હા, પસ્તાવો વિપુલ ઝરણું…
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
સવિતાએ બળવંતને કહ્યુ:- આજે પાંચ હજાર રૂપિયા આપી જાઓ. મહિનાનું રેશન ભરવાનું છે, મમ્મીની દવા મંગાવવાની છે. કામ પર જઈ રહેવા બળવંતે પાકીટમાંથી ૫૦૦ રૂ.ની બે નોટ સવિતાને આપતાં કહ્યું હમણાં આટલા જ છે, શેઠ પાસેથી ઉધાર લઈને સાંજે આપીશ.
સવિતાએ પતિનો ભારે અવાજ અને લાલચોળ આંખો, ફૂલેલા આંખના પોપચા સામે જોતાં કહ્યું- કાલે પાછા દારૂ ઢેંચવા ગયા હતા, ઘરમાં મા બીમાર છે, ડોકટરે એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે એમ કહ્યું છે તે યાદ છે ને- પૈસા કયાંથી કાઢશો, કંઈ નહીં તો તમારા પાંચ વર્ષના દીકરા પર કેવા સંસ્કાર પડશે, એનો વિચાર કર્યો છે ? અને તમારા ફેફસાં સ઼ડી જશે, જરા તો સુધરો.
બળવંત અકળાયો પણ ઝઘડો ટાળવા તે કંઈ બોલ્યો નહીં. બળવંત સવારે નવ વાગતામાં ટિફિન લીધા વગર જ મનહરલાલ શેઠને ઘરે પહોંચી ગયો. એને જોતાં જ શેઠ પામી ગયા કે આજે એણે નશો કર્યો જ છે. ઓફિસમાં પહોંચતા જ એમણે અકાઉન્ટ ચૌધરીને ઈન્ટરકોમ પર સૂચના આપી દીધી.
બળવંત શેઠની કેબિન તરફ જતો હતો ત્યાં જ સેક્રેટરીએ તેને રોકતાં કહ્યું- સાહબને ચૌધરીજી કો મિલને કો કહા હૈ. બળવંતે કહ્યું મુઝે સાહબસે મિલના હૈ, સિર્ફ દો મિનિટ કહેતાં એ કેબીનને ખોલીને અંદર જતો રહ્યો.
શેઠ મારી મા બિમાર છે, એનું ઓપરેશન કરવાનું છે, મહેરબાની કરીને મને ૨૫હજાર રૂપિયા ઉધાર આપો. બળવંતે આંખો નીચી રાખી દીન ભાવે કહ્યું.
હા, જરૂર આપું કે જેથી તું વધારે દારૂ ઢેંચે, તું તારા કુટુંબને પાયમાલ કરી રહ્યો છે. તને ઉધાર રકમ તો નહીં જ મળે, પણ હું હવે તને નોકરીમાંથી જ કાઢી મૂકું છું. જા, ચૌધરી પાસે જઈ તારો હિસાબ કરી લે. આજથી તું છૂટ્ટો.
બળવંત કરગરવા લાગ્યો ત્યારે શેઠે કહ્યુ કે બળવંત છ મહિના સુધી તું દારૂને હાથ નહીં લગાડે તો તને કામ પર રાખીશ. જો હજુ તારું મોં ગંધાય છે, જો તું કેવો દેખાચ છે, તને લાજશરમ નથી જા, અહીં આમ ઊભો ન રહે.
સ્વભાવના તીખા બળવંતે શેઠને વધારે કાકલૂદી ન કરી અને કેબિનની બહાર નીકળી ગયો. ચૌધરીએ ૧૫,૦૦૦ રૂપિયા આપ્યા. નોકરી ગુમાવી પણ ખીસ્સું ગરમ થયું, એવા રોફમાં ને રોફમાં એ ઓફિસમાંથી નીકળી ગયો.
બોરીવલી જવા તે બાંદ્રાથી ટ્રેનમાં ચઢયો ત્યારે તેનો જૂનો મિત્ર અજય મળી ગયો. બળવંતને જોતા જ એણે પૂછયું :- કેમ આટલો ઉદાસ દેખાય છે, કોઈ ચિંતામાં લાગે છે.
બસ, જો આ શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો હવે શું કરું? બળવંતે દીનભાવે કહ્યું. અરે, એમાં શું, અમારી સાથે ટ્રક ડ્રાઈવર તરીકે જોડાઈ જા.પણ, મુંબઈની બહાર ગુજરાતમાં,નાશિક, ગોવા જુદે જુદે સ્થળે માલની ડીલીવરી કરવાનું કામ છે, એટલે સમય વધુ આપવો પડે. રાત-દિવસ ગમે તે ડ્યૂટી ભરવી પડે.
ડૂબતા ને તરણું મળે તેમ બળવંતે કહ્યું- હા, મને તારા સાહેબ પાસે લઈ જા. બીજે દિવસે બળવંત અજય સાથે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ગયો અને કામ પર ચઢી ગયો.
ત્રણેક અઠવાડિયા થયા હશે ત્યારે એક વાર બળવંત અજયની સાથે જ અમદાવાદ તરફ રાત્રે બે વાગે માલ પહોંચાડવા જઇ રહ્યો હતો. એની ટ્રકમાં સોફ્ટડ્રીંકના માલ સાથે ચરસ-ગાંજાનો માલ પણ સંતાડ્યો હતો. અજય અને બળવંત સાથે બીજા બે માણસો પણ હતા.
ટ્રક ચલાવી રહેલા બળવંતની બાજુમાં અજય બેઠો હતો, પેલા બીજા બે મજૂરો માલ સાથે આડા પડી ઝોકાં ખાઈ રહ્યા હતા. અજયે એક કાળા રંગનું મોટું પાઉચ બતાવતાં કહ્યું- આમાં રાજકોટના એક મોટા અધિકારીસાહેબને આપવાના ત્રણ લાખ રૂપિયા છે. પણ, આજે સિક્યોરિટી ટાઈટ લાગે છે. જો, જરા સાચવજે.
પણ, આજે તો રસ્તો કલીયર છે. બળવંતે કહ્યું.
હા, એ જ ટેન્શન છે. ગમે ત્યારે ચેકિંગ થાય, પોલીસ નાકાબંધી કરે. એટલે સાવધાન રહેવાનું સમજ્યો. અજયે કહ્યું.
થોડી વાર પછી અજયે કહ્યું કે બળવંત, ભાઉલોગ આપણા ભરોસે માલની અને આ જોખમની હેરફેર કરે છે, ભાઉને મારા પર ભરોસો એટલે આ રોકડ મને આપી. ઓનલાઈનમાં આવો ધંધો ન થાય. પણ, આ મામુ સાથે સિફતથી કામ કરવું પડે.બાકી રસ્તામાં કયારેક મામુલોક જ ચેકિંગને બહાને લૂંટી લે. એવું કહીએ તો કોઈ માને પણ નહીં. અને બિચારા મજૂરો કે ડ્રાઈવરો જ ઝડપાઈ જાય.
સૂમસામ રાત્રે હાઈવે પરથી બળવંત ટ્રક ચલાવી રહ્યો હતો. તેની નજર સામે કારમી મોંઘવારી, માતાની બીમારી અને શેઠની જૂની નોકરી છૂટી જવાથી બેકારીનો ડર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા. એના શેતાની દિમાગમાં વિચાર આવ્યો, હું જ અજયના પૈસાનું પાઉચ લઈને કોઈ મોટા શહેરમાં નાસી જઉં, નવો ધંધો કરું.
એણે જોયું અજય નસકોરાં બોલાવતા સૂતો હતો. પાછળ બેઠેલા બે માણસો પણ સૂઈ ગયા હતા. ત્યાં જ રસ્તામાં એક પેટ્રોલપંપ આવ્યું. બળવંતે ટ્રક પેટ્રોલપંપ પર ઊભી રાખી. અજયની સીટ પરથી એણે સિફતથી પૈસાનું પાઉચ લઈ લીધું.
ટ્રકમાંથી નીચે ઊતરી ત્યાં ઊભેલા પેટ્રોલપંપના માણસને કહ્યું- જરા ધ્યાન રખના આતા હૂં. બળવંત પાછલા રસ્તે નીચે ઊતરી ગામ તરફ ભાગી ગયો.
પંદરેક મિનિટ થઈ ત્યારે પેટ્રોલપંપના પેલા માણસે દરવાજો ઠોક્યો. અજય હાંફળો ફાંફળો જાગી ગયો.
તુમ્હારા ટ્રકડ્રાયવર અભી આતા હું બોલ કે કહાં ગયા?
અજય પોતાનું પૈસાનું પાઉચ શોધવા લાગ્યો. એને ફાળ પડી, સાચે જ બળવંત એ પાઉચ લઈ ભાગી ગયો?એણે બળવંતને ફોન લગાડ્યો તો સ્વીચઓફ.
અજયે તરત યુસુફશેઠને ફોન કરીને હકીકત કહી. ભાઈ, મેરી જરા આંખ લગ ગઈ થી, તબ વો નયા ડ્રાઈવર પૈસા કા પાઉચ લેકે ભાગ ગયા હૈ.
હેં, કયા કહેતા હૈ- તમે કયાં છો? શેઠે પૂછયું
રાજકોટસે ૬૦ કિલોમીટર દૂર- સાહબ, પોલીસમાં કંપલેન કરું?
નહીં, નહીં પોલીસ કે લફડેમેં મત પડના. હમ ખુદ ઉસે પકડેંગે. અપની ફોજ હૈ ના. તુ માલ પહોંચાડી પાછો ફર. શેઠે કહ્યું.
બીજે દિવસે સવારથી જ શેઠે પોતાના ૬-૭ માણસોની ટોળીને બળવંતના ઘર પાસે પહેરો ભરવા ગોઠવી દીધી. શેઠને ખાતરી હતી કે આજે કે કાલે બળવંત પોતાના ઘરે આવશે જ.
પહેરો શરૂ થયાને બીજે દિવસે રાત્રે નવ વાગે બળવંત તેના ઘરે પહોંચ્યો. સવિતાના હાથમાં કાળી બેગ મૂકતા કહ્યું- આને સંતાડીને કબાટમાં મૂકી દે- આપણી ગરીબી દૂર કરવાની આ ચાવી છે.
આજે પતિને ખુશ જોઈ સવિતા પણ ખુશ થઈ. બળવંત દીકરાને બથમાં લઈને રમાડતો હતો,ત્યાં જ રાત્રે સાડા દશ વાગે યુસુફશેઠ ત્રણ માણસોને લઈને આવ્યા. બળવંતને ધમકાવીને કાળું પાઉચ લઈ લીધું. બળવંતને બાવડેથી ઝાલીને લઈ ગયા. શેઠે કહ્યું- યહાં તો હમારા કાનૂન ચલતા હૈ.
બળવંતને ભારે પસ્તાવો થયો, શું એમાંથી કોઈ પવિત્ર ઝરણું નીકળશે