ઉત્સવ

સૈફ અલી ખાન પટૌડી પરિવારને 15 હજાર કરોડનો ફટકો

એક મહત્વના કાયદા અનુસાર સૈફના પટૌડી પરિવારે કરોડોની અધધધ મિલકત ગુમાવવી પડશે… શું છે એ એનિમી પ્રોપર્ટી એક્ટ?

કવર સ્ટોરી -વિજય વ્યાસ

પટૌડી પેલેસ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના પટૌડી પરિવારની 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવા સામેનો સ્ટે ઉઠાવીને એનિમી પ્રોપર્ટી એક્ટ' હેઠળ આ સંપત્તિ જપ્ત કરવાની છૂટ આપી એની સાથે જ 1968નોએનિમી પ્રોપર્ટી એક્ટ’ ફરી ચર્ચામાં છે.

સૈફના પૂર્વજો હરિયાણાના પટૌડીના નવાબ હતા. ગુડગાંવ પાસેના પટૌડીના નવાબ પરિવારના સૈફના દાદા ઈફ્તિખાર અલી ખાન પટૌડી જાણીતા ક્રિકેટર હતા. 1946માં ઈંગ્લેન્ડ રમવા ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. સૈફના પિતા મન્સૂર અલી ખાન ઉર્ફે ટાઈગર પટૌડી પણ ભારતીય ટીમના કેપ્ટન હતા. ભારતને વિદેશની ધરતી પર પહેલો ટેસ્ટ શ્રેણી વિજય ટાઈગર પટૌડીના નેતૃત્વમાં 1967માં ન્યુઝીલેન્ડ સામેની સિરિઝમાં મળ્યો હતો.

સૈફના પરિવારનો ઈતિહાસ આખો અલગ વિષય છે ને અત્યારે આપણે વાત તેની નહીં, પણ `એનિમી પ્રોપર્ટી એક્ટ’ની કરવી છે. આ એકટ 1968માં ઈન્દિરા ગાંધીની સરકારે બનાવેલો. આ કાયદા દ્વારા ભારત સરકારને 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને આઝાદી મળી પછી પાકિસ્તાન અને ચીન જતા રહેલાં લોકોની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપે છે. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધ પછી ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે આક્રમક વલણ અપનાવીને મર્દાના મિજાજ બતાવવાની નીતિ અપનાવી તેના ભાગરૂપે એનિમી પ્રોપર્ટી એક્ટ અમલમાં આવ્યો હતો. આ એક્ટ હેઠળ ભારત સરકારનો પાકિસ્તાનીઓની સ્થાવર જ નહીં, પણ જંગમ મિલકત પર પણ અધિકાર થઈ ગયો.

એનિમી પ્રોપર્ટી એક્ટ પહેલાં ભારતમાં દિલ્હી કરાર અસ્તિત્વમાં હતો. જવાહરલાલ નહેરૂએ 1950માં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાન સાથે `લિયાકત-નહેરૂ કરાર’ તરીકે ઓળખાતા દિલ્હી કરાર કર્યા હતા. એ કરાર હેઠળ ભારત અને પાકિસ્તાને બંને દેશના લઘુમતી સમુદાયનાં લોકો બીજા દેશમાં રહી ગયેલી સંપત્તિ વેચવા માટે જઈ શકે તેની મંજૂરી આપવામાં આવી હતી. ભારત આવેલા હિંદુ પાકિસ્તાનમાં પોતાની સંપત્તિ વેચી શકે ને પાકિસ્તાન ગયેલા મુસલમાનો ભારત આવીને પોતાની સંપત્તિ વેચી શકે તેવી જોગવાઈ દિલ્હી કરારમાં હતી. લૂંટવામાં આવેલી સંપત્તિ ઉપરાંત હિંદુ – મુસ્લિમ બંને કોમની ઉઠાવી જવાયેલી સ્ત્રીઓને પણ પાછી લાવવાની -આપવાની પણ જોગવાઈ આ કરારમાં હતી. ભારત – પાકિસ્તાન બંનેએ લઘુમતીઓને મદદરૂપ થવા લઘુમતી પંચોની રચના પણ કરી હતી.

નહેરૂએ આ કરાર દ્વારા પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવાની પહેલ કરેલી, પણ પાકિસ્તાને 1965માં ભારત પર આક્રમણ કર્યું પછી ગિન્નાએલાં ઈન્દિરા ગાંધીએ નરમ વલણ છોડીને એનિમી પ્રોપર્ટી એક્ટ બનાવી દીધો ને ઇન્દિરાજીએ કાયદાનું નામ રાખ્યું એ જ બહુ સૂચક હતું. એનિમી પ્રોપર્ટી એક્ટ' નામ દ્વારા ઈન્દિરાએ સ્પષ્ટ કરી દીધેલું કે, ભારત છોડીને પાકિસ્તાન ગયેલાં લોકોને ભારતમાં સંપત્તિ રાખવાનો અધિકાર નથી ને જે છોડીને ગયા એ બધું હવે અમાં-સરકારનું છે.એનિમી’ શબ્દ દ્વારા ઈન્દિરાજીએ પણ સંકેત આપી દીધેલો કે, ભારત પાકિસ્તાનીઓને દુશ્મન માને છે. આ પ્રોપર્ટી એક્ટ હેઠળ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટીઝ ઓફ ઈન્ડિયા (સીઈપીઆઈ)ની રચના કરવામાં આવે છે, જે ભારતમાં દુશ્મન દેશોની કેટલી પ્રોપર્ટી છે તેનો હિસાબ રાખે છે.

આ `એનિમી પ્રોપર્ટી એક્ટમાં’ બે વાર સુધારા પણ થયા છે. 2005માં યુપીના મહમૂદાબાદના રાજા મોહમ્મદ આમીર અહમદ ખાનના કેસમાં સુપ્રીમ કોર્ટે રાજાના વારસોને એનિમી પ્રોપર્ટી જાહેર થયેલી સંપત્તિ પાછી આપવાનો ચુકાદો આપ્યો પછી 2010માં ડો. મનમોહનસિંહની સરકારે વટહુકમ બહાર પાડીને એનિમી પ્રોપર્ટી કાનૂની વારસોને ટ્રાન્સફર ના કરી શકાય એવો સુધારો કર્યો. 2016માં મોદી સરકારે કાયદામાં સુધારો કરીને તમામ એનિમી પ્રોપર્ટીઝ કસ્ટોડિયન પાસે જ રહે અને એનિમી પ્રોપર્ટીને લગતા તમામ કોર્ટના ચુકાદા રદ્દબાતલ ગણાય એવી જોગવાઈ કરી પછી બધી એનિમી પ્રોપર્ટી સી પ્રોપર્ટીઝ કસ્ટોડિયનના હવાલામાં છે.

એના સત્તાવાર આંકડા પ્રમાણે હાલમાં ભારતમાં પાકિસ્તાનીઓની 12458 અને ચીનાઓની 126 મળીને કુલ 12,611 એનિમી પ્રોપર્ટી છે કે, જેમની બજાર કિમત આજે એક લાખ કરોડ રૂપિયાથી વધારે થાય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 6255 એનિમી પ્રોપર્ટી છે. પશ્ચિમ બંગાળ, દિલ્હી, ગોઆ, મહારાષ્ટ્ર અને તેલંગાણા એ પછીના સ્થાને છે. ભારત સરકારે અત્યાર સુધી એક પણ સ્થાવર એનિમી પ્રોપર્ટી નથી વેચી, પણ શેર, સોનું વગેરે વેચીને 3800 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ભારતમાં પાકિસ્તાનીઓની કેટલીક પ્રોપર્ટીના કેસ હાઈ પ્રોફાઈલ પણ બન્યા છે. પાકિસ્તાને મુંબઈમાં આવેલા મોહમ્મદ અલી ઝીણાના મકાન જિન્નાહ હાઉસ પર દાવો કરેલો. પણ ભારતે એ `ઝીણા હાઉસ’ પરનો દાવો ફગાવી દીધો હતો. નહોતો રાખ્યો. દિલ્હીમાં પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફની સંપત્તિ પણ પાકિસ્તાને માગી હતી પણ ભારતે એ માગણી નકારી દીધી હતી. બીજી તરફ, પાકિસ્તાનના પેશાવરમાં આવેલું પૃથ્વીરાજ કપૂર અને દિલીપકુમારના ઘર સહિતની ઘણી ભારતીયોની સંપત્તિ પાકિસ્તાને આપણને આપી નહીં એ જોતાં ભારતનું વલણ યોગ્ય હતું.

સૈફ અલી ખાનના પરિવારની સંપત્તિ પણ ભારતે એનિમી સંપત્તિ જાહેર કરી દીધી તેનું કારણ પણ એ જ છે કે, સૈફનો અડધો પરિવાર પાકિસ્તાન જતો રહેલો. સૈફ અલી ખાનના દાદા નવાબ ઈફ્તિખાર અલી ખાનનાં લગ્ન ભોપાલના નવાબ હમીદુલ્લાહ ખાનના બીજા નંબરની દીકરી સાજિદા સુલતાન સાથે થયાં હતાં. હમીદુલ્લાહ ભાગલા પછી ભારતમાં જ રહેલા અને 1960માં ભોપાલમાં જ ગુજરી ગયા ત્યારે સૌથી મોટી દીકરી આબિદા સુલતાન સંપત્તિનાં વારસ ગણાયેલાં.

આબિદાનાં લગ્ન કુરવાઈના નવાબ મોહમ્મદ સરવર અલી ખાન સાથે થયેલાં, પણ ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાન જતો રહેલો. ત્રીજી દીકરી રાબિયા સુલતાને પહેલાં લગ્ન પાકિસ્તાનમાં કરેલાં. ભોપાલના નવાબ ગુજરી ગયા ત્યારે એનિમી પ્રોપર્ટી એક્ટ અમલમાં નહોતો તેથી એ વખતે સંપત્તિ વહેંચી લીધી હોત તો આજે આ અઢળક સંપત્તિ બચી ગઈ હોત, પણ દિલ્હી કરારના કારણે આબિદાને પોતે ગમે ત્યારે સંપત્તિ વેચી શકશે એવું લાગતું હતું તેથી સંપત્તિ ના વેચી, પણ 1968માં ઈન્દિરા ગાંધીએ એનિમી પ્રોપર્ટી એક્ટ બનાવી દીધો તેથી પટૌડી પરિવારને બરાબરનો બૂચ વાગી ગયો.

એનિમી પ્રોપર્ટી એક્ટ અમલમાં આવતાં સંપત્તિ બચાવવાનાં હવાતિયાંના ભાગરૂપે સૈફ અલી ખાનનાં દાદી સાજિદા બેગમે પોતે સંપત્તિનાં વારસ હોવાથી સંપત્તિ પોતાને મળવી જોઈએ એવો દાવો કરીને કેસ કરેલો. સાજિદા બેગમને 2019માં કોર્ટે કાયદેસરનાં વારસ જાહેર કરતાં એ સંપત્તિ સૈફ અલી ખાનના પરિવારને મળશે એવું લાગવા માંડેલું, પણ તાજેતરના હાઈકોર્ટના ચુકાદાએ હવે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે.

આમ તો સૈફ અલી ખાન પાસે પટૌડીમાં-દિલ્હી અને મુંબઈમાં અબજોની સંપત્તિ છે. આમ છતાં 15 હજાર કરોડ નાની રકમ નથી. ભોપાલમાં આવેલી પટૌડી પરિવારની નૂર-ઉસ-સબાહ પેલેસ. ફ્લેગ સ્ટાફ હાઉસ, દાર-ઉસ-સલામ, બંગલો ઓફ હબીબી, અહમદાબાદ પેલેસ. કોહેફિઝા પ્રોપર્ટી સહિતની સંપત્તિ અબજોની છે. આ સંજોગોમાં સૈફનો પરિવાર સંપત્તિ બચાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરીને કાનૂની જંગ ખેલશે જ પણ સંપત્તિ એમને મળે એવી શક્યતા અત્યારે તો ઓછી દેખાયા છે. એ બરાબર પણ છે કેમ કે જે લોકો ભારતને વફાદાર ના રહ્યાં એમને ભારતમાં રહેલી સંપત્તિ ભોગવવાનો કોઈ અધિકાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button