સાહબ બાથરૂમ મેં હૈ
આશકરણ અટલ
સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે હવે આ પૂછશે એટલે એનો જવાબ આ આવશે. આવો આપણે આજે જોઈ લઈએ આવા જ પરિચિત સંવાદો.
અપને આપ કો કાનૂન કે હવાલે કર દો
અપને આપ કો કાનૂન કે હવાલે કર દો (પોતાની જાતને કાનૂનને હવાલે કરી દો) આ સંવાદ ઓછામાં ઓછો એક લાખ વખત સાંભળવામાં આવ્યો છે. પોલીસવાળો નાયકને કહી રહ્યો છે કે ‘પોતાની જાતને કાનૂન સમક્ષ સમર્પણ કરી નાખો.’ નાયક ગુંડાને કહી રહ્યો છે કે ‘પોતાની જાતને કાનૂન સમક્ષ સમર્પણ કરી નાખો.’ ગુંડા પોલીસને કહી રહ્યા છે કે પોતાની જાતને કાનૂન સમક્ષ સમર્પણ કરી નાખો, પરંતુ મજાલ છે કે કોઈ પણ આ કોઈની સાચી સલાહને માની લે અને મજાલ છે કે કોઈ આવી સારી સલાહ આપવાનું બંધ કરે. બિચારો કાનૂન બંનેને ફક્ત ટગર ટગર જોયા કરતો હોય છે. એને એવી અપેક્ષા હોય છે કે અપરાધી પોતાની જાતને કાનૂનને સમર્પિત કરી નાખે તો તેના પર કાર્યવાહી શાર્યવાહી કરી શકાય.
મેરે બેટે કો છોડને કા ક્યા લોગી?
અમીર બાપનો દીકરો જ્યારે કોઈ ગરીબ છોકરીના પ્રેમમાં પડી ગયો છે. આ સિચ્યુએશન માટે આ સંવાદ દાયકાઓથી વપરાઈ રહ્યો છે. અમીર બાપ ગરીબ છોકરી પાસે પહોંચે છે અને તેને કહે છે કે મેરે બેટે કો છોડને કા ક્યા લોગી? તાજેતરમાં જ રિલીઝ થયેલી એક ફિલ્મની સાથે આ સંવાદ ફિલ્મી પિતાઓ દ્વારા અત્યાર સુધીમાં પચાસ હજાર સાતસો અડતાલીસ વખત કહેવામાં આવ્યો છે.
કેટલાક શ્રીમંત પિતા તો નોટોની થોકડીઓ લઈને પ્રેમનો સોદો કરવા નીકળે છે, પરંતુ દરેક વખત અસફળ થઈને પાછા ફરે છે. પોતાનું અપમાન કરાવી નાખ્યું તે તો કરાવ્યું, પરંતુ સાથે સાથે નોટોની થોકડીઓનું પણ અપમાન કરાવી નાખ્યું.
કોઈ હોશિયાર છોકરી હોય તો છોકરાને પહેલાથી જ કોન્ફિડન્સમાં લઈને બુઢા પિતા પાસેથી પાંચ-સાત લાખ રૂપિયા લઈ લે અને પછી કહી દે કે મેં તો તારા દીકરાને છોડી દીધો છે, પરંતુ તારો દીકરો જ મને નથી છોડી રહ્યો. બોલ હવે શું કરી શકાય? આવો સંવાદ આવશે ત્યારે જ આ સંવાદથી હિન્દી ફિલ્મ ઉદ્યોગનો પીછો છૂટશે.