ઉત્સવ

આ મંદિર વર્ષે એક વાર જ દર્શન માટે ખૂલે છે

હેં… ખરેખર?! -પ્રફુલ શાહ

શ્રદ્ધા, આસ્થા અને ભક્તિ કંઇ સિઝનલ હોય, એ તો ૩૬૫ દિવસ ૨૪ કલાક હોય એવું આપણે જાણીએ ને માનીએ છીએ, પરંતુ આમાં અપવાદ પણ હોય છે. અહીં ભારે બરફ અને વિપરીત-અસહ્ય હવામાન આબોહવાને કારણે બંધ થતાં મંદિરોની વાત  જ નથી.

કર્ણાટક રાજ્યના હસન જિલ્લામાં અનોખું હસ્નેમ્બે મંદિર છે. આ મંદિર વર્ષમાં માત્ર એકવાર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાય છે. એ પણ દિવાળીના તહેવારોમાં. એ દિવસોમાં ભકતો રોજ ૨૪ કલાક દર્શન કરી શકે છે. હા, બેંગલુરુથી અંદાજે ૧૮૦  કિલોમીટરના અંતરે આવેલું મા અમ્બાનું મંદિર બારમી સદીમાં બનાવાયાનું મનાય છે.  એને હસનના સ્થાપિત દેવતાનું ગણાય છે. અહીંના હસન શહેરનું નામ પણ દેવી હસનમ્બા પરથી પડ્યું છે.

એક સમયે હસન શહેર સિહમાનસપુરી તરીકેય જાણીતું  હતુંં.હસનમ્બા મંદિર પાછળ જેટલી કિંવદંતીઓ છે એટલી જ એની વિશિષ્ટતા છે, પણ શા માટે આ મંદિર માત્ર દિવાળીના એક સપ્તાહ પૂરતું જ ભક્તો માટે ખુલ્લું મુકાય છે. એ સૌથી આશ્ર્ચર્યકારક છે.


Also read: ‘દિવેટિયા’ ને ‘લવિંગિયા’ ફૂટ્યા કેવી રીતે? 


આ મંદિર સાથે સંકળાયેલી પૌરાણિક કથા રસપ્રદ છે. અંધકાસુર નામના એક રાક્ષસે અત્યંત  કઠોર તપસ્યા કરી. બ્રહ્માજી પાસેથી અદૃશ્ય થવાનું વરદાન મેળવી લીધું.  એક  તો રાક્ષસ અને એમાં ભગવાનનું આવું અદ્ભુત વરદાન મળ્યું, એટલે એ એકદમ છકી ગયો, અત્યાચારથી પ્રજાને ત્રાહિમામ્ પોકારાવી દીધી.

ભોળા ભગવાન શંકરથી ભકતોની પીડા ન જોવાઈ. તેમણે અંધકાસુર રાક્ષસને મારવાનું નક્કી કર્યું, પરંતુ એનામાં બીજી પણ અનેક આશ્ર્ચયજનક શક્તિ હતી. એને મારવાનો પ્રયાસ થાય, ત્યારે જમીન પર પડેલા એના લોહીનાં એક એક ટીપામાંથી રાક્ષસ પેદા થતા હતા.  અંતે ભોળાનાથે પોતાની પ્રચંડ શક્તિમાંથી યોગેશ્ર્વરી દેવીનું સર્જન કર્યું, જેણે અંધકાસુર રાક્ષસનો ખાત્મો બોલાવી દીધો.

આ મંદિર ભક્તો માટે દિવાળીના સાત દિવસોમાં ખુલ્લું મુકાય છે. એ સમયે ભક્તોનો સાગર દર્શનાર્થે ઊમટી પડે છે. સ્થાનિક પ્રાંતમાં બાલીપદ્યમી કે બલિપ્રતિપદા તરીકે ઓળખાતા દિવસથી આ મંદિર ફરી બંધ થઈ જાય છે. દિવાળીના ચોથા દિવસે આ તહેવાર ઊજવાય છે. દૈત્યરાજ બલિના પૃથ્વી પર કાલ્પનિક પુનરાગમન રૂપે આ તહેવાર ઊજવાય છે. ઑક્ટોબર કે ક્યારેક નવેમ્બરમાં આવતો આ તહેવાર કાર્તિક મહિનાના પહેલા કે સોળમા દિવસે આવે છે.

હસનમ્બે મંદિર બંધ થયા બાદ બહાર દીપક પ્રગટાવાય છે અને પ્રસાદ સાથે તાજાં ફૂલ ચડાવાય છે.  આશ્ર્ચર્યની વાત એ છે કે વર્ષ બાદ મંદિર પાછું ખૂલે ત્યારે ન માત્ર દીવો પ્રજ્વલિત મળે છે, પણ ફૂલોય લેશમાત્ર કરમાયેલાં હોતાં નથી, ને પ્રસાદ પણ ખરાબ થતો નથી. આ ચમત્કાર સગી આંખે નિહાળવા માટે અહીં હજારો ભક્તો ઊમટી પડે છે.


Also read: ગાંધીબાપુનું ‘ટ્રિન ટ્રિન’  અનુપમ ખેરને! 


આ મંદિર દર્શનાર્થે ખુલ્લું મુકાય ત્યારે હસનનું વહીવટ તંત્ર, પોલીસ તંત્ર અને ખુદ કલેક્ટર ખડે પગે રહે છે. આ માટે પાડોશી જિલ્લામાંથીય પોલીસ કુમક બોલાવાય છે. અહીં આવવા માટે રાજ્ય સરકાર મહિલાઓ માટે મફત બસ દોડાવે છે.

મહિલાઓના ઉલ્લેખ સાથે મંદિર સાથે જોડાયેલી વધુ એક પૌરાણિક કથા જાણીએ. એક સમયે બ્રાહ્મી, મહેશ્ર્વરી કુમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી અને ચામુંડી જેવાં સાત માતા દક્ષિણ  ભારતમાં આવ્યાં હતાં.  હસનની સુંદરતા જોઈને તેમણે અહીં જ વસવાટ કરવાનો નિર્ણય લીધો. મહેશ્ર્વરી, કુમારી અને વૈષ્ણવી માતાએ મંદિરની અંદર વસવાટ કર્યો. તો બ્રાહ્મી માતા હાસકોટેની ભીંતમાં વસ્યાં અને ઇન્દ્રાણી, વારાહી અને ચામુંડી માતાએ દેવીગરી હોન્ડાની ત્રણ ભીંત પર પસંદગી ઉતારી.

મંદિરમાં વસતા હસનમ્બે ખૂબ કૃપાળુ છે, પણ ભક્તોની કનડગત કરનારા માટે  ખૂબ આકરાં મનાય છે. એક મહિલા ભક્ત સાથે સાસુ ખૂબ ખરાબ વર્તન કરતી હતી. એક વાર આ પુત્રવધૂ હસનમ્બે માતાનાં દર્શન-પૂજા કરતી હતી. ત્યારે સાસુ બૂમાબૂમ  પાડતી  પાછળ દોડી આવી હતી. એ કર્કશ અવાજે બરાડતી હતી. તારા માટે પોતાનાં કામ/ફરજ મહત્ત્વનાં છે કે આ મંદિર આવવું? તેણે ગુસ્સામાં પુત્રવધૂના માથામાં એક વાસણ ફટકાર્યું. પુત્રવધૂ હસનમ્બે માતાના રક્ષણ માટે આજીજી કરવા માંડી. માતાએ તેને પથ્થરમાં ફેરવીને પોતાના રક્ષણ હેઠળ મંદિરમાં જ રાખી લીધી. આજેય ‘સોસ કાલ્લુ’ (પુત્રવધૂનો પથ્થર) મંદિરમાં છે. પથ્થર એક ચોખાના દાણા જેટલો માતાની મૂર્તિ ભણી આગળ વધી રહ્યો છે. એ પથ્થર માતાની મૂર્તિ સુધી પહોંચી જશે ત્યારે કળિયુગનો અંત આવશે એવું શ્રદ્ધાળુઓ  માને છે. 

એવી કથા છે કે  માતા આખું વર્ષ નૈવેધ રૂપે ધરાવાયેલાં ભાત, પુષ્પો અને ઘીના દીવા વચ્ચે રહી શકે એટલા માટે આખું વર્ષ મંદિર બંધ રખાય છે. આગલા વરસે મંદિર ફરી ખૂલે ત્યારે દીવાની અખંડ જ્યોત, તાજાંમાજાં રહેલાં ફૂલ અને જરાય ખરાબ ન થયેલા ભાતને માતાની દિવ્યતા-શક્તિ મનાય છે.


Also read: વિશ્વમાં વધી રહી છે ફુલોની ખેતી ભારત કંઈ રીતે ઉઠાવશે ફાયદો?


આ મંદિરની અંદર કીડિયારા રાફડા, વીણાવાદન કરતો નવ મસ્તકવાળો રાવણ અને ભગવાન શિવ તરીકે દર્શન આપતા સિદ્ધેશ્ર્વર સ્વામીની હાજરી અને હસનમ્બે મંદિરની અત્યંત દુર્લભ ગણાતી ખાસિયતો છે.                                                                         

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button