પુણેેની કાર દુર્ઘટના : નબીરા આટલા છાકટા કેમ થાય છે?
વિશેષ -વિજય વ્યાસ
*પુણે કાર દુર્ઘટનામાં માર્યા ગયેલા અનિશ અને અશ્ર્વિની
*અમદાવાદ હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ
પુણેેેના કલ્યાણીનગર વિસ્તારમાં એક બડે બાપ કી બિગડેલ ઓલાદે બેફામ ઝડપે લક્ઝુરીયસ પોર્શ કારથી એક્સિડંટ કરીને એક આશાસ્પદ યુવાન અને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધા એ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.
ધનિક બાપના ૧૭ વર્ષના આ નબીરાએ ચિક્કાર દારૂ પીધો હતો તેથી કાર પર કાબૂ ના રહ્યો. તેમાં અનીશ અધિયા અને અશ્ર્વિની કોસ્તા નામનાં ૨૪-૨૪ વર્ષનાં આઈટી એન્જિનિયર યુવક-યુવતીનો ભોગ લેવાઈ ગયો.
પુણેમાં રહીને આઇટી કંપનીમાં નોકરી કરતાં મધ્ય પ્રદેશનાં અશ્ર્વિની અને અનીસ સરસ મજાની લાઈફ જીવતાં હતાં અને ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં જોતાં હતાં પણ આ છકેલા નબીરાએ બંનેની જીંદગી છિનવી લીધી. મિત્રો સાથે થોડી મજાક-મસ્તી અને જમ્યા પછી બંને બાઇક પર ઘરે જતાં હતાં ત્યાં પોર્શ કારે ટક્કર મારીને એમને ઘરના બદલે સીધાં ઉપર પહોંચાડી દીધાં.
આ કેસ ખળભળાવી મૂકે એવો છે અને આ કેસે ઘણા સવાલ પણ ખડા કરી દીધા છે. સૌથી પહેલો સવાલ ન્યાયતંત્રમાં બેઠેલાં લોકોની નિષ્ઠા સામે થયો છે. . બીજો સવાલ અકસ્માત સર્જનારા છોકરાનાં માતા-પિતાની માનસિકતા સામે કર્યો છે અને ત્રીજો સવાલ આપણી સમગ્ર સિસ્ટમ સામે કર્યો છે કે જેનો કોઈ ડર જ નથી કેમ કે આવી ઘટનાઓ છાસવારે બન્યા કરે છે.
આ કેસમાં અનિશ અને અશ્ર્વિનીના હત્યારા છોકરાએ અકસ્માત પહેલાં પબમાં જઈને દારૂ પીધો હતો. સગીરને દારૂ વેચવો સંપૂર્ણેેપણે ગેરકાયદેસર હોવા છતાં પબે એને તથા એના મિત્રને દારૂ આપ્યો , જેનું ૪૮ હજાર રૂપિયાનું બિલ છોકરાએ પોતાના ક્રેડિટ કાર્ડથી ચૂકવ્યું. દારૂના નશામાં ચૂર છોકરો પોર્શ કાર લઈને બહાર નિકળ્યો અને અકસ્માત કર્યો પછી પોલીસે આરોપી છોકરાને રવિવારે બપોરે પુણેેેની હોલિડે કોર્ટમાં રજૂ કર્યો ને પોલીસે આરોપી સામે કેસ ચલાવવાની મંજૂરી માગી હતી પણ કોર્ટે આરોપીને જામીન પર છોડી મૂક્યો.
છોકરાને જામીન પર છોડાયો એ આપણા ન્યાયતંત્રની ઊણપ કે ભ્રષ્ટતાનો પુરાવો છે. નિર્ભયા કેસમાં સામેલ પાંચ બળાત્કારી પૈકી એક બળાત્કારી ૧૭ વર્ષનો હતો. એ વખતે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, ઘૃણાસ્પદ કેસમાં ૧૬ વર્ષથી વધારે વયની કોઈ પણ વ્યક્તિને પુખ્ત વયની વ્યક્તિ ગણીને જ કેસ ચલાવવો જોઈએ , પણ અહીં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે સુપ્રીમ કોર્ટના આદેશની ઐસીતૈસી કરી નાખી.
બે લોકોની હત્યા કરનારો આરોપી ધનિક બાપનો નબીરો હોવાથી કોર્ટે આરોપીને સાવ વાહિયાત કહેવાય એવી શરતે જામીન આપી દીધા, જેમકે છોકરો ૧૫ દિવસ સુધી યરવડાની ટ્રાફિક પોલીસ સાથે કામ કરે, આરોપીનું દારૂનું વ્યસન છોડાવવા માટે ડોક્ટર પાસે કાઉન્સેલિંગ કરાવવું અને અકસ્માત અંગે ૩૦૦ શબ્દોનો નિબંધ લખવો.આવી ત્રણ શરત કોર્ટે રાખેલી. બે વ્યક્તિની હત્યા કરનારને આવી શરતે
કઈ રીતે જામીન આપી શકાય ? આવા
ચુકાદા સામે ભારે ઊહાપોહ થયો પછી છોકરાને ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, પણ જામીન આપનારાંને કશું નથી કરાયું એ આઘાતજનક છે.
આ છોકરાનાં માતા-પિતાની માનસિકતાએ પણ સવાલ પેદા કર્યા છે કેમ કે આ દેશમાં ઘણાં મા-બાપની આવી જ માનસિકતા છે. છોકરાનો પિતા પુણેેેનો ટોચનો બિલ્ડર વિશાલ અગ્રવાલ છે. અગ્રવાલે પોતાના છોકરાને ભગાડી દીધેલો ને પછી પોતે પણ છૂ થઈ ગયો. છોકરાના દાદા બ્રહ્મદત્ત અગ્રવાલ પણ છાપેલું કાટલું છે. વરસો પહેલાં એણે પુણેેેના એક કોર્પોરેટરની હત્યા માટે છોટા રાજનને સોપારી આપેલી. આ કેસમાં પણ એણે ડ્રાઈવર પોતે ગુનો કર્યાનું કબૂલી લે એ માટે ડ્રાઈવરને ગોંધી રાખીને એને ફટકારેલો. ડ્રાઈવરે છૂટીને કેસ કરી દેતાં દાદો બ્રહ્મદત્ત પણ જેલભેગો થઈ ગયો છે .આમ છતાં પણ આ સમસ્ત પરિવારની માનસિકતા આઘાતજનક છે.
વિશાલ અગ્રવાલના છોકરાનાં કરતૂત ક્રિમિનલ માઈન્ડેડ વ્યક્તિ જેવાં છે. છોકરો પોર્શ કાર ૧૫૦ કિલોમીટરથી વધારેની બેફામ સ્પીડે ચલાવી રહ્યો હતો અને દારૂના નશામાં હતો. છોકરાએ હાલમાં ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરી છે એટલે મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. આ બધાં અપલખ્ખણો છે ને એ બધું રોકવાના બદલે છોકરાને છાવરવા મથતો પરિવાર મોટો અપરાધી છે.
આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી ધનિકોના નબીરાઓના આવા છાકટાપણાની ઘટનાઓ વધી છે ને દરેક કિસ્સામાં આવી જ માનસિકતા જોવા મળે છે. વરસો પહેલાં ભૂતપૂર્વ નેવી ચીફ એડમિરલ નંદાના પૌત્ર સંજીવ નંદાએ બીએમડબલ્યુ કાર વડે લોધી કોલોનીમાં એક્સિડંટ કરીને છ લોકોને મોતને ઘાટ ઉતારી દીધેલા, જેમાં ત્રણ પોલીસ કર્મચારી હતા. એ ઘટના વખતે પણ નંદા પરિવારે પોતાની વગ અને પૈસા વાપરીને નંદાને મુક્ત કરાવી દીધેલો , પણ હોહા થતાં ફરી કેસ ચાલેલો.
અમદાવાદમાં બનેલા વિસ્મય શાહના હિટ એન્ડ રન કેસમાં પણ એવું થયેલું, કેમ કે વિસ્મયનો બાપ ડોક્ટર છે. ગયા વરસે અમદાવાદમાં તથ્ય પટેલ નામના બિલ્ડરના નબીરાએ ૧૦ લોકોને બેફામ કારની અડફેટે લઈને મારી નાખ્યા ત્યારે પણ તેમાં પરિવારે બેશરમીથી નાણાં વેરીને તેને છોડાવવા પૂરી તાકાત લગાવી દીધી હતી.
આવી માનસિતા વ્યાપક બની રહી છે એ આઘાતજનક છે. સંતાનોને દારૂ પીવાની કે ડ્રગ્સની આદત પડે તો પણ મા-બાપને ચિંતા ના થાય એ માનસિક વિકૃતિ છે. આ સંતાનને પબમાં જઈને પાર્ટીઓ કરવા ક્રેટિડ કાર્ડ આપી દેવાય કે મોંઘીદાટ કારો લઈ અપાય એ તેમને ભલે સ્ટેટસ સિમ્બોલ લાગતું હશે , પણ વાસ્તવમાં એ ક્રિમિનલ માઈન્ડસેટ છે. ‘આપણી પાસે પૈસા છે એટલે ગમે તે કરી લઈશું તો ચાલશે’ એવો માઈન્ડસેટ પોષનારાં મા-બાપ કે પરિવારો મોટા અપરાધી છે.
આ માનસિકતા પોષાય છે તેનું કારણ આપણું તંત્ર પણ છે. આપણે ત્યાં પોલીસ હોય કે ન્યાયતંત્ર હોય, બધાં માલદારો સામે ઝૂકે છે. પૈસા અને પાવર હોય તેના ગમે તેટલા મોટા અપરાધ કે વિકૃત્તિઓ પર પણ સિફતથી પડદો નાખી દેવાય છે. તેના કારણે કાયદાનો ડર રહ્યો નથી અને ધનિકોના નબીરા બેફામ, છાકટા થઈને વર્તે છે.
પોલીસ આવા કેસોમાં આકરી થઈને વર્તે ને ન્યાયતંત્ર પણ જરાય દયા ના દાખવે તો કાયદાનો ડર પેદા થાય પણ સૌને રોકડી કરવામાં રસ છે, કાયદાનો ડર પેદા કરવામાં નહીં. તેના કારણે છાકટાપણું વધતું જાય છે અને પુણેેેમાં બની એવી ઘટનાઓ પણ વધતી જાય છે અને જ્યાં સુધી કાયદાનો ડર નહીં હોય ત્યાં સુધી આ છાકટાપણું ચાલુ રહેશે.