રોજર ફેડરર ટેનિસ કોર્ટ કરતાં પણ મોટું છે જીવન
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
ટેનિસ ચેમ્પિયન રોજર ફેડરર વિશ્ર્વના સૌથી ધનિક ખેલાડીઓમાંથી એક છે. એની કુલ સંપત્તિ ૩૨૦ મિલિયન એટલે કે ૨૦૬૦ કરોડ રૂપિયા છે. અસ્ખલિત રીતે અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ અને સ્વિસ જર્મન ભાષા બોલનારો ફેડરર એક માત્ર ખેલાડી છે, જેણે ૩૦૨ સપ્તાહ સુધી એક નંબરનું સ્થાન જાળવી રાખ્યું હતું. ૨૦ ગ્રેન્ડ સ્લેમ વિજેતા ફેડરર સર્વકાલીન મહાન ટેનિસ ખેલાડીઓમાંથી એક છે.
જો કે, ફેડરરની લોકપ્રિયતાનું કારણ માત્ર આ આંકડાઓ નથી. ટેનિસમાં રસ ન હોય તેવા લોકો પણ ફેડરરનો એની માનસિક અને શારીરિક ફિટનેસ માટે આદર કરે છે. એણે જે રીતે પોતાની કારકિર્દી ઘડી છે એ અનેક યુવાનો માટે પ્રેરણાદાયી છે.
તમે ગમે તેટલા હોશિયાર હો, તમારામાં ગમે તેટલી પ્રતિભા હોય અને તમારામાં ગમે તેટલી મહત્ત્વકાંક્ષા હોય, પણ તમારામાં જો અનુશાસન ન હોય તો એ બધું જ વ્યર્થ જાય. પ્રતિભાનો અર્થ જ એ થાય છે કે તમને જે ખબર છે તેને વ્યવહારમાં મૂકવું. આપણે કોઈ સેલિબ્રિટીને જોઈએ છીએ ત્યારે આપણે એમની સફળતાને જોઈએ છીએ, પરંતુ એની પાછળ એમણે જે કલાકો, દિવસો, મહિનાઓ અને વર્ષોની મહેનત કરી છે, જે અસંખ્ય નિષ્ફળ પ્રયાસો કર્યા છે તેને જોઈ શકતા નથી. એ જન્મીને તરત સફળ થઈ ગયા ન હતા. નિયમિતપણે પોતાની પ્રતિભાને ધાર કાઢવાનું કામ કર્યું હતું અને એના માટે એમણે જિંદગીનો ભોગ આપ્યો હતો.
રોજર ફેડરર આ પ્રકારના મહેનતી અને અનુશાસિત ખેલાડીમાં આવે છે. એણે ૮ વર્ષની ઉંમરે હાથમાં રેકેટ પકડ્યું પછી ૧૪ વર્ષની ઉંમરે કેવળ ટેનિસ પર તેનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી દીધું હતું. એ જ ઉંમરમાં એ પહેલીવાર સ્વિટ્ઝર્લેન્ડનો રાષ્ટ્રીય જુનિયર ચેમ્પિયન બન્યો હતો.
અત્યંત સફળ કહેવાય તેવી ૨૫ વર્ષની વ્યવસાયિક ટેનિસ કારકિર્દીમાંથી એણે ૨૦૨૨માં નિવૃત્તિ
લીધી હતી અને હવે એ પરિવાર સાથે અને ટેનિસ સંબંધી કાર્યક્રમોમાં હાજરી આપીને સમય પસાર કરે છે. થોડા દિવસ પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સની ડાર્ટમાઉથ કોલેજમાં ફેડરરને માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત આપવામાં આવી તે વખતે એણે ૨૫ મિનિટ સુધી કોલેજના યુવાનોને સંબોધન કર્યું હતું અને એમની સાથે પોતાના ટેનિસના ખેલની અમુક વાતોની આપ-લે કરી હતી.
રોજર ફેડરરનું આ સંબોધન એક પ્રકારનો મોટિવેશનલ મંત્ર સાબિત થયું છે. દુનિયાભરમાં તે વાઈરલ થયું છે, કારણ કે રોજર ફેડરરે પહેલી વાર પોતાની સફળતાનું રહસ્ય છતું કર્યું છે. ફેડરરના ચાહકોને એના આ સંબોધનમાં એની વિનમ્રતા, પ્રામાણિકતા, વફાદારી, પરિવાર પ્રત્યેનો પ્રેમ અને પરોપકાર માટેનો જુસ્સો જોવા મળ્યો હતો.
એણે કરેલી અમુક વાતો એની માનસિકતાની ઝલક આપતી હતી, જેમ કે એણે કહ્યું હતું, ફૂલ ટાઇમ ટેનિસ રમવા માટે મેં ૧૬ વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી હતી એટલે હું ક્યારેય કોલેજ ગયો નહોતો, પણ હું હમણાં જ ગ્રેજ્યુએટ થયો છું; હું ટેનિસમાં ગ્રેજ્યુએટ થયો છું…મને ટેનિસના ગ્રેજ્યુએટની જિંદગી જીવવાની મજા આવે છે. હું ૨૦૨૨માં, ટેનિસમાં ગ્રેજ્યુએટ થયો હતો અને તમે ૨૦૨૪માં કોલેજમાંથી ગ્રેજ્યુએટ થાવ છું. હું તમને મારાં થોડાં લેસન્સ આપું, જે તમને એ કોલજ બહારના જીવનમાં ઉપયોગી થશે.
૧) સહજતા ભ્રમ છે
મીડિયા અને ટેનિસના પ્રેમીઓએ વર્ષો સુધી રોજર ફેડરરની રમતને ‘એફર્ટલેસ’ ગણાવી હતી જેમાં રમવા માટે એ કોઈ વિશેષ યોજના બનાવતો નહોતો અને સામેથી જે રીતે બોલ આવે તે રીતે એનું શરીર પ્રતિક્રિયા આપતું હતું. એફર્ટલેસ રમતને સહજ અથવા સ્વયંભૂ કહી શકાય. ફેડરરે કહ્યું કે એફર્ટલેસ એક ભ્રમ છે. લોકો પ્રશંસામાં કહેતા હતા, પરંતુ કોઈ એવું કહે કે હું પ્રયાસ પણ કરતો નથી, તો મને હતાશા આવતી હતી. હકીકત એ છે કે મારી રમતને સહજ બનાવવા માટે મેં બહુ મહેનત કરી હતી. હું માત્ર પ્રતિભાના જોરે અહીં નથી પહોંચ્યો, હું અહીં પહોંચ્યો છું મારા પ્રતિસ્પર્ધીઓ કરતાં વધુ મહેનત કરીને. આ નસીબની નહીં હાથની કમાલ છે. મારામાં ધીરજ વિકસી તે પહેલાં મેં વર્ષો સુધી ચીસાચીસ કરી હતી, બળાપા કાઢ્યા હતા, રેકેટ ફેંક્યાં હતાં.
૨) આખો ખેલ પોઈન્ટનો છે
ટેનિસની રમત બહુ જાલિમ છે એમ ફેડરરે કહ્યું હતું. તમે શક્ય હોય એટલી બધી મહેનત કરો અને છતાં હારી જાવ એવું બને. ટેનિસમાં પરફેક્શન અસંભવ છે. તમે દરેક બીજો પોઈન્ટ ગુમાવતા હો તો તમને દરેક શોટને જતો કરતાં આવડી જાય. મારી કારકિર્દીની ૧,૫૨૬ સિંગલ્સ મેચમાંથી હું લગભગ ૮૦ ટકા જીત્યો છું…તમને ખબર છે આ બધી મેચમાં હું કેટલા ટકા પોઈન્ટ્સ જીત્યો હતો? માત્ર ૫૪ ટકા. બીજા શબ્દોમાં, સૌથી ટોચના ખેલાડીઓ પણ આનાથી માંડ અડધા પોઈન્ટ્સ જીતે છે.
તમે જયારે કોઈ પોઈન્ટ રમતા હો ત્યારે તે જગતની સૌથી મહત્ત્વની ચીજ છે એમ માનીને રમવું. એ પતી જાય પછી તેને ભૂલી જવાનો અને બીજા પોઈન્ટ પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું. આ માનસિકતા બહુ જરૂરી છે કારણ કે તો જ તમે જોશથી, સ્પષ્ટતાથી અને એકાગ્રતાથી રમી શકશો. ચેમ્પિયન બનવા માટે
દરેક અઘરી ક્ષણોમાંથી ઊભરવું પડે.
તમે એવી રીતે રમતા હો તો જીતવું સરળ બની જાય છે. એવા દિવસો પણ હોય જયારે તમે થાકેલા હો…તમારો ખભો દુ:ખતો હોય…ગોઠણ પીડા કરતા હોય…તાવ જેવું ય હોય…અથવા ડર લાગતો હોય…પણ તમે જીતવાનો રસ્તો શોધી કાઢો છો અને એવા વિજયોનું જ ગૌરવ હોય છે, કારણ કે તેનાથી એ પુરવાર થાય છે કે તમે એકદમ સાજા હો ત્યારે જ નહીં, નબળા હો ત્યારે પણ જીતી શકો છો.
૩) જીવન ટેનિસ કોર્ટ કરતાં મોટું છે
ફેડરર કહે છે કે એણે રમતની શરૂઆત કરી ત્યારે એને ખબર હતી કે ટેનિસ એને આખી દુનિયા બતાવશે પણ એને એ પણ સમજ હતી કે ટેનિસ દુનિયા નહીં બની શકે. ટેનિસ કોર્ટની બહાર પણ એક જીવન છે અને તે ઘણું મોટું છે. મેં નાના ટેનિસ કોર્ટ સુધી પહોંચવા માટે લાંબો પ્રવાસ કર્યો છે, પણ સચ્ચાઈ એ છે કે ટેનિસ કોર્ટ નાનો છે અને દુનિયા મોટી.
હું ક્યાંથી આવ્યો છું અને મારાં મૂળિયાં શું છે તે હું ક્યારેય નહીં ભૂલું.
૪) આત્મવિશ્ર્વાસ પેદા કરવો પડે
ફેડરર કહે છે કે પ્રતિભાનું મહત્ત્વ ચોક્કસ છે, પરંતુ તેની વ્યાખ્યા બહુ મોટી છે. પ્રતિભા કુદરત તરફથી મળતી ભેટ નથી. તે પરસેવો પાડીને કરેલી મહેનતનું પરિણામ છે. જાત પર ભરોસો ક્યાંકથી મળતો નથી, એ તમારે કમાવો પડે છે. ટેનિસમાં શિસ્ત પણ પ્રતિભા છે, ધીરજ પણ પ્રતિભા છે, જાત પર ભરોસો રાખવો તે પણ પ્રતિભા છે, રમવાની પ્રકિયાને પ્રેમ કરવો તે પણ પ્રતિભા છે, જીવનને અને જાતને સંભાળવી તે પણ પ્રતિભા છે.
ફેડરર કહે છે મને મારી જાતમાં ભરોસો હતો પણ એ ભરોસો મેં કમાયો હતો. એટીપી ફાઈનલમાં આઠ સર્વશ્રેષ્ઠ ખેલાડી ક્વોલિફાય થયા હતા. મેં એમની જે તાકાત હતી તેના પર જ વાર કરીને આત્મવિશ્ર્વાસ ઊભો કર્યો હતો. તે પહેલાં હું એમની કમજોરીઓ પર ધ્યાન આપતો હતો. તમારે તમારા ભાથામાં ઘણાં શસ્ત્રો રાખવાં પડે જેથી એક નકામું જાય તો બીજું વાપરી શકાય.