ઊડતી વાત : હૈં… રાવણ ને રેઇનકોટ?: દહેગામે દેશને કઈ નવી દિશા ચીંધી ?!
‘આણે ઉપાડો લીધો છે.’ રાજુ રદીએ ફરિયાદ કરી. રાજુની ફરિયાદ મોંમાથા વગરની. માનો કે તારીખ લખ્યા વગરનો બેરર ચેક . જો કે, એના ચહેરા પર પરેશાની સાફ સાફ દેખાતી હતી.રાજુ આકળવિકળ હતો.
‘રાજુ, આણે એટલે કોણે?’ મેં સામે સવાલ કર્યો.
‘આણે એટલે રાવણે! ’ રાજુએ જવાબ આપ્યો.
‘રાવણ તો ચૂંટણીમાં જીત મેળવી લોકસભામાં ગયો છે.’ મેં માહિતી આપી.
‘હું ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણની વાત નથી કરતો.’ રાજુ બેકફૂટ પર ગયો.
‘તો કયા રાવણની વાત કરે છે?’ મેં સવાલ કર્યો.
‘હું અસલી રાવણની વાત કરૂં છું.’ રાજુએ સ્પષ્ટતા કરી.
‘રાવણ નકલી પણ હોય છે? કોઇએ રાવણ હોવાનો દાવો કરી કરોડોનો ફ્રોડ કર્યો છે?’ મે વિગતો માગી.
‘એવી બાબત સરકારના ધ્યાને આવેલ નથી.’ સરકારી પ્રવક્તા જેમ રાજુએ જવાબ આપ્યો.
‘રાવણ અંદરનો કે બહારનો રાવણ છે?’ મેં રાજુ રદીને સવાલ પૂછ્યો.
‘લગભગ રાવણ આંતરિક કે બાહ્ય નથી. તે સિવાયના રાવણે ઉપાડો લીધો છે.’ રાજુએે હતપ્રભ થઇ કહ્યું.
‘કોઇની પત્નીનું રાવણે પાછું અપહરણ કર્યું?’ અમે શંકા વ્યક્ત કરી.
‘હવે તો લોકો એમની પત્નીનું અપહરણ કરવા રાવણને ઓફર કરે છે. રાવણ પત્નીનું અપહરણ કરે તો ટાઢા પાણીએ ખસ જાય તેવો તાલ છે. પત્ની ગુમાવેલ પતિ પત્ની ગુમ થયાની ફરિયાદ પણ ન કરે. મોંઘા મૂલની આઝાદી શું કામ ન માણે?કેમ કે, ભૂલ ભૂલમાં પોલીસ ફરિયાદ કરનારની પત્નીને ગોતી કાઢે તો ઉપાધિ થાય.’ રાજુએ કોથળામાં પાંચશેરી મારી.
‘રાવણ હોય ત્યાં ઉપાધિ વત્તા ઉપાધિ જ હોય. રાવણે સગા ભાઇ કુબેરનું પુષ્પક વિમાન આંચકી લીધેલું. નવ ગ્રહો રાવણને ઘરે કચરો-વાસીદું કરતા હતા, પાણી ભરતા હતા. રાવણની પાંપણ કયાં અને કેટલી ફરકે છે તે નવ ગ્રહો વિનીતભાવે જોતા હતા.’ મેં કહ્યું.
‘ગિરધરલાલ, રાવણ મરીને પણ અમર થઇ ગયો છે. રાવણ લોકમાનસમાં સદૈવ ચિરંજીવી છે. રાવણ અભિમાનનો આઇકોન અને બ્રાંડ એમ્બેસેડર હતો. આજે પણ કોઇ અભિમાનીને આપણે રાવણની ઉપમા આપીએ છીએ. રામ ભગવાને હરાવીને રાવણનું અભિમાન ચકનાચૂર કરેલું.’ રાવણથી પ્રભાવિત થઇને રાજુએ રાવણ મહિમામંડન કર્યું.
‘રાજુ, આપણે દશેરાએ રાવણના પૂતળામાં ફટાકડા ભરીને પૂતળાદહન કરીએ છીએ. કેટલાકને તેમાં રાવણના દાનવાધિકારનો ભંગ લાગે છે. રાવણની સાથોસાથ કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા બાળવામાં આવે છે, જેમાં કોઇને પરિવારવાદની ગંધ આવતી નથી.’ મેં નવું સંશોધન કર્યું.
‘રાવણને ઘડીને ભગવાને હાથ ધોઇ નાખેલ, પરંતુ રાવણના પૂતળા બનાવવા એ નાનીમાના ખેલ નથી. કોઇ એરાગૈરા નથ્થુગૈરા રાવણના પૂતળા બનાવતા નથી. હિન્દુ રાવણના પૂતળા ઉત્તર પ્રદેશના મુસ્લિમ કારીગરો બનાવે છે તે કોમી એકતાનો નાનો નહીં, પરંતુ મોટો પુરાવો છે. દિલ્હી નજીકના તુમારપુરના લોકો દર વર્ષે ગુજરાત અને આખા ભારતમાં રાવણ બનાવે છે. નદી કિનારે વસેલા ગામનું નામ ‘રાવણ ગામ’ છે.’ રાજુએ પૂતળા નિર્માણ પ્રક્રિયા જણાવી.
‘રાજુ, દિલ્હીમાં રાવણનું સૌથી મોટું પૂતળું બનાવવામાં આવે છે. જે એકસો દસ ફૂટ ઊંચું હોય છે. લોકોને સેલ્ફીનો ક્રેઝ એટલો છે કે રાવણના પૂતળાની સાથે પણ સેલ્ફી લે છે!’ મેં વધારાની માહિતી આપી.
‘ગિરધરલાલ, આખા દેશમાં રાવણના પૂતળાનું દહન થાય છે, પરંતુ મધ્ય પ્રદેશના મંદસોરના જમાઇસા એવા રાવણનું પૂતળું બાળવામાં આવતું નથી. કચ્છના એક ગામમાં રાવણ વિપ્ર અને વિદ્વાન હોવાથી રાવણના પૂતળાદહનને જાકારો આપવામાં આવેલ છે.’ રાજુએ અવનવી માહિતી પિરસી.
‘રાજુ, હિન્દુસ્તાનમાં ક્યાંય ન બની હોય એવી ઘટના દહેગામમાં બની છે. વરસાદ આવે એ સૌને ગમે. કવિઓ તો વરસાદ જોઇ ઘેલા થઇ કવિતા-ગઝલનો ભજિયાની જેમ ગરમ ગરમ ઘાણ ઉતારે. વરસાદ પણ અણગમતા અતિથિની માફક ગમે ત્યારે તૂટી પડે છે. આપણે અતિથિ તુમ કબ જાઓંગે નો સવાલ કરીએ છીએ.વરસાદે વિદાય લેવાના સમયે વરસાદ જો ખાબક્યો છે’ મેં રાજુને જણાવ્યું.
‘ગિરધરલાલ, હવે કચ્છડાની જેમ વરસાદ બારેમાસ થઇ ગયો છે. વરસાદની કયાં નવાઇ છે?’ રાજુએ મને વરસાદની વાંછટ જેવો કમોસમી સવાલ પૂછ્યો.
‘રાજુ, દહેગામમાં દશેરા નિમિત્તે ચાલીસ ફૂટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરેલું. વરસાદ આવે એટલે આપણે ઘાંઘા થઇ જઇએ. ખુલ્લામાં સૂકવેલ કપડાં ભીના ન થાય માટે અંદર લઇ લઇએ છીએ.. અગાસીમાં સૂકવેલ અનાજ પલળે તે પહેલાં લઇ લઇએ છીએ. વરસાદમાં ન પલળવું પડે તેટલા માટે છત્રી, રેઇનકોટ શોધવા માંડીએ . અહીં તો દહન કરવા માટે ઊભું કરેલ પૂતળું સળગે તે પહેલાં પાપડની જેમ ઘરાઇ જાય તો દશેરાના દિવસે ઘોડો ન દોડે તેમ રાવણ સળગે નહીં. રાવણને દસ માથા હોવાથી દસ છત્રીની જરૂર પડે. રાવણ દશાનન છે, પરંતુ વીસભૂજા એટલે કે વીસ હાથ ધરાવતો નથી..એટલે દસ છત્રી કોણ પકડે?
સળગાવવા માટે તૈયાર કરવામાં આવેલ રાવણ પલળીને પાપડ ન થઇ જાય તે માટે રાવણને જિંદગીમાં પહેલીવાર રેઇનકોટ પહેરાવવો પડ્યો. ઇઝરાયલે ઇરાન સાથે આદરેલ યુદ્ધના સમાચારમાં રાવણને રેઇનકોટના સમાચાર દબાઇ ગયા!’ મેં અકલ્પનીય બનાવ વર્ણવ્યો.
મહાપુરુષોની પ્રતિમાઓ દેશમાં ઠેરઠેર છે. એને વરસાદના મારથી બચાવવા રેઇનકોટ પહેરાવી શકાય… હવે રાવણ બનાવવાનો ઓર્ડર આપતી વખતે રેઇનકોટ અને રેઇનકેપનો પણ ઓર્ડર આપવો પડશે, જેથી રાવણનું પૂતળું પલળે નહીં અને પૂતળાની અંદર ભરેલ ફટાકડા સૂરસૂરિયા નહીં થઇ જાય એટલે દશેરાના દિવસે રાવણ ધમાકેદાર બળી શકશે!