વિશ્ર્વશાંતિ માટેની દોડ જા જા… થાય તો યુદ્ધ કરી લે!
આજે વિશ્ર્વમાં શાંતિથી જાળવવા માટે હોબાળો કરનારા દેશો પણ એકબીજાનો સામનો કર્યા વગર શાંતિ નથી રાખી શકતા. લડનારાં એ બેઉ દેશની વચ્ચે શાંતિની રાખવાની વાતચીત પણ કંઈક વિચિત્ર ને હિંસક રીતે થતી હોય છે…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
ઘણીવાર એવું લાગે કે દુનિયામાં શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરવો એ પોતાની જાત સાથે યુદ્ધ કરવા જેવી વાત છે. એના માટે કેટલી બધી તામઝામ ને કેટકેટલા હૈયાઉકાળા કરવા પડે છે, ત્યારે જઈને આખરે મોમાંથી એક એકાદ જલદ વાત નીકળી શકે છે અને વળી આ વાત ત્યારે પણ નથી આખેઆખી નીકળતી નથી જ્યારે આપણે લડાઈ કરવા નથી માગતા હોતા.
હવે એ તો સમજાઇ ગયું છે કે લડાઈ કરવા માગતા બે માણસો કે બે દેશ એકબીજાનો આમનો સામનો કર્યા વગર યુદ્ધ વિના ખાલી વાતો કરીને લડી નહીં શકે. હજારો કે લાખો મરાય પણ ગમે તેમ પણ લડવું તો પડશે જ! પણ આ આ વાતમાં થાય છે એવું કે આજે વિશ્ર્વમાં શાંતિથી જાળવવા માટે હોબાળો કરનારા દેશો પણ એકબીજાનો સામનો કર્યા વગર શાંતિ નથી રાખી શકતા. લડનારાં એ બેઉ દેશની વચ્ચે શાંતિની રાખવાની વાતચીત પણ કંઈક વિચિત્ર ને હિંસક રીતે થતી હોય છે… જેમ કે-
પહેલો દેશ: જુઓ સાહેબ, હું તમને સ્પષ્ટ કહેવા માગું છું અને તમે કાન ખોલીને સાંભળી લો કે હું લડાઈ કરવા નથી માગતો.
બીજો દેશ: તું આ કોને કહી રહ્યો છે? જરા ભાનમાં રહીને વાત કર. અમે પહેલાં જ કહી ચૂક્યાં છીએ કે અમે પણ લડવા નથી માગતા.
પહેલો: અરે જા જા, તું શું શાંતિ રાખશે? યુદ્ધની તૈયારીઓ તો કરી રહ્યા છો અને શાંતિની વાત કરો છો. અમને મૂર્ખ સમજો છો કે?
બીજો: (ગુસ્સામાં પોતાનાં જ કપડાં ફાડીને) એ સાંભળ… હું ૧ વાર કહી ચૂક્યો છું અને ૧૦૦ વાર કહું છું કે હું શાંતિ ઇચ્છું છું, ઓકે? અને લડાઈ કરવા નથી માગતો. સાંભળો છો તમે, એક દઉં ઉપાડીને?
પહેલો: હા હા, હું સાંભળી રહ્યો છું. વધારે બૂમ-બરાડા પાડવાની જરૂર નથી. તું આજે શાંતિની વાત કરી રહ્યો છે, પણ અમે તો તારા કરતાં પહેલાં જ શાંતિ રાખી રહ્યા છીએ.
બીજો: છોડો રહેવા દો , શું રાખ્યું છે આ બધી વાતોમાં? ધૂળ ને ઢેફાં? આ તો અમે છીએ કે હજી જે શાંત બેઠાં છીએં. નહીંતર તમે તો દુનિયાને ક્યારની અંદરોદર લડાવીને મરાવી જ નાખી હોત!
પહેલો: એ બસ કર… જરા મોં સંભાળીને વાત કરો.
બીજો: પહેલા તમે સભ્યતાથી વર્તો. ઓકે?
પહેલો: તું તારી જાતને બહુ શાંતિવાદી માને છે? અરે, તારા કરતાં વધારે શાંતિ તો અમે રાખીએ છીએ. વધારે બોલાવ નહીં અમારા મોઢે!
બીજો: જા, જા, ચાલતી પકડ. જાવ, જાવ, આવ્યા મોટા શાંતિ રાખવાવાળા!
પહેલો: એમ? દેખાડું તને? કે વધારે શાંત કોણ છે? તું જોવા માગે છે? બે લાફાં મારીશને તો લાઇફમાં શાંતિની વાત કરવાનું ભૂલી જશે તું.
હવે આ બે દેશને શાંત પાડવા આમાં ત્રીજો દેશ વચ્ચે પડે છે…
ત્રીજો દેશ: શાંતિ… શાંતિ… શાંતિ… સાહેબો, તમે બેઉ શાંતિ રાખો. એ ના ભૂલશો કે તમે બેઉ શાંતિ પરિષદમાં આવ્યા છો!
પહેલો: તો હું શાંત જ છું ને? હું ક્યાં કોઈ યુદ્ધ કરી રહ્યો છું?
બીજો: તો હું પણ શાંત જ બેઠો છું. મને ઉશ્કેર નહીં, નહીંતર શાંત નહીં રહું ઓકે?
એક: એમ? તો શું કરી લઇશ? બોલ બોલ… એકવાર બોલીને તો દેખાડ પછી જો હું શું કરીશ… બોલ ને… બોલ…
…અને આ રીતે બંને પક્ષ કે દેશની શાંતિ-પરિષદ ત્યાં સુધી ચાલતી જ રહે છે, જ્યાં સુધી તેઓ લડાઈ કરવાના બીજા કારણો જમા ના કરી લે! અને આ જ રીતે શાંતિને નામે દુનિયામાં સદીઓથી યુદ્ધો ચાલે જ રાખે છે.
(ચોખવટ: આ લેખને પેલેસ્ટાઇન-ઇઝરાયલ સાથે કોઇ સંબંધ નથી અને છે પણ… જો કે આ મૂળ લેખ, સ્વ. શરદ જોશી દ્વારા ૩૦ વરસ અગાઉ લખાયેલો છે!)