રોજગાર ઉત્પન્ન કરવાની જવાબદારી સહુની
રોજગાર પેદા કરવા બજેટમાં કઈ યોજનાઓ જાહેર કરાઈ? અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ એ પ્રસ્તવ અંગે કેવો પ્રતિભાવ આપ્યો? નોકરિયાત વર્ગના હિસ્સામાં ઘટાડો કેમ થયો? આવક કેમ સ્થગિત થઈ ગઈ? એમએસએમઈ સેક્ટર પર વધુ ધ્યાન કેન્દ્રીત હોવું જોઈએ?

વિચાર-વિમર્શ -નિધિ ભટ્ટ
આવક વધે તે જોવાની તેમ જ એમએસએમઈમાં નાણાંનું રોકાણ વધારવાની જરૂર છે કેમ કે તેની બહુલક્ષી અસર જોવા મળશે.
વર્ષ ૨૦૨૪-૨૫નું કેન્દ્રીય બજેટે એટલું સ્પષ્ટ કરી દીધું છે કે રોજગારનું નિર્માણ કરવું એ સરકારની પ્રાથમિકતા છે. નાણાં પ્રધાનની બજેટની સ્પિચમાં આ શબ્દનો ૨૩ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બજેટને ‘રોજગારની સ્કીમનું પૅકેજ’ ટાઈટલ આપ્યું હતું.
રોજગારની હાલની પરિસ્થિતિ શું છે?
આર્થિક સર્વે મુજબ વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતમાં કામ કરનારાંઓની સંખ્યા અંદાજે ૫૬.૫ કરોડ હતી જેમાંથી ૪૫ ટકા લોકો કૃષિક્ષેત્ર, ૨૮.૯ ટકા નોકરી, ૧૧.૪ ટકા ઉત્પાદન ક્ષેત્ર અને ૧૩ ટકા લોકો બાંધકામ ક્ષેત્રમાં હતા. સત્તાવાર રીતે એ સમયગાળામાં દેશમાં ૩.૨ ટકા લોકો બેરોજગાર હતા. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ આંકડાઓ વાસ્તવિકતાનું પ્રતિબિંબ નથી પાડતા. વીતેલા વર્ષમાં જો કોઈ વ્યક્તિએ ઓછામાં ઓછા ૩૦ દિવસ આર્થિક પ્રવૃત્તિ કરી હોય તો તેનો રોજગારની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે.
કામ કરતી પ્રત્યેક પાંચ વ્યક્તિએ એક (૦૮.૩ ટકા), ખાસ કરીને મહિલાને તેનાં કામ બદલ વળતર નથી મળતું. ઘરકામ કરતી મોટાભાગની મહિલા (ગૃહિણી)ઓને કોઈ આર્થિક વળતર મળતું નથી.
માર્ચ ૨૦૨૪ના પૂરા થયેલા ત્રિમાસિકમાં શહેરી વિસ્તારમાં બેરોજગારીનો આંક ૬.૭ ટકા હતો તો વર્ષ ૨૦૨૨-૨૩માં યુવા બેરોજગારીનો આંક ૧૦ ટકા જેટલો હતો. નિયમિત નોકરિયાત વર્ગમાં બેરોજગારીનો આંક વર્ષ ૨૦૧૭-૧૮ના ૨૨.૯ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦.૯ ટકા થઈ ગયો હતો. સરકારે આ માટે પુરાવા તરીકે ઈપીએફઓ (ઍમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન)માં નવા કર્મચારીના નોંધાયેલા નામના આંકડાઓ ટાંક્યા હતા. ઈપીએફઓના ૭.૩ કરોડ નિયમિત સબસ્ક્રાઈબર છે. જોકે, ઑપરેટ ન થતા હોય તેમ જ એક જ વ્યક્તિનાં એક કરતાં વધુ ખાતા હોય તે ગણતા આ આંકડો ૩૦ કરોડ જેટલો છે.
ઍમ્પ્લોયમેન્ટ લિન્કડ ઈન્સેન્ટિવ આપતી પાંચ સ્કીમ છે. પ્રથમ સ્કીમ કોઈપણ વ્યક્તિને પ્રથમ વખત નોકરી પર રાખવાને લગતી છે જે અંતર્ગત કર્મચારીને રૂ. ૧૫,૦૦૦ સુધીની સબસિડી આપવામાં આવે છે. બીજી સ્કીમનો આશય પ્રથમ વખત જેને નોકરી પર રાખવામાં આવ્યો હોય (ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં) તેને એટલે કે કર્મચારીને તેમ જ માલિકને બંનેને ચાર વર્ષ માટે માસિક રૂ. ૨૫,૦૦૦ના પગાર પર વધુમાં વધુ ૨૪ ટકા સબસિડી આપવાનો છે. ત્રીજી સ્કીમ નવી વ્યક્તિ (ભલે પછી તેની બીજી કે ત્રીજીવારની નોકરી હોય)ને નોકરી પર રાખનાર માલિકની તરફેણ કરે છે. આ ત્રણે સ્કીમ ઈપીએફઓ સાથે નોંધાયેલા કર્મચારી પર આધાર રાખે છે. ચોથી સ્કીમનો આશય ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટને અપગ્રેડ કરી તેની કાર્યકુશળતાને વધારવાનો છે જેને કારણે ૨૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે. પાંચમી સ્કીમ એટલે પણ મહત્વની છે કેમ કે તેના જેવી જ સ્કીમનો કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં પણ ઉલ્લેખ હતો. આ સ્કીમનું લક્ષ્ય માસિક રૂ. ૫,૦૦૦ના વળતર સાથે એક કરોડ જેટલા યુવાનોને દેશની ટોચની કંપનીમાં એક વર્ષ માટે ઈન્ટર્નશિપ આપવાનો છે. આ સ્કીમમાં કંપની યુવાનોની તાલિમનો તમામ ખર્ચ અને તેમને આપવામાં આવનારાં ભથ્થાંનો ૧૦ ટકા ખર્ચ કંપની ઉપાડી લે તેવી જોગવાઈ છે.
અર્થશાસ્ત્રીઓ અને નાના ઉદ્યોગોનું માનવું છે કે આ સ્કીમની શરતો અને પ્રક્રિયા તેનાં અસરકારક અમલમાં અવરોધ ઊભા કરી શકે છે. નાના ઉદ્યોગો ભાગ્યે જ તેનો અમલનું જોખમ લેશે. ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારની નવી તકો ઊભી કરવાની સ્કીમની જરૂરિયાત મુજબ ઓછામાં ઓછા પચાસ કર્મચારીને કામ પર રાખવા કે પછી વર્તમાન કર્મચારીઓની સંખ્યાના પચીસ ટકા કર્મચારીને જાળવી રાખવા. નાના લાભ બદલ એકસાથે આટલા મોટા પ્રમાણમાં કર્મચારીની ભરતી કરવી એ કોઈ પણ કંપની માટે વ્યવહારુ નથી.
આ સ્કીમો કેટલી અસરકારક છે?
ઓછા પગારે નવા કર્મચારીઓની ભરતી કરવા આ સ્કીમ પ્રોત્સાહન આપે છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે કંપનીને નવા કર્મચારીઓની ભરતી કરતા અટકાવતી મુખ્ય બાબત આ નથી. અર્થતંત્ર શા માટે રોજગાર નિર્માણ નથી કરી રહ્યું તેનું મુખ્ય કારણ બીજું છે અને તે છે ઓછી ખપતને કારણે અપૂરતી માગ અને ખાનગી રોકાણનો અભાવ એવું અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના પ્રોફેસર અમિત ભોંસલેનું માનવું છે. આ સ્કીમ ઓછા કર્મચારી ધરાવતી નાની કંપનીઓ સુધી પહોંચાડવાની જરૂર છે.
નવા લોકો નોકરીમાં જોડાઈ રહ્યા છે તે જ સમયે મોટા પ્રમાણમાં લોકો કૃષીક્ષેત્ર, નાના વેપાર, અસંગઠિત રિટેલ ક્ષેત્ર અને ઘરેલું કામ છોડવા માગી રહ્યા છે. માગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન જળવારી રહે તે દરે રોજગારનું નિર્માણ થવું જોઈએ, પરંતુ એમ નથી થઈ રહ્યું. આંકડાઓ દર્શાવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં બેરોજગારીના આંકમાં આંશિક ઘટાડો થયો હતો.
જ્યારે આપણે વિચારીએ છીએ કે રોજગારનું નિર્માણ કરવું જોઈએ તો એ જ્યાં પગારધોરણ ખૂબ જ ઊંચા છે એ ટોચની ૫૦૦ કંપનીમાં નહીં, પરંતુ નાના શહેરો અને નગરોસ્થિત શ્રમ આધારિત એમએસએમઈમાં હોવું જોઈએ. ગ્રામીણ વિસ્તારમાં રોજગાર પેદા કરવાને લગતી મનરેગા સ્કીમને પ્રોત્સાહન આપવું જોઈએ. એ જ પ્રમાણે શહેરી વિસ્તારનો લોકો માટે પણ રોજગાર ગેરેન્ટી સ્કીમ શરૂ કરવી જોઈએ.