ક કેબિનેટનો ક મંત્રીમંડળમાં મહાબદલી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
જો આપણે વરસોથી આ દેશમાં કોઈ ખાસ પરિવર્તન ન લાવી શકતા હોઈએ તો કમ સે કમ કેબિનેટમાં તો પરિવર્તન લાવી જ શકીએ છીએને? દેશમાં જ્યારે પણ કોઈ બદલાવ આવે ત્યારે આપણને ખુશી થતી હોય છે. ચાલો, આપણું જીવન ભલે ના બદલાયું પણ કમ સે કમ કેબિનેટ કે મંત્રીમંડળ તો બદલાયું! છાપાંમાં સમાચાર આવે છે કે જે શ્રીમાન અત્યાર સુધી એક વિભાગ જોતા એ હવે રાતોરાત બીજો વિભાગ જોવા માંડશે. સત્તાકરણનું આ બધું વરસોથી ધ્યાનથી જોનારાંની નજરે જુઓ તો જોઈ જોઈને કંટાળી ગયો હશે. આંખો દુ:ખવા માંડી હશે. એ થાકેલી આંખો હવે કંઈક બીજું જ જોવા માગે છે.
બહુ મોટો સંન્યાસી કે સાધુ પણ હિમાલયની શોભા જોઈ જોઈને કંટાળી જાય છે. એ પણ પહાડ પરથી નીચે આવીને ગામડાં અને શહેરોને જોવા માગે છે, કારણ કે એકની એક વસ્તુ ને કોઇ કંઇ રીતે જુએ અને ક્યાં સુધી જુએ સહન કરે? અને બીજું જે જોવાલાયક છે એને કેમ ના જુએ? આંખો પણ લાંબો સમય સુધી એક જગ્યાએ ટકીને રહી શકે નહીં. ભલેને પછી એ મંત્રીની જ આંખો કેમ ના હોય?
ઘણી વાર મને વિચાર આવે છે કે જો મારી પત્ની પ્રધાનમંત્રી હોત તો કેબિનેટમાં જલદી જલદી ફેરફાર કર્યા હોત. હું બહુ જડ સ્વભાવનો માણસ છું. મને ઘરમાં જે વસ્તુ જ્યાં રાખી હોય એને ત્યાંની ત્યાં જ રાખેલી જોવાની ગમે. પણ, મારી પત્ની એને ત્યાંથી હટાવીને બીજે ક્યાંક મૂકી જ દે! એવું કરવા માટે એ પહેલાં તો હું બહાર જાઉં એની રાહ જુએ.
જેથી કરીને એ શાંતિથી પોતાની મનમરજી પ્રમાણે ઘરની વસ્તુઓની હેરફર અહીંથી તહીં કરી શકે. હું પાછો આવું ત્યાં સુધીમાં ઘરમાં ફેરફાર થઈ જ ગયો હોય. હવે હું એની સામે બડબડ કરવાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા સિવાય બીજું કશું જ કરી શકું એમ નથી.
કેબિનેટ શબ્દનો બીજો અર્થ છે: કબાટ! જેમાં ઘણા બધાં ખાના અને ડ્રોવર હોય. તમે એક ખાનામાંથી વસ્તુ કાઢીને બીજા ખાનામાં નાખી દો. એને કહેવાય કેબિનેટમાં ફેરફાર! કાચવાળા કબાટના એક ખાનામાંથી પેંટ લીધું અને લોખંડના કબાટના ખાનામાં નાખી દીધું. જે વસ્તુઓ બહાર પડી પડી ધૂળ ખાતી હતી એને ઉઠાવીને અંદર મૂકી દીધી. અંદર જે ત્રણ વસ્તુઓ ખરાબ થતી હતી એને તપાવવા બહાર મૂકી દીધી. આમ કેબિનેટ કે પરિવર્તન ઘણું ઘરેલું અને આંતરિક પ્રક્રિયા છે. એવું જ સરકારી કેબિનેટ કે મંત્રીમંડળનું છે.
ખાતું બદલાઈ જવાનો કે કેબિનેટમાં જોડાવાનું કે નીકળી જવાનું દુ:ખ એ રાજનેતાને હોય, જેને પોતાને ખબર છે કે એણે જીવનમાં શું કરવાનું છે, એ શું કરી શકે છે, એનાં સપનાઓ શું છે, એની કુશળતા કયા ક્ષેત્રમાં છે, એને ગાડી, બંગલો, પ્રવાસ ભથ્થું અને કામ કરાવવાવાળું ઉચ્ચ અધિકારીનું પદ જોઈએ- પછી એ ગમે ત્યાંથી મળે. આવા મંત્રીઓને સંરક્ષણ વિભાગનો ઠેકો આપવો જોઈએ નહીં.
ઔદ્યોગિક વિભાગનો જ ઠેકો આપવાનો. થોડી વધારે ઓછી હોય પણ કમિશન અને લાંચના ભાવ તો લગભગ બધે સરખા જ છે. જે સંસદ કે વિધાનસભામાં ખરડો (બિલ) બનાવવો અને ભાષણ આપવું એ જ કર્મ અને ધર્મ છે, એ કાચ પર બનાવે કે સ્ટીલ પર, ફરક શું પડે છે? ખરડો, ખરડો, રહેશે ને મંત્રી મંત્રી!
ઇન શોર્ટ મંત્રીમંડળમાં કોઇપણ બદલાય. બધાંના જ ગાદલાં એક સરખા નરમ હોય છે. બધાના જ ચમચાઓ એક સરખા વાંકા વળીને સલામ ઠોકે છે. બધાં નેતાઓની ગાડી એક સરખી ઝડપે ઝંડો લહેરાવતી આગળ વધે છે.