હેં… ખરેખર?! : ક્યાંક પ્રજાસત્તાક દિનની 35 કલાક ઉજવણી, તો ક્યાંક સ્પેશિયલ મીઠાઈ
-પ્રફુલ શાહ
ઈટાલી, સર્બિયા, ભારત, તુર્કી
26મી જાન્યુઆરી, એટલે આપણો પ્રજાસત્તાક દિન. 1947માં સ્વતંત્રતા મળ્યા બાદ 1950ની 26મી જાન્યુઆરીએ બંધારણનો સ્વીકાર કરીને ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ જાહેર કરાયો. એની ઉજવણી કેવી રીતે થાય છે એ જણાવવાની જરૂર નથી.
આ નિમિત્તે વિશ્વના કેટલાંક દેશોમાં થતી પ્રજાસત્તાક દિનની ઉજવણી વિશે જાણીએ. તુર્કી (કે તુર્કીએ)માં 29મી ઑગસ્ટે પ્રજાસત્તાક દિન (સ્થાનિક ભાષામાં `કુમ્હુરિયેન બાઈરાપી’) ઉજવાય છે. આધુનિક તુર્કીના ઘડવૈયા મુસ્તફા કમ અતાતુર્કે 1923ની 29મી ઓકટોબરે દેશને પ્રજાસત્તાક જાહેર કર્યો હતો. એ દિવસે બંધારણમાં ફેરફાર કરીને તુર્કીને પ્રજાસત્તાક જાહેર કરાયો હતો. આ સાથે ઓટ્ટામ સામ્રાજ્યનો સત્તાવાર આવ્યો હતો.
તુર્કીમાં આગલા દિવસે એટલે કે 28મી ઑકટોબરના બપોરે એક વાગ્યાથી પ્રજાસત્તાક દિનની ઉજવણી શરૂ થઈ જાય છે. જે 35 કલાક સુધી ચાલતી રહે છે. આ ઉજવણીમાં અન્ય દેશોની જેમ સરકારી રજા હોય. સાથોસાથ આતશબાજી, ધ્વજ વંદન, સંગીતમય કાર્યક્રમ અને પરેડ
યોજાય છે.
ઈટાલી બીજી જૂને પ્રજાસત્તાક દિન મનાવે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ 1946માં લોકમતને પગલે ઈટાલી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી પ્રજા સમક્ષ બે વિકલ્પ હતા કે કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોઈએ છે: રાજાશાહી કે પ્રજાસત્તાક. આ દિવસે પાટનગર રોમમાં ભવ્ય લશ્કરી પરેડ યોજાય છે. આ પરેડ ઐતિહાસિક સ્થળોએથી પસાર થઈને ઈટાલીના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાને જાય છે. પ્રમુખના મહેલને પ્રજાસત્તાક દિને પ્રજા માટે ખુલ્લો મુકાય છે.
સર્બિયામાં 15મી ફેબ્રુઆરીએ પ્રજાસત્તાક દિન હોય છે. 1804માં સર્બિયામાં થયેલી સર્વપ્રથમ ક્રાંતિ અને 1835માં દેશના પ્રથમ બંધારણને સ્વીકારવાના માનમાં પ્રજાસત્તાક દિન ઉજવાય છે.
પાકિસ્તાન 23મી માર્ચે પ્રજાસત્તાક દિન મનાવે છે. એની પાછળ બે કારણ છે. 1940માં આ દિવસે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગે લાહોર ઠરાવે રૂપે અલગ પાકિસ્તાનની પહેલીવહેલી માંગણી રજૂ કરી હતી અને 1956માં 23મી માર્ચે પાકિસ્તાને પોતાને ઈસ્લામિક પ્રજાસત્તાક રાષ્ટ્ર
જાહેર કર્યું હતું. આ બંને પગલાનું પરિણામ શું આવ્યું એ જગજાહેર છે.
અઝરબૈજાનને 1918ની 28મી મેના રોજ સ્વતંત્રતા મળી હતી. આ સાથે અઝરબૈજાન લોકશાહી પસંદ કરનારું પ્રથમ મુસ્લિમ રાષ્ટ્ર બન્યું હતું. અગાઉ સોવિયેત સંઘના આધિપત્ય હેઠળ અઝરબૈજાનમાં 28મી મેએ પ્રજાસત્તાક દિવસ ઉજવાતો નહોતો પણ હવે એની ઉજવણી થાય છે.
પાડોશી નેપાળ 28મી મેએ પ્રજાસત્તાક દિન ઉજવે છે. નેપાલની કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા એકાદ દાયકાની લોકતાંત્રિક ક્રાંતિ બાદ તત્કાલીન રાજા જ્ઞાનેન્દ્રશાહના શાસનની વિરુદ્ધમાં શાંતિપૂર્વક નિર્ણય આવ્યો હતો. 2008ની 28મી મેના રોજ નેપાળ ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક બન્યું એના માનમાં એ દિવસે પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે.
માલદિવ્સમાં દર વર્ષની 11મી નવેમ્બરે પ્રજાસત્તાક દિવસ મનાવાય છે. 1968માં રિપબ્લિક ઓફ માલદિવ્સની સ્થાપના બાદ દર વર્ષે પરિસંવાદ, પરેડ સહિતના કાર્યક્રમ યોજાય છે.
આ દિવસની એક વિશિષ્ટતતામાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ બાળકોની પરેડ છે. માલદિવ્સ મુસ્લિમ રાષ્ટ્ર હોવાથી પરેડમાં એરેબિક છાંટ ઊડીને આંખે વળગે છે. આ ખાસ દિવસની ઉજવણી વિશિષ્ટ મીઠાઈઓથી કરાય છે. હુની હાકારુ ફોલ્હી (નાળિયેરની કેક), બોડીબૈયા (અત્યંત ગળપણવાળા ચોખા) અને મરસોહી (માછલીની પેનકેક) જેવી મીઠાઈ પ્રજાસત્તાક દિનની ઉજવણીને મીઠી મધુરી બનાવે છે.
ફિલિપાઈનમાં રિપબ્લિક ડે ચોથી જુલાઈએ હોય છે. આને ફિલિપાઈન- અમેરિકન ફ્રેન્ડશિપ ડે પણ કહેવાય છે. બુરકીના ફાસો 11મી ડિસેમ્બરે, નાઈજર 18મી ડિસેમ્બરે, માલ્ટા 13મી ડિસેમ્બરે, તો કેન્યા 12મી ડિસેમ્બરે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. જે લગભગ અન્ય રાષ્ટ્રો જેવી જ હોય છે.
પ્રજાસત્તાક દિવસ ભલે બધે ઉજવાયો હોય પણ આ શબ્દ `પ્રજાસત્તાક’નો અક્ષરસ: અમલ કેટલા રાષ્ટ્રોમાં થતો હશે? … ખરેખર પ્રજાના હાથમાં સાચી સત્તા હોય છે ખરી? કે પછી આ પણ માત્ર હાથીના દેખાડવાના દાંત જેવી વાત છે? આનો વિચાર શાસકો તો ન જ કરે. એ કામ પ્રજાનું છે, જો સમજાય, સુઝે અને સમય મળે તો.
અને હા, સૌને હૃદયપૂર્વક પ્રજાસત્તાક દિનની મુબારકબાદી.