ઉત્સવ

વિશ્ર્વ વેટલન્ડ ડે -૨ ફેબ્રુઆરી અંતર્ગતગુજરાતની રામસર સાઈટ્સ – પક્ષીઓનાં વિશ્ર્વમાં ડોકિયું

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

પ્રવાસ શબ્દની સાર્થકતા પક્ષીઓ જ કદાચ સૌથી વધુ પુરવાર કરે છે. પક્ષીઓ સિવાય ભાગ્યે જ આ ધરતી પર કોઈ જીવ આમ અવિરતપણે આટલો લાંબા પ્રવાસ ખેડતું હશે. તેમના આ પ્રવાસનો હેતુ આનંદનો તો નથી હોતો પણ જીવન ટકાવી રાખવા માટે તેઓ આવી લાંબી મુસાફરી કરે છે. પૃથ્વીની ભૌગોલિક વિવિધતાને કારણે ધ્રુવીય પ્રદેશોમાં અસહ્ય ઠંડીથી બચવા પક્ષીઓ શિયાળો ગાળવા પ્રવાસનો આરંભ કરે છે. પરંતુ એક સવાલ પૂછો કે માણસ નામના જીવએ ધરતીના અન્ય જીવોને ખલેલ નથી પહોંચાડી? કોઈ પણ આનો જવાબ ના માં આપી શકે તેમ નથી. વધતા જતા શહેરીકરણ અને ઔદ્યોગિકરણનાં કારણે પૃથ્વીનું પારિસ્થિતિક તંત્ર ખોરવાયું છે. જેની સૌથી વધુ અસર કુદરતના સંસર્ગમાં રહેતા આવા જીવોને થઈ છે. જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ જંગલોનું ઘટતું જતું પ્રમાણ આ બધા પરિબળોને કારણે આજે આપણે ઘણી યુનિક પ્રજાતિઓ ગુમાવી ચુક્યા છીએ અથવા તો ગુમાવી દેવાના આરે આવીને ઊભા છીએ. આ સંજોગોને ધ્યાનમાં રાખીને વિશ્ર્વભરમાં વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાંનો એક એટલે રામસર સંમેલન. આગળના ભાગમાં આપણે જોઈ ગયા કે કોઈ વેટલેન્ડને રામસર સાઈટનો દરજ્જો મેળવવા માટે કયાં કયાં પરિબળો ભાગ ભજવે છે.

તાજેતરમાં જ બે વર્ષ પહેલા વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે ગુજરાતના ખીજડિયા વેટલેન્ડને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો એ પહેલાં વઢવાણા પક્ષી અભયારણ્ય અને થોળ પક્ષી અભયારણ્યના રામસર સાઈટનો દરજ્જો મળેલ છે. ગુજરાતની સૌ પ્રથમ રામસર સાઈટની વાત કરીએ તો આ દરજ્જો સૌ પ્રથમ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે આવેલા નળ સરોવરને મળ્યો હતો. નળ સરોવર આશરે ૧૨૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. રામસર સાઈટનો દરજ્જો મળવો ખૂબ જ આગવી વાત છે. આ દરજ્જો જે તે વેટલેન્ડની વૈશ્ર્વિક ઓળખ ઊભી કરે છે. અહીં અનેક ટાપુમાં પક્ષીઓને અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે જેથી દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ અહીંના મહેમાન બને છે. સામાન્ય રીતે અહીં ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીના સમય દરમિયાન લાખોની સંખ્યમાં પક્ષીઓને મહાલતા જોઈ શકો. ગુજરાત સરકારના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિયમન કરવામાં આવે છે. નળ સરોવરને ૧૯૬૯ દરમિયાન અભયારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અહીંની વિશેષતા એ છે કે અહીંનું પાણી સાવ છીછરું છે અને આવો છીછરા પાણીનો વિસ્તાર પક્ષીઓને સૌથી વધુ અનુકૂળ આવે છે. અહીંનું છીછરું પાણી, ટાપુઓ, વિવિધ પ્રકારની ઘાસની પ્રજાતિ જેવા વાતાવરણમાં નાના જીવજંતુઓ, અલગી અને શેવાળ પુષ્કળ પ્રમાણમાં વિકસિત થાય છે જે પક્ષીઓને મુખ્ય ખોરાક છે. અમદાવાદ આસપાસ હોય અને શિયાળાનો સમય હોય તો નળ સરોવરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. અહીંની આકર્ષક બાબત અહીંની બોટ રાઈડિંગ છે. અહીં સિવાય અભયારણ્ય ફરવા હોડીઓ જેવી રીત ક્યાંય નથી.

સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી અહીં મુલાકાત લઈ શકાય. બને એટલું વહેલી સવારે જવું જોઈએ જેથી પક્ષીઓના વિશ્ર્વને જોઈ શકાય. નળ સરોવરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગો જોવા તે એક લહાવો છે. પાણીમાં પડતા સૂર્યના કિરણો અને સૂર્યાસ્તના રંગોનું પ્રતિબિંબ કંઈક અલગ જ પ્રતિકૃતિ રચે છે. દુનિયાનો કોઈ ચિત્રકાર તેને હૂબહૂ કેનવાસ પર ન ઉતારી શકે એટલી હદે રંગોની અલપઝલપ કરતી ભાત રચાય છે. અહીંનું પાણી એકદમ સ્થિર છે. ન તો અહીં નદીના વહેણ છે ન તો દરિયાના હિલોળા. અહીંની ભૌગોલિક રચના જ વિશિષ્ટ છે. શિયાળા અને ચોમાસામાં અહીંનું પાણી મીઠું તો ઉનાળામાં પાણી સુકાય જતા મીઠાંની પરત જામી ગઈ હોય તેવી રચના બની જાય. નળ સરોવર એ પક્ષીપ્રેમીઓ માટે તો સ્વર્ગ સરીખું છે. લાખોની સંખ્યામાં પક્ષીઓનો કલરવ જાણે કોઈએ સંગીતના સાત સુર છેડયા હોય તેવું કર્ણપ્રિય લાગે. અહી દર વર્ષે રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, ગડવાલ, શોવેલર, યુરેશિયન વિજીયન, કોમોન પોચાર્ડ, પિનટેઈલ, લેસર વ્હિસલિંગ ડક, રોઝી પેલિક્ધસ વગેરે બહોળા પ્રમાણમાં જોવા મળે છેં. મોસમનો ગુલાબી મિજાજ એટલે ઢળતી સાંજે હજારો ઉડતા હંજનું ટોળું.. ઢળતી સાંજનું મનોરમ્ય દૃશ્ય કોઈને પણ પોતાનાં મોહપાશમાં જકડી લે છે. કુદરતની અનૂઠી રચનામાં મહેમાનગતિ માણતા પંખીઓમાં આ વર્ષે માર્બલ્ડ ટીલ પ્રક્રૂતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

અમદાવાદ નજીક આવેલ રામસર સાઈટ થોળ પક્ષી અભયારણ્ય પણ જઈ શકાય છે જે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પરથી આવતા આશરે ૩૨૦ જાતનાં વિવિધ પક્ષીઓનું ઘર છે. કલોલ નજીક આવેલ આ સ્થળ પક્ષી દર્શન માટે ઓક્ટોબરથી લઈને માર્ચ સુધીના સમયગાળાનું ઉત્તમ સ્થળ છે. આ સિવાય જામનગર નજીક આવેલ ખીજડિયા પક્ષી અભયારણ્ય ખારા અને મીઠા બંને પાણીનાં સરોવરો ધરાવે છે અને અહી અઢળક પક્ષીઓની પ્રજાતિનો મેળાવડો જોવા મળે છે. દરિયાઈ કાંઠાનાં પક્ષીઓથી લઈને છીછરાં પાણીમાં વસવાટ કરતાં પક્ષીઓ, ઘાસિયા મેદાનનાં પક્ષીઓ, શિકારી પક્ષીઓ વગેરે અહી શિયાળા દરમ્યાન જોવા મળે છે.

વડોદરા નજીક આવેલા ડભોઇ પાસે સ્થિત વઢવાણા પક્ષી અભયારણ્ય આવું જ એક આંતરરાષ્ટ્રીય ફલક પાર નામના ધરાવતું સ્થળ છે. સદીઓથી આ વિસ્તાર દેશ વિદેશનાં પક્ષીઓમાં માનીતો છે. અહીં દેશ વિદેશનાં પક્ષીઓ શિયાળો વિતાવવા માટે અવાર નવાર આવે છે અને શિયાળો પૂરો થતા જ ફરી પોતાનાં વતન પરત ફરે છે. વઢવાણામાં હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંજોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ વગેરે અહીંયા ગમતું અને સુરક્ષિત વિશ્ર્વ મેળવી લે છે. વઢવાણા માટે પક્ષી અભ્યાસનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનાં સાડા છ વાગ્યાનો છે. વડોદરાથી માત્ર દોઢેક કલાકની સફર પછી વઢવાણા પહોંચી શકાય છે. અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નાનકડી ચોકી છે જ્યાં સંપૂર્ણ માર્ગદર્શન પણ મળી રહે છે. કુદરતનાં માહોલમાં રત થઇ જવાય એવા ડલ રંગોનાં કપડાં જેવા કે ઓલિવ ગ્રીન વગેરે પહેરીને પક્ષી દર્શનનો લાભ લઇ શકાય. વઢવાણા સરોવરને સંપૂર્ણ પણે શાંતિથી જોવા માટે આશરે પાંચથી છ કલાકનો સમય જોઈશે જ. અહીં એક વોચ ટાવર છે જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતા પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે. અહીંના મુખ્ય ચેક લિસ્ટમાં રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, બાર હેડેડ ગીઝ, હેરિયર્સ, હવામાં કરતબો કરતું બ્લુ ટેઇલ્ડ બી ઇટર, પાણીંમાં શિકાર કરરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતા પેલીક્ધસ, પાણીમાં ચાંચ ડુબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઉડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતા વેંત જ સિસોટી મારતું લેસર વિસલિંગ ડક વગેરે વિવિધતમ સુંદર પક્ષીઓ અહીં માત્ર થોડા જ કલાકોમાં જોઈ શકાય. પંદરમી ઓક્ટોબરથી લઈ ને છેક ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી અહીં વિવિધ પક્ષીઓ જોઈ શકાય છે. સાથે દૂરબીન હશે તો સોને પે સુહાગા. બાળકોને નેશનલ જ્યોગ્રાફિક ચેનલનો અદ્દલ સાચો અનુભવ પ્રકૃતિ વિશ્ર્વમાં વિહરીને જ આપી શકાય. અહીં તેઓ દેશમાં આવતા વિદેશી મહેમાનોથી માહિતગાર થશે અને વન્યસૃષ્ટિ તથા પ્રકૃતિ પ્રત્યે સંવેદના આપોઆપ જાગશે. માત્ર બાળકો જ નહિ પણ મોટેરાઓ પણ પક્ષી દર્શનનો શોખ આ રીતે જ કેળવી શકે છે. પક્ષીઓનાં મુક્ત વિશ્ર્વમાં એક વાર ડૂબકી લગાવ્યા પછી આ વિશ્ર્વને જાણવાની જિજ્ઞાસા આપોઆપ સહુને પક્ષી અભ્યારણ્ય ક્ષેત્રોમાં ખેંચી જશે જ.

આ વર્ષના વેટલેન્ડ ડે ની થીમ – Wetland’s and Human Wellbeing” રાખવામાં આવી છે. સમગ્ર પૃથ્વી અને માનવજાતના સ્વાસ્થ્ય અને ક્ષેમ કુશળતા માટે વેટલેન્ડના ક્ધઝર્વેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વિશ્ર્વભરમાં વેટલેન્ડને ખતમ થતા અટકાવવા જરૂરી પગલાં લેવાં જોઈએ. વેટલેન્ડ એ કુદરતી રીતે પ્રદૂષકોને ફિલ્ટર કરવાનું કામ કરે છે.વિશ્ર્વની અંદાજિત ૪૦ % પ્રજાતિઓના હોસ્ટ વેટલેન્ડ છે. પૂર અને ચક્રવાતો સામે વેટલેન્ડ સુરક્ષા પ્રદાન કરે છે. કાર્બન શોષણમાં જંગલોથી પણ બમણી ક્ષમતા ધરાવે છે. તેથી તેના વિશે જાગરૂકતા આવે તે ખૂબ જ આવશ્યક છે. ખાસ કરીને પક્ષી જગત માટે તેમને અનુકૂળ વાતાવરણ ( તેમના અનુકૂળ વાતવરણમાં ખલેલ ના પહોંચાડવી એ જ મોટી વાત છે) મળી રહે તે આપણી જવાબદારી છે. ગુજરાતમાં આવા ઘણા વેટલેન્ડ આવેલા છે જ્યાં દર વર્ષે અનેક યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. આપણે ઘણી વાર આસપાસ આવતાં આવાં પક્ષીઓને અજાણતા નુકસાન પહોંચાડતા હોય છીએ જેમ કે ઘણી જગ્યાએ લોકો આવાં પક્ષીઓને ગાંઠિયા વગેરે ખવડાવતા હોય છે. જે ખોરાક આપણા શરીર માટે પણ સ્વાસ્થ્યવર્ધક નથી તો એમના માટે કઈ રીતે હોય શકે. એમને સેંકડો માઈલ દૂર સુધી પ્રવાસ કરવાનો હોય છે તેમાં એવો ખોરાક પક્ષીઓના શરીરને જે જોઈએ તેવું પૂરતું પોષણ આપતો નથી. આપણે તો ગાડીઓમાં પ્રવાસ કરનારા જ્યારે તેઓને તો પાંખોના સહારે પ્રવાસ થાય છે. તેથી આસપાસ આવું થતું અટકાવવું જોઈએ અને આ બાબતે જાગૃતતા ફેલાવવી જોઈએ. તેમનો જે ખોરાક છે તે તેમને કુદરતી રીતે મળી રહે , તે ખોરાકના સ્રોતને આપણે હાનિ ન પહોંચાડીએ એજ આપણી ફરજ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો