ઉત્સવ

કવર સ્ટોરી: સુપ્રીમ કોર્ટ ગમે તે કરે કે કહે, પણ રાજ્યપાલો સુધરશે ખરા ?

-વિજય વ્યાસ

સુપ્રીમ કોર્ટે હમણાં બહુ જ કડક શબ્દોમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે રાજય સરકારે પસાર કરેલાં બિલ્સ રોકી રાખીને રાજ્યપાલ જે મનમાની કરે છે એ બંધારણનું ચોખ્ખું ઉલ્લંઘન છે. જોકે, કેન્દ્ર સરકારના ઈશારે રાજ્યપાલો માત્ર આજે જ આવી ગેરકાયદે પ્રવૃત્તિ નથી કરી રહ્યા. અગાઉ પણ કૉંગ્રેસની સરકારો હતી ત્યારથી આ રીતે વર્તીને રાજ્યપાલ ખુદ પોતાના ગૌરવપૂર્ણ હોદ્દાને લાંછન લગાવી રહ્યા છે. આમ છતાં, સર્વોચ્ચ અદાલતની તાજી ટકોરથી રાજ્યપાલો સુધરી જશે એવી આશા રાખવી એ રણમાં દેખાતા મૃગજળ જેવી છે!

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તમિળનાડુના રાજ્યપાલ આર.એન. રવિને ઝાટકી નાખ્યા એ સાથે જ રાજ્યપાલો પોતાના હોદ્દાનું ગૌરવ જાળવીને વર્તવાના બદલે રાજકીય દલાલો તરીકે વર્તે છે એ મુદ્દો ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે રવિના તમિળનાડુ વિધાનસભાએ પસાર કરેલાં 10 બિલોને મંજૂરી રોકવાના નિર્ણયને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવીને પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરીને તમામ બિલોને મંજૂરી આપી દીધી. તેના પગલે બીજાં બિન ભાજપ શાસિત રાજ્યો પણ મેદાનમાં આવી ગયાં છે કેમ કે દેશના દરેક બિન ભાજપ શાસિત રાજ્યોમાં રાજ્યપાલો રવિની જેમ જ વર્તી રહ્યા છે. મતલબ કે, ‘ઉપર’થી થતા ઈશારે ભાજપ વિરોધી પક્ષોને હેરાન કરી રહ્યા છે.

આ પણ વાંચો: કવર સ્ટોરી : 750 ફિલ્મો પછી પહેલો એવોર્ડ! રવિ કિશનની યાત્રા સંઘર્ષપૂર્ણ છે

તમિળનાડુની જેમ ઘણાં રાજ્યો સુપ્રીમ કોર્ટમાં પણ ગયાં છે. ઘણાં રાજ્યોએ માગણી પણ કરી છે કે તમિળનાડુનો ચુકાદો અમને પણ લાગુ પડવો જોઈએ અને રાજ્યપાલે રોકી રાખેલાં અમારાં બિલો પણ પસાર થયેલાં માની લેવાવાં જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે હજુ તો કોઈ નિર્ણય લીધો નથી પણ ભવિષ્યમાં એવો નિર્ણય લઈ શકે કેમ કે બિન ભાજપ રાજ્યોમાં રાજ્યપાલો મનમાની કરીને વિધાનસભાએ પસાર કરેલાં બિલોને મંજૂર કરવાના બદલે તેમને રોકી રાખીને આડકતરી રીત લોકશાહીનાં સિદ્ધાંતોની ઐસીતૈસી કરી જ રહ્યા છે.

તમિળનાડુમાં જે 10 બિલ રોકી રખાયાં તેમાંથી બે બિલ તો છેક 2020ના જાન્યુઆરીનાં છે. કેરળમાં પિનારાયી વિજયનની ડાબેરી સરકાર સામે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને આવું જ વલણ અપનાવ્યું તેના કારણે 7 બિલ પેન્ડિંગ છે. આરીફ મોહમ્મદ ખાન સામેના વિવાદો વધતાં એમની બદલે નવા રાજ્યપાલ આવ્યા છતાં બિલોને મંજૂરી મળી નથી.

આ પણ વાંચો: કવર સ્ટોરી : વક્ફ એક્ટ’માં સુધારાથી ખરેખર શું શું બદલાશે?

પંજાબમાં પણ આમ આદમી પાર્ટી (APP)ની ભગવંત માન સરકારે વિધાનસભામાં પસાર કરેલાં પાંચ બિલ રાજ્યપાલે દબાવી રાખ્યાં છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત બિલોને મંજૂરી નહોતા આપતા તેથી બે વર્ષ પહેલાં પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માગ કરી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે ઝાટકી નાખતા રાજ્યપાલે 1 બિલને મંજૂરી આપી, પણ બીજાં બિલ હજુ પેન્ડિંગ છે. તેલંગાણામાં પણ પહેલાંની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સરકાર અને હાલની કૉંગ્રેસની રેવંત રેડ્ડીની સરકારના કાર્યકાળમાં વિધાનસભાએ પસાર કરાયેલાં 10 બિલો રોકી રાખવામાં આવ્યાં છે.

પશ્ર્ચિમ બંગાળમાં પણ સ્થિતિ સારી નથી.મમતા બેનરજીની સરકારે પસાર કરેલાં 11 બિલ હજુ હવામાં ઝુલે છે. બંગાળમાં તો જગદીપ ધનખડ અને સી.વી. આનંદ બોઝ જેવા રાજ્યપાલોએ બંધારણની સાવ ઐસીતૈસી જ કરી નાખી છે. મમતા બેનરજી સરકારના વહીવટમાં અડચણ ઊભી કરવાથી માંડીને જાહેરમાં સરકાર વિરોધી વલણ લેવા સુધીની હરકતો કરીને બંનેએ રાજ્યપાલના પદની બંધારણીય ગરિમાના સાવ ધજાગરા ઉડાવી દીધા છે. રાજ્યપાલ બંધારણીય હોદ્દો ના હોય પણ કેન્દ્ર સરકારના નોકરિયાત હોય એ રીતે બંને વર્ત્યા છે. કર્ણાટકમાં પણ સિદ્ધરામૈયાની કૉંગ્રેસ સરકારે પસાર કરેલાં 13 બિલને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મંજૂરી આપી નથી.

આ પણ વાંચો: કવર સ્ટોરી : અમેરિકન ટૅરિફથી ભારતીય ઓટો સેકટરને કેટલું જોખમ?

ભાજપની કેન્દ્ર સરકારના ઈશારે રાજ્યપાલો જે રીતે વર્તી રહ્યા છે તેના કારણે રાજ્યપાલના હોદ્દાને લાંછન લાગી રહ્યું છે તેમાં બેમત નથી, પણ માત્ર ભાજપના શાસન વખતે જ રાજ્યપાલો આ રીતે વર્તે છે એવું નથી. આપણે ત્યાં પહેલેથી રાજ્યપાલો બંધારણીય જોગવાઈઓનું પાલન કરવાના બદલે પોતે જે રાજકીય પક્ષની કંઠી બાંધી હોય તેનાં હિતો સાચવવા માટે વર્તતા રહ્યા છે. એ માટે બંધારણની ઐસીતૈસી કરવામાં પણ એમને છોછ નથી નડતો. બંધારણને બાજુએ મૂકીને કેન્દ્રમાં જેની સરકાર હોય તેના એજન્ટ તરીકે વર્તવામાં કોઈ પક્ષનો નેતા બાકી નથી. રાજ્યપાલોનો ઉપયોગ વિરોધ પક્ષની સરકારને કનડવામાં કરવામાં પણ કોઈ કેન્દ્ર સરકાર બાકી નથી.. આ અપકૃત્ય દરેક રાજકીય પક્ષે કર્યું છે.

બાકી ભૂતકાળમાં તો વિરોધ પક્ષોની સરકારોને ઘરભેગા કરવા રાજ્યપાલોને હાથો બનાવવામાં આવ્યા છે. બંધારણની કલમ 356 પ્રમાણે કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર નથી તેવો રિપોર્ટ રાજ્યપાલ આપે તો એ રાજ્યની સરકારને બરતરફ કરીને ક્યાં રાષ્ટ્રપતિશાસન લાદી શકાય. કેન્દ્રમાં બેઠેલી સરકારોએ રાજ્યપાલો પાસે બંધારણની 356મી કલમનો બેફામ દુરૂપયોગ કરાવ્યો છે. જવાહરલાલ નહેરુના વખતથી આ સિલસિલો શરૂ થઈ ગયેલો.1957ની ચૂંટણીમાંકેરળમાં સામ્યવાદી પક્ષ જીત્યો અને ઈએમએસનામ્બુદ્રીપાદ મુખ્યમંત્રી બન્યા એ સાથે જ કૉંગ્રેસના એકચક્રી શાસનના દિવસો સમાપ્ત થવાની શરૂઆત થઈ. તેના કારણે જવાહરલાલ નહેરુનો અહમ ઘવાઈ ગયો કેમ કે કૉંગ્રેસની સર્વોપરિતા આઝાદીનાં દસ વર્ષ પછી જ ખતમ થઈ ગઈ. નહેરુએ બે વર્ષ પછી બિનલોકશાહી રીતે નામ્બુદ્રીપાદની સરકારને ઘરભેગી કરાવી નાખી હતી. કૉંગ્રેસે પછીનાં વરસોમાં સંખ્યાબંધ વિપક્ષી સરકારોને આ રીતે સત્તાનો દુરૂપયોગ કરીને ઘરભેગી કરી હતી.

આ પણ વાંચો: કવર સ્ટોરી : સ્ટેન્ડ અપ કોમેડિયનોને એક ખૂણે બેસાડીને કોણ સમજાવશે કે વાણી સ્વાતંત્ર્યના નામે આડેધડ વાણી વિલાસ ન થઈ શકે?

કૉંગ્રેસના એકચક્રી શાસનના દિવસો હતા ત્યાં લગી કૉંગ્રેસ વિપક્ષી સરકારોને રાજ્યપાલોના માધ્યમથી ઘર ભેગી જ કરી દેતી. રાજ્યપાલો કેન્દ્રના ઈશારે પોતાના પક્ષને સરકાર રચવા નિમંત્રણ આપે એ ખેલ પણ વરસોથી ચાલે છે.

બિહારમાં 2006માં રાજ્યપાલે બુટાસિંહ ભાજપ-જેડીયુ સૌથી મોટું જોડાણ હોવા છતાં તેને સરકાર રચવા નિમંત્રણ નહોતું આપ્યું ને વિધાનસભા ભંગ કરીને ફરી ચૂંટણી લાદી દીધી હતી. ઝારખંડમાં સૈયદ શિબ્તે રઝીએ ભાજપને બાજુ પર મૂકીને શિબુ સોરેનને મુખ્યમંત્રી બનાવી દીધેલા, પણ એ બહુમતી સાબિત નહોતા કરી શક્યા. આ તો બે ઉદાહરણ આપ્યાં પણ આવાં તો સંખ્યાબંધ દાખલા મળે.

કેટલાક રાજ્યપાલો તો એ હદે નફ્ફટાઈથી વર્ત્યા છે કે એમનાં અપકૃત્યોને કારણે રાજ્યપાલપદને લાંછન લાગી ગયું છે. ઉત્તર પ્રદેશમાં રોમેશ ભંડારી, બિહારમાં બુટાસિંહ, આંધ્ર પ્રદેશમાં રામલાલ ઠાકુર વગેરે આ રીતે કુખ્યાત થયેલા રાજ્યપાલ છે. ગુજરાતમાં રાજ્યપાલ રહેલા સરૂપસિંહને પણ આ કેટેગરીમાં મૂકવા પડે. 1996માં સરૂપસિંહે ભાજપની સુરેશ મહેતા સરકારે બહુમતી સાબિત કરી હોવા છતાં ગેરબંધારણીય રીતે રાષ્ટ્રપતિશાસન લદાવેલું ને પછી શંકરસિંહ વાઘેલાને ગાદી પર બેસાડી દીધેલા.

આ પણ વાંચો: કવર સ્ટોરી : એફઆઇઆઇને સેબીની રેડ કાર્પેટ શેરબજારને ગ્રીન ઝોનમાં દોરી જશે!

સુપ્રીમ કોર્ટે ઘણા રાજ્યપાલોને ખરાબ રીતે ઠપકાર્યા છે. બુટાસિંહે બંધારણની ઐસીતૈસી કરી પછી એમને હોદ્દો છોડવા ફરજ પાડવામાં આવેલી. કર્ણાટકમાં 1989માં રાજ્યપાલ પી. વેંકટસુબૈયાહે બોમ્માઈ સરકારને બરતરફ કરી નાંખી તેના કારણે તો સુપ્રીમે બંધારણની કલમ 356 અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો. એ પછી આ કલમનો દુરૂપયોગ બંધ થયો.

સુપ્રીમ કોર્ટ પાસે રાજ્યપાલની સત્તાના દુરૂપયોગના કેસ આવે ત્યારે એ બંધારણીય અર્થઘટન કરીને નવા ચીલા ચાતરે છે, પણ રાજકારણીઓ જાડી ચામડીના હોય છે. સુપ્રીમ કોર્ટ વ્યક્તિગત રીતે ઠપકારે નહીં ત્યાં સુધી કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે વર્ત્યા જ કરે છે. રાજ્યપાલો તરીકે મોટા ભાગે રાજકીય કારકિર્દી પતી ગયેલી હોય એવા લોકો હોય છે. કેન્દ્ર સરકારની મહેરબાનીથી બનેલા આ નેતાઓ બંધારણને વફાદાર રહે એવી શક્યતા નહિવત છે. સુપ્રીમ કોર્ટે અત્યારે ઐતિહાસિક ચુકાદો આપીને રાજ્યપાલોને એમની સાચી ઔકાત બતાવી, પણ તેના કારણે રાજ્યપાલો સુધરી જશે એવી આશા રાખવી એ રણમાં દેખાતા મૃગજળ જેવી છે !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button