સૂર્યાસ્ત ટાણે સૂર્યોદયનું કિરણ દેખાયું

સ્પોટ લાઈટ -મહેશ્વરી
‘આઈ, મને એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો છે. અમે બંને એકબીજાને બહુ પસંદ કરી છીએ અને એકબીજાને જીવનસાથી બનાવવા માંગીએ છીએ.’ મારી મોટી દીકરીના આ શબ્દો સાંભળી, એ બોલતી હતી ત્યારે એનો શરમાળ પણ મલકાતો ચહેરો જોઈ ક્ષણવાર માટે મને દુનિયા સાવ થંભી ગઈ હોય એવું લાગ્યું. શિક્ષણ ઉપરાંત પોતાને મનગમતી પ્રવૃત્તિ કરી રહેલી મારી દીકરીઓના હાથ પીળા કરવા વિશે મેં વિચાર સુધ્ધાં નહોતો કર્યો. પણ કહે છે ને કે દીકરી દિવસે ન વધે એટલી રાતે વધે અને છોકરા કરતાં છોકરી જલદી મોટી થઈ જાય. ગુજરાતી ભાષાની આ જ્ઞાનવર્ધક કહેવતોનો જાતઅનુભવ હું કરી રહી હતી. જુહુના દરિયાકિનારે દરિયાનાં મોજાં સાથે રમતી, રેતીમાં માટીનું ઘર બનાવતી દીકરી પોતાનું ઘર બનાવવા જેવડી થઈ ગઈ હતી. દીકરી વિશે જગતની અનેક ભાષામાં મોતીના અક્ષરે લખાણ જોવા મળે છે. દીકરી માટે કેટકેટલી ઉપમા છે: દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે કાળજાનો કટકો, સ્નેહની સરવાણી, હેતનો હિંડોળો, અવનિનો અલંકાર…. મારી દીકરી મોટી થઈ ગઈ છે એ વાત એ દિવસે મને સમજાણી. મેં દીકરીને બાથમાં લીધી, ગાલ ચૂમી એનો ચહેરો બે હથેળી વચ્ચે રાખી એવી રીતે જોવા લાગી જાણે એક અરસા પછી હું તેને મળી હોઉં. અમારી વચ્ચે એક પણ શબ્દ બોલ્યા વિના સંવાદ ચાલતો હતો અને ત્યારે જ રેડિયો પર રાજ કપૂરની ‘બરસાત’નું ગીત વાગ્યું ‘ઓ ઓ ઓ મુજે કિસી સે પ્યાર હો ગયા, પ્યાર હો ગયા, દિલ બેકરાર હો ગયા’ અને અમે બંને ખડખડાટ હસી પડ્યાં.
દીકરીએ જાતે નક્કી કરેલા જીવનસાથી વિશે અથથી ઈતિ જાણવાની ઇચ્છા માતા રાખે અને એને ફરજ માને એ સ્વાભાવિક છે. દીકરીએ નિખાલસપણે બધી વાત મને કરી અને કહ્યું કે ‘મા, બધું બરાબર છે. તું જરાય ચિંતા નહીં કરતી.’ મને એના બોલવામાં આત્મવિશ્વાસનો રણકો સંભળાયો. હવે મારી સમક્ષ સૌથી પહેલો સવાલ હતો કે દીકરીના પિતાશ્રીને – મારા પતિને જાણ કરવી. હા, મેં ઘર અને વર છોડી દીધા હતા, પણ જવાબદારી નહોતી છોડી. દીકરીના ઉછેરમાં માનું મહત્તમ યોગદાન હોય છે એ ખરું, પણ એને સાસરે વળાવતી વખતે પિતાની હાજરી પ્રસંગને ઊજળો બનાવે છે. માસ્તરને (મારા પતિને) મેં કહ્યું કે આપણી દીકરીને એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે.
મેં ઘર છોડ્યું હતું, પણ મારી દીકરીઓને પિતાશ્રીને મળવા જતાં મેં ક્યારેય અટકાવી નહોતી. માસ્તર સાથેના અણબનાવ, કડવાશને મેં મારાં પૂરતાં સીમિત રાખ્યાં હતાં. અમારા ખટરાગ માટે દીકરીઓ પિતાના સ્નેહથી વંચિત શું કામ રહેવી જોઈએ એવું મારું માનવું હતું. એ જ રીતે માસ્તર પણ ઇચ્છા થાય ત્યારે દીકરીઓને મળવા મારે ત્યાં આવી શકતા હતા. કોઈ પણ પક્ષે કશી રોકટોક નહોતી. સંબંધ બંધાય એ પહેલાં દીકરી જેના પ્રેમમાં હતી એ યુવકને મળવાની, એનું ઘર જોવાની મારી ઇચ્છા હતી. આજે બધું બદલાઈ ગયું છે, પણ ચાળીસેક વર્ષ પહેલાં દીકરાનું ઘર, એનો પરિવાર, એનું શિક્ષણ, નોકરી-ધંધો વગેરે બાબતોને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. એટલે અમે બધાં ગયાં વડાલા જ્યાં છોકરો પરિવાર સાથે રહેતો હતો. સાચું કહું તો મને છોકરો પસંદ નહોતો પડ્યો. મેં દીકરીને એમ કહી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ‘લગ્નની ઉતાવળ નહીં કર. હમણાં ભણતર પર ધ્યાન આપ.’ જોકે, દીકરીના હાવભાવ અને એની વાતચીત પરથી હું એટલું તો સમજી ગઈ હતી કે એ તો દિલ દીધું છે એની સાથે જ ફેરા ફરવાની ગાંઠ વાળીને બેઠી છે. ક્ધયાએ કંકોતરીનો કેન્ડિડેટ નક્કી કરી લીધો હતો. અમારે તો હવે ‘કંકુ છાંટી કંકોતરી મોકલો’ અને ‘નાણાવટી રે સાજન બેઠું માંડવે’ ગાવાનાં હતાં.
દીકરીનાં લગ્ન લેવાં એટલે કેટલી વીસે સો થાય એ ‘મુંબઈ સમાચાર’ના વરિષ્ઠ અને સુજ્ઞ વાચકોને ફોડ પાડી સમજાવવાની જરૂર નથી લાગતી. મનજીભાઈ (મન)ને તો મનાવી લીધું અને એ તૈયાર સુધ્ધાં થઈ ગયું, પણ ધનજી ભાઈ (પૈસા) સાથે રિસામણાં ચાલતાં હતાં. લગ્ન કરવાનો કોઈ વેંત નહોતો. નાટકના શો થતા હતા, પણ એમાંથી જે કમાણી થતી હતી એ ઘરખર્ચ અને પુત્રના ભણતર પાછળ જ ખર્ચાઈ જતી હતી. બચત ભાગ્યે જ થતી હતી. માસ્તર પાસે આર્થિક મદદ માગવાની ઇચ્છા જ નહોતી. શું કરવું એ સમજાતું નહોતું અને કોઈ રસ્તો પ્રભુ દેખાડશે એવી શ્રદ્ધા અને વિશ્વાસ હતાં. શ્રી દેશી નાટક સમાજમાં હતી ત્યારે એક કલાકારે મને નરસિંહ મહેતા રચિત ‘કુંવરબાઈના મામેરા’ વિશે કરેલી વાતનું સ્મરણ થઈ આવ્યું. દીકરી કુંવરબાઈનું મામેરું કરવા ભગવાન પોતે લક્ષ્મીજીને લઈને પધાર્યાં હતાં, દ્વારકા જતાં યાત્રીઓનાં નાણાં લઈ મહેતાજીએ એમને હૂંડી લખી આપી હતી તે ભગવાન પોતે દ્વારકામાં મહેતાજીના વાણોતર બની સ્વીકારી હતી એ બધી વાત નજર સામે તરવરવા લાગી. મારાથી મનોમન ગવાઈ ગયું કે ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી’. મને ચમત્કારમાં ક્યારેય વિશ્વાસ નથી બેઠો, પણ સાચા દિલની તીવ્ર ઝંખના ફળીભૂત થાય એ માટે સંજોગો નિર્માણ થતા હોય છે એ વાતમાં વિશ્વાસ હતો, આજે પણ છે.
એક દિવસ સવારે નિત્યક્રમ પરવારીને બેઠી હતી અને મનોમન પ્રભુને પ્રશ્ન કરવા લાગી કે ‘હે ઈશ્વર, તું ઉકેલ આપીશ એની ખાતરી છે, પણ જરાક ઉતાવળ કર તો સારું.’ અને મારાથી હસી પડાયું. મારા જેવા તો અનેક ભક્ત પોતપોતાની સમસ્યાના ઉકેલ માટે ભગવાનને ઉતાવળ કરવાની પ્રાર્થના કરતા જ હશે ને. મારો નંબર કેટલામો છે એ હું નહોતી જાણતી. જાણવાની ઇચ્છા પણ નહોતી. બસ, નંબર જલદી લાગે એની તાલાવેલી હતી. વિચારમાં ને વિચારમાં સૂર્યાસ્તનું ટાણું થયું ત્યાં વિનુભાઈનો (વિનયકાંત દ્વિવેદી)નો મેસેજ આવ્યો અને મને સૂર્યોદયનું કિરણ દેખાયું… (સંકલિત)
રસ્તા પરના ભૂખ્યાઓને સ્ટેજ પર એન્ટ્રી ગુજરાતી રંગભૂમિ કાયમ પ્રયોગશીલ રહી છે. નાટક લખવામાં, એની ભજવણીમાં, દિગ્દર્શન અને અભિનયમાં અને નાટકની જાહેરખબરોમાં સુધ્ધાં હેરત પમાડે એવા પ્રયોગ થયા છે. જશવંત ઠાકરની તેજસ્વિતાએ રંગભૂમિ પર ઉજાસ પાથર્યો છે અને એનાં અજવાળાં ઘણો અંધકાર દૂર કરવામાં નિમિત્ત બન્યાં છે. નાટ્ય દિગ્દર્શનમાં તેમની હથોટી હતી, પણ તેમણે નાટ્યલેખન કર્યું અને કેટલાંક નાટકોમાં અભિનય સુધ્ધાં કર્યો હતો. પ્રયોગ કરવામાં તેઓ માહેર હતા. આર્થિક ભીંસ હોવા છતાં જશવંતભાઈએ મિત્રની સહાયતાથી ‘સીતા’ નામનું નાટક રજૂ કરવાનું નક્કી કર્યું હતું. ગુજરાતી રંગભૂમિ અને એના કલાકાર-કસબીઓ સાથે સંપર્કમાં રહેતા પૃથ્વીરાજ કપૂરે જશવંતભાઈની તકલીફ જાણી નાટક માટેની વેશભૂષા, વિગ વગેરે આપ્યાં હતાં અને પ્રકાશ આયોજનમાં અગ્રણી ફિલ્મમેકર – અભિનેતા વી. શાંતારામે મદદ કરી હતી. 1944ની આ વાત છે અને એ સમયે બંગાળના ભીષણ દુષ્કાળથી સમગ્ર દેશની જનતા થરથરી ગઈ હતી. દુષ્કાળની પરિસ્થિતિથી પ્રેક્ષકોને જાગૃત રાખવા માટે જશવંતભાઈએ નાટકના રામના દરબારના એક દૃશ્યમાં દસેક ભિખારીઓને પ્રવેશ આપી ‘ખાવા આપો, ખાવા આપો’ એમ બોલાવરાવ્યું. પ્રેક્ષકો તો આ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સીન તેમની સમજણ બહાર હતો. પછી ખબર પડી કે જશવંત ઠાકરે રસ્તા પર ભિક્ષા માગતા દસ ભૂખ્યાઓને સ્ટેજ પર એન્ટ્રી અપાવી હતી. અનેક લોકોને અચરજ થયું તો કેટલાક લોકોએ આવા પ્રયોગની ટીકા પણ કરી હતી.