ઉત્સવ

સાહિર હોના આસાન થા…ઉસસે જ્યાદા કઠિન થા ઇમરોઝ હોના!

અમૃતા પ્રિતમના અવસાન પછી પણ ઈમરોઝ એમનાં ચિત્રો દોરતા રહ્યા અમૃતા તેમાં ક્યારેક પ્રેરણા બનીને તો ક્યારેક લકીર બનીને અવતરતાં રહ્યાં…

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

અમૃતા પ્રિતમે એક કવિતા લખી હતી:
મૈં તુજે ફિર મિલૂંગી
કહાં કૈસે પતા નહીં
શાયદ તેરે કલ્પનાઓં
કી પ્રેરણા બન
તેરે કેનવાસ પર ઉતરુંગી
એક રહસ્યમય લકીર બન
ખામોશ તુજે દેખતી રહૂંગી…
અમૃતાએ આ કવિતા એમની સાથે ૪૦ વર્ષ સુધી રહેનારા મિત્ર-પ્રેમી-જીવન સાથી ચિત્રકાર ઇન્દરજીત સિંહ ઉર્ફ
ઈમરોઝ માટે લખી હતી.

અમૃતા પ્રિતમનું ૮૬ વર્ષની વયે ૨૦૦૫માં નવી દિલ્હીમાં અવસાન થયું હતું. એમને જયારે પોતાના
મૃત્યુનો આભાસ થઇ ગયો હતો ત્યારે મરણપથારીમાં ઈમરોઝ માટે આ કવિતા લખી હતી. એ સાચું કે
ઈમરોઝ એ પછી પણ એમનાં ચિત્રો દોરતા રહ્યા અને અમૃતા તેમાં ક્યારેક પ્રેરણા બનીને તો ક્યારેક લકીર બનીને
અવતરતાં રહ્યાં હતાં. અંતત: ૯૭ વર્ષના ઈમરોઝ આ ૨૨ ડિસેમ્બરે અલવિદા ફરમાવી ગયા એમની અમૃતાને
ફરીથી મળવા માટે….એ સાથે, આધુનિક ભારતીય સાહિત્યની એક જીવતી
પ્રેમકથાનાં ત્રણે પાત્ર ધરતી પરથી વિદાઈ લઇ ગયાં છે.

એ કથાની એક પ્રમુખ શખ્સિયત, શાયર- ગીતકાર સાહિર લુધિયાણવીનું ૫૯ વર્ષની વયે ૧૯૮૦માં એ જ મુંબઈમાં અવસાન થયું હતું, જેના એક છેડે કાંદિવલીમાં ઈમરોઝ રહેતા હતા.
ઘણી પ્રેમકથાઓ એમના સમય પછી દંતકથાઓ અને કલ્પનાઓ બનીને લોકોના દિલમાં સદીઓ સુધી રહે છે.

જેમ કે, લૈલા-મજનું, હીર- રાંઝા, શીરી- ફરહાદ, અનારકલી-સલીમ, રોમિયો-જુલિયેટ અને બાજીરાવ-મસ્તાની. કંઇક એવું જ અમૃતા પ્રિતમના કિસ્સામાં બન્યું છે. વિભાજનના દર્દ પર મર્મસ્પર્શી સાહિત્ય રચીને ૨૦મી સદીના ભારતીય સાહિત્યમાં અમર સ્થાન પ્રાપ્ત કરનારાં અમૃતા દંતકથા બની ગયાં એનું કારણ એમનું અંગત જીવન હતું.
અમૃતાનાં ૧૬ વર્ષની ઉંમરે પ્રીતમ સિંહ નામના એડિટર સાથે લગ્ન થયાં હતાં, પરંતુ એ અનુભવ સારો નહતો.દરમિયાનમાં, કવિ જીવ અમૃતા લાહોરના ધુઆંધાર યુવાન શાયર સાહિરની કવિતાઓ- ગઝલો અને શાયરીઓનાં પ્રેમમાં પડી ગયાં હતાં. એમાં જ એમણે પતિને છોડી દીધા હતા.

    સાહિરને આ ખબર હતી અને એ પણ અમૃતાને પ્રેમ કરતા હતા, પરંતુ એ ક્યારેય પ્રેમને અભિવ્યક્ત કરવાની હિમ્મત બતાવી ન શક્યા. આના ઘણાં કારણો હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સાહિરે એમના બાળપણમાં તેના માતા અને પિતાના દુ:ખદ વૈવાહિક સંબંધોને ખૂબ નજીકથી જોયા હતા. પરિણામે એ  પોતાની માતાની ખૂબ નજીક હતા. સાહિરની માતાએ એને ખૂબ જ દુ:ખ સાથે મોટા કર્યા હતા. કદાચ આવામ બધાં કારને એ  પ્રેમમાં પડતાં ડરતાં હતાં અને એકલા જ રહેવાનું પસંદ કરતા હતા.

     સાહિર એકલા રહેતા હતા તે પીડા હંમેશા અમૃતાને સતાવતી હતી. જ્યારે પણ અમૃતા પ્રિતમ એમને  મળતાં ત્યારે બંને એક રૂમમાં શાંતિથી બેસતાં. સાહિર બહુ વાતો કરતા નહોતા અને ખામોશીમાં સિગારેટ પિતા રહેતા. અમૃતા એમના મૌનને વાંચવાનો પ્રયાસ કરતાં. સાહિર જાય પછી સાહિરની બચી ગયેલી સિગારેટ અમૃતા  સળગાવતાં અને એમની હાજરી મહેસૂસ કરતાં. એમાંથી એમને સિગારેટ અને સાહિરની લત લાગી ગઈ. સાહિર સાથે વિધિવત્ જીવન શક્ય નથી તેવી અમૃતાને  ખબર હતી અને એટલે જ એમને પોતાના મિત્ર અને ચિત્રકાર ઈમરોઝમાં એક એવા પ્રેમનાં દર્શન થયાં જે એમની પ્રકૃતિને માફક આવે તેવાં હતાં. એ એ જ ઈમરોઝ  હતા. જે અમૃતાને સ્કૂટર પર બેસાડીને સાહિરને મળવા  લઇ જતા. રસ્તામાં અમૃતા આંગળીથી ઈમરોઝની પીઠ પર સાહિરનું નામ લખતાં...! 

     ઇમરોઝે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું :  અમૃતાની આંગળીઓ હંમેશાં કશુક લખતી રહેતી હતી...ચાહે એમના હાથમાં કલમ હોય કે ન હોય. એમણે ઘણી વખત મારી પાછળ બેસીને પીઠ પર સાહિરનું નામ લખ્યું હતું. શું ફર્ક પડે છે...? એ સાહિરને   પ્રેમ કરતી હોય તો કરતી હોય... હું પણ તેને ચાહું છું.’

અમૃતાના જીવનના ત્રીજા પુરુષ ઈમરોઝ હતા, જે એમને જીવનમાં બહુ મોડેથી મળ્યા હતા.

અમૃતા ઘણીવાર ઇમરોઝને કહેતા  :  અજનબી, તું મને મારા જીવનની સાંજે કેમ મળ્યો, જો મારે તને મળવાનું હોત તો હું તને બપોરે મળી હોત..’

      જ્યારે અમૃતાને રાજ્યસભામાં નામાંકિત સભ્ય બનાવવામાં આવ્યા ત્યારે ઇમરોઝ એમની સાથે સંસદ ભવન સુધી જતા અને અમૃતાના પાછા આવવાની રાહ જોતા કલાકો સુધી બહાર બેસતા. ઘણીવાર ત્યાં હાજર લોકો ઈમરોઝને ડ્રાઇવર માની લેતા.  અમૃતા માટે ઈમરોઝે પોતાની કારકિર્દી સાથે પણ સમાધાન કર્યું હતું. એમને ઘણી જગ્યાએ નોકરીની સારી તકો મળી, પરંતુ અમૃતા સાથે રહેવા માટે એમણે આવી  અનેક તકને ઠુકરાવી દીધી.

    અમૃતાએ એમનાં  જીવનનાં છેલ્લાં ૪૦ વર્ષ ઇમરોઝ સાથે વિતાવ્યાં હતાં. એમણે અમૃતાનાં ચિત્રો બનાવ્યાં હતાં અને  એમનાં  પુસ્તકોના કવર ડિઝાઇન કર્યા હતાં. ઇમરોઝ અને અમૃતા એક જ છત નીચે રહેતા હતા, પરંતુ એકબીજા સાથે નહોતા. એમના જીવન પર એક પુસ્તક ‘અમૃતા ઇમરોઝ: એક પ્રેમ કહાની પણ છે.’ બંને એક જ છત નીચે અલગ અલગ કમરામાં રહેતાં હતાં. પોતાના એક લેખ  ‘મુઝે ફિર મિલેગી અમૃતા..’ માં ઇમરોઝ લખે છે કે કોઈ પણ સંબંધ બાંધવાથી બંધાતો નથી, ન તો મેં ક્યારેય અમૃતાને કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને ન તો અમૃતાએ મને ક્યારેય કહ્યું હતું. એવી જરૂર નહોતી. એ બોલ્યા વગરનો, એક બીજાના સંગાથને પસંદ કરવામાંથી વ્યક્ત થતો પ્રેમ હતો. અમૃતા અને સાહિર, બંને સાહિત્ય અને શાયરીમાં બે ધુંઆધાર નામો છે. બંનેનો પ્રેમ જગપ્રસિદ્ધ છે. એમાં ઈમરોઝનું પાત્ર થોડું ઢંકાઈ જાય છે, પણ તમે જયારે નજીકથી જુવો ત્યારે ખ્યાલ આવે કે એ કેવો પ્રેમ હશે જે સંપૂર્ણપણે નિસ્વાર્થ અને  ઈર્ષ્યા વગરની હતો!
       હિન્દી કવિ જંગવીર સિંહ ‘રાકેશે’ આ ઈમરોઝને અંજલિ આપતાં એક સુંદર કવિતા લખી હતી:

સાહિર હોના આસાન થા..
શાયદ મુશ્કિલ ભી હો;
લેકિન મૈં સાહિર નહીં બના
ક્યાંકી ઉસસે જ્યાદા કઠિન થા
ઇમરોઝ હોના!
ઇસ લિએ મૈં ઇમરોઝ બના
ઇમરોઝ હોના કોઈ મજાક નહીં હૈ;
યહ મૈં અચ્છી તરહ સે જાનતા થા,
ફિર ભી મૈં ઇમરોઝ બના!

આશરે ૮૧૧ શબ્દો
૧/૨ ફોટા અમૃતા -ઈમરોઝ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…