ઉત્સવ

સાગરપેટા – કૂપમંડૂકો – તટસ્થો – તકવાદી નિરીક્ષકો

આજે આટલું જ -શોભિત દેસાઈ

(૨)

ઘણી વખત ઘણાંને લાગે છે કે પાકિસ્તાન નાપાકિસ્તાન છે, મને સુધ્ધાં. પણ ફૈઝ એહમદ ફૈઝની કોઈ નઝમ મનના મેદાનમાં રમવા આવે કે જિંદગીના શ્ર્વાસ રોકી નાખતી ગભરામણ પાકિસ્તાનના કોઈ મીડિયા પ્લેટફોર્મ કે ન્યૂઝ ચેનલથી રજૂ થતી જોઈએ તો એવું આશ્ર્વાસન પણ મળે કે એહમદ ફરાઝે જે શેર લખ્યો છે એ પાકિસ્તાનના ૮૫% અવામના સદ્નસીબે ૧૦૦% સાચો નથી.

તુમ અપની શમ્એ-તમન્ના કો રો રહે હો ફરાઝ !
ઈન આંધીયોમેં તો પ્યારે ! ચરાગ સબકે ગયે
ગયા રવિવારની આપણી ‘યાદ પિયાકી આયે’ ઠમરીની, મૂળ બડે ગુલામઅલી સાહેબની અને ત્યારબાદ સ્વર્ગીય ઉસ્તાદ રાશીદખાં સાહેબ દ્વારા અતિશય સિદ્ધ થયેલી સંગીતની મહાન કૃતિ સાથે સંલગ્ન વાત આગળ વધારીએ એ પહેલાં ગુજરાતી તખ્તાના એક ગંજાવર અદાકાર રાજેશ મહેતાને સ્મરીએ. રાજેશ બડે ગુલામઅલી ખાંસાહેબને મળવા ગયેલા અને ખાંસાહેબ આ જ કૃતિનો રિયાઝ કરતા હતા. ‘યાદ પિયાકી આયે’ ગાઈને ઉસ્તાદે પાણીનો પ્યાલો હોઠે માંડતા બીજી પંક્તિ ગાઈ ‘મુઝ બિરહનકો સતાયે’. એક ધૂંટ પીને પ્યાલો નીચે મુકતાં ઉસ્તાદે ‘હાયે રામ’ રજૂ કરતા જે ઝડપી સુરોની ગલેબાજી મુકી એની રાજેશની નકલનોય જોટો આજ ૬૭ વર્ષ સુધી તો નથી જડ્યો તો ઉસ્તાદનાં સુર તો કેવા અલૌકિક હશે એની તો કલ્પના ય ક્યાંથી થઈ શકવાની ?! પણ આજે આપણે વાત કરવી છે રાશીદખાંસાહેબ જેવડા જ પ્રાવિણ્યથી આ જ ઠુમરી એક સાવ ઘરઘરાઉ ફોન રેકોર્ડિંગ
દ્વારા રજુ કરતાં પાકિસ્તાનના એક રીક્શા ડ્રાઈવરની.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ છે ’૨૪ ગયૂત’ અને એ ચેનલનો એક પ્રોગ્રામ છે ‘ખરા સચ’ (જી હાં, સચની આગળ ખરા લગાડવું પડે એટલું લબાડિસ્તાન છે પાકિસ્તાન) અને એના મુખ્ય સંચાલક ઉદ્ઘોષક છે મુબારક લુકમાન. જડ થઈ ગયેલી પ્રણાલી અને વ્યવસ્થાની સામે ગંભીરતાથી આવો અવાજ ઉઠાવવાવાળો મેં તો પહેલી વાર જોયો. તા. ૧૫ એપ્રિલ ૨૦૧૬ના એમના એપીસોડમાં સૌ પહેલાં તો લુકમાન વાત કરે છે રિક્શા ડ્રાઈવર ગાયકની કે એમના એક દોસ્તે બે અઠવાડિયા પહેલાં બડે ગુલામઅલીખાંની ઠુમરી બહુ જ ખૂબસૂરત અંદાજમાં ગાતા એક રિક્શા ડ્રાઈવરની એક વીડિયો ક્લીપ એમને મોકલે છે. લુકમાન આ ક્લીપ એમના ચેનલના સ્ટાફને અને એમના દોસ્તોને ફોરવર્ડ કરે છે, આ જનાબની ભાળ મેળવવાની વિનંતી સાથે. ફરતી ફરતી ક્લીપ પહોંચે છે ભારતના ચેમ્પિયન સ્ટેજ પરફોર્મર દલેર મહેંદી પાસે અને દલેર બહુ જ ઉત્કટતાથી લુકમાનને આ રિક્શા ચાલક ગાયક માટે કશુંક કરવાનો અદમ્ય ઉત્સાહ દેખાડે છે. એ આ ગાયક માટે શું વ્યવસ્થા કરે છે એ જાણવાનું આ ક્ષણે બહુ વહેલું છે, માટે આગળ વધીએ. તો… આ અતિશય દારિદ્રયમાં દિવસો કાઢતાં ગાયક વિષે માહિતી મળે છે લુકમાનના, સોશ્યલ મીડિયા પર આ માહિતી મુકવાના અથાગ પ્રયત્નો થકી. અને બે જ દિવસમાં રિક્શા ચાલક સ્વયમ લુકમાનનો સંપર્ક કરે છે આ શબ્દો સાથે ! ‘હું એ જ રિક્શા ચાલક છું જેને તમે શોધો છો અને મારું નામ મોહમ્મદ અસ્લમ છે.’ આ વાત પણ આગળ ચલાવવાનું અત્યારે મુલતવી રાખીએ. અને એજ સમયગાળા દરમ્યાન ભારતરત્ન લતા મંગેશકરે સોશ્યલ મીડિયા પરથી આ વાતનો તાગ મેળવીને પોતે મૂકેલા એક આશીર્વાદની વાત કરીએ. પરમ આદરણીય લતાજી કહે છે ‘હું સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. હજી હમણાં જ કોઈએ મને આ વીડિયો મોકલ્યો જેમાં લખ્યું હતું કે ગાયક રિક્શા ચલાવવાનું કામ કરે છે. અનુભવાય છે એટલું જ આ ક્ષણે કે ઈશ્ર્વર ક્યાં ક્યાં ચમત્કારો દેખાડતા હોય છે! તમે પણ સાંભળો, હું હૃદયથી એવું ઈચ્છું છું કે આ કલાકાર, આવો ગાયક રિકશા ન ચલાવે. સ્ટેજ પર ઊભા રહીને સુરાવલીઓથી વાતાવરણને મહેકાવે.’ શું માનો છો તમે મારા વાચક દોસ્ત ? ગાયકી માટે આખી દુનિયામાંથી બીજા કોઈ પુરસ્કાર – અન્ય દુઆ – વધુ સારા આશીર્વાદ હોઈ શકે મહમ્મદ અસ્લમ માટે ? આપણું શાબ્દિક ચલચિત્ર હવે વધુ આગળ વધે છે. લતાજીના આ સંદેશાની રજૂઆત દરમ્યાન મોહમ્મદ અસ્લમ ચેનલ પર આવી ગયા છે. લુકમાન હવે બોલાવે છે દલેર મહેંદી ને. દલેર મહેંદી મોહમ્મદ અસ્લમને આદાબ ફરમાવીને સોનુ નિગમની કેટલીક રજૂઆતના તેમ જ ‘દિવાને તો દિવાને હૈ’ ના સ્વરકાર રવિ પવારના ઋણ સ્વીકાર સાથે જણાવે છે કે રવિ પવારે વીડિયો ક્લીપ મોકલ્યા પછી એટલું જ કહ્યું ‘મને લાગે છે હું સંગીતમાંથી નિવૃત્તિ લઈ લઉં. આટલા સારા ગાયક આવી કફોડી હાલતમાં રિક્શા ચલાવીને ગુજરાન ચલાવે છે?’ દલેર અસ્લમને આગળ કહે છે કે ‘ભારતના જેટલા પણ સુરીલા સ્વરકારો, ગાયક – ગાયિકા છે, સંગીતને જે ઈશ્ર્વરપૂજા સમજે છે એ બધાએ જ્યારે આપનો વીડિયો જોયો ત્યારે બધા જ આપ માટે રડ્યા. હું મારી વાત કરું તો મેં જ્યારે આપની ઠુમરી સાંભળી તો બડે ગુલામઅલીખાંસાહેબ પછી પહેલી વખત આ ઠુમરી આટલી સુરમાં કોઈ ગાઈ શક્યું હોય એવું મને લાગ્યું. મેં તરત રવિ પવારને ફોન કર્યો કે આ કલાકાર કોઈ તાલીમની નીપજ નથી, પરમાત્માના શુદ્ધ આશીર્વાદની નીપજ છે.’ મોહમ્મદ અસ્લમ ગળગળા આભારવશ થઈને દલેર મહેંદીને પોતાની ગુણગ્રાહ્યતા વ્યક્ત કરે છે કે આટલા-આવડા મોટા કલાકાર/કલાકારો મને આટલો પ્રેમ અર્પે છે એ મારે માટે તો આભમાંથી આશીર્વાદનો ધોધમાર વરસાદ છે.

આજે વાત કરી આપણે સાગરપેટાઓની. કૂપમંડૂકો – તટસ્થો – તકવાદી નિરીક્ષકો પણ બાકી છે હજી આવતા રવિવારો માટે.
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…