ગુલાબસેડળ

ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ
ગાંધીનગર. પંચાક્ષરી નામ. રાજ્યનું પાટનગર. ચંડીગઢ પેટર્ન પ્રમાણે બનાવેલું શહેર. અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલને લીધે વાયરોના ગૂંચળાથી મુક્ત શહેર. લાંબા પહોળા રસ્તા, બાગબગીચા.
ગાંધીનગર જોયું ન હોય એણે આટલું સાંભળ્યું હોય. કહેવત છે કે જીવ્યા કરતાં જોયું ભલું. ગાંધીનગરમાં માત્ર શ્ર્વાસ લીધા હોય કે ટૂકું રોકાણ કર્યું હોય તે પ્રથમ પ્રેમની જેમ ગાંધીનગરને ભૂલી ન શકે . નાસૂર બની જાય.
ગુજરાત જાહેરસેવા આયોગે છયાંશીની સાલમાં સચિવાલય કારકૂનની પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કર્યું . ૨૦૯ જેટલા નસીબદારને સરકારના જમાઈ બનવા મિંઢોળ બંધાયું. બાકીના માટે નેકસ્ટ ટાઈમ.
જીએડી તરીકે ઓળખાતા વિભાગે ખાખી પરબીડિયામાં મે મહિનામાં તાલીમ ગોઠવવાની જાણ કરી. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે પહેલાં એંશીની તાલીમ શરૂ થઈ. આ છોકરાઓમાંથી કોઈ ઉના, ઉપલેટા, મોરબી, માણાવદર. શાપુરના. ગાંધીનગર જોઈને ગાંડા ગાંડા થઈ ગયેલા. તાલીમમાં પરિચય થાય અને સૌરાષ્ટ્રના પાંચસાત છોકરાઓએ સેકટર ૧૬મા પેટાભાડે રહેવાનું શરૂ કર્યું. નવાસવા હોય એટલે લોજ ગોતે. તે સમયે આદર્શ લોજ સૌની બિનહરીફ પસંદ. એક તો દોઢસો રૂપિયામાં આંખો મહિનો જમાડે. દસ કટ આપે. દસ ટંક જમવા ન જાવ તો તે દસ ટંકના પૈસા મજરે મળે. આ બધા તો સરકારના ભાવિ અધિકારી. નાણાકીય ઔચિત્યનો સિદ્ધાંત તેમના લોહીમાં વહેવા માંડે. આ સિદ્ધાંતનો સરળ અર્થ એ કે ફદિયા વાપરવામાં કરકસર કરવી. ત્રેવડ ત્રીજો ભાઈ. શરૂઆતમાં ના છૂટકે લોજમાં જમવું પડે. પછી ગણતરી કરી કે પાંચ-છ જણ હાથે રાંધીએ તો પંચોતેર ટકા રકમનો ખર્ચ થાય. પૈસા વધે એમાંથી સવાર- સાંજના ચા-પાણી થઈ જાય તે લટકામાં. બધાએ વાત વધાવી લીધી. તે સિવાય વિકલ્પ પક્ષ ન હતો. કેમ કે, તાલીમમાં સાડી ચારસોનું સ્ટાઈપેન્ડ મળે. આજની જેમ તાલીમીઓને પૂરો પગાર મળે નહીં. એ સમયે પગાર એટલે શું ? ૨૬૦-૪૦૦નો ગ્રેડ. કુલ પગાર સાડી નવસો. બધું કપાઈને હાથમાં પાંચસો રૂપરડી માંડ આવે. આજે કડિયાને એક દિવસના સાતસો રૂપિયાનું રોજ મળે છે.
સરવાળે હાથે રસોઈ કરવાનું નક્કી થયું. આ તો ભાવિ અધિકારી. ઠરાવ, પરિપત્રો, જાહેરનામા, નિયમો, કાયદા, બાયલોઝ સાથે પનારો પડવાનો!! એટલે જયેશ -દિનેશ શાક સમારવાની કામગીરી ફળવાની. મહેશ – બાદી રોટલીના માસ્ટર. એમને રસોઇયાનો રોલ મળ્યો. ગીરીશને સાફ સફાઇ સોંપાઈ. બધું બખડજંતર ગોઠવાઈ ગયું. રસોઈ એવી સરસ બને કે ક્યારેક પરણેલા પાડોશીઓ ધમધમાટ ભરેલા શાકનો ટેસ્ટ કરવા વાટકી શાક માગી જાય.
બન્યું એવું કે તાલીમની પરીક્ષામાં બાદી- ગીરીશ નાપાસ થયા. એ સમયે અત્યાર જેવા ઉદાર નિયમો નહીં . તાલીમની પરીક્ષામાં નાપાસ થાય તેને સ્ટાઈપેન્ડ મળતું બંધ થઈ જાય. ઘરે રહીને પરીક્ષા પંદરના ખર્ચે દેવાની. પાસ થાય તો નોકરી કાયમી થાય! નહીંતર, જય માતાજી.
બંને જણા ઘરે તો નાપાસ થવાની વાત કહી ન શકે. બધાએ શિખર મંત્રણા કરી. બનેએ તેમના ઘર જવાનું નહીં. અહીં રહી પરીક્ષાની તૈયારી કરવાની. હવે બંનેએ ગૃહિણીનો રોલ કરવાનો કચરાંપોતા, રસોઈ, વાસણ કરવાના. બાકીના ત્રણ નોકરી કરવા જાય. તેમના પગારમાંથી ઘરખર્ચ ચલાવવાનો. આમ, ગાડી સરાડે ચડી.
બાદી અને ગીરીશ રોટલી બનાવે. રોટલી વધે તે ગાય, કૂતરા કે એંઠવાડની ચાટમાં ન નાખે. જમ્યા બાદ વધેલી રોટલી રસોડાના ઓપન માળિયામાં નીચેથી ઘા કરી ફેંકે. માળિયામાં ઘણી રોટલી પડી હશે.
પગાર થવાની એકાદ દિવસની વાર હશે. સાંજની રસોઈ કરવા સાંજના પાંચ વાગ્યે બાદીએ લોટના ડબ્બાનું ઢાંકણું ખોલ્યું. તેના હોંશ ઊડી ગયા. લોટનો ડબ્બો સમૂચો ખાલી હતો. ઘરમાં પૈસા નહીં.
એ જમાનામાં લેન્ડલાઈન ફોન પણ લકઝરી કહેવાય. નાયબ સચિવના ઘરે સરકારી ફોન મળે. દરેક સેકટરમાં સરકારી મકાનોના મરામત અને બીજી કામગીરી માટે ઈન્કવાયરી ઓફિસમાં રહેતા. ત્યાં ફોન કરવાનો જેનું કામ હોય તેનું નામ અને કવાર્ટર નંબર બોલવાનો. ઈન્કવાયરી કચેરીના કર્મચારી એક ચબરખીમાં ફોન કરનારનું નામ અને નંબર લખી સાઈકલ પર રોજમદારને તમારે ઘરે મોકલે.
ઓફિસમાં સેકશન અધિકારી કડક અને ખડુસ ચીટકું. ઘાસની ગંજીના કૂતરા જેવો ફોન કરે નહીં ને કરવા દે નહીં. એટલે ફોન કરી મદદ પણ ન માગી શકાય.
બાદી અને ગીરીશ નિમાણા થઈને બેઠેલા. બાદીની ટયૂબલાઈટ સારી. ઝડપથી સ્પાર્ક થાય. દહીં પડ્યું હતું.
માળિયે ચડી જા. બાદીએ ગીરીશને આદેશ કર્યો
શા માટે ગીરીશ પૂછ્યું. જો કે ગીરીશ માળિયે ચડ્યો ખરો. તેની આંખો ચકાચોંધ રહી ગઇ!! માળિયે પિરાણા ડુંગરની જેમ રોટલીનો ટેકરો બની ગયેલો.ગીરીશે તમામ રોટલીઓ માળિયેથી હેઠે ઉતારી.
બંને જણાએ મસોતું ભીનું કરી રોટલીઓ લૂંછી નાખી. તેનો ભૂકકો કરી તેલમાં હીંગ અને રાય નાખી વઘારી. હળદર અને લાલ મરચું નાખ્યું. મીઠું નાખવાની જરૂર હતી નહીં. બંનેના અશ્રુઓથી મીઠાની ખોટ પિરાઈ ગઈ. દહીં નાખી થોડીવારમાં ડીનર તૈયાર કરી નાખ્યું .!! જે મેરિયેટ હોટલના લકઝુરિયસ ડીનરને ટક્કર મારે તેવું હતું!!
બધા આવ્યા. ભોંય પર આસનિયા પાથરી ડીનર કરાયું ડીનરની આંતરસમૃદ્ધિ નિહાળી બધા મોકળા મને રડ્યા. ક્રિકેટની મેચ શરૂ થાય તે પહેલાં કૂંડાળું કરી એકબીજાના ખભે હાથ રાખી એકતાને પ્રદર્શિત કરે તેમ એકમેકને ભેટીને શ્રાવણ-ભાદરવો વહેડાવ્યો.
આ ઘટનાને વરસો વીતી ગયા. બધા સારી રીતે સેટ થઈ ગયા છે. આ ઘટનાને યાદ કરી વઘારેલી રોટલીના અપ્રતિમ સ્વાદને યાદ પણ કરે છે તો આંખમાં અનાયાસ અશ્રુઓ ધસી આવે છે, જયાં અશ્રુબંધી કારગર નીવડતી નથી!! જય ગુલાબસેડળ !!! (સત્ય ઘટના પર આધારિત)