ઉત્સવ

રિહાના `સુલતાન’: લોકોએ ધુત્કારેલી છોકરી કેવી રીતે બની ગઈ આંતરરાષ્ટ્રીય સ્ટાર!

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

તાજેતરમાં જ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન પૂર્વેની ઉજવણીમાં ભારતીય દર્શકોને પોપ સ્ટાર રિહાનાનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. રિહાનાની આ પહેલી ભારત યાત્રા હતી અને આઠ વર્ષ પછી એનો આ પહેલો સંગીત જલસો હતો.

2016 પછી એણે સાર્વજનિક કાર્યક્રમ કરવાનું અને નવાં ગીત રિલીઝ કરવાનું બંધ કરી દીધું હતું. આટલા લાંબા વિરામ બાદ વાપસી કરવા માટે એણે ભારતની કેમ પસંદગી કરી હતી તે સ્પષ્ટ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફરતા સમાચારો અનુસાર એને આ શો માટે 60 કરોડ રૂપિયા મળ્યા છે!

અંબાણી આટલી મોંધી પોપ સ્ટારને કેમ બોલાવે? અને ભારતમાં દર્શકો એની પાછળ ગાંડા કેમ થઇ જાય? 36 વર્ષની રોબિન રિહાના ફેંટી કેરેબિયન દેશ બારબાડોસની ગાયક અને મોડેલ છે. એણે 2005માં એનું પહેલું સ્ટુડિયો આલ્લબ

રિલીઝ કર્યું હતું અને એ પછી ચાર જ વર્ષની કારકિર્દીમાં 1 કરોડથી વધુ રેકોર્ડ્સ વેચવાનો અને 2 કરોડની વધુ ડિજિટલ ડાઉનલોડ કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. એને વિશ્વની બેસ્ટ-સેલિંગ પોપ મહિલા કલાકાર અને `ફિમેલ એન્ટરટેઈનર ઓફ ધ યર’ નો પુરસ્કાર પણ મળ્યો છે.
રિહાનાએ 15 વર્ષની ઉંમરે પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી ને 33 વર્ષની ઉંમરે તો એ અબજોપતિ બની ગઈ. 2007 ના આલ્બમ ગુડ ગર્લ ગોન બેડ’ થી એને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી.

ગરીબી અને પીડા માણસને તોડી નાખે છે અથવા તારી નાખે છે. રિહાના એનું એક ઉદાહરણ છે. પશ્ચિમના પોપ સ્ટારને આપણે `અશ્લીલ મનોરંજન કરવાવાળા’ કહીને ખારીજ કરી નાખીએ તે વાત બરાબર છે, પરંતુ ગ્લેમર એમના જીવનનો એક નાનકડો હિસ્સો છે. સ્ટેજ પર એમની ચકાચોંધની પાછળ એક એવી દુનિયા હોય છે , જે આપણને જીવનની અમુક સચ્ચાઈઓથી વાકેફ કરાવે છે.

બારબાડોસના બ્રિજટાઉનમાં જન્મેલી રિહાનાને બાળપણથી જ સંગીતનો શોખ હતો,પણ રિહાનાનું બાળપણ તકલીફોમાંથી પસાર થયું હતું. પિતા દારૂડિયા હતા અને દરરોજ પત્નીને ફટકારતા હતા. એ નાની હતી ત્યારે બાઈક ચલાવતી હતી, ઉઘાડા પગે ચારેબાજુ દોડતી હતી અને કબ્રસ્તાનમાં પતંગો ચગાવતી હતી, પણ ઘરમાં એવો બિન્દાસ્ત માહોલ નહોતો.

એને યાદ કરીને રિહાનાએ એકવાર કહ્યું હતું, શુક્રવાર ભયાનક હતા. પિતા દારૂ પીને આવતા. તે જે પણ કમાતા એમાંથી અડધા પૈસા દારૂમાં જતા રહેતા હતા. એ દરવાજામાં દાખલ થાય અને અમારી આંખો એમના પર જડાઈ જાય. એ મારી માતાને મારતા એ એટલું સામાન્ય થઇ ગયું હતું તેની અમારા માટે નવાઈ જ નહોતી રહી. માતા ક્યારેય સારવાર માટે ગઈ નહોતી…ઘરમાં થતી હિંસાની વાત ઘરબહાર કોઈને કહેવામાં આવતી નહોતી.
પિતાના પ્રકોપનો ભોગ આમ તો માતા જ બનતી હતી, પણ એકવાર રિહાનાને બીચ પર દસ મિનીટ વધુ રહેવા બદલ સજા કરવામાં આવી હતી.
`એમણે મને બીચ પર જ જોરથી થપ્પડ મારી હતી,’ રિહાના એ ઘટના યાદ કરીને કહ્યું હતું : હું એમના આંગળાનાં નિશાન લઈને ઘરે દોડી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે એમણે મને મારી હતી. મારી માતા મારો ચહેરો જોઈને આઘાત પામી ગઈ હતી. તમે કશું ખોટું કર્યું હોય તો તમને મારવામાં આવે તો સમજાય, પણ આ તો અનપેક્ષિત હતું…’

   `મારા પિતા ડ્રગના બંધાણી હતા,' રિહાનાએ કહ્યું હતું :  હું એકવાર મારી માતા સાથે ચાલતી જતી હતી અને રસ્તાની ધાર પર એક માણસ પડેલો હતો. એ જોઇને માતાએ મને કહ્યું હતું :તારો બાપ આવી જ રીતે એક દિવસ પડ્યો હશે. ' પિતાએ પછીથી એમનું વ્યસન છોડ્યું તો ખ, પણ તે પહેલાં જ અમારા પરિવારના સંબંધો અને ખુશીઓની બલી ચડી ગઈ હતી.

  આ બધી સમસ્યાઓ હોવા છતાં, રિહાનાએ પિતા પાસેથી ઘણી વ્યવસાયિક કુનેહ શીખી હતી. પિતા

જાહેરમાં કપડાં વેચતા ત્યારે એ એમની બાજુમાં ઉભી રહીને ધંધો કેમ થાય તે શીખતી હતી. પાછળથી રિહાનાએ એની સ્કૂલમાં નાની-નાની ચીજ વસ્તુઓ અને મીઠાઈઓ વેચીને ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.

   2011માં, રિહાનાના પિતા રોનાલ્ડ ફેંટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું :  મારી જેમ જ એ બજારમાં સડક પર કપડાં વેચતી હતી. દુકાન બહાર ખુમચો લગાવીને બીચ પર પહેરવા માટેની ટોપીઓ, બેલ્ટ અને સ્કાર્ફ વેચતી...એ મીઠાઈ પેક કરીને સ્કૂલમાં લઇ જતી ને દોસ્તોને વેચતી હતી....' એની આ વૃતિ -પ્રવૃતિ જ એને જીવનમાં આગળ લઇ ગઈ હતી.

  સ્કૂલમાં પણ સુખ નહોતું. સમસ્ત સ્કૂલ જીવન દરમિયાન રિહાનાને એના રંગના કારણે સહન કરવુંં પડ્યું હતું. એ કહે છે : `હું કાળી હતી, પણ સ્કૂલમાં બધા મને શ્વેત' કહેતાં...બધાં મારી સામે જોતાં અને ગાળો આપતાં. મને સમજ પડતી નહોતી. હું ક્યારેક ઝઘડી પણ પડતી હતી. પછી હું મોટી થઇ તો મારી બ્રેસ્ટને લઈને ગમે તેમ બોલવામાં આવતું.

  ડગલે અને પગલે રંગભેદના લીધે  સતત ધિક્કારનો અહેસાસ અને 

એને ભવિષ્યના ચકાચોંધવાળા પણ ક્રૂર જીવન માટે મજબૂત બનાવી રહ્યો હતો.
રિહાનાએ બીજા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું : મારી આ જાડી ચામડી સ્કૂલમાં પહેલા દિવસથી જ બનવાની શરૂ થઇ હતી. હું લોકપ્રિય થયા પછી નઠ્ઠર નથી થઇ; હું જાડી ચામડીની ના હોત તો અહીં ટકી જ ના હોત ‘
પિતાની હિંસા અને એના પગલે ઘરમાં રોજના કંકાસની અસર રિહાના પર પણ પડી હતી. સ્કૂલમાં એ કોઈની સાથે
ભળતી નહોતી. એકલી રહેવાનું જ પસંદ કરતી . એક સામયિકે લખ્યું હતું : તે દિવસોમાં એ વાતો ય કરતી
નહોતી અને રડતી પણ નહોતી.

એની માતા મોનિકાએ કહ્યું હતું : એ ભણવામાં પહેલેથી એકદમ હોંશિયાર હતી, પણ સ્કૂલમાં એને તકલીફ શ થઇ હતી. ભયાનક રીતે એનું માથું દુ:ખતું હતું. સીટી સ્કેન પણ કરાવ્યો હતો. આઠ વર્ષની ઉંમરે માથું દુ:ખવાનું ચાલુ થયું હતું ને 14 વર્ષ સુધી એ હેરાન થઇ હતી. ડોક્ટર પાસે જવાબ નહોતો. શઆતમાં એવું લાગ્યું કે એને માથામાં ગાંઠ છે, પણ ટેસ્ટમાં કશું ના આવ્યું.’

   પાછળથી એનાં પેરન્ટ્સ છૂટાં પડી ગયાં ને ઘરમાં મારામારી બંધ થઇ ગઈ તે પછી રિહાના માથાનો દુ:ખાવો ગયો ...! રિહાના પોતે એવું માને છે કે ભાવનાત્મક સ્ટે્રસ અને ઘરેલું હિંસાના કારણે એને પીડા થતી હતી.    આ હિંસા ભવિષ્યમાં એની પુન: મુલાકાત લેવાની હતી. 2009માં એવા સમાચારો આવ્યા હતા કે રિહાનાના તત્કાલીન બોયફ્રેન્ડ ક્રિસ બ્રાઉને ફટકારીને રિહાનાનું મોઢું એવું સુજાવી દીધું હતું કે મહિનાઓ સુધી એ ઘરમાં પુરાઈ રહી હતી. પાછળથી એણે કહ્યું હતું : હું મારા બાપ જેવા કોઈ છોકરાને નજીક ફરકવા નહીં દઉં.

   બાળપણમાં ઘરમાં સુખ-શાંતિ અને સુવિધાનો અભાવ હોવા છતાં રિહાના ગાવાનું છોડ્યું ન હતું. કદાચ એ ગાયકી જ એની

પીડામાંથી મોક્ષ હતું. હાઈસ્કૂલમાં એણે બે મિત્ર સાથે એક સંગીત જૂથ બનાવ્યું હતું. તેમાંથી એની ખ્યાતિ
ન્યુયોર્ક પહોંચી હતી. ત્યાં સંગીત નિર્માતા ઇવાન રોજર્સને રિહાનાનો અવાજ એટલો ગમ્યો કે એણે તરત જ રિહાનાને ગીતો રેકોર્ડ કરવાની ઓફર કરી. બસ, તે દિવસથી રિહાનાએ પાછું વાળીને જોયું નથી.

  રિહાના સફળ થવા માગતી હતી, ખૂબ પૈસા કમાવા માંગતી હતી, લોકપ્રિય થવા માંગતી હતી અને પોતાની શરતો પર

જીવવા માંગતી હતી જેથી એ એના પીડાથી છુટકારો મેળવી શકે.
આમ લોકોના ધુત્કારનો ભોગ બનેલી એક અશ્વેત રિહાના આજે પોપ સંગીતની દુનિયાની સુલતાન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…