આજે આટલું જ : રમેશ પારેખ ૨૭મી નવેમ્બર ૧૯૪૦થી સદાકાળ…

-શોભિત દેસાઈ
ઝરણાની જેમ જેમને કવિતા ફૂટતી, લયબદ્ધ વહેતી એવા કવિ શ્રી રમેશ પારેખનો જન્મ ૨૭મી નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલીમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં પ્રાપ્ત કર્યું.
૧૯૫૮માં તેઓ મેટ્રિક થયા. સુંદર મરોડદાર અક્ષરો, નાનપણથી જ ચિત્રો દોરવાનો, તબલાં અને ઢોલક વગાડવાનો શોખ. હાઈસ્કૂલમાં હતા ત્યારે સંગીતરસિક મિત્રો સાથે મળીને તેમણે ‘મોરલ મ્યુઝિક ક્લબ’ શરૂ કરેલી.
૧૯૬૫ સુધી આ સંસ્થા ચાલેલી. તેઓ જાહેરમાં સંગીતના કાર્યક્રમો પણ કરતા. ઇન્ટરમીડિયેટ ડ્રૉઇંગની પરીક્ષામાં સ્મૃતિચિત્ર માટે તેમને બોર્ડનું ઈનામ મળેલું. તેમને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ, મુંબઈમાં ભણવા જવાની ઇચ્છા હતી, પરંતુ કુટુંબની આર્થિક મુશ્કેલીને કારણે કૉલેજમાં અભ્યાસ કરવાની ઉંમરે અમરેલી જિલ્લા પંચાયતમાં નોકરી શરૂ કરેલી.
૧૯૭૦માં તેમને કુમારચંદ્રક મળ્યો. ૧૯૮૨માં નર્મદ સુવર્ણચંદ્રક તથા ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા. ૧૯૯૪માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું. ૨૦૦૪નો નરસિંહ મહેતા ઍવોર્ડ એનાયત થયો. આ ઉપરાંત પણ તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયાં હતાં. ૧૭ મે ૨૦૦૬ના રોજ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી.
રમેશ પારેખની એક અદ્ભુત અછાંદસ કવિતા, આજકાલ ઘણા કવિ ઓછા, પણ પ્રોજેક્ટ કરવામાં મહારથી એવા કમકવિઓને એવા જ આછકલા અનુયાયીઓ સર કહીને સંબોધે છે પરબ માંડી હોય એમ, એ બધાં અછાંદસના ઝાંઝવિયા કિર્તનકારોના ધ્યાનમાં લાવવી છે.
હું મરી ગયો
હું મરી ગયો.
અંતરિયાળ.
તે શબનું કોણ?
તે તો રઝળવા લાગ્યું.
કૂતરું હાથ ચાવી ગયું
તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગઈ
કાગડા મજેથી આંખો ઠોલે
કાન સોંસરી કીડીઓ આવે-જાય
સાલું, સાવ રામરાજ ચાલે..
પવન દુર્ગંધથી ત્રાસીને છૂ
તે વાળ પણ ન ફરકે
-ને આ બાજુ સાંજ પડું પડું થાય.
ઘેર જવાનું તો હતું નહીં.
આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.
હું સારો માણસ હતો.
નખમાંય રોગ નહીં ને મરી ગયો.
કવિતા લખતો.
ચશ્માં પહેરતો.
ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.
પાછળ ઘર કલ્પાંત કરતું હશે.
અને એમ સહુ રાબેતાભેર.
ખરો પ્રેમ માખીનો
જે હજી મને છોડતી નથી.
હું બિનવારસી,
ને જીવ સાલો, કોઈને પેટ પડી
સુંવાળા સુંવાળા જલ્સા કરતો હશે.
પણ કાકો ફરી અવતરશે.
ને માણસગીરી કરશે, હી હી હી..
-આમ વિચારવેડા કરતો હતો
તેવામાં
બરોબર છાતી પર જ
ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.
પણ નહોતું.
છાતી પર પતંગિયું બેઠું’તું
પતંગિયું.
આલ્લે..
સડસડાટ રૂંવાડાં ઊભાં..
લોહી ધડધડાટ વહેવા માંડ્યું
ઓચિંતી ચીસ નીકળી ગઈ કે
હું મરી ગયો નથી..
સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઈશ?
- રમેશ પારેખ
આજે આટલું જ…