ઉત્સવ

ઊડતી વાત : રાધારાણીને કયાં જવું હતું?

-ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ’ રાધારાણીએ રસોડામાંથી ટહુકો કર્યો. આમ તો રાધારાણી મોટેભાગે ઘાંટા પાડે છે. ક્યારેક ક્યારેક મૃદુ સ્વરે ટહુકો પણ કરે છે. અલબત, જ્યારે રાધારાણીને એનો ઉલ્લુ સીધો કરવો હોય ત્યારે.‘રાધુ બોલ મારી હની.. બેબી .. જાનું..’ અમને પણ પાકા ઘડે કાંઠા ચડે તેમ યંગ કપલના આવા શબ્દો હોઠે ચડી જાય છે.

‘તમે ડાઇનિંગ ટેબલ પર બેસી રહેજો. ઉતાવળે ઊભા થઇ ન જતા. હું તમારા માટે ચાનો બીજો ડોઝ અને મેથીના ગરમાગરમ ગોટા લઇને આવું છું.’

રાધારાણીએ મીઠી ચાસણી જેવી રસઝરતી ઓફર કરી. મેરે હજૂર- મેરે સરકાર કયું બદલે બદલે સે હૈ ઉનકા પતા નહીં લગ પાયા. હવે દેશ બદલતો હોય તો દેશવાસી પણ બદલે કે નહીં?

‘આ લો ચા અને ગરમ ગરમ ગોટા.’ રાધારાણીએ મલપતી ચાલે રસોડામાંથી આવી સાડીના છેડાથી હાથ અને ચહેરો લૂંછતા મારી પ્લેટ અને ચાનો કપ ભરી દીધો. ‘ભોજયેસુ માતા’ની જેમ ઊભાં રહ્યાં. આપણા ઘરમાં મહેમાનની જેમ આપણી આગતાસ્વાગતા થાય એ થોડું નહીં પૂર્ણત: અજૂગતુ લાગે. હવે શું થશે એની આશંકામાં ડાબી જમણી બંને આંખ ફરકવા લાગે.!

આ પણ વાંચો: ઊડતી વાત : રાજુ રદીએ વળી કઈ નવી ઝુંબેશ શરૂ કરી?

‘થેંકસ હની. તમારી માફક ચા સરસ છે. ગોટા તો લાજવાબ છે.’ અમે પણ પાણી પહેલા પાળ બાંધવા પોલ્સનનો ડબ્બો ખુલ્લો મૂકયો. ખુશામત ખુદા તેમ જ ખાવિંદ અને પત્નીને પણ પ્રિય જ લાગે છે.

‘ગિધુ, મેં તમારી પાસે કદી કાંઇ માંગ્યું નથી. મારી એક ઇચ્છા છે.’ રાધારાણીએ મમરો મુકયો.

કાતિલની આ જ કરામત હોય. માસૂમિયતથી કતલ કરે અને હમ કો પતા ભી ન ચલે. રવિવારની રજાની દિવસે મારી આગતાસ્વાગતાનું આ જ રહસ્ય હશે?

‘રાધુ, તે મારી પાસે કદી એકાદી માગણી કરી જ નથી. તે જથ્થાબંધના ભાવે માગણી કરી છે. તારી માગણી પૂરી કરતા હું માગણ થઇ જવાનું પણ પસંદ કરીશ.’ મે પ્રગલ્ભ પ્રેમીની જેમ કહ્યું.

આ પણ વાંચો: ઊડતી વાત : રાજુ રદીને ફિલ્મમાં મળ્યો એક ‘સુપરહિટ’ રોલ !

‘મારે ગુજરી જવું છે.’ રાધારાણીએ નિશ્ર્ચયાત્મક અવાજે કહ્યું.

સસલાની જેમ મારા કાન ચમક્યા. હું આ વાક્ય સાંભળીને સોફા પરથી હેઠે પટકાઈ પડ્યો. માનો કે ધરતીકંપ થયો. મને દુનિયા ગોળગોળ ફરતી લાગી.

(આવું સાંભળીને કમબખ્ત પતિ ખુશીનો માર્યો છળી મરે કે નહીં? મનમાં તો લડુ તો ફૂટે જ. એવરેસ્ટ પરથી ભૂસ્કો મારવાનું મન થાય. આ તો ટાઢાપાણીએ ખસ ગઇ કહેવાય. જો કે, સ્માર્ટ પતિ આવા પ્રસંગે ખુશીનો ઇઝહાર ન કરે. પરંતુ, સો લિટર એરંડિયું પીધા જેવું સોગિયું મોઢું કરે.)

અમે પણ અમારી ખુશી પર પથ્થર મૂકીને કટાણું મોં કરીને પ્રતિભાવ આપ્યો

‘તાવ બાવ છે, રાધુ ?’ મેં રાધારાણીને આશંકિત અ

વાજે પૂછયું. મેં એના કપાળે ઉંધો હાથ અડાડ્યો. કપાળ તો બરફ જેવું ઠંડું હતું.

‘ના મને તાવબાવ કશું જ નથી. મારે ગુજરી જવું છે. ‘રાધારાણીએ તેનું વાક્ય દોહરાવ્યું. આમ, તો અમારો સંસાર પ્લેન અને બળદગાડાના પૈડા જેવો રગડદગડ ચાલે છે. અમે અમારા દામ્પત્યની તંદુરસ્તી માટે અઠવાડિયે લડીએ પણ ખરા.

આ પણ વાંચો: ઊડતી વાત : આર્ટિફિશિયલ જજ કરે માગણીઓ મોર!

‘રાધુ, હું માનું છું કે હું તને સમય આપી શકતો નથી, તારો ખ્યાલ રાખી શકતો નથી. પણ હુંયે શું કરી શકુ? એક તો ‘બખડજંતર’ ચેનલની નોકરી. પાછો બાબુલાલ બબૂચક હિટલરનો સગો ભાઇ. નોકરીને લીધે નાટકસિનેમા જોવા લઇ જઇ શકતો નથી. મારો પગાર પછેડી જેટલો નહીં પણ હાથ રૂમાલ જેટલો છે.

પછેડી હોય તેટલી સોડ તણાય એમ કહેવાય છે. હાથરૂમાલમાં તો સોડ પણ તાણી શકાય નહીં. સોનાનો ભાવ ટિંચર જેવો છે. હું તને નેકલેસ તો શું નાકની ચૂંક સુધ્ધાં અપાવી શકયો નથી. એનો મતલબ એ નથી કે હું તને પ્રેમ કરતો નથી. હું તારા હાથણી જેવા ઠુમકા પર યુપી-બિહાર તો સમજ્યા. આખું યુરોપ પણ કુરબાન કરી શકું તેમ છું.

દિલ અમીરનું છે અને ખિસ્સુ ફકીરનું છે. તું તારી મરજી મુજબ ન જીવી શકી તેનો તને અફસોસ હોય, પરંતુ એથી આવા આકરાપાણીએ થવાનું?’ મેં રાધારાણીને સમજાવવાનું શરૂ કર્યું :

‘એક કામ કર, તું આવા નકારાત્મક વિચારો મગજમાંથી દૂર કર. ‘બખડજંતર’ ચેનલના બોસ બાબુલાલ બબુચકને કરગરીને હાથપગ જોડી દસ દિવસની રજા લઇ આપણે ક્રૂઝમાં ફરવા જઇશું. રાધુ, પ્રોમિસ ફ્રોમ જેન્ટલમેન.’ મેં રાધારાણીને હાથ-પગ જોડીને કહ્યું.

આ પણ વાંચો: ઊડતી વાત : મોંઘા ભાવની બાઇક કે કાર ઘેર આરતી ઉતારવા માટે છે?

‘ગિરધરલાલ, હું એકની બે થવાની નથી. હું ગુજરી જ જવા માંગું છું.’ રાધારાણીએ તેનો ધોકો ફરી પછાડ્યો .

‘રાધુ, બેવકૂફીની પણ હદ હોય. ગુજરી જવું ગુજરી જવું. કયારની એક રટ લગાવ્યે રાખે છે. તારો આ ડ્રામા બંધ કર.’

‘જુવો ગિધુ, હું નાટક સિનેમા જોવા થિયેટરમાં ગઇ છું. જમવા માટે હોટલ રેસ્ટોરેન્ટમાં ગઇ છું. રૂપાળા થવા બ્યૂટી પાર્લર ગઇ છું. બેનપણીની સગાઇ, લગ્ન, સિમંતમાં ગઇ છું. બાગ બગીચા, મંદિર મસ્જિદ ગઇ છું. ડેમ જોવા ગઇ છું. સાડીના મહાસેલના સૈલાબમાં વહી ગઇ છું. વાવ, તળાવ,નદી, દરિયાકિનારે ગઇ છું. પેરા ગ્લાઇડિંગ કે બંજી જંમ્પિંગ ર્ક્યુ છે. પરંતુ..’ આમ કહીને રાધારાણીએ પોરો ખાધો.

‘હઅમ્ પણ એટલે કે પરંતુનો શો મતલબ છે?’ હું સખ્ત ગૂંચવાયેલ. મેં મૂંઝવણ કહી.

‘ગિધુ, માય હબી, તમારા સગા ગળાના સમ. હું ક્યારેય ગુજરી બજાર ગઇ નથી. એટલે ગુજરી (બજાર )જવું છે. મારે તાવેથો, આડણી, ઢીંચણિયું, ખરલદસ્તો, ઘંટુલો, વલોણું લેવા જવું છું. આવી દુર્લભ વસ્તુઓ તો મોલ કે ઓનલાઇન મળે નહીં. આવું બધું અવનવું ખરીદ કરવાની મારી આ મહેચ્છા તમે ક્યારે પૂરી કરશો?’

આ પણ વાંચો: ઊડતી વાત : ચીની ઔર ચાયપત્તી કે ડિબ્બે મેં કયાં હૈ?

રાધારાણી બોલતી રહી. હું મૂઢની માફક સાંભળતો રહ્યો. ખરેખર મારો તો ફયૂઝ ઊડી ગયેલ.

‘ઓ તારી ભલી થાય. રાધારાણી કયારની ગુજરી જવું ગુજરી જવું એવું બોલતી હતી પરંતુ, મને તેની સમજ પડતી ન હતી કે એને ગુજરી બજાર જવું છે એવું બોલતી ન હતી. મારી તો મજા કિરકિરી કરી નાખી!

જોકે રાધારાણીએ આ સ્પષ્ટતા ન કરી હોત તો મારું ગુજરી જવું નિશ્ચિત હતું.

‘હવે વધુ વાત કર્યા વિના લૂગડાં બદલો, ઓલા-ઉબેર બુક કરો અને તમારી બેટરહાફને અમદાવાદની શાન સમાન ગુજરીબજાર લઇ જાવ.’ રાધારાણીએ આંખ નચાવતા કુટિલ હાસ્ય સાથે ફરમાન કમ ફતવો જાહેર કર્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button