‘૨૧ રૂપિયાનો ચાંદલો’ અને લંડન કોલિંગ
સ્પોટ લાઈટ – મહેશ્ર્વરી
તમે પત્તાનો મહેલ બાંધવાના ખેલની મજા ક્યારેય લીધી છે? આ રમતની વિશિષ્ટ વાત એ છે કે તમે ત્રિકોણાકારે બાંધકામથી ઊંચાઈ વધારતા જાવ અને મહેલ પૂરો થવામાં થોડી વાર હોય ત્યાં તમારી ભૂલ ન હોય એવા કોઈ કારણસર (જેમ કે પવન આવે) એ મહેલ જમીનદોસ્ત થઈ જાય. આવું થાય ત્યારે કોઈ હતાશ થઈ ગંજીફો ફેંકી ચાલતી પકડે તો કોઈ નવેસરથી મહેલ બાંધવાની કોશિશમાં લાગી જાય. ખાડાના થિયેટરથી શ્રી દેશી નાટક સમાજ સુધીની મારી સફર અભિનય કારકિર્દીના મહેલના ચણતર જેવી હતી. એક પછી એક લેવલ ચડી હું આગળ વધી રહી હતી ત્યાં પવનનો સપાટો મહેલને વિખેરી નાખે એમ કંપની બંધનો બોમ્બ મારા સહિત અનેક કલાકારોના માથે ઝીંકાયો અને અભિનયના કૌશલથી ટોચ પર પહોંચવાના મારા અરમાન તત્પૂરતા ધૂળધાણી થઈ ગયા. હું નિરાશ જરૂર થઈ, પણ નાસીપાસ નહોતી થઈ. બહુ જ જાણીતી હિન્દી કવિતાની પંક્તિઓ ‘લહરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી’ અનાયાસે મારા જીવનમાં વણાઈ ગઈ હતી. આગળની વાત કરતા પહેલા દેશી નાટક સમાજ સાથે થયેલા હિસાબ કિતાબની એક વાત તમને કહેવી છે. ‘ટાઈમિંગ’ કોઈપણ કલાકારના અભિનયની આવડતનું એક એવું વિટામિન છે જે તેની કલાને વધુ સશક્ત બનાવે છે. ટાઈમિંગનો સીધો સંબંધ ગણતરી સાથે છે. ઘણાં નાટકોમાં મેં કોમિક કર્ટનના પાત્ર પણ ભજવ્યાં હતાં અને કોમેડીમાં અણીશુદ્ધ ટાઇમિંગ પ્રેક્ષકોને હસાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. જોકે, તખ્તા પર એન્ટ્રીની કે ડાયલોગ બોલવાની ગણતરીમાં માહેર હતી, પણ આંકડાની ગણતરી હું ક્યારેય સમજી નથી શકી. ગણતરીબાજ માણસોને પણ નથી ઓળખી શકી. નાટક કંપની બંધ થઈ ત્યારે બધા કલાકારોના હિસાબ કરવામાં આવ્યા. કોના કેટલા નીકળે છે એની ગણતરી અનુસાર દરેક કલાકારને પૈસા ચૂકવવામાં આવી રહ્યા હતા. મેં જોગેશ્ર્વરીમાં એક રૂમ બનાવવા માટે કંપની પાસેથી લોન લીધી હતી. હિસાબ કરતી વખતે એ પૈસા નિયમ અનુસાર કાપી લેવામાં આવ્યા અને મારા હાથમાં ફક્ત ૨૧ રૂપિયા આવ્યા. આ નાનકડી રકમ જોઈ ક્ષણવાર માટે હું ચોંકી ગઈ, પણ તરત ગુજરાતી કવિતાની મને બહુ ગમતી કવિ બાલાશંકર કંથારિયાની પંક્તિઓ ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે! યાદ આવી અને તરત સ્વસ્થ થઈ ગઈ. સાથે હરિવંશરાય બચ્ચનની પંક્તિઓનું પણ સ્મરણ થયું: ‘અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા.’ મતલબ કે તમારું ધાર્યું થાય ત્યારે આનંદ થાય જ, પણ જ્યારે તમારું ધાર્યું ન થતું હોય ત્યારે એમ સમજવાનું કે ઈશ્ર્વરનું ધાર્યું થઈ રહ્યું છે. કલાકારના જીવનની આ આંતરિક મૂડી એને કાયમ જીવંત રાખે છે. ગણ્યું જે ‘પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે’ના રટણ સાથે ૨૧ રૂપિયાને શુકનનો ચાંદલો સમજી હું જોગેશ્ર્વરીમાં નાના પાયે થતાં મરાઠી નાટકોની દુનિયામાં ફરી ગોઠવાઈ ગઈ. અમે એક મંડળની સ્થાપના પણ કરી હતી. એની પણ નાટ્ય પ્રવૃત્તિ નિયમિત શરૂ કરી દીધી. મરાઠી નાટકો સાથે ગાયનોના કાર્યક્રમ પણ કરતી હતી. ટૂંકમાં ગાડું ગબડી રહ્યું હતું. જોકે, હું જીવનના એવા તબક્કામાં હતી કે માત્ર ગાડું ગબડી રહેવાથી કામ નહોતું ચાલવાનું. ઈમારત બાંધવા માટે મેં જે પાયા ખોદ્યા હતા એમાં આગળ ચણતર થતું રહે એ જરૂરી હતું. બાળકોને સારી સ્કૂલમાં ભણવા મુક્યાં હતાં, ઘરમાં એક રૂમ વધારી હતી જેને કારણે દર મહિને થતા ખર્ચની રકમમાં વધારો થયો હતો. ગલીમાં ચાલ્યા પછી મુખ્ય રસ્તા પર દોડવાનું શરૂ કર્યા પછી વધુ સજજતા રાખવી પડે છે. નહીંતર વળી પાછું સાંકડી ગલીમાં જતા રહેવું પડે અને એ વાત કોઈ પણ જીવને ગમે નહીં. ઈશ્ર્વરે મારી વ્યથાનો બહુ જલદી ઉકેલ શોધી કાઢ્યો. એક દિવસ જયંત ભટ્ટ મને મળવા આવ્યા. રંગભૂમિની આજની પેઢી જયંતભાઈથી પરિચિત હોવાની સંભાવના ઓછી છે. નાટ્યકલા તેમને વારસામાં મળી હતી. ‘પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની’ના માલિક મણિશંકર ભટ્ટના સુપુત્ર જયંત ભટ્ટ લેખન, દિગ્દર્શન અને અભિનયમાં સતત કશુંક નવું આપવાની કોશિશ કરતા હતા. તેમણે સગુણા દેવી, નામદેવ લહુટે વગેરે સાથે નાટકો પણ કર્યા હતા. ઔપચારિક વાતચીત પછી તરત તેમણે મને પૂછ્યું ‘મારી સાથે લંડન આવીશ?’ સવાલ સાંભળી મારી આંખો ચમકી ઊઠી પણ મારી પાસપોર્ટ પણ નહોતો એ વાત તેઓ વધુ વાત કરે એ પહેલા જ જણાવી દીધી. દેશી નાટક સમાજ પર પડદો પડી ગયો હતો અને અહીં વિદેશી કર્ટન ઓપન થવાની શક્યતા દેખાઈ રહી હતી. લંડનમાં બે નાટક ભજવવાની જયંત ભાઈની ઈચ્છા હતી. એક હતું ‘લલ્લુ પરણ્યો લંડનમાં’ અને બીજું હતું ‘વહુ નથી ગમતી.’ આ નાટક હું અગાઉ ભજવી ચુકી હતી અને ત્યારે એનું નામ હતું. ‘પરણ્યા એટલે પ્યારા લાડી’. નાટક રિસાયક્લિંગની પ્રથા બહુ જૂની છે. લંડન જતા પહેલા એકાદ મહિનો ગુજરાતમાં આ બંને નાટક કરવાની ઈચ્છા જયંતભાઈની હતી. પ્રેક્ષકોનો રિસ્પોન્સ જોવા માગતા હતા. એટલે અમે એક મહિનો જામનગર ગયા અને ત્યાં જયંતભાઈએ મારી બહેનની નાટક કંપનીમાં બનેવી સાથે પાર્ટનરશીપ કરી હતી. આ ભાગીદારીને કારણે જયંતભાઈને ભજવણીમાં સરળતા રહી. અમે બંને નાટક ભજવ્યાં અને એને બહુ સારો આવકાર મળ્યો. એટલે જયંતભાઈનો ઈરાદો એકદમ મક્કમ બની ગયો. જોકે, લંડન જતા પહેલા જયંતભાઈ બધા કલાકારોને શ્રીનાથજી લઈ ગયા અને ત્યાં એવું બન્યું કે…
પ્રફુલ દેસાઈનું નાટક પોલીસ પહેરા હેઠળ ભજવાયું
ફરેદૂન ઈરાનીએ જેમની પાસે નાટકો લખાવડાવ્યા એમાં એક લેખક હતા પ્રફુલ દેસાઈ. કલા – સાહિત્ય પ્રેમી પરિવારમાં જન્મેલા પ્રફુલ દેસાઈને કિશોરાવસ્થામાં જ રંગભૂમિ પ્રત્યે આકર્ષણ થયું હતું. માત્ર ૧૭ વર્ષની ઉંમરે તેમણે પહેલું નાટક લખ્યું ‘બળતો દવ’. નામ પરથી જ નાટકનું કથાવસ્તુ આક્રોશ – ક્રાંતિ હોવાના એંધાણ મળતા હતા. પ્રફુલ ભાઈ ગાંધીજી અને તેમની સત્યાગ્રહની લડતથી પ્રભાવિત હતા. ‘બળતો દવ’માં તેમણે ગાંધીજીના સત્યાગ્રહના કેટલાક પ્રસંગો રજૂ કર્યા હતા. આ નાટકનો શો અમદાવાદમાં થયો ત્યારે થિયેટરમાં જોવા માટે આઝાદીની લડતના રંગે રંગાયેલા પ્રેક્ષકોનો જબરદસ્ત ધસારો થયો હતો. એટલે નાટકની ભજવણી પોલીસ પહેરા હેઠળ થઈ હતી. આ નાટક પછી પ્રફુલ ભાઈ ‘બળવાખોર નાટકકાર’ તરીકે ઓળખાવા લાગ્યા હતા. પ્રફુલ દેસાઈની બીજી એક રસપ્રદ વાત એ છે કે દેશી નાટક સમાજના ‘સંસારના રંગ’ નાટકના બે લેખક હતા. એક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને બીજા પ્રફુલ દેસાઈ. લેખક બેલડીના બહુ જૂજ ઉદાહરણ છે. (સંકલિત)