ઉત્સવ

સંબંધ-સ્વાસ્થ્ય ને સુખ…. નવા વર્ષે અમલમાં મૂકવા જેવા થોડા બોધપાઠ જાણી લઈએ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

1938માં હાર્વર્ડના સંશોધકોએ લોકો કઈ બાબતથી સૌથી વધુ ખુશ રહે છે તે શોધવા માટે દાયકાઓ લાંબો અભ્યાસ શરૂ કર્યો હતો. એમણે વિશ્વભરના 724 લોકોનું નિરીક્ષણ કર્યું હતું અને દર બે વર્ષે એમનાં જીવન વિશે વિગતવાર પ્રશ્નો પૂછ્યા હતા. આ અભ્યાસથી લોકો કેવી રીતે આનંદ અને ખુશીથી ભરપૂર જીવન જીવી શકે છે તેની ઘણી અવિશ્વસનીય સમજ મળી છે. તાજેતરમાં, આ પ્રોજેક્ટના નિર્દેશક અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મનોચિકિત્સાના પ્રોફેસર રોબર્ટ વાલ્ડિંગરે એક પોડકાસ્ટમાં આ અભ્યાસમાંથી કેટલાક બોધપાઠની વાતો કરી છે. 2025ના નવા વર્ષે ખુશ રહેવા માટે આપણે શું કરી શકીએ તેના ઘણા દિશાનિર્દેશ આ અભ્યાસમાં છે.

એમણે કહ્યું કે જીવનના સંતોષ અને સુખાકારીનું સ્તર નક્કી કરવામાં સંપત્તિ અથવા સફળતાને બદલે સંબંધોની ગુણવત્તા સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ હતું. આ અભ્યાસમાં જે લોકોની તપાસ કરવામાં આવી હતી તેના પરથી ખબર પડી હતી કે ઘનિષ્ઠ અને મદદગાર સંબંધો ધરાવતા લોકો લાંબું – તંદુરસ્ત જીવન જીવે છે. તેનાથી વિપરીત, એકલતામાં અને અલગથલગ જીવતા લોકો માનસિક અને શારીરિક વ્યાધિઓનો ભોગ બને છે. આ વાત આમ તો નવી નથી. માણસ સામાજિક પ્રાણી છે અને સંબંધો માટે જીવે છે તે માનવજાતિના અસ્તિત્વના પાયાની વાત છે. ભારત જેવા દેશમાં જ્યાં પરિવારની વ્યવસ્થા સૌથી મજબૂત અને મહત્ત્વની છે ત્યાં સંબંધોનું મહત્ત્વ સમજાવવાની જરૂર નથી પડતી, પરંતુ પશ્ચિમમાં જ્યાં એકલા રહેવાનું ચલણ વધુ છે એમના માટે અને જે લોકોને ઉત્તમ સંબંધો સ્વાસ્થ્યમાં શું યોગદાન આપે છે ખબર નથી, એમના માટે હાર્વર્ડનો આ અભ્યાસ ઉપયોગી છે.

સમગ્ર જીવન દરમિયાન, આપણા સંબંધોની સંખ્યા અને તેની ગુણવત્તા માનસિક અને શારીરિક સુખાકારીને અસર કરે છે. સામાજિક લગાવ અને માનસિક સ્વાસ્થ્યના ઘણા ફાયદા છે, જેમ કે તેનાથી ચિંતા અને હતાશા ઓછી થાય છે. આત્મસન્માન અને સહાનુભૂતિ વધે છે. મજબૂત, તંદુરસ્ત સંબંધ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરી શકે છે અને આપણને રોગમાંથી સારા થવામાં મદદ કરી શકે છે. એકલતા સ્વાસ્થ્ય માટે નાટકીય પરિણામો લાવી શકે છે. એકલતા ઊંઘની પેટર્ન બગાડે છે, બ્લડ પ્રેશર ઊંચું કરે છે અને કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન વધારે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અને સંતોષની એકંદર ભાવનાને ઘટાડે છે. એકલતા અસામાજિક વર્તણૂક, હતાશા અને આત્મહત્યા માટે જોખમી પરિબળ છે. વૃદ્ધ લોકો એ ઉંમરમાં ખાસ કરીને સંવેદનશીલ હોય છે. એમની શારીરિક ગતિશીલતામાં ઘટાડો થાય એટલે અન્ય લોકો સાથે હળવા-મળવાનું મુશ્કેલ બની શકે છે, પરંતુ જે વૃદ્ધ લોકો અન્ય લોકો સાથે જોડાયેલા રહે છે એમને તે ઉંમરની સ્વાસ્થ્ય અને મન સંબંધી અનેક સમસ્યામાં મદદ મળે છે. આ કારણથી જ દર વર્ષે 1 જાન્યુઆરીને ‘વૈશ્વિક પરિવાર દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ લોકોને એકતાની સકારાત્મક અસરો સમજાવવાનો છે, જેથી વિશ્વભરની વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોના લોકો એકબીજાને ટેકો આપે અને દેશ અને દુનિયામાં શાંતિ રહે. તેનો મુખ્ય હેતુ યુદ્ધનો અંત લાવીને સંવાદિતા અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે.

1979માં, લગભગ પુખ્ત વયના 7,000 લોકોના એક અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે સામાજિક અથવા સામુદાયિક સંબંધો વિનાના લોકો નવ વર્ષમાં મૃત્યુ પામે તેવી શક્યતા બમણી કરતાં વધુ હતી. તે પછી અનેક સંશોધનોએ સામાજિક સંબંધો અને દીર્ધાયુષ્ય વચ્ચેના સંબંધને સમર્થન આપ્યું છે. જો સંબંધો સુખનો સોર્સ હોય તો સંબંધોની સંખ્યા વધારવાથી સુખમાં વૃદ્ધિ થાય? જવાબ ‘ના’ છે. અમુક લોકોને ગણીને પાંચ ઘનિષ્ઠ સંબંધ હોય અને છતાં તે સુખી હોય, જ્યારે અમુક વ્યક્તિઓના જીવનમાં 50 લોકો ‘ખાસ’ હોય અને છતાં એ અસંતોષી હોય.

આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણે ભાવનાત્મક લગાવમાં જીવીએ છીએ તે વાત સાચી, પરંતુ સુખનો આધાર સંબંધની સંખ્યા પર નહીં, ગુણવત્તા પર હોય છે. જીવનમાં એક વ્યક્તિ પણ આપણને પાંચસો સંબંધની ગરજ સારે. એ એક વ્યક્તિ આપણા જીવનમાં હોય કે ન હોય તેની ચાવી આપણે કેટલી વિવેકબુદ્ધિથી તેને પારખીએ છીએ તેના પર છે.

અમુક વ્યક્તિ આપણને ‘બનાવે’ – અમુક આપણને ‘તોડે’ તો અમુક વ્યક્તિઓ આપણને ‘જૈસે થે’ રાખે. આપણે કોની સાથે જોડાવા માગીએ છીએ તેના પરથી આ ત્રણમાંથી એક સ્થિતિ આપણા જીવનમાં કાયમ રહે છે. કદાચ તમે સહમત નહીં થાવ, પરંતુ આપણે ઘણી વાર અમુક લોકોને બહાર જવા દેવા પડે છે, જેથી બીજા લોકો અંદર આવી શકે અને આપણને બહેતર બનાવવામાં યોગદાન આપી શકે. જીવનમાં આવતી પ્રત્યેક વ્યક્તિ આપણી અંદર કોઈ ને કોઈ ચીજ છોડી જાય છે. એ સારા માટે છે કે ખરાબ માટે તેની સમજણ એ હકીકત પર નિર્ભર કરે છે કે આપણા પાંચ સંબંધ છે કે પચાસ.

‘કાસ્ટ અવે’ નામની બહુ જાણીતી હોલિવૂડ ફિલ્મમાં હીરો ચક નોલાન્ડ (ટોમ હેન્કસ) એક નિર્જન ટાપુ પર ફસાઈ જાય છે. જહાજમાંથી તણાઈને આવેલા સામાનમાંથી એ એક વૉલીબોલ પર માણસનો ચહેરો દોરીને એને ‘વિલ્સન’ નામ આપે છે. સાવ નિર્જન એવા એ ટાપુ પર વિલ્સન જ એનો એક માત્ર ‘દોસ્ત’ છે. ચક એની સાથે રોજ એની મુસીબતો, આશાઓ અને દુ:ખ-દર્દની વાતો શેઅર કરે છે અને ટાપુ પરની એકાકી જિંદગીને સહ્ય બનાવે છે. આ વૉલીબોલ માણસની અંદર બીજા માણસના સાથ-સંગાથની જરૂરિયાતનું પ્રતીક છે. સંબંધનું મૂળ તત્ત્વ આ જ છે: માનસિક અને ઈમોશનલ સેહત માટે તેમ જ જીવન ટકાવી રાખવા (સર્વાઇવલ) માટે માણસમાં સંબંધની જરૂરિયાત હોય છે. સંબંધનાં નામ અલગ હોઈ શકે, પરંતુ આપણે કોઈની સાથે કોઈપણ સ્વરૂપે ‘રીલેટ’ કરી શકીએ એ માણસ તરીકેની આપણી બુનિયાદી શરત છે.

એવો સંબંધ તંદુરસ્ત ક્યારે કહેવાય? આ પાંચ માપદંડ પર એ ખરો ઊતરવો જોઈએ, જેમ કે..
1) સંપૂર્ણ વિશ્વાસની ભાવના
2) પરસ્પર સન્માનની વૃત્તિ
3) ઉત્તમ સંવાદની ક્ષમતા
4) એકબીજાને સ્પેસ-મોકળાશ આપવાની વૃત્તિ
5) એકબીજાને બહેતર બનાવવામાં સાથ આપવો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button