નોકરિયાત વર્ગ આનંદો! ખિસ્સાને પરવડે તેવી સીએનજી બાઇક્સની સવારી આવી રહી છે
ઑટો-મોબાઈલ -પ્રિયા શાહ
પેટ્રોલ-ડિઝલના વધતા ભાવથી પરેશાન બાઇકધારકોને હવે સસ્તો અને સરળ વિકલ્પ મળી ગયો છે. બજાજ કંપનીએ દુનિયાની પ્રથમ સીએનજી(કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ) થી ચાલતી મોટરસાઇકલ ‘ફ્રિડમ’ બજારમાં ઉતારી છે. ઓછામાં ઓછા પૈસામાં વધુ કિ.મી. ચલાવવાની ઇચ્છા રાખનારાઓ હવે આ વિકલ્પ પસંદ કરી શકશે. જો આ બાઇક સફળ થાય તો હવે ટૂ-વ્હીલર ક્ષેત્રે એક નવો યુગ શરૂ થઇ શકે છે.
આ બાઇકની ત્રણ વેરાયટી તમને જોવા મળશે જેની ઍક્સ શૉ રૂમ કિંમત ૯૫૦૦૦ થી ૧.૧૦ લાખ સુધીની રહેશે. આ બાઇકની ખાસિયત એ છે કે એ પેટ્રોલ અને સીએનજી બન્ને મૉડ પર ચાલી શકે છે. એક બટન દ્વારા સરળતાથી અન્ય મૉડ પર જઇ શકો છો. સીટો પણ સરખામણીએ લાંબી મળશે જેથી તેમની નીચે જ બે કિલોગ્રામ સીએનજી સિલિન્ડર ફિટ કરી શકાય. આ સિલિન્ડર ફૂલ ભરાઇ જાય એટલે ૨૦૦કિમી. થી વધુ ચાલી શકે. આ સિવાય એક વધારાની ૨ લિટરની ફ્યૂઅલ ટૅન્ક પણ હશે જે ૧૩૦ કિમી.ની રેન્જ આપી શકશે.
અગર આ બાઇક હિટ થાય તો બીજી કંપનીઓ પણ આમાં કૂદી પડવાની કોશિશ કરશે. શક્ય છે કે ટૂ-વ્હીલર્સમાં ફિટ થાય એવી સીએનજી કિટ પણ બજારમાં પોતાની જગ્યા બનાવવા લાગે.
પેટ્રોલથી ચાલતી બાઇકને આ બાઇક ટક્કર આપશે જ સાથેસાથે પાપા પગલી કરી રહેલા ઇલેક્ટ્રિક બાઇકને પણ હંફાવશે. આ બાઇકની કૉસ્ટ લગભગ ૭૫ પૈસા પ્રતિ કિમી. આવશે તેની સામે ઇલેક્ટ્રિક બાઇકની કૉસ્ટ હજું પણ ૨૦ પૈસા પ્રતિ કિમી. જ આવે છે. ઇલેક્ટ્રિક બાઇકની કિંમત પણ લગાતાર ઘટી રહી છે. કેટલીક ઇલેક્ટ્રિક બાઇક તો ૮૦,૦૦૦થી ૯૦,૦૦૦ સુધીમાં મળે છે, છતાંય આ સ્કૂટરો બજારમાં જોઇએ એવું સ્થાન નથી મેળવી શક્યા. ઇલેક્ટ્રિક બાઇકની સરખામણીએ હજુ પણ પેટ્રોલ-સીએનજીથી ચાલતી બાઇક પર લોકોને વધુ ભરોસો છે. લોકોના આ ભરોસા પર જ ભરોસો મૂકીને બજાજે આવું સાહસ કયુર્ં હશે એવું લાગે છે. જોઇએ રસ્તા પર પ્રેક્ટિકલી આવ્યા બાદ આ બાઇક ‘કેવીક’ ચાલે છે?