ઉત્સવ

‘માડીના જાયા’ની એન્ટ્રીના દિવસે જ ‘રંગદેવતાના જાયા’એ એક્ઝિટ લીધી

મહેશ્ર્વરી

શિવસેના મહિલા મંડળના નાટકની ભજવણીને કારણે મળેલી લોકપ્રિયતાએ મારા માટે રાજકારણનાં દ્વાર ખોલી આપ્યાં હતાં. પક્ષ દ્વારા મને ચૂંટણી લડવા આમંત્રણ આપવામાં આવ્યું પણ હતું. કોઈકે મને દાવ અજમાવી જોવાની સલાહ પણ આપી. જોકે જે રસ્તે આગળ વધવાની કોઈ તમન્ના જ નહોતી ત્યાં પગ પણ શું કામ મૂકવો એ મક્કમ વિચારે પેલા દરવાજાને તાળું મારી, ચાવી દરિયામાં પધરાવી હું ફરી રોજિંદા જીવનમાં ગોઠવાઈ ગઈ. એક દિવસ દીકરાને સ્કૂલમાં મૂકી ઘરે આવીને દેશી નાટક સમાજમાં જતાં પહેલાં ઘરનું કામ આટોપી રહી હતી ત્યાં બારીમાંથી શોરબકોર સંભળાવા લાગ્યો. સવારના અગિયારની આસપાસ આવો ઘોંઘાટ થતો નહીં. એટલે હું ચોંકી ગઈ. થોડી વાર પછી ખબર પડી કે અમે રહેતાં હતાં એની બાજુની ગલીમાં ખૂન થઈ ગયું હતું.

હત્યા થઈ હતી એ માણસની પત્ની શાકભાજી વેચવાનું કામ કરતી હતી. મળસ્કે ત્રણ વાગ્યે જાગીને છેક કલ્યાણ જાય. ત્યાંથી શાકભાજી લઈ દાદર પહોંચે. એ શાકભાજી દાદરમાં વેચાઈ ગયા પછી બપોરે ત્રણ વાગ્યે જોગેશ્ર્વરી પાછી ફરે. ૧૨ કલાક મજૂરી કરી બે પૈસા કમાઈ લેતી હતી. થોડા દિવસ રહીને એ મહિલા મને મળવા આવી. ‘તમારી મદદ જોઈએ છીએ’ એમ મને કહ્યું. મને એમ કે અચાનક માઠી દશા બેઠી હોવાથી બે પૈસા માગશે જેથી એનું ગુજરાન ચાલી રહે. પણ મારી માન્યતા સદંતર ખોટી પડી. એણે મને કહ્યું કે ‘બહેન, તમને આ વિસ્તારમાં ઘણા લોકો ઓળખે છે.

શિવસેના સુધી તમારી પહોંચ પણ છે. મને બસ મારા દીકરાના ભણતરની વ્યવસ્થા કરી આપો. મારે એને અહીં નથી રાખવો. તેને ખબર ન પડવી જોઈએ કે એના બાપની અહીં હત્યા કરવામાં આવી હતી.’ એનો દીકરો સાતેક વર્ષનો હતો. મારા દીકરા સાથે તેને ભાઈબંધી હતી અને બધા સાથે હસતા રમતા હતા. એને ઓળખતી પણ હતી. મને વિચાર આવ્યો કે પતિના અણધાર્યા અવસાન પછી મુશ્કેલીમાં ઘેરાઈ ગયેલી સ્ત્રી આર્થિક મદદ માગવાને બદલે પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરે છે તો મારે તેને જરૂર મદદ કરવી જોઈએ. આંગળી ચીંધવાના પુણ્યનું મહત્ત્વ હું જાણતી-સમજતી હતી. કોશિશ કરી અને એ સ્ત્રીના બાળક માટે ભણવાની અને હોસ્ટેલમાં રાખવાની વ્યવસ્થા થઈ ગઈ. એસએસસી સુધી ભણ્યો ત્યાં સુધી માએ દીકરાને જોગેશ્ર્વરી આવવા જ ન દીધો. પીડાદાયક ભૂતકાળ બાળકને કોઈ રીતે પજવે નહીં એ માટે મા કવચ બની ઊભી રહી. પેટે પાટા બાંધી જીવી, પણ સંતાનના ભાવિને ઊજળું કઈ રીતે બને એના પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ બાળકે પણ એસએસસી સુધીનું ભણતર પૂરું કર્યું, પણ પછી શું? એની વાત હું આગળના હપ્તામાં કરીશ.

નાટકની દુનિયાના રસ્તા પર મારી ગાડી મક્કમ ગતિએ આગળ વધી રહી હતી. વાત ૧૯૭૯ની છે. મુંબઈના રંગભવનમાં નાટકોના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની તરુણ પેઢી રંગભવનના નામથી, એની પ્રવૃત્તિઓથી અજાણ હશે. મેટ્રો સિનેમા સામે બંધાયેલું આ ઓપન એર થિયેટર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું સાક્ષી છે. પંડિત ભીમસેન જોશી, પંડિત શિવકુમાર શર્મા, પંડિત ઝાકીર હુસેન સહિત અનેક ખેરખાંઓએ અહીં કલા રસિકોને મંત્રમુગ્ધ કર્યા છે. આ જ રંગભવનમાં તમાશા અને લાવણીના ખેલ પણ થયા હતા. સાંસ્કૃતિક પ્રવૃત્તિના શિરોમણિ ગણાતા રંગભવનમાં નાટક ભજવવાની તક મળશે એ કલ્પના માત્રથી હું રોમાંચિત થઈ ગઈ હતી. મને ખબર પડી કે એમાં પ્રવીણ જોશી સહિત ઘણા દિગ્ગ્જ્જોના નાટકો થવાનાં હતાં.

ફેસ્ટિવલમાં પહેલું જ નાટક મારું હતું – ‘માડીના જાયા.’ રંગભવનમાં પહેલી વાર નાટક કરવાની તક મળી હતી અને પહેલું જ નાટક મારું હોવાથી મારા આંનદની કોઈ સીમા ન રહી. શો હતો એ દિવસે હું મરીન લાઈન્સ સ્ટેશને ઊતરીને ચંદનવાડી સ્મશાનભૂમિ પાસેથી પસાર થઈ ભાંગવાડી જઈ રહી હતી ત્યાં સામેથી સ્મશાનયાત્રા આવતી જોઈ. એની સાથે અમારી નાટક કંપનીના બે-ત્રણ આર્ટિસ્ટ અને મેનેજર સોમાભાઈ પણ નજરે પડ્યા. મને જોઈ સોમાભાઈ મારી પાસે આવ્યા અને કહ્યું કે ‘થિયેટરમાં જતી નહીં.’ કંઈક ગંભીર બાબત બની છે એટલું હું સમજી ગઈ. ‘શું થયું’ એવા મારા સવાલના જવાબમાં ‘પ્રવીણ જોશી ગયા’ એટલું જ સોમાભાઈ બોલી શક્યા અને એમના ગળે ડૂમો બાઝી ગયો. હું સ્તબ્ધ થઈ ગઈ. પ્રવીણ જોશી સાથે કોઈ અંગત પરિચય નહોતો, પણ ભાંગવાડીમાં આવતા ત્યારે કેમ છો, નમસ્તે વગેરે ઔપચારિક આપ-લે વખતે તેમને નજીકથી જોયા હતા. તેમનાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, અદ્ભુત વાણી વગેરેથી નાટ્ય રસિકો સંમોહિત થયા હતા એ હકીકત છે. પ્રવીણ જોશીના અકાળે અવસાનનો ૧૯ જાન્યુઆરી, ૧૯૭૯નો દિવસ ક્યારેય નહીં ભુલાય. ‘માડીના જાયા’નો શો હતો એ જ દિવસે ‘રંગદેવતાના જાયા’એ એક્ઝિટ લીધી. ૧૯૭૯માં જ મોરબીની કારમી મચ્છુ જળહોનારત દુર્ઘટના બની હતી અને દેશમાં રાજકીય અસ્થિરતા પણ બહુ હતી. આ કારણોસર ૧૯૭૯ વર્ષ પીડાદાયક વર્ષ તરીકે સ્મરણમાં રહ્યું છે. પ્રવીણ જોશીના અવસાન પછી રંગભવનમાં આયોજિત નાટ્ય મહોત્સવ રદ કરવામાં આવ્યો હતો. પ્રવીણ જોશી વિશે તો હું શું કહી શકું? એટલું જરૂર કહીશ કે એક એવા નાટ્યકર્મી જેમણે પોતાનું અલાયદું એવરેસ્ટ ખડું કર્યું હતું. હું ફરી દેશી નાટક સમાજનાં નાટકોમાં વ્યસ્ત થઈ ગઈ અને કંપનીના ગુજરાત પ્રવાસો પણ શરૂ થઈ ગયા. વડોદરા, નડિયાદ, અમદાવાદ, રાજકોટ, જામનગર અને છેલ્લો મુકામ ભાવનગર હતો. અહીં એવો બનાવ બન્યો કે…

રાષ્ટ્રપ્રેમ – દેશસેવાના નાટકની ભજવણી અટકાવી
‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ પ્રખ્યાત નાટ્યકાર બેરિસ્ટર વિભાકરનાં નાટકો ભજવતી હતી. બેરિસ્ટર વિભાકરે તત્કાલીન રંગભૂમિ પર અવનવા પ્રયોગો કર્યા હતા. જોકે માલિકો સાથે કોઈ બાબતે મતભેદ થવાથી તેમની જગ્યાએ નાટક લખવા માલિકોએ કવિ – નાટ્યકાર મૂળશંકર મુલાણીને ફરી આમંત્રણ આપ્યું. ૧૯૨૦માં ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ શરૂ થયેલી એની પાર્શ્ર્વભૂમિ પર શ્રીમાન મુલાણીએ ‘ધર્મવીર’ નાટક લખ્યું. બ્રિટિશ સરકાર વિરુદ્ધ નાટકમાં ઘણી વાતો હતી અને નાટ્ય જગતની આંતરિક ખટપટોને કારણે રાષ્ટ્રપ્રેમ અને દેશસેવાના રસાયણ ધરાવતા આ નાટકમાં બ્રિટિશરોનું અહિત છે એવી વાત સરકારી અમલદારો સુધી પહોંચાડવામાં આવી. પરિણામે નાટક સેન્સર બોર્ડમાં પાસ થયું નહીં. સરવાળે થયું એવું કે ‘હોમ રૂલ’ ચળવળ અને સ્વદેશીનો પડઘો પાડતું એક સારું નાટક નાટ્ય જગતના મતભેદોને કારણે યોગ્ય સમયે રજૂ ન થઈ શક્યું. છેવટે ૧૯૨૨માં ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ ચાલીસેક હજાર રૂપિયામાં બાપુલાલ નાયકે ખરીદી લીધી હતી. (સંકલિત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button