’ સહિત અનેક નાટકોની બુકલેટ તેમણે ઘરના ભોંયરામાં સાચવી રાખી હતી જે કમનસીબે નાશ પામી. (સંકલિત)