‘સા’
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી
ઉનાળાનો સૂર્ય આકરાપાણીએ છે, ઋતુના મધ્યાહ્ાન સમયે એક જગ્યાએ લગ્નસરા તો બીજી તરફ ધાર્મિક યજ્ઞોની હારમાળા રચાઇ છે જેમાં વેકેશન માણવા ન ગયેલા પરિવારોના હાલ બેહાલ થયા છે, ત્યારે કચ્છી ઉક્તિ મુજબ ‘સા નિકરી વિને’ જેવી હાલત થઈ છે. પ્રકૃતિનાં જુદાં જુદાં સ્વરૂપો આપણને જુદા જુદા અનુભવો કરાવે છે. આથી આજે ‘સા’ ની વાત. કચ્છીમાં ‘સા’ ના ઘણા અર્થ પ્રયોજાયા છે. શબ્દ તેના અનેકવિધ અર્થ સાથે રજૂ થાય છે. ગુજરાતીને સમાવતી ભારતીય મૂળની તમામ ભાષાઓમાં શબ્દોનું વૈવિધ્ય અદ્વિતીય છે. વાત માત્ર આજે ભાષા વૈભવની નથી પરંતુ એકાક્ષરી શબ્દ ‘સા’ ના રસાભિવ્યક્તિની છે.
ભાવાનુવાદ: ઉનારેજો સુરજ આકરેપાણી તે આય, સિજનજે પિચ પોઇન્ટ તે હિકડ઼ી કુરા લગનગારો ત બિઇ કુરા ધારમિક જગનેંજી લાઇન લગી પિઇ આય જેમેં વેકેશન માણેલા જુકો પરિવાર નાંય વ્યા હૂનીજી હાલાત બદતર થિઇ વિઇ આય, તેર કચ્છી ચોવક આય ક ‘સા નિકરી વિઞે’ જેડ઼ી હાલત થિઈ આય. પ્રિકૃતિજા નિડારા નિડારા સરુપે મિંજા પાંકે નિડારા – નિડારા અનુભવ થિએંતા. ઇતરે અજ઼ ‘સા’ જી ગ઼ાલ. કચ્છીમેં ‘સા’ જા ગણે અરથ ઐં. સબધ ઇનીજા કિઇક અરથ ભેરા રજુ થિએતા. ગુજરાતીકે સમાઇંધલ ભારતીય મૂરજી મિડ઼ે ભાષાએંમેં સબધજો પેટાર પુખધો આય. ગ઼ાલ ખાલી અજ઼ ભાષા વૈભવજી ન પ એકાક્ષરી સબધ ‘સા’ જે રસાભિવ્યક્તિજી આય. ‘સા’ ની અર્થ વિભાવના રજૂ કરતાં ભેથ અને દુહા જોઈએ તો (ભેથ, દુહા માટે લાલજી મેવાડાના આભાર સાથે),
ભેથ: સા, પસા નેં ‘શ્ર્વાસ’ તીં, ‘વાયુ’ શરીર પ્રમાણ,
સા પેલો સંગીત સ્વર, ‘ષડ્જ’ નાં ઓરખાણ.
સા જો અર્થ પ્રમાણ, ‘શ્ર્વાસ’ ધમ, રોગ નાં.
સાદી રીતે કચ્છી શબ્દ ‘સા’ એટલે ‘શ્ર્વાસ’. જે ‘પ્રાણ’ અથવા ‘જીવ’ જેવા અર્થનો પૂરક છે. ભેથમાં પ્રથમ પંક્તિમાં આપેલા ‘સા’ ના પર્યાયવાચી શબ્દ તરીકે ‘પસા’ શબ્દ પણ પ્રાણ’ સૂચક અર્થ રજૂ કરે છે. બીજી પંક્તિનું ’સા’ સપ્ત સ્વરોમાંનો ‘ષડ્જ’ સ્વર જે પહેલા સ્વર તરીકે કચ્છી ભાષામાં સ્થાન ધરાવે છે. તો અન્ય અર્થમાં તે ‘દમ’ (ધમ) જેવા જટિલ રોગ વિષયક અર્થ સાથે જનસમૂહમાં પ્રચલિત થયેલો જોવા મળે છે.
દુહો:
‘સા’ ભાષામેં વરી સવાડ, ‘તથ્ય’ નીધાન,
ચેતા ‘સવાડ નાયં હીંગજો’, માલ ગાલમેં માન.
દોહાની પ્રથમ પંક્તિમાં ‘સા’ શબ્દ ’સ્વાદ’ ના અર્થ સાથે રજૂ છે ‘હિનમેં હીંગજો ૫ સા નાય.’ એટલે તેનામાં હિંગ જેવો સ્વાદ નથી. સાર્થ કોઈ વાત કે વસ્તુમાં કંઈજ તથ્ય નથી એવું સાબિત કરે છે. કચ્છીમાં અમુક વાક્યો છે, ’સા નિકરી વિનણું’- મરણ પામવું, શ્ર્વાસ નીકળી જવું. ‘સા કઢી વિજણું’- શ્ર્વાસ કાઢી નાખવા. ‘સા ખણણું’- શ્ર્વાસ લેવો, થાક ખાવો અથવા થોડી વાર પૂરતી ધીરજ ધરવી જેવો અર્થ લઈ શકાય. ‘સા ચડણું’ – શ્ર્વાસ ચડવો, હાંફવું. ‘સા નં હુંણું’- મૃત્યુ થવું, કોઈના શરીરમાં શ્ર્વાસ રહ્યો નથી અર્થાત મૃત ગણવું અથવા વાતમાં તથ્ય અથવા મહત્ત્વતા ન હોવી તે. ચોવકો (કહેવતો), રૂઢિપ્રયોગમાં કે કવિતા જેવા સ્વરૂપોમાં ‘સા’ શબ્દ ભિન્નભિન્ન રીતે અર્થ રજૂ કરે છે.