ઉત્સવ

રીધમ

ટૂંકી વાર્તા – રવીન્દ્ર ઠાકોર

સાંજના પાંચ વાગ્યાની સાહેદી ઘડિયાળના ટકોરાએ પૂરી અને ઓફિસમાં ચહલપહલ થવા માંડી – રોજની જેમ. બધાં જ ટેબલોમાં એકદમ સ્ફૂર્તિ આવી ગઈ. મંથર ગતિએ, અલસતાથી કામ કરતા ટેબલોએ અચાનક આળસ મરડી. કી-ચેનો ખખડવા લાગી. બધી ટ્રે વ્યવસ્થિત થવા લાગી. ફાઈલો ડ્રોઅરમાં મુકાવા માંડી. પ્રત્યેક ખુરશીનો, ખુરશી પરના ચહેરાનો તનાવ દૂર થવા માંડ્યો. હવે અડધો કલાક જ બાકી હતો. બધાં જ રિલેક્સ મુડમાં હતા. છેલ્લા સાડાછ કલાકથી ચહેરા પર ઓઢેલો તનાવનો નકાબ ઉતારતાં હતાં. સહુ ઘેર જવાની ઉતાવળમાં હતાં. અધૂરાં કામોની ચિંતા નહોતી. આજનો દિવસ પૂરો થયો. એક દિવસનો પગાર, ડી.એ., એમ.આર.એ., પ્રોવિડન્ટ ફંડ જમા પાસે નોંધાઈ ચૂક્યું હતું તેનો આનંદ સહુ ચહેરાઓ ઉપર હતો. તેનો એક સંતોષ પણ.

મિસ માથુર ટોયલેટમાંથી બહાર આવી – ચહેરાને ફ્રેશ કરીને, તેણે વસ્ત્રો પણ વ્યવસ્થિત કરી લીધાં. ચહેરાને, હોઠોને એક આયાસી ચમક પણ આપી દીધી. રિસ્ટવોચમાં એક અધીરી નજર નાખી.
‘હું તો નીકળું છું મારે આજે જરાક…’ તે બોલી.

રાહુલ રાહ જોતો હશે, ખરું ને? એક અવાજ ફણગ્યો.
‘હા. આજે જરા વહેલી એપોઈન્ટમેન્ટ છે.’
‘એ તો બપોરે ફોન પરની કલાકની વાત પરથી જ સમજાઈ ગયું.’
‘કોક વાર આમ વાત કરતાં પકડાઈ જઈશ તો?’ બીજા અવાજે કહ્યું.
મિસ માથુર મારકણું સ્મિત વેરી સરકી ગઈ.
ત્યાં જ, થાકેલો, બગાસું ખાતો એક અવાજ ટેબલ પરથી બરાડયો, ‘સાલી આ તે કંઈ જિંદગી છે?’
‘કેમ?’

‘આ જોને, ઘેરથી આ મામેરાંની યાદી આપી છે, આટલું બધું શોપિંગ કરીને જવાનું, પૈસા તો ક્યાંય દેખાતા નથી. આ છેલ્લા અઠવાડિયામાં તો કોકની સામે હાથ લંવાવવો પડે છે. આ લોનો અને દેવાના લાકડામાં જ આ શરીર બળી જશે.’

‘તે પહેલેથી જ ફેમિલી પ્લાનિંગ કરવું હતું ને? હજી તો…’
‘એ તે કૈં આપણા હાથની વાત છે? અને ત્યારે આપણને ક્યાં ખબર હતી કે આ તો બાવાજીની લંગોટી જેવું થશે.’
એકાએક ખડખડાટ હાસ્યનું મોજું કમરામાં ફેલાઈ ગયું.

ત્યાં જ વળી કોકે ફિલસૂફની અદાથી કહ્યું, ‘ચિંતા ન કરો, મિ. તેંડુલકર… દેવાવાળો ઈશ્ર્વર છે, એ કીડીને કણ અને હાથીને મણ દેતો જ રહે છે.’

આલાપને કાને આ અવાજો પડતા હતા. અવાજોનો પણ એક રુટિન થઈ ગયો હતો – ઓફિસના રુટિનની જેમ જ. બધા જ અવાજોને એક રીધમ હતી. રોજ પાંચ વાગ્યે આ અવાજો ફરતા – કેસેટમાં ટેપ કરેલા અવાજની જેમ અને અડધો કલાકમાં શાંત થઈ જતા. આલાપ સહુ ચહેરાઓને જોતો. ના, એ ચહેરા નહોતા, મ્હોરાં હતાં. જીવનનો સ્ત્રોત – ભીતરી સ્ત્રોત જાણે કે થીજી ગયો હતો.

એની કેબિન જુદી હતી. સહુ એની અદબ જાળવતાં કારણ કે સહુથી એ સિનિયર હતો અને તે સિનિયોરિટીએ એને મેનેજરની પ્રતિષ્ઠા અર્પી હતી. આટલા બધા ચહેરાઓ વચ્ચે પણ એ પોતાની કેબિનમાં દ્વીપની જેમ જીવતો, કામ કરતો, પોતાના પદનું ગૌરવ જાળવતો અને છતાંય, રોજ પાંચ વાગ્યે, કેબિનની આણ તોડીને ય આ અવાજો ગ્લાસ વોલમાંથી કેબિનમાં પ્રવેશી જતા.

સહુ સાપની જેમ સળવળતાં, કાંચળી ઉતારીને સરકતાં હતાં. મિસ માથુર, તેંડુલકર, દેસાઈ, મિસિસ બર્વે, ગુરુદયાલસિંઘ, યોસેફ… સહુ. સાડાપાંચના ટકોરાની રાહ જોવાતી નહોતી. ઓફિશિયલ સમય તો સાડાપાંચનો હતો પણ પાંચ પચ્ચીસે તો ઓફિસ ખાલી થઈ જતી. છેલ્લી પાંચ મિનિટમાં તો પ્યૂન પણ દસ-બાર આંટા કેબિનમાં મારી જતો. તેને ય જાણે કે બરાબર પાંચને ત્રીસે ઓફિસ લોક કરવાની, પંકચ્યુઆલિટીની પ્રતીતિ કરાવવાની હોંશ વરતાતી હતી. રોજ, છેલ્લી પાંચ મિનિટમાં જ આલાપની નજર તેના પર પડતી. સોબ્રાઈટી, ટેન્શન, ઈગરનેસ વગેરેની સાતરંગી રેખાઓ તેના ચહેરા પર આલાપ જોતો. ઘડીક મનમાં એ મુસ્કુરાતો, એ પાંચને પાંત્રીસે જ ઊઠતો. પેલા પ્યૂનનો છેલ્લી પાંચ મિનિટનો તણાવ, રોષ જોવાની એને મજા આવતી.

આજે આલાપ પાંચને ત્રીસે જ ઊભો થયો. ઓફિસનાં ટેબલો સૂઈ ગયાં હતાં અને સઘળી ચેર્સ મૂંગા, પાલતુ પશુઓની જેમ એક કતારમાં ઊભી હતી. એ બહાર નીકળ્યો. ઓફિસનો ઉંબર એણે ઓળંગ્યો અને પ્યૂને હસતાં હસતાં એને સલામ ભરી. મહિનાઓ પછી તેના ચહેરા પરનું સ્મિત એણે જોયું ને એય હસી પડયો.

‘સાહેબ, આજે વહેલા જવું છે?’
‘હા, જરાક બહાર જવું છે એટલે.’
પ્યૂને ફરી સલામ મારી, આલાપે રોડ પર પગ મૂકયો. એ જ ભીડ, એ જ દોડ – માણસો અને વાહનોની. માણસો અને વાહનોમાં જાણે કે કશો જ ભેદ વરતાતો નહોતો. ઉતાવળ, ઘોંઘાટ, અથડામણ.
આલાપ રિક્ષાની શોધમાં હતો, ખાલી રિક્ષા પણ થોભતી નહોતી – દોડી જતી હતી. એની નજર એકાએક એક હોર્ડિંગ પર પડી. મોટા અક્ષરે લખ્યું હતું – ‘ડોન્ટ બી ઈ હેસ્ટ. ઈટ કોસ્ટસ લાઈફ, સમબડી ઈઝ વેઈટીંગ ફોર યૂ એટ હોમ.’
એ આછું મુસ્કુરાયો. સમબડી ઈઝ વેઈટીંગ ફોર યૂ. હા, નિકિતા રાહ જોતી હશે. ચા નાસ્તો તેણે તૈયાર રાખ્યો હશે. રોજ એ ઓફિસથી સીધો જ ઘેર જાય છે. નિકિતાને આની જાણ છે. એટલે – પણ ના. આજે સીધા ઘર નથી જવું. ડૉક્ટરને ત્યાં જવું છે. બી. પી. ચેક કરાવવું છે. હમણાં હમણાં સવારથી જ થાક લાગે છે. અસ્ફૂર્તિ પણ અનુભવાય છે અને આમેય ડૉ. પ્રદ્યોતને ત્યાં ગયો જ નથી – એક મહિનાથી બી. પી. ચેક કરાવ્યું નથી. પ્રદ્યોત મિત્ર છે એટલે ચિંતા કરતો હશે, ગાળો દેતો હશે. આજે તેને મળી લેવાશે.

એક રિક્ષા માંડ ઊભી રહી. એ બેઠો. ‘ઈન્કમ ટેક્ષ, દિનેશ હોલ.’

એ પ્રદ્યોતના ક્લિનિક પાસે પહોંચ્યો.
‘ઘણે દિવસે કૈં?’ પ્રદ્યોતે કહ્યું.
‘આ ઓફિસમાં ફુરસદ મળે ત્યારે…?’
‘હવે ત્રીસ વર્ષ થયાં આ ઓફિસમાં. તું ઓફિસને પરણ્યો છે કે નિકિતાને? હવે તો ઓફિસનું વળગણ છોડ અને હવે આ જમાનો એટલી સિન્સિયારિટીની નથી.’
‘પણ-’
‘પણ ને બણ. બોલ, ચા પીવી છે ને?’

‘હા… પણ પહેલાં બી. પી. ચેક કરી લે. હમણાં ખૂબ થાક અને અસ્ફૂર્તિ અનુભવાય છે.’

પ્રદ્યોત ચાનો ઓર્ડર આપ્યો. બી. પી. ચેક કર્યું. પલ્સને પકડવાનો પ્રયત્ન કર્યો. થોડીક સિરિયસનેસ તેના ચહેરા પર છવાઈ ગઈ. તે મુંઝાતો હતો.

‘કેમ પલ્સ નથી પકડાતી? આ તો આલાપની પલ્સ છે. એમ સહેલાઈથી નહિ પકડાય. આટલું પણ તું ન જાણી શક્યો?’

બંનેના ચહેરા પર હાસ્ય છવાયું. પ્રદ્યોત પલ્સ પકડવાનો પ્રયત્ન કરતો હતો. ઘડિયાળના સેકંડ કાંટાની ગતિ પર એકાગ્ર નજર રાખી તે પલ્સના બીટ્સ સિરિયસલી ગણી રહ્યો હતો. પ્રદ્યોતે આલાપનું કાંડું નીચે મૂકયું. ઈન્સ્ટ્રુમેન્ટ બંધ કરી સ્ટેથોસ્કોપ ટેબલ પર મૂકયો. ચા આવી. આલાપે પૂછયું, ‘શું છે?’

‘આ ચા પી.’
‘લેટ અસ શેર.’
‘ના, મેં હમણાં જ…’
‘આપણે શૅર જ કરતાં આવ્યા છીએ. આપણી દોસ્તીનો તે સિલસિલો છે. પણ કહે તો ખરો, તું સિરિયસ કેમ છે?’

‘બી. પી. હાઈ રહે છે. પણ સાથે સાથે પલ્સ અનરીધમેટિક છે. બીટ્સ પણ મિસ થાય છે તેની સહેજ ચિંતા છે. તું જલદી ઈ.સી.જી. કઢાવી લે.’
‘અરે પણ…’
‘મારે ચાર દિવસમાં જ ઈ.સી.જી. જોવો છે. પછી ટ્રીટમેન્ટ શરૂ કરીએ. હવે આપણે પચાસ પૂરાં કર્યા. ડોન્ટ બી નેગ્લીજન્ટ આમાં ડરવાની જરૂર નથી. પણ, ઈ.સી.જી. કઢાવવો સારો અને ટ્રીટમેન્ટ નિયમિત કરવાની.’
‘તે તો થશે. અત્યારે આ ચા તો પીવા દે.’

‘જો વાતને આડે પાટે ન લઈ જા, કાલે જ ઈ.સી.જી. કઢાવી લે. પરમ દિવસે હું ફોન કરીશ નહિતર નિકિતાભાભીને… ચાર દિવસમાં મારે રિપોર્ટ જોઈએ.’
બંનેએ ચા શૅર કરી, ઘણી ઘણી વાતો કરી. પ્રદ્યોતની કેબિન બહાર દર્દીઓની ભીડ હતી. આલાપે કહ્યું, ‘આ બધાં રાહ જુએ છે. હું પછી નિરાંતે….’
‘નિરાંતે નહિ. ચાર દિવસ પછી ઈ. સી. જી. રિપોર્ટ સાથે, રીધમ તૂટે તે ખોટું.’
‘સારું સારું.’

આલાપ બહાર નીકળ્યો. રિક્ષામાં જ ઘેર પહોંચ્યો. હજી ઘરમાં પગ મૂકે ત્યાં જ નિકિતાએ પૂછયું: ‘ક્યાં ગયો હતો? અમને કેટલી ચિંતા થતી હતી. તારા મિત્રોને ત્યાં ફોન કરીને થાકી ગઈ. આ કેયૂર ને નૃપા પણ…’

‘અરે, નિરાંતે ટી. વી. તો જુઓ છો અને ચિંતા તો ક્યાંય દેખાતી નથી અને તને તો ખાતરી છે ને નિકિતા, કે હવે કોઈ બીજી સ્ત્રી આ ધોળા વાળ પર મોહ પામવાની નથી. બીજું કોઈ લફરું થવાનું નથી. હમણાં ઠીક નહોતું રહેતું એટલે પ્રદ્યોતને ત્યાં ગયો હતો.’

‘શું કહ્યું, પ્રદ્યોતભાઈએ?’
‘ઈ.સી.જી. કઢાવવાનું કહે છે. પલ્સની રીધમ નથી સચવાતી ને બીટ્સ પણ મિસ થાય છે, પણ તે તો કહે. હું કંઈ કરવાનો નથી.’

સંતાનો શિખામણ આપવા બેઠાં. નૃપાએ તો પરિચિત ડૉ. પટેલની એપોઈન્ટમેન્ટ લેવાનીય વાત કરી. આલાપ રોષે ભરાયો, ‘તમે સહુ મને ડૉક્ટરના ચક્કરમાં પીસી નાખશો.’
બીજે દિવસે આલાપ ઓફિસમાં પોતાના કામમાં વ્યસ્ત હતો ત્યાં જ ફોન રણક્યો. ‘પપ્પા, સાડાસાત વાગ્યે ડૉ. પટેલની એપોઈન્ટમેન્ટ છે, સીધા ઘરે જ આવજો. મમ્મી તમારી સાથે આવશે.’
ડૉ. પટેલે કમ્પલીટ ચેક-અપ કર્યું. બે દિવસ પછી રિપોર્ટ લઈ જવા કહ્યું. બે દિવસ પછી રિપોર્ટ લેવા નિકિતા આલાપને ઘસડી ગઈ. પ્રાઈમરી હાયપર ટેન્શન છે તેવું ડૉ. એ નિદાન કર્યું.

કોર્બેરોઈનની અડધી અડધી ટેબ્લેટ દિવસમાં ત્રણ વાર લેવાની, મીઠું ઓછું કરવાની સલાહ આપી. પલ્સ મિસ થાય છે, રિધમ પણ જળવાતી નથી તેવું પણ કહ્યું. ને બીજા ટેસ્ટ રેકમેન્ટ કરી, મહિના પછી ચેકઅપ માટે આવવા કહ્યું.

આલાપે ડૉક્ટરને સો રૂપિયા આપ્યા. પાછા ફરતાં રિક્ષામાં જ એણે કહ્યું, ‘હવે પડયાને આ ટેસ્ટના ચક્કરોમાં? આ એકને સો રૂપિયા આપ્યા, હવે બીજાઓને…’
‘જિંદગી કરતા પૈસા વધારે છે?’ નિકિતાએ કહ્યું.

ઘરે પહોંચ્યા ત્યાં જ ચિંતાની લિપિ સંતાનોની આંખોમાં ડોકાઈ. નૃપાએ કહ્યું, ‘પપ્પા, બીજા ટેસ્ટ પણ કરાવી લો.’

રિપોર્ટ લઈને આલાપ પ્રદ્યોત પાસે ગયો. પ્રદ્યોતે કહ્યું, ‘બરોબર છે. રીધમ ન જળવાય તે ખોટું. પ્રિસ્ક્રીપ્શન પ્રમાણે ટ્રીટમેન્ટ કરજે અને પેલા ટેસ્ટ પણ કરાવી લેજે.’
આલાપનું ટેન્શન વધી ગયું. સહેજ નર્વસ પણ એ થઈ ગયો. આ બધાં જ એને એનાં દુશ્મન લાગ્યાં. આ બધાં જ એનું ટેન્શન, એની નર્વસનેસ વધારી દેશે અને નહિ વધતું હોય તોય એનું બી.પી. વધારી દેશે.

એ કોર્બેરોઝાઈનની ટેબ્લેટ્સ લઈ આવ્યો. નિકિતા સમયસર એને આપતી. એને નહોતું જવું તોય ટેસ્ટ માટે એ એને લઈ ગઈ. સારું થયું કે તે ટેસ્ટમાં કોઈ કોમ્પ્લીકેશન નહોતાં.
‘આ તમે બધાં મને શીદ રવાડે ચઢાવો છો?’ આલાપ વારંવાર કહેતો.

‘પચાસ વર્ષ પછી તો જાળવવું જોઈએ ને?’ નિકિતા દલીલ કરતી.

પ્રદ્યોત પણ આવું જ કહ્યું હતું – આપણે પચાસ પૂરાં કર્યાં.

આ બધાં શું સમજતા હશે? પચાસ પૂરાં કર્યાં એટલે શું ગુનો કર્યો? આલાપને ચીડ ચઢી પણ કશું ન બોલ્યો. એ એકલો હતો. સાથે પ્રદ્યોત, નિકિતા, નૃપા, કેયુર. એ ઓફિસ જવા નીકળતો ને નૃપા પૂછતી, ‘પપ્પા, કોર્બેરોઝાઈન સાથે છે ને?’

કેયૂર કહેતો, ‘પાછા લેજો. ડોન્ટ બી નેગ્લીજન્ટ.’

આ બધાં – આ બધાં… મન તો થતું હતું કે આ બધાનાં સલાહસૂચન ફગાવી દે… પણ…!

એ ઓફિસમાં ટેબ્લેટ લેતો. બહાર ઊભેલી લારીઓમાંના દાળવડા, ફાફડા અને ગાંઠિયા એને આકર્ષતાં હતા. મોંમાં પાણી આવતું પણ એ સંયમ રાખતો. હવે સંયમ જ રાખવાનો હતો કારણ કે એણે પચાસ પૂરાં કર્યા હતાં. પચાસ પછી માણસે સંયમ રાખવો જ જોઈએ.

નિકિતા એને માટે મોળું રાંધતી, તળેલું ભાવતું તોય એ ખાતો. ઘોડો ઘાસ ચરે તેમ કાચા સલાડ ચાવી જતો.

‘બી. પી. શૂટ થાય તો હાર્ટ એટેક આવે તેવું ત્રિવેદીકાકા કહેતા હતા. એટલે તમારે વજન ન વધે તેની કાળજી રાખવી જોઈએ.’ એક દિવસ નૃપાએ કહ્યું.
‘પપ્પા, રોજ ચાલવા જાવ. એક્સરસાઈઝ થશે ને વજન ઘટશે.’ કેયૂરે સલાહ આપી.

‘ચાલવાની તો તારા પપ્પાને બાધા છે.’ નિકિતાએ છણકો કર્યો.

‘તો ઓછું ખાવ અને બટાકા – ચોખા તો નહિ જ ખાવાના. તેનાથી તો વજન વધે.’ નૃપાએ કહ્યું.

પાબંદીઓનો ખડકલો થતો હતો. આલાપ મૂંઝાતો હતો. આ ઘરમાં જાણે કે એક કેદી તરીકે એ જીવતો હતો. સહુની નજરોની ચોકી વચ્ચે એણે જીવવાનું હતું. ઓફિસના મિત્રોનેય નિકિતાએ વાત કરી હતી. ત્યાંય મિત્રોની નજરબંધી હતી.

નજરબંધી, પાબંદી, સલાહસૂચન, ટેબ્લેટ્સ, ઘાસ જેવો ખોરાક, સંયમ, પ્રાઈમરી હાયપરટેન્શન, પચાસ પૂરાં કર્યાંનો ગુનો, પલ્સની રીધમ જળવાતી નહોતી, બીટ્સ, મિસ થતા હતા.
ચાલો, આમ જિંદગી જીવવાની હશે. આપણે તો ક્ષણમાં જીવનાના. આલાપ મનને આશ્ર્વાસન આપતો.

ક્ષણને જીવવાની! ક્ષણ… આલાપના મનમાં એક ઓચિંતો ઝબકારો થયો. બાળપણની ક્ષણનો. એને પ્રતીતિ સાંભરી. નિકિતા સાથેનાં લગ્ન પછી એની જિંદગીમાં પ્રતીતિ પ્રવેશી હતી. એ પ્રતીતિમાં ગુમરાહ બન્યો હતો. નિકિતા એને ભરચક પ્રેમ આપતી પણ એનો પ્રેમ પ્રતીતિ પર વરસતો હતો.

પ્રતીતિને પોતાની કરવાની એને પ્રબળ ઈચ્છા જાગી હતી. સારું થયું, એક ક્ષણે પ્રતીતિ સાથે એને ઝઘડો થયો અને પ્રતીતિ એનાથી દૂર સરકી ગઈ. આજે વીસ વર્ષ વહી ગયાં એ વાતને.
નિકિતાને તેની જાણ નહોતી, આજેય નથી. નિકિતા તો એની એ જ હતી. એ જ પ્રેમ, એ જ નિષ્ઠા, એ જ હૂંફ. ત્રીસ વર્ષ પહેલાં હતી તેવી ને તેવી જ. અગ્નિની સાક્ષીએ આપેલા કોલનાં નિકિતાએ જીવની જેમ જતન કર્યાં હતાં અને એણે? એણે…? ત્યારે શું રીધમ નહોતી…?

એક મહિનો વીતી ગયો. નિકિતા ફરી એને ચેકઅપ માટે લઈ ગઈ.

ફરી એ જ ટ્રીટમેન્ટ મહિના માટે. નિકિતા મૂંઝાઈ. તેણે પ્રદ્યોતને ફોન કરી બોલાવ્યો. પ્રદ્યોત સાંજે આવ્યો. નિકિતા ચા બનાવવા ગઈ. પ્રદ્યોતે બી.પી.નું ઈન્સ્ટ્રુમેન્ટ કાઢયું.
‘આ તમે ડૉક્ટરો મને મારી નાખશો.’

‘ચાલ, હવે સિરિયસ થા. પચાસ વર્ષ પછી જિંદગીને ભૂતકાળનો હિસાબ આપવો પડે છે.’

પ્રદ્યોતે બી. પી. લીધું. નિકિતા ચા લઈને આવી. પ્રદ્યોત આલાપની પલ્સ તપાસતો હતો. પ્રદ્યોતે કહ્યું, ‘બી. પી. નોર્મલ થતું જાય છે પણ પલ્સની રીધમ જળવાતી નથી. ધીસ ઈઝ સિરિયસ. ટ્રીટમેન્ટ નિયમિત કરવી પડશે.’

‘તમને ડૉક્ટરોને માણસોને મારવામાં રસ તો નથીને?’

‘આલાપ, આપણા ચાલીસ વર્ષના સંબંધ પછી પણ તું આમ કહીશ?’

‘ના, ના. હું તો જોક કરતો’તો.’
પ્રદ્યોત ગયો. દસ વાગે નૃપા કોર્બેરોઝાઈન લઈને આવી. આલાપ કશું બોલ્યા વિના તે ગળી ગયો. સાડાદસ વાગ્યો કોમ્પોઝ લઈ રૂમમાં ગયો. પંખો ચાલુ કરી સૂતો. લાઈટ જલતી હતી.

નિકિતા આવી. તેણે સ્વીચ ઓફ કરી અને એની પડખે સૂતી. તેનો હાથ એના શરીર પર ફરતો હતો. તે હાથના સ્પર્શમાં ચિંતા હતી. અંધારામાં એ નિકિતાની ટગરટગર, તાકતી આંખોને નિહાળી રહ્યો. એ આંખોમાં વર્ષોના અખંડ પ્રેમને જોયો, પ્રેમજન્ય ચિંતા પણ દીઠી. પલ ભર તો એને થયું કે એ નિકિતાને કહી દે, કહી દે કે…! પણ નિકિતાની પ્રેમભીની આંખોને જોઈને એનાથી કશું જ ન બોલાયું. નિકિતાના આંસુ લૂછતો એ કહેતો હતો, ‘ચિંતા ન કર નિકી! સારું થઈ જશે. તું છે ને?’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button