વરસાદને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય નહીં સંભવિત દુકાળનું કારણ આપણે ખુદ !
કેનવાસ -અભિમન્યુ મોદી
લેખનું શીર્ષક આક્રમક લાગ્યું?
હા, દુષ્કાળનું કારણ આપણે બધા છીએ. ક્યારેય વિચાર્યું છે કે પનિહારીનો ક્ધસેપ્ટ – કલ્પના ફક્ત આપણા દેશની ભાષા-બોલી અને સાહિત્યમાં જ કેમ છે? ‘પનિહારી’ માટે ચોક્કસ અંગ્રેજી શબ્દ કેમ નથી? કારણ કે સવારે વહેલા ઉઠી ચારો-નીરણ ધર્યા પછી, વાસીદું-રસોઈ કર્યા પછી, ધોમધખતા તાપમાં, માથા ઉપર કેટલાય લીટરનો ભાર ઊંચકીને કિલોમીટરના કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે તેવી અમાનવીય સ્થિતિ આપણા દેશમાં વધુ જોવા મળે છે. મરીચિકા-મૃગજળ-ઝાંઝવા ઉપર આપણે ત્યાં જેટલી કવિતાઓ કે ગઝલો લખાઈ હશે.
એટલા પ્રમાણમાં જગતની બીજી કોઈ પણ ભાષામાં લખાઈ હશે એ માનવું કઠિન છે. બીજા અમુક દેશોમાંય પાણીનો દુકાળ છે, પરંતુ તે મોટા ભાગે રણપ્રદેશ કે ઉજ્જડ વિસ્તારમાં છે. વનરાજીથી ફૂલ્યાફાલ્યા ભારત દેશમાં બંગાળના દુકાળથી લઇને સૌરાષ્ટ્રની પાણીની તંગી સુધી, કાશ્મીરના સિંધુ વોટર પ્રોબ્લેમથી લઇને વાયા રાજસ્થાન હૈદરાબાદના જળસંકટ સુધી આપણે સદીઓથી પાણીની ખેંચમાં છીએ. આવું કેમ?
આનો જવાબ મેળવતા પહેલાં થોડી રસપ્રદ હકીકત જાણીએ. સમસ્ત બ્રહ્માંડમાં માનવમગજ, ગુજરાતીમાં કહીએ તો હ્યુમન બ્રેન જેટલી સંકીર્ણ રચના બીજી એક પણ નથી. બ્રહ્માંડમાં જેટલાં તારા નહિ હોય એનાથી વધુ તમારા દિમાગના ચેતાકોષો વચ્ચે પરસ્પર જોડાણ છે. આખા વિશ્ર્વની સૌથી વધુ જટિલ રચના આપણે સાથે લઇને ફરીએ છીએ (હા, એમાં પણ અપવાદો તો હોય જ ને!). એવું જ પાણીનું છે. પાણીની સાથે જ આપણો દિવસ ઉગે છે. પાણી બહુ સહજ છે આપણા માટે, પણ આપણે પાણી વિષે ખાસ નથી જાણતા. વિજ્ઞાન પણ પાણીને બહુ રહસ્યમય પદાર્થ ગણાવે છે. સાયન્સ આટલું આગળ વધ્યું છતાં પાણી વિષે આપણું જ્ઞાન નહીંવત છે.
ઉદાહરણ ,તરીકે જેમ પદાર્થ ઠંડો થાય એમ સંકોચાય, પણ પાણીનો બરફ થતા એ ફૂલે છે કેમ ? એનો જવાબ કોઈ પાસે નથી. માટે જ બરફ પાણી પણ તરે છે. જો બરફ પાણી ઉપર તરતો ન હોત તો આપણે મનુષ્યો પેદા જ ન થયા હોત. (કારણ કે હિમયુગ આવતા બરફ ડૂબી જાય અને સમુદ્રના તળિયે રહેલી જીવસૃષ્ટિ ખલાસ થઇ જાય.) યાદ રાખો, જીવની ઉત્પતિ પાણીમાં થઇ છે.
પાણી જેવી જ રચના ધરાવતા બીજા પદાર્થો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે તો પાણી કેમ લિકવિડ-પ્રવાહી છે?
ખાસ તો, પાણી યાદશક્તિ ધરાવે છે. જી હા, આ કોઈ ગપગોળા નથી, પરંતુ અનેક વખત પ્રયોગો ઉપરથી સાબિત થયું છે કે પાણી-જળ પાસે યાદશક્તિ છે.
એક જ જગ્યાએ પાણી ભરેલા બે ગ્લાસમાંથી એક ગ્લાસ તરફ દયા-કરુણા અને પ્રેમથી જોવામાં આવે અને બીજા ગ્લાસ તરફ ગુસ્સા અને તિરસ્કારની ભાવનાથી થોડી વાર સુધીમાં જોવામાં આવે અને પછી તે બંને ગ્લાસનાં પાણીનું પૃથક્કરણ થાય તો પાણીના રેણુ-અણુઓમાં ગજબનાક ફરક જોવા મળે છે. પાણી ‘ઇરીટેટ’ થાય છે-અકળાય છે- પાણીને ડિસ્ટર્બન્સ’ (ખલેલે) નથી ગમતું કોઈ પણ વસ્તુ, આપણા રસોડાનું માટલું કે દરિયામાં તરતું એરશીપ, પાણીના અમુક પ્રકારના બંધારણને બદલે છે અને પાણી એ ભૂલતું નથી.
અત્યંત નાટકીય લાગે એવો બનાવ ઈતિહાસમાં થયેલો છે કે એક દેશના મંત્રીઓની મીટિંગમાં બધા પાણી પીવાના લીધે મરી ગયા, પાણીમાં ન તો ઝેર ભેળવેલું હતું કે ન તો એ બધાએ હદ ઉપરાંત પાણી પીધું હતું, તો પણ એમનાં મોત એક રહ્યસ્ય રહ્યું છે.
આવું બધું જાણીને એમ લાગે કે પાણીમાં જીવ પેદા થયો કે પાણી ખુદ સ્વયં એક જીવ છે? નો. આપણને નથી ખબર, વિજ્ઞાન નથી જાણતું એટલે જ તો દુનિયાના દરેક ધર્મમાં, દરેક પ્રદેશની સંસ્કૃતિમાં, દરેક વિધિ-વિધાનોમાં પાણીનું મહત્ત્વ આગવું છે. જે વસ્તુના જવાબ તર્ક વડે કે વિજ્ઞાન દ્વારા ન આપી શકતા હોય તે તરત ધર્મમાં આવી જાય છે એવું ધર્મનું વિજ્ઞાન કહે છે. ઝમઝમથી લઇને ગંગાના પાણી સુધી, દેવોને પાણી ચડાવવાથી લઇને તુલસી ક્યારે પાણી રેડવા સુધી કે સૂર્યને પાણી ચડાવવા સુધીમાં પાણીનું સતત મહત્ત્વ રહ્યું છે. ટૂંકમાં વિજ્ઞાન જ્યાં નથી પહોચી શકતું તે પાણી અને બીજી તરફ દરેક ધર્મ જેને અત્યંત પવિત્ર ગણે છે તે પાણીની આપણે કદર નથી કરતા. માનવજાતે પાણીનો દાટ વાળી દીધો છે. પૃથ્વી પર રહેલાં પીવાલાયક મીઠાં પાણીમાંથી ફક્ત ૧ ટકા જ ઉપલબ્ધ છે એને પણ આપણે બેફામ વેડફીએ છીએ.
વાચકમિત્રો, હમણાં તમે કહેશો કે ગાંધીજીની જેમ અમે પણ એક જ લોટામાં દાંતણ-બ્રશ કરી લઈએ છીએ અને એવું કઈ પાણી બગાડતા પણ નથી… વેલ, એવો સ્વ-ચુકાદો આપતા પહેલા સહેજ થોભો. આપણા લીધે થઇને કેટલું પાણી વેડફાય છે તેનો અંદાજિત હિસાબ પણ માંડ્યો છે ક્યારેય?
એક જ ઉદાહરણ લઈએ. અત્યારે તમે શું પહેર્યું છે? ટી-શર્ટ/શર્ટ/ડ્રેસ/સાડી? બરાબર? હવે ૧ કિલો રૂ એટલે કે ગુજરાતીમાં કોટન જોઈએ ૧ જોડી કપડાં બનાવવા માટે. ૧ કિલોગ્રામ કોટનની ફક્ત લણણી માટે થઇને પૂરા દસ હજાર લીટર પાણી જોઈએ. (ફક્ત લણણીનો જ આંકડો માંડ્યો છે, તેના બીજ બજારમાંથી લાવવાથી માંડીને વાવણીનો હિસાબ જુદો!) હવે એ રૂ જીનીંગ મિલ સુધી પહોચે એના માટે જે ડીઝલ બાળતાં ખટારા જોઈએ તેમાં વપરાતા ડીઝલઅને ટ્રકના મેન્યુફેક્ચરિંગ માટે એક ખેપે પૂરા ૨૦ હજાર લીટર પાણીનો પરોક્ષ વ્યય થયો હોય. પછી રૂમાંથી કાપડનાં તાકા બને અને તે ધોવાય એના માટે ૧ કિલોએ બીજા ૫૦૦ લીટર પાણી. હવે એ તાકાને રંગ થાય તે રંગના પ્રોડક્શન માટે ૨૫૦ ગ્રામ ડાય-રંગ માટે ૨૫૦૦ લીટર પાણી જુદું. અને તેની સિલાઈ, તેનું બ્રાન્ડિંગ અને આપણા શહેરની દુકાન સુધી પહોંચે એ બધામાં બીજા ૩ હજાર લીટર પાણી એમનેમ ગટરમાં જાય. અને સરેરાશ કપડાની જોડી આપણે ત્રણ વર્ષ જો પહેરીએ તો ૪૫૦૦ લીટર પાણી એના વોશિંગમાં જાય.
બીજા શબ્દોમાં મિત્રો, ફક્ત ૧ જોડી કપડાં તમારું ૪૦,૫૦૦ લીટર પાણી પી જાય! ૧ કપ કોફી ૨૦૦ લીટર પાણીનો નતીજો છે. સૌથી વધુ પાણી માંસને કારણે વેડફાય. મરઘી કે જાનવર ૧૫,૪૦૦ લીટર પાણી એના જીવનકાળ દરમિયાન પીવે ત્યારે માંડ ૧ કિલો માંસ મળે અને લગભગ આખી દુનિયા નોન-વેજ ફૂડ જ ખાય છે! તમે જે છાપું વાંચો છો તે, તમે જે સોફા કે ખુરશી ઉપર બેઠા છો તે, તમે જે ઘરમાં બેઠા છો તે, તમે જે વાહન ચલાવો છો તે, તમે કઈ પણ વાપરો છો કે કઈ પણ કરો છો, ઇન શોર્ટ, તમારા દરેક શ્ર્વાસે પાણી વપરાય છે. મોબાઈલ ફોનની ચીપ બનાવવા માટે જ હજારો લીટર પાણી વાપરીને ફેકી દેવું પડતું હોય છે. ફક્ત પાણી પીને ગ્લાસમાં વધેલું પાંચ મિલી પાણી પણ આપણે ઢોળીએ છીએ ને એમાં વર્ષ દહાડે લાખો-કરોડો લીટર પાણી ગટરમાં જાય છે. આપણી લાઈફસ્ટાઈલ મીઠા પાણીને બેફામ વાપરે છે અને આપણે દરરોજ વધુને વધુ મટિરિયાલિસ્ટિક બનતા જઈએ છીએ. કપડાં, મોબાઈલ ફોન, વાહનો વગેરેનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે ‘પ્રગતિ’ એવું રૂપાળું લેબલ આપી દઈએ છીએ.
કચ્છમાં દુષ્કાળની શું સ્થિતિ છે તે જાણવું હોય તો પૂરબ કોહલીનું ‘જલ’ નામની મૂવી જરૂર જોજો. શેખર કપૂર વર્ષોથી ‘પાની’ નામનું મૂવી બનાવવા મથે છે તેમાં પણ એ જ વાત છે કે પાણીને કારણે યુદ્ધો થાય છે ભવિષ્યમાં. અને તે વાત હકીકત બનીને બહુ વહેલી સામે આવવાની છે. ભવિષ્યમાં દેશો પાણી માટ ઝઘડશે, કારણ કે પૃથ્વી ઉપર જુદા જુદા સ્વરૂપે રહેલા પાણીની કુલ માત્રા અચળ જ રહેવાની છે- એ વધવાની નથી, પણ આપણી વસતિ અને દરેક માણસની જીવનજરૂરિયાતની વસ્તુઓની ડિમાન્ડ રાક્ષસી સ્પીડે વધે છે અને તેના દરેક તબક્કે વિપુલ માત્રામાં પાણી વપરાઈનેવેડફાઈ જાય છે. માન્યું કે સરકારની પણ અમુક અણઘડ નીતિઓ હશે પણ પાણીની અવ્યવસ્થા માટે બધા જ નાગરિકોની અવિચારી લાઈફસ્ટાઈલ પહેલા જવાબદાર છે. હું અને તમે, પહેલા કસૂરવાર… મહારાષ્ટ્ર – કચ્છ કે આફ્રિકાના દેશો કે ગુજરાતના પાણીના દુકાળ માટે ક્યાંક ને ક્યાંક આપણો ફાળો પણ છે જ.
હમણાં જ ‘અર્થ- ડે’ અવસરે એક હચમચાવી દે એવી વાત વાંચેલી :
માની લો કે પૃથ્વીની ઉંમર દસ દિવસ છે અને આપણે માણસો છેલ્લાં ચાર કલાકમાં જ ઉદભવ્યા છીએ ને ઓદ્યોગિક ક્રાંતિને હજુ ૧ જ મિનિટ થઇ છે… આટલા વખતમાં તો આપણે પૃથ્વી પરના ૫૦ ટકાથી વધુ પાણી જેવાં નૈસર્ગિક સ્રોતો વાપરી કાઢ્યા છીએ!
સવાલ એ છે કે, આ વાત મુજબ આપણે બીજી કેટલી મિનિટ કે પછી કેટલી સેક્ધડ ટકી શકીશું આ પૃથવી પર?!