ઉત્સવ

બાપ ઔરંગઝેબ સામે શાહજાદાનો બળવો

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૬)
માત્ર ઔરંગઝેબને જ નહીં, મોગલ શાસકોના વંશજો સદીઓ સુધી ભૂલી ન શકે એવી રાજરમત રાજપૂતો અને રાઠોડોએ શરૂ કરી હતી. શાહઝાદા મિર્ઝા મુહમ્મદ અકબરના ચાર મળતીયા મૌલવીઓએ ફરમાન જાહેર કર્યું કે ઈસ્લામિક કાયદાનું ઉલ્લંઘન કરવાને કારણે હવે આલમગીર ઔરંગઝેબ શાસન ચલાવવાને લાયક રહ્યો નથી. આટલું જ નહીં, આ ચારેયે મિર્જા મુહમ્મદ અકબરનો તખ્તનશીન થવાને મઝહબી મંજૂરી જાહેર કરી દીધી.
અને બરાબર ઇ. સ. ૧૬૮૧ની પહેલી જાન્યુઆરીએ બેટો મિર્ઝા મુહમ્મદ અકબરે બાપ ઔરંગઝેબને પદભ્રષ્ટ કરીને પોતાને બાદશાહ જાહેર કરી દીધો. આટલેથી જ અટકવાને બદલે નવા ‘બાદશાહ’ તરફથી ઔરંગઝેબ પર હુમલા માટે આગલા દિવસે અજમેર ભણી કૂચ કરવાનો આદેશ બહાર પડાયો.
આટલું મોટું- કહો કે જીવલેણ- જોખમ લીધા બાદ મિર્ઝા મુહમ્મદ અકબર કોઈ કચાશ રાખવા માગતો નહોતો. તેણે પોતાની સાથે આવેલા સેનાપતિ-સરદારોને માલામાલ કરી દીધા. આ સાથે જ વિરોધીઓની ધરપકડ કરાવીને ચૂપ કરાવી દીધા.
બાપને હરાવવા માટે બેટો કોઈ કસર બાકી રાખવા માગતો નહોતો. જો હાર થઈ તો મોત નિશ્ર્ચિત હોવાની મિર્ઝા મુહમ્મદ અકબરને ગળા સુધી ખાતરી હતી.
આ બધુ જોઈને રાજપૂતો-રાઠોડોના ચહેરા પર સ્મિત આવ્યું. ને કાળજે ટાઢક થઈ. અત્યાર સુધી પોતાના પર અત્યાચાર ગુજારનારા હવે અંદરોઅંદર લડી મરે એનાથી રૂડું શું? ખુવારી ગમે તે પક્ષે થાય એમના માટે તો એ ચોખ્ખો લાભ જ હતો ને! હ
કીકતમાં તો શાહજાદાને દિલ્હીના સુલતાન બનવાનું સપનું દુર્ગાદાસ રાઠોડે જ મોગલ સેનાપતિ તહવર ખાન થકી બનાવ્યું હતું. એ તહવર સ્વઘોષિત બાદશાહનો સૌથી વધુ વિશ્ર્વાસુ બની ગયો હતો.
રાજકીય શતરંજ પર દુર્ગાદાસે ઔરંગઝેબને ગજબનાક મહાત આપી હતી: ચેક, મેટ ઍન્ડ આઉટ. એટલું જ નહીં, બાદશાહ બની ગયા બાદ સત્વરે અજમેર જઈને ઔરંગઝેબ પર હુમલો કરવાની સલાહ પણ દુર્ગાદાસે જ આપી હતી.
સૌથી વ્હાલા અને વિશ્ર્વાસુ પુત્રના આ પરાક્રમની ખબર પડ્યા બાદ ઔરંગઝેબ અત્યંત હતાશ-નિરાશ થઈ ગયો. અધૂરામાં પૂરું, વ્યૂહાત્મક રીતે ય ઔરંગઝેબની સ્થિતિ ખૂબ તકલાદી હતી. એની વિશ્ર્વાસુ સેના દૂર હતી અને એ પણ બે અલગ સ્થળે. એના બોડીગાર્ડ પણ ગેરહાજર. ગણતરી કરી તો થોડા કામ ન આવે એવા સૈનિકો, વ્યંઢળો અને નોકરચાકર સિવાય કોઈ નહોતું. પોતાના ગુપ્તચરોની માહિતી પરથી અંદાજ બાંધ્યો કે બળવાખોર બેટા પાસે મુગલ સેના અને રાઠોડ-રાજપૂતોના મળીને સિત્તેર હજાર સૈનિકો હશે. ઔરંગઝેબ આ સ્થિતિનો અર્થ બરાબર સમજતો હતો.
આમ છતાં ઔરંગઝેબ અનુભવી હતો.
તેણે શત્રુઓને આવતા રોકવા ઘાટ પાસે
માણસો રવાના કરી દીધા. પોતાના સૂબેદારોને તાકીદ કરી કે તમારા વિસ્તારમાં એકદમ સાબદા રહેજો.
માત્ર શાબ્દિક આદેશ આપીને બેસી રહેવાને બદલે તે જાતનિરીક્ષણ પણ કરી આવ્યો. લશ્કર સલામત રહે એટલે ચોતરફ તોપો ગોઠવવાનો આદેશ આપી દીધો.
રાજ દરબાર અને આસપાસના રજવાડામાં ગુફતગુ થવા માંડી કે મિર્ઝા મુહમ્મદ અકબર આ તકનો લાભ લેવા તાત્કાલિક ત્રાટકીને પોતાના અબ્બાજાનને હરાવી દેશે. પરંતુ અહીં જ બધાની ગણતરી ખોટી પડી.
બાદશાહ બનવા થનગનતો શાહજાદો તો કાચી ઉંમર અને કાચી સમજને લીધે પોતાની પ્રાથમિકતા ભૂલીને ઐયાશીમાં ગળાડૂબ થવા માંડ્યો. એ અજમેર તરફ આગળ વધતો હતો પણ એકદમ મંથર ગતિએ.
આ ઢીલમાં મોગલ ઈતિહાસ ભળતું જ પડખું ફેરવવાનો હતો, ને એનો લાભ પણ દુર્ગાદાસ રાઠોડ જેવા વતનપ્રેમી યોદ્ધાઓને અચુકપણે થવાનો હતો. (ક્રમશ:)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…